૨૧ દિવસનું લોકડાઉન..!!
પ્રજાએ જીવ બચાવવા હોંશે હોંશે સ્વીકારી લીધું છે,
૨૧ નહિ ૪૨ દિવસ કેહશો તો પણ અમે તૈયાર છીએ પણ જીવન જોઇશે..!!
બહુ જ બધા મેસેજીસ ફરી રહ્યા છે જેમાં એક બાજુ બાયોલોજીકલ વેપન વપરાયું હોવાની સ્ટોરી ચાલે છે, બીજી બાજુ આર્થિક ફટકા ની વાત ચાલે છે અને ત્રીજી બાજુ અમેરિકન પ્રમુખ લોકડાઉનમાં એમનો આખો દેશ નાખવા માટે તૈયાર નથી..
શું થયું છે એ જાણવાની દુનિયા આખી ને અદમ્ય ઈચ્છા છે પણ કશું જ નક્કર હાથ લાગતું નથી..
સત્ય ને દરેક ને જાણવું છે પણ કદાચ ક્યારેય નહિ જાણી શકીએ..
દુનિયામાં સૌથી વધારે સુપીરીયર અમે જ,
એવા ફાંકા રાખતા અમેરિકનો ની આબરૂ ટોઇલેટ પેપર ની શોર્ટેજ લઇ ગયું,
હવે ચીન ઉપર બેલ્જીયમ ની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જઈને કેસ ઠોકવાની વાતો થાય છે અમેરિકન સોશિઅલ મીડયામાં..
વાત વાતમાં કોઈને ગાળો આપવામાં પણ અમેરિકનો એમ કહે કે આ વિલ સ્યુ યુ ,
પણ હવે એ ખાલી ફાંકો જ રહ્યો છે..! એમ કઈ સ્યુ થાય એમ નથી..!
દુનિયા આખી નું પ્રોડક્શન હાઉસ ચીન દેશ ને બનાવી ને મૂકી દીધું છે આજે અને અમેરિકા શું યુરોપ આખું ય ચીન ઉપર નિર્ભર છે એવા સંજોગોમાં ચીન દેશ પોતના પ્રોડક્શન ક્યારે ઉપાડે એની રાહ જોઇને અમેરિકા આખું બેઠું છે ,
અમેરિકનો થી એમના સુપર માર્કેટના ટોઇલેટ પેપરના ખાલી રેક જોવાતા નથી, સહન નથી થતા..
કદાચ ત્રણ પેઢી પેહલા આવી પરિસ્થિતિ ઉભી થઇ હોત તો અમેરિકાનો પોતે કારખાના ઉભા કરી દેત પણ હવે અમેરિકાની આજ ની પેઢી પોચી થઇ ગઈ છે પોલી થઇ ગઈ છે,
દર વર્ષે અમેરિકા આવતા લાખેક એચવન બી વિઝા જ અમેરિકા ચલાવી રહ્યા છે પચાસથી સિત્તેરના દાયકાની એ સમયની જુવાન જુજારું પેઢી ઘરડી થઇ ગઈ છે અથવા તો રામશરણ થઇ છે અને એમનો વસ્તાર પ્રેક્ટીકલી ઐયાશ છે..
પ્રોડક્શન ના “હેડએક” ચીન દેશ ને આપી અને ટેબલ પર બેસી ને થાય એવા ધંધા ઉભા કર્યા છે..!
એનું સીધું પરિણામ છે કે પશ્ચિમી દુનિયા ના કાગડાઓ ને અત્યારે તો કોરોના નામનો હોલો આર્થિક , માનસિક ,શારીરિક (બીજું જે ઉમેરવું હોય તે ઉમેરી શકો ) મારી રહ્યો છે..!!
વારંવાર કોવીડ-૧૯ ને ચાયનીઝ વાયરસ કે પછી વુહાન વાઈરસ કહીને સંબોધવાની અમેરિકન પ્રમુખ ની ચેષ્ટા હવે સીરીયસ સ્વરૂપ લેતી જાય છે, આજે એમાં ભારતના વિદેશમંત્રીને પણ ઘસડી લેવામાં આવ્યા..
