GST પછીનો “સીન” શું છે ?
આવો સવાલ બે ત્રણ દિવસથી રોજ સવારે બધાને થયો છે..! મને પણ થોડી ઉત્સુકતા હતી એટલે શનિવારે ત્રણ ચાર જીઆઇડીસી શનિવારે ફર્યો.. વટવા, ઓઢવ, નરોડા અને ગાંધીનગર..!
લગભગ બધું થઈને ગણો તો આ ચાર એસ્ટેટમાં લગભગ નહિ નહિ તો ય નાના મોટા થઈને ત્રીસેક હજાર કારખાના આ પટ્ટામાં પડે,નારોલ ચોકડી થી નરોડા સુધીના બાવીસ કિલોમીટરના પટ્ટામાં.!
સાહેબજી જે રોડ પર ખટારા, ટ્રેઇલર, નાની આઈશર, છોટા હાથીની ભરમાર હોય છે આમાનું કશું જ આજે પણ જોવા મળ્યું નથી, અને ખાલી નાની નાની ટેમ્પીઓ “રખડે” છે..!
શનિવારે મારે પણ એક ઓર્ડર આવ્યો એટલે આપણે હુકમ છોડ્યો જવાદો પેહલુ GST બીલ, એકાઉન્ટન્ટે ચોખ્ખી ના પાડી પેહલા ગામને બીલ ફાડવા દો સર પછી આપડે ફાડીએ, હું કસ્ટમર જોડે વાત કરી લઉં છું બે દા`ડા માલ વિના ખેંચી કાઢશે ક્યાય નથી જવાનો..!
પચ્ચીસ વર્ષથી પીન્યા(બેંગ્લોર) થી લઈને બદ્દી(હિમાચલ) સુધીની બધી જ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટોમાં ફર્યો છું પણ આવો સાપ સુઘી ગયેલો માહોલ બહુ જ જવલ્લે જ જોવા મળ્યો છે..!
અત્યારે નારોલ ચોકડી ક્રોસ કરી રહ્યો છું ૧૧ :૨૮ AM સવારની બતાડે છે અને મુકેશ ચોથા ગીયરમાં જઈ રહ્યો છે..અસંભવ છે કે નારોલ ચોકડી આ સમયે ખાલી જાય પણ GSTને લીધે બધું જ આજે પણ ખાલી છે..!
નાહક ના બધા જ ડરી ગયા છે, પણ અમે તો જે થાય તે આજે GST વાળું બીલ ફાડવાના..એકાઉન્ટન્ટ ના પાડશે તો “શેઠ” ને “ટેલી” ચલાવતા આવડે છે પણ બીલ તો ફાડવું જ છે, આજે મારી ફેક્ટરીનો “શેઠ” વંઠયો છે..!
એમ કાયદા બદલાય તે આપણે ધંધા ના કરીએ એમ કેમ ચાલે..? અંદર નો વાણીયો કહે છે કે સરકારનું કામ સરકાર કરે અને આપણું આપણે..અને સો વાતની એક વાત ધંધો કરીએ છીએ ચોરી નહિ, તો પછી બીક કેમ..?
ગઈકાલે રાત્રે જેટલી સાહેબ બહુ મક્કમતાથી બોલતા હતા પણ હવે એમનો બહુ ભરોસો નથી થતો, નોટબંધી વખતે છ લાખ કરોડ પાછા આવશે બાકીના માટી થઇ જશે એવું બધું કૈક કૈક બોલતા હતા, અને થયો આખો સીન ઉંધો..
હવે નરેન્દ્રભાઈ એ એમને સરંક્ષણ મંત્રાલય આપીને નાણામંત્રાલય લઇ લેવું જોઈએ બહુ અખતરા કરવામાં સાર નથી..!
સાહેબે દેશના બધા સી.એ. સારું એવું ભાષણ અને ડોઝ આપ્યો છે,કાણા ને કાણો કેહવાની બદલે શીદને ખોયા નેણ કીધું છે..મારી અને તમારી રાષ્ટ્રભક્તિમાં કોઈ જ અંતર નથી એમ કરી કરીને પંપાળતા ગયા અને સપા..સપ..ઝાપટો મારી છે, નોટબંધીને નિષ્ફળ કરવામાં તમારો સિંહફાળો છે એવું સાચવીને કહી દીધું અને સાથે સાથે સમજણ પાડી દીધી કે GST માટે આવા કોઈ ખેલના આદરતા..!
પણ મને આંકડામાંથી વાર્તા બનવાતી આ સી.એ. નામની કોમ માટે ક્યાંક થોડો “ખાર” ખરો.. સાલું પ્રોડક્શન કરે અને પ્લાન્ટ લેવલે મેહનત કરે સાયન્સવાળો અને પેલા એ.સી. કેબીનમાં બેઠા બેઠા તમારા રેટિંગ આપી દે અને તમારી બધી મેહનત જાય કયાની ક્યા..!
મારા એક કેમેસ્ટ્રીના ગુરુ જેઓ ગુજરાત યુનિવર્સીટીમાં કેમેસ્ટ્રી ફેકલ્ટીના ડીન રહી ચુક્યા છે એ હમેશા મને કેહતા સાયન્સ વાળો સ્ટુડન્ટ હમેશા સારો,પછી કોમર્સ અને છેલ્લે આર્ટસવાળો..
મારો સવાલ રેહતો કેમ ? તો સાયન્સવાળો બે કલાક લેબ.માં ઉભો રહીને પ્રેક્ટીકલ તો કરશે, બીકોમ વાળો બેઠો બેઠો વાંચશે અને આર્ટસવાળો પથારીમાં પડ્યો પડ્યો વાંચશે..જિંદગીમાં ક્યારેય ઉભો થશે જ નહિ..!
વાત તો સાચી આજે પણ પ્લાન્ટ લેવલે ઉભા રહીને કામ કરવાનું આવે તો કોમર્સ અને આર્ટસવાળાની તો હાલત ખરાબ થાય છે, અને સાયન્સવાળા છોકરાને કમ સે કમ એ ટેવ તો પડેલી છે…!
બેક ટુ GST, આજે કદાચ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે બીલો બનાવી અને ડીસ્પેચ ચાલુ કરશે એવી આશા છે,પણ એક વાત બહુ જબરી ચાલુ થઇ ગઈ છે,પરચેઝ મેનેજર નામની “કમીની” પ્રજા ફોન કરી કરીને લોહી પીવાની ચાલુ પડી ગઈ છે ભાવ કેટલા ઓછા કરો છો GST પછી ???
દરેકને સસ્તું જોઇએ છે અને મોંઘુ વેચવું છે ..!
એક હકીકત એવી છે કે GST પછી ભાવો ચોક્કસ ઘટવા જોઈએ પણ ઘટશે નહિ હા બેલેન્સશીટ ચોક્સ્સ “જાડી” થવાની..!
નરેન્દ્રભાઈ દર વખતે એમ કહે છે કે લોકો ટેક્ષ ભરતા નથી,તો એમાં વાંક કોનો..? એકબાજુ રાષ્ટ્રપતિ ભવનમાં જઈને કહો છો કે પિતાતુલ્ય હતા..! અરે ભાઈ રેઇનકોટ પેહરીને સહસ્નાન તો એમણે પણ કર્યું છે અને એ તો સિંગ સાહેબ કરતા વધારે સમય સ્નાન કરતા રહ્યા છે..!
આ મુઈ ભેંસના ડોળા વાળી પરંપરા હવે બંધ થવી જોઈએ..!
હું દર વખતે કહું છું કે રાવણ દહન એ આપણી પરંપરા છે, મુઈ ભેસના ડોળા મોટા એ નહિ..!
