
નમસ્તે દોસ્તો,
થોડાક દિવસ પેહલા મને એક સંદેશો આવ્યો કે આ વાર્તા થોડાક ફેરફારો કરીને ફરીવાર લખવી છે મારે, એટલે મને થયું કે કોઈને ફરી લખવા આપું એના કરતા તો લાવને હું જ ફરી એકવાર લખું અને મેં ફરી એકવાર પશ્મીતા લખી નાખી, આ વાર્તામાં તમને ભૂતપ્રેત આવી બધી વાતો દેખાશે..
હુ પોતે આ બધામાં નથી માનતો,પણ ક્યારેક કોઈક મિત્રને આવો પરચો મળેલો છે અને જે રાત્રે એની સાથે આ ઘટના ઘટી એના બીજા જ દિવસે હું એની કઠવાડાની ફેકટરી પર હતો અને મને એની વાતમાં લગીરે જુઠ્ઠું કે બનાવટી ના લાગી ..!!! ઠક્કરકાકા પણ મેં ક્યાંક જીવનમાં જોયેલા છે, કઈક એવું એ મારી સાથે કરી ગયા હતા કે જે ચોક્કસ આ દુનિયાનો ભાગ નોહતો, અને એ સાચા ઠક્કરકાકા મને અમાસીયો કહીને જ બોલાવતા, હા રાજુ એ મારું તદ્દન કાલ્પનિક પાત્ર છે, જ્યોતિષશાસ્ત્ર ને હું સમજી શકું છું ભૃગુ સંહિતાને વાંચવાનો અવસર જીવનમાં ઘણીવાર મળ્યો છે, સમજવાની પ્રક્રિયા ચાલુ છે, સામુદ્રિક જ્યોતિષની કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી દ્વારા લખાયેલા પુસ્તકો ને વાંચવાનો મહામુલો અવસર પણ મને મળ્યો છે..બ્રહ્મ,તત્વ,સત્વ,જીવ, આ બધું સમજવાની મારી કોશિશ હજી ચાલુ છે,મારા બ્લોગ પર ક્યાંક મેં આત્માનું મોડેલ મારી રીતે બનાવવાની કોશિશ કરી છે.. હું ચોક્કસ માનુ છુ કે કર્મ ભાગ્ય કરતા હમેશા બળવાન રહ્યું છે,એનો હું ખુલ્લા દિલે સ્વીકાર કરું છું પણ ભાગ્ય ક્યાંક કોઈક રીતે તો દરેક ને અસર કરે છે..
એક હકીકતનો સ્વીકાર દુનિયા આખીએ કરવો જ રહ્યો કે આપણા અતિપ્રાચીન જ્યોતિષશાસ્ત્રએ બ્રહ્માંડ ને ૩૬૦ ડીગ્રીમાં વિભાજીત કર્યું છે,અને એમાં આજ સુધી કોઈ ૩૬૧ મી ડીગ્રી ઉમેરી શક્યું નથી.. દરેક રાશીને ૩૦ ડીગ્રી આપી અને રાશીવાર ફલાદેશ કર્યા છે..પણ ક્યાંક કોઈ મોટી ખાઈ છે જેથી ફલાદેશો ખોટા પડે છે.. ખગોળ ના ગણિત અને જ્યોતિષ ના ફલાદેશ વચ્ચે કોઈક જોડતી કડી ખૂટે છે..કે જેનો નાશ થઇ ગયો છે,
જ્યોતિષ થી જયારે આગળ વધીએ ત્યાર પછી શ્રદ્ધા,અંધશ્રદ્ધામાં ફેરવાય છે અને તંત્ર અને મંત્રમાં ફસાવાય છે..!
હું કુદરતી ન્યાય ના સિધ્ધાંતમાં પણ ચોક્કસ માનું છુ, અને કુદરત દરેક નો ન્યાય પોતાની રીતે કરે છે,જયારે જયારે માણસ ન્યાય આપવામાં પાછીપાની કરે છે ત્યારે કુદરત કાયદો પોતાના હાથમાં લે છે..
ભૂત અને ભગવાન આ બંને માટે મને ખુદ ને ઘણીવાર એમ થાય છે કે યાર તું છે ક્યાં …?? એકવાર શકલ બતાવી જા એટલે બધી વાર્તા પતે,અમે આ બધા સાયન્સ ના નામે રિસર્ચ ના ધંધા મૂકી અને પાછા મંત્રો ભણવા લાગીએ..પણ એ આવતો નથી.. !!!
હવે જોવાની ખૂબી એ છે કે,ક્યારક એવું પણ મને લાગે છે “આ” આવતો નથી તો સાલો જાય છે પણ ક્યાં..???
આ ભગવાનીયો..!!
અહિયાં મારી સામે તો “એ” બેઠો છે..!!!!
બસ આમ જ અટવાતા આપણે બધા..