આપણા વિદેશમંત્રીના નામનો હવાલો આપી ને ચીની સત્તાવાળાઓ તરફથી કેહવામાં આવ્યું કે કોવીડ-૧૯ ને “ચાયનીઝ વાઈરસ” કે “વુહાન વાયરસ” કેહવું તે યોગ્ય નથી..!!
ચાયનીઝ વાઈરસ કે વુહાન વાઈરસની જીભાજોડી કદાચ બહુ મોટા સંઘર્ષના એંધાણ આવનારા દિવસો માટે આપી રહ્યા છે,
પશ્ચિમ જગત બિલકુલ કોવીડ-૧૯ ના ફેલાવા માટે કોઈક ને કઠેડામાં ઉભા કરવા માંગે છે અને આ કોઈક એટલે ચીન દેશ,
જોઈએ હવે દુનિયા કેટલો સાથ આપે છે પણ અત્યારે પેહલી પ્રાયોરીટી દુનિયાની વસ્તી નો જીવ બચાવવાની છે..!!
દુનિયા આખીના સીનીયર સિટીઝન્સ નો જીવ પડીકે બંધાઈ ચુક્યો છે , વાઈરસ ને જે રીતની પેટર્ન છે તે જોતા વૃધ્ધો ઉપરનો ખતરો વધારે છે અને એ વાત હવે સર્વવિદિત છે..!
કોવીડ-૧૯ થી બચાવ એ એનો સૌથી મોટો ઈલાજ અત્યાર સુધીમાં સાબિત થયું છે અને એટલા માટે જ લોકડાઉનની નોબત આવી છે,
અમેરિકાની જેમ ઘણા દેશો એવા છે કે જેમને સંપૂર્ણ લોકડાઉન નથી કરવા કેમકે એવું કરવા જવામાં ઈકોનોમીની બેન્ડ વાગી જાય, ને એવા દેશોમાં સ્ટ્રોંગર સર્વાઈવલ ની બુઠ્ઠી દલીલ આગળ ધરવામાં આવી રહી છે..
એકવાર સ્ટ્રોંગર સર્વાઈવલ જેવો વિચાર કરીએ તો ફરી એકવાર માનવજીવનનું સરેરાશ આયુષ્ય ઓગણીસમી સદીમાં હતું એટલું નીચે જતું રહે કમ સે કમ વીસ વર્ષ ઓછુ…!
ઘડિયાળના કાંટા પાછા ફેરવવા પડે એકવીસમી સદીની સામાજિક સંરચનાઓ ને બદલવા નો સમય આવે..!!
આજ એક વાઈરસ એ દુનિયા ને જે રીતે ઝંઝોળી મૂકી છે અને તમામ મોરચે વિચાર કરતી કરી મૂકી છે એ અકલ્પનીય છે..
જો કે સાવ એવું નથી કે માનવજીવન અજાણ છે આવી ઘટનાઓથી , આપણી પાસે ભૂતકાળની ઘણી બધી સંસ્કૃતિઓ ના અચાનક નાશ થયા ના દાખલા છે અને આપણે ગુજરાતે કે ભારતે તો જરાય દૂર જવાની જરૂર નથી , હડ્ડપ્પન સંસ્કૃતિ નો નાશ આવા જ કોઈક કારણસર થયો હશે એવી ભીતિ સેવાઈ રહી છે..!
ભારતવર્ષ ને માટે આ એકવીસ દિવસ અને કોવીડ-૧૯ ની સામે લડવું એ સખ્ખત મોંઘુ અફેર છે , લાગણીશીલ પ્રધાનમંત્રી એ ઈકોનોમી અને પ્રતિષ્ઠા બંને ને બાજુ ઉપર મૂકી ને રૈયત નો જીવ વાહલો કર્યો છે..
આવનારા દિવસોમાં કોવીડ-૧૯ ની સામે જીતી ગયા પછીના દિવસો પણ જરાય સારા નહિ હોય, જીત નક્કી છે ભારતની અને એનું કારણ સમયસર જાગ્યા છીએ એટલે..
અનેક ધર્મો અને પંથોમાં રચ્યોપચ્યો રેહતો દેશ આજે એક મુદ્દે એક થયો છે કે કોવીડ-૧૯ ને ભારતમાંથી કાઢો..દુનિયાભરના તમામ ધર્મગુરુઓ અત્યારે રોક સોલીડ ઈલાજ આપવામાં નાકામયાબ રહ્યા છે..
વિજ્ઞાન આગળ “ધર્મ” પાંગળો સાબિત થઇ રહ્યો છે,
એક સરસ કાર્ટુન આવેલું ત્રણચાર ધર્મગુરુઓ એક વૈજ્ઞાનિક માઈક્રોસ્કોપમાં જોઈ રહ્યો છે એની માથે ઉભા હતા ,અને કેપ્શન હતું કે તું દવા શોધી કાઢ પછી અમે અમારા ગ્રંથોમાંથી એ ક્યાં છુપાયેલું હતું એ શોધી કાઢીશું..!
એક મેસેજ એવો પણ ફરી રહ્યો છે કે જીએસટી કામ લાગી રહ્યો છે નહિ કે ધાર્મિક સંસ્થાનોમાં આપેલા દાન..!!
આંશિક રીતે સાચો મેસેજ છે, ધાર્મિક સંસ્થાનો પોતાની રીતે સામાજિક પ્રવૃતિઓ કરતા જ હોય છે પણ જેને “નીડ ઓફ ધ અવર” કહીએ તો એ આ દોઢ મહિનામાં સૌથી મોટો ફટકો જીએસટી ને પડશે તો એ રીકવર કરવા માટે પ્રયત્ન સરકારે ક્યા કરવા એ શોધવાનું છે..
હું તો ચોક્કસ માનું છું કે તમામ ધાર્મિક ટ્રસ્ટ પાસેથી અમુક ટકા રૂપિયા તાત્કાલિક અસરથી લઇ લેવા જોઈએ..એમાં લઘુમતી ,બહુમતી એકેય “મતી” બાકી ના રેહવી જોઈએ..
પેહલા પણ લખી ચુક્યો છું કે ભારતવર્ષમાં રાજ વિષ્ણુ અને રાણી લક્ષ્મી નો અવતાર કેહવાતા અને જે તે રાજ્ય નો ખજાનો મંદિરોમાં જ રેહતો એ જે તે રાજ્યની રાજલક્ષ્મી કેહવાતી રાજ ઉપર સંકટ આવે ત્યારે ખજાનાના દરવાજા ખોલી નાખવામાં આવતા અને સંકટ પૂરું થયે પાછા જમા પણ કરવામાં આવતા..!
એટલે આજે દરેક ધાર્મિક ટ્રસ્ટઓ આગળ આવવા ની જરૂર છે ,સરકાર આપણી પોતાની છે મહારાણી વિક્ટોરિયા કે એલીઝાબેથની નથી..
જીએસટીની આવકમાં પડનારો ફટકો ભારતભરમાં ફેલાયેલા ધાર્મિક ટ્રસ્ટો સરભર કરી આપે તો કશું ખોટું નથી ,
યુદ્ધનો જ સમય છે..
આપદ્દ ધર્મ છે નિભાવવો જ રહ્યો..પ્રજા સહકાર કરી જ રહી છે વારો તમારો છે..!
બાય ધ વે ડોક્ટર્સ એ એમના ભાવ વધાર્યા નથી હો..
જેમને કસાઈ કેહતા એમાં આજે દેવ દેખાઈ રહ્યા છે..!!
જ્યાં અગાધ શ્રધ્ધાઓ છે એવા એકેએક ધર્મસ્થાન ને તાળા મારવા પડ્યા છે અને હાજર સો હથિયાર ગણી ને જ્યાં અને ત્યાં હોસ્પિટલ્સ ઉભી થઇ રહી છે..!!
સમય સમય બલવાન હૈ ..!!
વિચારજો ..
સૌ નીરોગી રહો એવી ઉપર જે બેઠો હોય એને પ્રાર્થના..
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)