લોકો ટેક્ષ નથી ભરતા એમ કકળાટ થાય છે ત્યારે એક વાત ચોક્કસ યાદ આવે કે જે દેશમાં ખેતી ઉપર ટેક્ષ નથી અને સાહીઠ ટકા લોકો ખેડૂત છે, વીસ ટકા નોકરીયાત છે, તો પછી બે કરોડ લોકો ટેક્ષ ભારે એ આંકડો બરાબર છે.!
ખેતી ઉપર નાખો ને ટેક્ષ..!
શું ખેડૂત એના જીવનમાં એકપણ વાર કમાયો જ નથી..? અને ખેડૂત જો ખરેખર જીવનમાં કમાયો જ નથી તો ખેતી કરવાનું કેમ છોડી નથી દેતો..? ખેતી વાયેબલ પ્રોજેક્ટ નથી તો મારો ગોળી ખેતીને..!
દર વખતે જે ટેક્ષ ભરે છે એની ઉપર આજ સુધીની બધી સરકારોએ “નજર” બગાડી છે,તો તમે તો કૈક નવું કરો..!
સબસીડી લેવામાં જગલો અને ટેક્ષ ભરવામાં ભગલો..?
તમે કહો છો બે કરોડ અઢાર લાખ લોકો પરદેસ ફરવા ગયા..! કેમ ખટક્યું..? સરકારી રૂપિયે હજ કરવા ગયા હતા કે માનસરોવર ગયા હતા ? લો સકંજામાં બધાને એટલે તમને પણ ખબર પડશે..!
બહુ વર્ષો પેહલા મને એક વેપારી મિત્ર એવા ઘરડા કાકા કેહતા શૈશવ સરકાર એમ માને છે કે વર્ષે દિવસે વેપારીઓ લગભગ ત્રણ હજાર કરોડની સેલ્સ ટેક્ષની ચોરી કરે છે હવે આપણે એમ માની લઈએ કે ત્રણ લાખ રજીસ્ટ્રેશન ધરવતા વેપારી ગુજરાતમાં છે, તો શું દરેક વેપારી એક કરોડ રૂપિયાની ચોરી કરે છે..? સાલું એટલો તો ધંધો પણ નથી કરતો તો ચોરી ક્યાંથી કરે ?
દરેક વખતે વેપારીને ચોર ગણાવો એ નીતિ યોગ્ય નથી..!
એક આંકડો એવો છે કે ભારતની નેવું ટકા સંપત્તિ ફક્ત પાંચ ટકા લોકો પાસે છે, બીજો સંપત્તિનો મોટોભાગ ટ્રસ્ટો અને ધાર્મિક સંસ્થાઓ પાસે પડ્યો છે, નોટબંધીમાં ધાર્મિક સંસ્થાઓ પણ પાછળ નોહતી રહી, અને સૌથી મોટી વાત તો એ કે રાજકીય પક્ષો શા માટે સો ટકા “ચેક” થી દાન નથી સ્વીકારતા..?
અપેક્ષા તો ઘણી છે,
હવે સમય છે “વારસાઈ વેરા” નો દસ કરોડથી વધુ મિલકત મૂકીને જાય એની ઉપર પચાસ ટકા વેરો નાખો એટલે સાત પેઢીનું ભેગું કરવાની વૃત્તિ ઉપર લગામ આવે..!
અને હા આ વારસાઈ વેરામાં પછી નાત જાત કે ધર્મ ના લાવતા..!
સૌ એક સમાન ત્યારે પેલી નેવું ટકા મિલકત પાંચ ટકા લોકોના ઘરમાંથી બહાર આવશે..! બાકી તો “નોટબંધા” કરો કે “જીએસટા” કોઈ ફેર નહિ પડે..
ઊંટ કાઢે ઢેકા તો માણહ કાઢે કાઠા..એક ને બદલે બે બેશસે..!
તમે અને અમે ઠેરના ઠેર..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા