જબરજસ્ત બીઝી જિંદગી અચાનક ઠપ થઇ ચુકી છે, એક ના એક વોટસ એપ ના ફોર્વાડીંગ થઇ રહ્યા છે, બીજા સોશિઅલ મીડિયામાં પણ એક ની એક કલીપો આવી રહી છે, છોકરાઓ નેટફ્લીક્સ અને પ્રાઈમ કે પછી ઓનલાઈન ગેઈમ ના સહારે છે..!!
અમારા જેવા મઝધારે આવેલા હવે રીટાયર્ડ થયા પછી ની જિંદગી કેવી હશે એનો એહસાસ કરી રહ્યા છે..!!
અંતે તો તું અને હું અને બીજા શબ્દોમાં કહીએ તો જેના એ તેના અને ડોશી ફાંફા મારે એના..!!
પોતાની જાત જોડે રેહવા નો સમય આવ્યો છે,
મોટીવેશનલ લોકો ને સાંભળ્યા પણ ક્યાંક ડોફારાઈ ગયા હોય એવું લાગે છે..!!
એમને પણ એમની જાત જોડે જ રેહવું પડે છે જખ મારીને ..!!
બહુ જ કપરું છે જાત જોડે રેહવું..
કોઈ ને એવો સવાલ થાય કે ક્યા એવા એકલા છીએ કે જાત જોડે રહીએ છીએ ?
આખું ઘર ભરેલું છે ,બધાય સામા ને સામ મુઆ છે ..!!
બેન મારી આજે જે લોકો તારી સામા ને સામા છે ને એ જ તારી જાતના પ્રતિબિંબ છે..
શરીર ને જોવાના આયના તો ઘણા મળશે બજારમાં અને એમાં તો કૈક લોકો એ આખાને આખા શીશમહેલ ઉભા કરી મુક્યા છે, પણ પોતાની જાત ને જોવાના આયાના બહુ ઓછા છે આજે છેલ્લા બે દિવસથી જે લોકો ઘરમાં આપણી આજુબાજુ ફરી રહ્યા છે ને એ જ આપણા આયના છે..!!
ઝીણી નજરે આજે જોજો ખાલી ઓબ્ઝર્વ કરજો ,બોલશો નહિ પણ જેવું બાપા બા કરે છે એ જ તમે કરો છો અને એ જ તમારા છોકરા કરે છે ..!
દાદી જેવી દીકરી છે કે દાદા જેવો દીકરો છે ,બધા ની હરકતો અને ડીમાન્ડ બધું જ એકબીજા ને મળતું આવે છે,
ભારતભૂમિ ની આ જ ખાસિયત કે જોડે રહી રહી ને બધા જ એકબીજા જોડે એડજસ્ટ કરી કરી ને બધાય એકબીજા જેવા થઇ ગયા હોય અને સૌથી મોટી વાત એ છે કે જો દુઃખના વધારે કાઢ્યા હોય તો એકબીજા ના ચેહરા સુધ્ધા એક સરખા થઇ ગયા હોય..!
જીવનનો એક મોકો છે આ, આપણા પોતાના લોકો ને નીરખવાના છે ઘસાઈ ગયેલા સબંધો ને સેહજ ચમક આપવા ની છે..
નીરખવા શબ્દ વાપરું છું.. જોવું અને નીરખવું એનો ફર્ક રાખજો પેલું મેહતા નરસિંહ નું આવે છે ને નીરખવા નંદકુમાર રે ..!! બસ જેમ નંદકુમાર ને નીરખો ને એમ નીરખજો..
વ્હાલ આવશે ..!!
હેરાન પરેશાન કરી મુકતા બાળરાક્ષસ ને ઊંઘતો નીરખો , કરચલીઓ પડેલા ચેહરા ને ધ્યાનથી જુવો અને તમારા ખરા ટાઈમે કેવા આવી ને ઉભા રહી ગયા હતા એ યાદ કરો , કચકચ કરતી કે કચકચિયા ને નવરો કે નવરી બેઠેલી ને નીરખો
બસ આનંદ લ્યો..!!
નીરખવા નીરખવામાં જો એક પણ સારી પોઝીટીવ વાત યાદ આવશે ને તો આખો દિવસ મસ્ત જશે..!
આ બધું કરવામાં એક શરત પણ છે, એકાદ દિવસ પુરતું કોગળિયું ફાટ્યું છે એની ચર્ચા ટીવી કે સોશિઅલ મીડિયા ઉપર મ્યુટ
રાખજો.. હજી ઘણા દિવસો કાઢવા ના છે એક ના એક ટોપિક ઉપર વાત કરવી અને જોયા કરીએ તો ઉપર લખેલું કશું જ થતું નથી..!!
