રાહ જોવાઈ રહી હતી કે શૈશવ શું લખશે ..
હમણા એક કાર્યક્રમમાં ગયો હતો, ત્યાં કેરળના રાજ્યપાલશ્રી આવ્યા હતા એક સુંદર વાત કીધી એમણે ..
મહાભારતનો પ્રસંગ ટાંક્યો તેમણે..
પણ હું જરાક મારી ભાષામાં લખું તો શું તમને મજા આવે..! જેવો હું એવા તમે..
યુધિષ્ઠિર અને કર્ણ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું ,અર્જુનને સમાચાર મળ્યા એટલે એણે કીધું હેંડો ત્યારે ત્યાં .. સારથી બોલ્યા રેહવા દે અલ્યા ..
પાર્થ બોલે ..ના ,જવું જ છે ,લડી જ લેવું છે..
પાર્થસારથી તો જાણતા હતા કે કર્ણ વચને બંધાયેલો છે માતા કુંતા પાસે કે આજ રાત્રે તું પાંચ પુત્રોની માતા હતી અને રહીશ ..અર્જુન સિવાય તારા એકપણ પુત્રને હું નહિ મારું..એટલે કૃષ્ણ મહાબાહોને રોકતા હતા કે લડવા દે ને એ બંનેને ..
પણ ભાતૃપ્રેમ છલકાયો ધનંજયનો .. કીધુંને યાર લઇ લો એ બાજુ ..
ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાં વિજય પાર્ટી પોહચી.. અને એને જોઈને યુધિષ્ઠિરનું મગજ છટક્યું .. ક્યાં હતો અલ્યા ? અને આ તારું ગાંડિવ શું કામનું છે ? પૂરો કર આને..એમ કરીને બે ચાર ગાળો આપી ..
સવ્યસાચીએ તો ગાંડિવ મુક્યું બાજુ ઉપર અને ઉપાડી તલવાર , ધર્મરાજને મારવા દોડ્યો …
પેલા સારથી ગોવર્ધનનાથ અકળાયા.. અલ્યા ડફોળ આ શું કરે છે તારા જ મોટાભાઈને મારવા જાય છે ?
ફાલ્ગુન કહે.. મને ગમ્મે તે કહે તે ચાલે, પણ મારા ગાંડિવ ધનુષને કોઈ ગાળો આપે તો એના હું પ્રાણ લઉં ..આ મારું પ્રણ છે ..
દ્વારકાધીશને થયું કે આ તો હલવાડું થયું .. ઉભો રે લ્યા રસ્તો છે ..
શ્વેતવાહન બોલ્યો.. ઝટ બતાડો ..
રણછોડરાય રણમધ્યે બોલ્યા.. મોટા માણસોને ગાળો આપો એ એમના મૃત્યુ બરાબર છે .. દે ગાળો તું તારે ..
ધાણીફૂટ ગાળો આપી .. પ્રણ પૂરું ..
જીષ્ણુ કહે હવે હું આત્મહત્યા કર્રું ..
વાસુદેવ કહે.. હવે વળી શું થયું તને ?
તો કીર્તી કહે.. મેં મારા મોટાભાઈને ગાળો દીધી હવે તો પ્રાણત્યાગ કરવા જ પડે ..
શ્યામસુંદર બોલ્યા ..રસ્તો છે લાલા જપ તું … આત્મશ્લાઘા કર ,તારા વખાણ તું જાત્તે કર એટલે એ આત્મહત્યા બરાબર છે..
વિભત્સું મંડાણો .. કરી લીધી આત્મશ્લાઘા અને આત્મહત્યા બરાબર..!!
હવે મને વિચાર એ આવ્યો કે તો હું દિવસમાં કેટલીવાર આત્મહત્યા કરું છું ?
જો એમ કેહવાતું હોય તો આત્મશ્લાઘા એ આત્મહત્યા બરાબર છે તો આપણી ચોર્યાશી લાખ યોની ક્યારની એ પૂરી થઇ ગઈ હવે પછીનો અવતાર પાછો મનુષ્યનો છે એ પાક્કું ..
પણ અંબાણી પરિવાર જરાય ભૂલ નથી કરી રહ્યો ..
દરેક વિડીઓ કલીપમાં સામેવાળો પણ એમના વખાણ કરતો દેખાય એટલે તરત જ હસી અને આગળ વધી જવાનું …!!
અમારે જે કરવાનું છે તે અમે કરીશું જ તમારે જે લખવું કરવું હોય તે કરો અમને કોઈ ફર્ક પડતો નથી , હા વખાણ અમે બીજાના કરીશું પણ અમારા વખાણ અમે સાંભળીશું નહિ અને કરીશું નહિ…!!
બોલ શ્રી ગિરિરાજધરણ કી જે ..
દ્વારિકાધીશ કી જે …
લાલે લાલ કી જે આજ કે આનંદ કી જે .. આનંદ કરવાનેવાલે કી જે ..!!
જેનો આરાધ્ય નાથદ્વારામાં બેઠો છે એને વળી દુઃખ શા ?
ઠાકોરજીની હવેલીની અંદર આનંદ અને ઓચ્છવ જ હોય ૩૬૫ દિવસ ,અને એ જ હતું ત્યાં જામનગરમાં ..!
આનંદ જ આનંદ .. બીજી કોઈ જ વાત નહિ બસ ..!
આપણને પણ કલીપો જોવાની ખરેખર મજા આવી ગઈ છે ,પેહલેથી જ મૂડીવાદના સમર્થક એટલે સીધી જ વાત જે આગલા બે લગ્નોમાં કરી હતી..
છે તો ખર્ચે ,
ખોટા વાંધા વચકા પાડીને કામ શું છે ?
માણોને…
પછી ત્રણ ખાનને નચાવ્યા, ને તો પણ પીરસતા પીરસતા બે ભજીયા દબાવી લીધા, ૭૦ કરોડમાં રિહાના ને રીસાણા …પોતાની વેલ્થ ના .૦૧ ટકા ખર્ચ્યા ..ઠીક મારા ભાઈ ..
એકબીજાની વોલ ઉપર જઈને કોમેન્ટ કરે ..
ચાલે હવે..!!
અનંત અંબાણીએ મારી જેમ મમ્મી મમ્મી બહુ કર્યું ,પછી પપ્પા અને ઘરના બધાને યાદ કરી લીધા પણ ઓવરઓલ એમ લાગ્યું કે ઘર બંધાયેલું છે હજી, બાકી અમારે શ્રી સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી મોઢ વાણીયામાં એમ કેહવાય કે રાજા રામચન્દ્ર સિવાય કોઈ બે ભાઈઓ ભેગા નથી રહ્યા એટલે માનસિક તૈયારી તો કરી રાખી હોય એ નક્કી..
હજી આગાઝ છે .. અંજામ શું હશે એની કલ્પના જ કરવી રહી ..!!
રામમય દેશ આખો છે તો નંબર એક પરિવાર કેમ બાકાત રહી જાય ?
પાણીમાંથી પોરા કાઢીને જેને જે લમણાં લેવા હોય તે લ્યે બાકી એટલી ખબર પડે કે શોખ પણ જે રાખો એને એક એવા લેવલ સુધી લઇ જાવ કે લોકો મોઢામાં આંગળા ઘાલી જાય..
વનતારા ઉત્તમ ઉદાહરણ ..
હું એવા ઘણા લોકોને ઓળખું છું કે જેમને ઝાડપાન પોતાના લાગે છે ,પણ અંબાણી નથી તો ગામના સ્મશાનમાં કે કોઈ સ્કૂલોના પ્રાંગણમાં કે જ્યાં જગ્યા મળે ત્યાં બાગાયતી કરી અને ઝાડ ઉછેરે છે … શોખ પૂરા કરવા અંબાણી હોવું જરૂરી નથી જ ..!
બાકી તો નીતાબેન અંબાણીનું ગઈ વખતનું અધરમ મધુરમ અને આ વખતે વિશ્વંભરી ..
અદ્દભુત..
જીવનમાં પેહલા તો આપણી પાસે શું છે એનું જ્ઞાન અને પછી એનો ઉપયોગ શ્રેષ્ઠતમ રીતે કેવી રીતે કરી શકાય ..તે અત્યંત જરૂરી..!
અંબાણી દરેકને બનવું છે પણ હવે એમ કેમ બનાય..?
કમાઈએ એટલું ખર્ચી નથી શકવાના અને ખર્ચ્યું એટલું કમાઈ પણ નથી શકવાના ..
ના સમજણ પડે તો બે ત્રણ વાર વાંચજો ..ઉપરની લાઈન..
આનંદ જ આનંદ …
અને હા ચર્ચા કરવી હોય તો ડીટેઈલ્સની કરો .. બાકી બધું તો આગલા બે લગ્નોમાં થઇ ગયું ચવેલી ચીન્ગમ ચાવવામાં શું મજા ?
તો ગુણીજનો ,જ્ઞાનીઓ ઠોકો ત્યારે..
“God is in the details” is attributed to the German architect Ludwig Mies van der Rohe (1886-1969), who often used the phrase to provide acknowledgment of a job well done and to remind himself his success was attributed to a higher power.
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*