છેલ્લા બે દિવસથી અમદાવાદમાં રેહતા જેટલા લોકોના નસીબમાં થોડીઘણી જુવાની બચી છે એ બધાને સોળ સેકંડની એક વિડીયો કલીપ ચોક્કસ વોટ્સ એપમાં આવી હશે..!
અને જેને જેને આ કલીપ નથી આવી એમના માટે આ ગીતની આ લાઈન બરાબર છે..
“કહું છું જવાનીને પછી વળી જા કે ઘર ઘડપણનું મારું આવી ગયું.. કહું છું જવાનીને..”
સમજી લ્યો તમે કે તમારા મિત્રો તમને ઘરડા માને છે, માટે આવી “અસંસ્કારી” કલીપ તમને નથી મોકલી..!
સોળ સેકન્ડની વિડીઓ કલીપ જેના વિષે ગુજરાતી અખબારો ઘણું લખ્યુ..
રાજપથ ક્લબ તરફથી કર્ણાવતી ક્લબ બાજુ જતા ઇસ્કોન ફ્લાયઓવર પર ધીમી ગતિએ જતી એક મારુતિ ઝેન કાર,
કાર ચલવે છે એક છોકરી, અને બાજુમાં બેઠેલો છોકરો એ છોકરી ના હોઠ પર પપ્પી કરે, અને પાછળની બીજી ગાડીમાં બેઠેલા બે ટીનએજરએ એ યુગલની ચુંબન પ્રક્રિયાની વિડીઓ ઉતારી અને કરી વાઈરલ..!
ફક્ત સોળ સેકંડની કલીપમાં એવું દેખાય કે ભરબપોરે ટ્રાફિકની વચ્ચે બંને પાર્ટી ચાલુ ગાડીએ અધરરસ નું પાન કરી રહી છે,
પાછળની ગાડીમાં કલીપ ઉતારનાર છોકરા જેવા પેલા આગલી ગાડીવાળા કિસિંગ ચાલુ કરે છે એટલે એક મસ્તીખોર બોલે છે પીઈઇ..અને પછી બે વાક્યો સંભળાય એક છોકરો બોલે છે “લાંબી મારી” અને બીજો છોકરો બોલે “ છે કાંઈ શરમ કે કાંઈ”..
હવે આ “લાંબી મારી” વાળો તો એની ભાષા અને એના બોલવાના લેહ્કા ઉપરથી ખબર પડે છે કે આ તો “બકો” પાકો અમદાવાદી છે, અને બહુ જ રસપૂર્વક “અધર રસપાન” ક્રિયાનો આનંદ ઉઠાવી રહ્યો છે,
અને બીજો જે બોલે છે “ છે કાંઈ… “ આ છોકરો કાઠીયાવાડી લેહ્કામાં બોલે છે એટલે “અમદાવાદી બકા” નો ભઈબંધ “જીગો” વાયા વિરમગામનો છે..!
બે જ લીટીની વાતમાં કલ્ચર ડીફરન્સ દેખાઈ જાય છે, “જીગો” નાના ગામમાં મોટો થયો છે અને “બકો” અમદાવાદ સે`રમાં..
જીગાને ગાડીમાં ચાલી રહેલી પ્રવૃત્તિ સારી કે ખોટી એ નક્કી કરવું છે, જયારે બકાને તો લાંબી,ટૂંકી,અને પછી બીજી અહી ના લખી શકાય એવા બધા એનાલીસીસમાં રસ છે, “બકો” આગળની ગાડીમાં ચાલી રહેલી પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઇ ગયો છે, “બકા” ને માટે ભરબપોરે,ભરીદુનિયાની સામે એવું બધુ ગૌણ છે..અને જીગાને લાજ,શરમ એવા બધા શબ્દો જોડે જીવવુ છે, જયારે બકાને મોજ કરવી છે..!
છાપાઓ એ પણ પ્રેમથી લખ્યું અને નેટ પર પણ મુક્યુ, બહુ બધા લોકોએ એમની પ્રતિક્રિયાઓ લખી..