દરેક ના જીવનમાં એકાદ બે દસકા જાય એટલે આવો સમય આવતો જ હોય છે , અને એના માટે જ આપણા ઘરની અંદર સામા ને સામા ફરી રહેલા જે લોકો છે જેમણે જૂની જૂની વાતો કરી ને આપણને ભૂતકાળમાં “પકવ્યા” હોય એ પકવેલું આજે ઉગશે..!!
આપણા ઘરોમાં ઘરડાઓ પોતાને પડેલી મુસીબતો ને વારંવાર દોહરાવતા હોય છે પણ આજે એ વાત યાદ કરજો તો આ કપરો કાળ કેમ કાઢી નાખવો કે ખેંચી નાખવો એની ચાવી એમાંથી મળી જશે..!!
મુસીબત હંમેશા પોતાના સ્વરૂપ બદલી બદલી ને આવતી હોય છે અને જિંદગી એ પ્રમાણે પોતાને એડજસ્ટ કરીને જીવતી થઇ જતી હોય છે..!
બીજું પણ એક કામ કરજો કે છેલ્લા બે દિવસથી કોને કોને નથી મળાયું અને કોનો રીતસર નો અણહાગરો લાગી રહ્યો છે એ યાદ કરો ..
કેટલા ચેહરા નજરની સામે આવ્યા ? એ ચેહરામાં દોસ્ત કેટલા દુશ્મન કેટલા ? દોસ્તના સ્વરૂપમાં દુશ્મન દેખાયા કે દુશ્મન ના સ્વરૂપમાં દોસ્ત ?
છતાંય એમના વિના નથી ચાલતું ને ? આજે ? કંટાળો આવે છે ?
મતલબ શું ? એ પણ તારો એક આયનો જ છે પણ થોડો જુદો .. યાદ છે પેલા બહિર્ગોળ અને અંતર્ગોળ આયના ?
હા આ લોકો એવા બહિર્ગોળ કે અંતર્ગોળ આયના છે તમારા ને મારા ..!!
આપણે જાડા હોઈએ તો પતલા દેખાવા અંતર્ગોળ આયના પાસે જઈને બેસીએ છીએ અને પતલા હોઈએ તો જાડા દેખાવા બહિર્ગોળ આયના પાસે બેસી જઈએ છીએ..!
જો ઊંધું થઇ જાય તો ?
દોસ્તમાં દુશ્મન અને દુશ્મનમાં દોસ્ત..!!
આપણી જાત ને જે આયનામાં જોવી ગમે ને એની સામે બેસવું ગમે ..!!
રોમેન્ટિક ફિલ આવી નહિ ?
જો જો અલ્યા ડીસેમ્બરમાં પછી ગાયનેક ને ત્યાં ખાટલા ઓછા પડશે , જાળવજો..!!
કેમિસ્ટ ની દુકાને થોડીક રૂટીન દવા લેવા ગયો હતો, આપણો પાળેલો એક છે ત્યાં
મેં પૂછ્યું ભૂરા શું વધ્યું લ્યા ? મારો બેટો પેલું કોન્ટ્રાસેપ્ટીવ વાળું કોર્નર બતાડી ને કહે સાહેબ આ નહિ
વેચાતું ..!! બાકી તો આખી દુકાન સાફ કરી ગઈ છે જનતા..!!
ભૂરો…ભૂરો..!!!
ભૂરો સાચો હતો હાઉ
બહુ મોટો થઇ ગયો છે સાવધાની અને સતર્કતા ચોક્કસ જરૂરી છે પણ મનમાં ભય રાખવાથી કે બીક રાખી ને આ દિવસો નહિ જાય , જો લાંબુ ખેંચવાનું આવ્યું તો એકબીજાના વાંક અને વાળ ખેંચ્યે નહિ ખેંચાય એટલે વચડકા ઓછા કરો ને થોડુક સારું બોલો ,અને હા બહુ પ્રેમ કરતા હો તો થોડાક છણકાભણકા પણ કરતા રેહજો.!!
ગુજરાતી દાળમાં હળદર,મીઠું ,ગોળ ,રાઈ ,મરચું ,મીઠો લીમડો બધું માપમાં પડે..!
જરાક માપ આઘુપાચું થયું તો પછી દાળ બગડી અને ખબર છે ને દાળ બગડે તો શું થાય…?
બોલો બોલો..?
માપ માં , માપ માં બધું..!!
ચાલો દિવસ સહુ નો સારો જાય અને અણગમતા સમાચાર ક્યાંકથી પણ નાં આવે..
કરજો ફોરવર્ડ તમતમારે પૂછવાની જરૂર નથી ..
કોઈક ની દાળ સુધરી જાય આજ ની..!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)