એક મોટો યુથનો વર્ગ છાપાવાળાને ખખડાવતો પણ દેખાયો કે આ કોઈ આટલા મોટા ન્યુઝ નથી કે તમે તમારા પાના બગાડો છો..! અને કિસ તો ઠીક મારા ભાઈ કરે હવે..
મને પણ લાગે છે કે ઠીક મારા ભાઈ આવું તો ચાલ્યા કરે, એમાં આવડો મોટો હોબાળો કરવાની જરૂર નથી. આપડે ત્યાં ક્યાં હજી તાલેબાની રાજ આવી ગયુ છે કે આવી હરકતને “જુગુપ્સા પ્રેરક” હરકત ગણી અને આવી હરકત કરવા બદલ ગાડીના નંબર ઉપરથી બંને જણાને પકડી અને જાહેરમાં કોરડા ફટકારવા પડે..!
તો કોને ખુશ કરવા આ છાપાવાળાઓ એ આ કેસ ઉછાળ્યો..?
એક કાંકરે બે પક્ષી માર્યા છાપાઓ એ.. જેમને ચટપટી ખબર વાંચવામાં રસ છે એ પણ વાંચવાનો, અને જેને આવી પ્રવૃત્તિની નિંદા કરવામાં રસ છે એ પણ વાંચવાનો..
ટૂંકમાં છાપું ખોલીને બેસનારો દરેક જણ આ સમાચાર વાંચે..!
અમે ઘણીવાર સાંજ પડ્યે જે ઇલાકાની આ ક્લીપ છે એ એસ.જી. રોડ પર ની આજુબાજુમાં જ એકાદા કોફીબારમાં બહાર ગાડીઓ પાર્ક કરીને બેઠા હોઈએ છીએ અને ત્યારે કેટલાય છોકરા છોકરી આવી આવી અને એકબીજાને હગ કરે પછી માથે, ગાલે, ગળે કે હોઠે પપ્પી કરતા હોય છે..
યાર બહુ જ સામાન્ય વાત છે આ, આપણને હવે એકવીસમી સદી આવ્યે સત્તર સત્તર વર્ષ થયા, અને અમે તો બહુ વહમી એવી વીસમી સદીમાં પણ આવા સીન પબ્લીકલી જોતા હતા..!
અરે ભાઈ વીસમી, એકવીસમી સદીને છોડો, ઈસ્વીસન પૂર્વે પેહલી સદી (માઇનસ વન) માં મહાકવિ કાલીદાસે અભિજ્ઞાન શાકુંતલની શરૂઆત જ અહીંથી કરી છે..
“क्षणचुम्बितानि भ्रमरैः सुकुमारकेसरशिखानि। अवतंसयन्ति दयमानाः प्रमदाः शिरीषकुसुमानि।।”
ભ્રમરથી એક ક્ષણ માટે જ ચુંબન પામેલા શિરીષ પુષ્પો અને પછી ત્યજાયેલા અને એમની ઉપર દયા કરતી અને શિરીષ પુષ્પોને પોતના કાનમાં ધારણ કરતી..!
(અલ્યા આવડ્યું એવું ગુજરાતી કર્યું છે પંડિતજી નો ભાણિયો ખરો પણ “પંડિત” નહિ એટલે ભૂલચૂક લેવી દેવી..)
બોલો આપણો બકો બોલે છે ને કલીપમાં “લાંબી મારી”..અને અહી તો એક ક્ષણની વાત છે અને પછી છોડી દેવાના..!
ભ્રમરને જુના દરેકે દરેક શસ્ત્રોએ ઇમરાન હાશમી ગણ્યો છે..!(સીરીઅલ કિસર)
યાદ છે પેલુ ગીત “ભીગે હોઠ તેરે..!”
મહાકવિ રાજર્ષિ વિશ્વામિત્ર અને મેનકાને પણ ક્ષણભર માટે જ ભેગા કરે છે અને પછી છુટા પાડી છે પણ મેનકાના ગર્ભમાં શકુંતલાનો પ્રવેશ કરાવી દે છે..!
જેટલીવાર જ્યાંથી મળે ત્યાંથી મહાકવિના અનુવાદો વાંચો પણ દર વખતે નીતનવા અર્થ નીકળે અને જબરદસ્ત શૃંગારિક..
ખરેખર હો ભાઈ લોગ મહાકવિ અત્યારે જન્મ્યા હોત ને તો આપણી પ્રજાએ એમને પેલી બેબી ડોલ હૈ સોને દી..એની કેટેગરીમાં મૂકી દીધા હોત..!
શૃંગાર અને બીભત્સ અંતર ઘણું છે,અને એનો ઘણો બધો આધાર રાખે છે જોનારની આંખ ઉપર નહિ કે ભજવનાર પર..!
હમણા એક વોટ્સ એપ ગ્રુપ પર એક વિદ્વાને લખ્યું કે તમારા શબ્દો જ તમારા સંસ્કાર દેખાડે છે..
ખોટી વાત છે..
શબ્દથી સંસ્કાર ના દેખાય, વર્તનથી દેખાય..”માથું ફૂટી ગયુ” કે “માથામાં વાગ્યું” બોલનાર સંસ્કારી અને “ભોડું ફૂટી ગયું” બોલનાર અસંસ્કારી..?
એકદમ ખોટી વાત તળપદી ભાષા કે થોડી રફ બોલાતી ભાષા ને અસંસ્કારી માનવાની ભૂલના કરાય..!
અમુક તો એવા એવા શબ્દો સદીઓથી સાહિત્યમાં વપરાયા છે કે જેને આપણે આજના જમાનામાં “ગાળ” કહીએ છીએ..!
એવી જ રીતે અત્યારે જે રીતે આવા સાવ “સાદા” દેખાતા સીનને વાઈરલ કરીએ છીએ, એ જોતા એમ લાગે છે આપણે તો હજી ઘણા પાછળ જવાની જરૂર છે, આગળ નહિ..
આગળ તો બુરખા અને ઘૂમટા છે,બંધન છે..!
પાછળ ખુલ્લાપણુ છે..મુક્તિ છે, સ્વતંત્રતા છે..!
આજના યુવાન પાસે પોતાની જાત માટે ચોક્કસ “વિચાર” છે અને એ વિચારો મળી અને એક “વિચારધારા” એની પાસે છે,
સ્વતંત્રતાનો ઉપયોગ સ્વચ્છંદતા ના માની લેવાય..!
ગુરુ દતાત્રેયના એક ગુરુ કાગડા પાસેથી શીખવાનું છે કે મૈથુનક્રિયા મનુષ્યએ ખાનગીમાં કરવી જોઈએ..
પણ અધર રસનું પાન ..?
આપણા શાસ્ત્રોમાં ક્યાય આજ્ઞા નથી,એક સુઝાવ હમેશા આપવામાં આવે છે કે આમ કરવું જોઈએ અને પછી વિવેક બુદ્ધિ ઉપર વાત છોડી દેવાઈ છે..
જેને જે કરવું હોય તે કરે,
શું કરવું જોઈએ એ નક્કી કરવાને બદલે શું નથી કરવું એ નક્કી થઇ જાય છે તો જિંદગી સેહલી પડે છે..
જાહેરમાં કિસ કરવી કે નહિ એ બહુ જ અંગત મામલો છે એને આટલો બધો જાહેર બનાવવાની જરૂર નોહતી..
એની વે થતા થઇ ગયુ, આપણે શું કરવું એ આપણે વિચારવાનુ,મેં તો બ્લોગ લખીને મારું સ્ટેન્ડ ક્લીયર કર્યું, અને મારા મનના વિચારો અને ભાર હળવા કરી નાખ્યા વારો તમારો છે..
આગળ જવું કે પાછળ..?
અને હા રાધા-કૃષ્ણ,ઉમા-મહેશ્વર આ બધાનો તો હું ઉલ્લેખ પણ નથી કરતો,બીજો રહી જતો ઉલ્લેખ સદીઓ પૂર્વે બનાવેલા શિલ્પનો છે, જે હવે સમયના માર ને લીધે પાષાણ થઇ ગયા છે અને છતાં પણ એમની વાચા અકબંધ છે..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા