છેવટે અઘાડી સરકાર આવી ગઈ,
પરમદિવસે મોહમયી માયાવી નગરી મુંબઈમાં રચાઈ રહેલી ઠાકરે સરકાર અમને “નડી” ગઈ, આખ્ખો વેસ્ટર્ન હાઈવે ચક્કાજામ હતો ગાડીઓ એક એક મીટર આગળ વધતી હતી સાત કિલોમીટરમાં લગભગ ત્રેપન મિનીટ લીધી અને પછી એર ટ્રાફિક જામ એ બે કલાક..
લગભગ બધા જ જહાજો મુંબઈની એક દોઢ હવાઈ કલાકની પ્રદક્ષિણા કરે પછી એમને છત્રપતિ શિવાજી વિમાન પતન સ્થળ ઉપર એમના પૈડા અડાડવા મળતા હતા..!!
વિલંબ માટે ભયાનક રોડ ટ્રાફિકના દરિયા તરી ને વિમાન પતન સ્થળ ઉપર આવેલી અમારા જેવી પબ્લિક થોડી `કાયી` થઈને ગ્રાઉન્ડ સ્ટાફ જોડે કકળાટ કરતી હતી પણ એવામાં બે કોંગ્રેસી દિગ્ગજ નું અમારા ગેઇટ ઉપર આગમન થયું ,
એ બંને નેતાઓ અઘાડી સરકારની શપથવિધિ કરીને સીધા વિમાન પતન સ્થળ ઉપર આવ્યા હોય એવું લાગતું હતું કેમકે સામે ટીવી ઉપર એમના જ સ્ટેજ ઉપર ચેહરા ફોકસ થઇ રહ્યા હતા એટલે પછી પબ્લિક શાંત થઇ ગઈ..
અઘાડી સરકારના ઘડવૈયા ને પણ અમારી સામે જ કલાક દોઢ કલાક બેસવું પડતું હોય તો પછી આપણે વળી પ્રજા તો શું વિસાતમાં હેં ..?
જય હો ..
ભાજપ લગભગ સંકોચાઈ ગયો દેશના રાજ્યોમાંથી ફક્ત એક જ વર્ષમાં ,અને ફરી એકવાર પ્રાદેશિક રાજનીતિ કરતા પક્ષો કોંગ્રસની ટેકણ લાકડીથી બેઠા થઇ રહ્યા છે અને કોંગ્રેસ પોતે પણ..
અચાનક આવો વાવર કેમનો વાયો ..?
બિછડે સભી બારી બારી..?
અને પબ્લિકને પણ રસ કેમ ઓછો થઇ ગયો ?
વધુ પડતા ભૂતકાળમાં જીવતા લોકોથી પણ આજના યુવાનો કિનારો કરી લે છે..!!
*ભૂતકાળની વધારે પડતી ચર્ચા અને વાતો વર્તમાનમાં જીવતા કે જેના હાથમાં અને નજરની સામે ભવિષ્યની ચેલેન્જો છે એ લોકોથી સહન થતા નથી હોતા..!*
ગાંધી અને ગોડસે ની વાર્તાઓ થઇ રહી છે, નાટક ની કે પિક્ચરની સ્ક્રીપ્ટ હોય તો ચાલે બાકી હવે ચવાયેલી ચીંગમ થઇ ગઈ આજ ના છોકરાઓ માટે..
ચોક્કસ ઈતિહાસને યાદ રાખવો જરૂરી છે પણ રેફરન્સ પુરતો, નહિ કે એમાં જ જીવવાનું, દિવસ રાત ઈતિહાસમાં જ રચ્યા પચ્યા રેહવાનું ભવિષ્ય માટે ઘાતક નીવડે છે..એ વાત આજ ના છોકરા છોકરી સારી રીતે જાણે છે..એટલે મીમ્સ જોઈ ને આનંદ લઇ લ્યે છે..
બજારો નવરી થતી જાય છે ,
*સત્ય નો અસ્વીકાર જ અવજ્ઞાનું કારણ બને છે,*
મુંબઈ આર્થિક રાજધાની હજી પણ છે અને નવરી બજાર બેસવું મુંબઈગરા ને ના પોસાય..!
અમદાવાદમાં ઠીક ..ઓટલે બેસી ને પડારા કર્યા કરે અને હવે મોબાઈલમાં મોઢા ઘાલી ને..!
કોઈ જ એવું મોટું સહાનુભૂતી નું મોજું દેખાઈ નથી રહ્યું ,ભૂતકાળમાં અહિયાં જેમ કેશુબાપા ની સરકાર ઉથલી પછી મારો શું વાંક ? કરી ને કેમ્પેઈન ચાલ્યું હતું એવું કઈ જ જોવા મળ્યું નહિ ..
ઉપરથી ચિંતા અને ચર્ચા જેની થવી જોઈએ તે નથી થઇ રહી અને ફાલતું સમાચારો હેડલાઈન લઇ જાય છે..
ઠાકરે સરકારને એવો સવાલ આવ્યો કે તમે “સેક્યુલર” થઇ ગયા ?
એની બદલે કોંગ્રેસને પૂછ્યું હોત કે તમે “કોમ્યુનલ” થઇ ગયા તો થોડુક જામ્યું હોત ..!!
મુંબઈમાં ચારેબાજુ ભગવા લેહરાઈ રહ્યા હતા..
સાગરી સેતુ ઉપરથી પસાર થતા થતા મુંબઈ ને જોઈએ ત્યારે એહસાસ થાય કે વાદળો જોડે વાતો કરતા દસ-બાર-પંદર સ્કાય સ્ક્રેપર બની ચુક્યા છે અને બીજા હવે બનવા લાગ્યા છે શાંઘાઈની જેમ..
મેહાણું નથી ..
પણ દિલ્લી દૂર છે,બહુ જ દૂર છે પચાસેક વર્ષ.. ફેંકતો નથી ..શાંઘાઈ અને મુંબઈ બંનેની ગલીઓ રખડ્યો છું એટલે કહું છું અત્યારે જે સ્કાય સ્ક્રેપર્સ દેખાઈ રહ્યા છે એ ફક્ત નમુના પૂરતા બરાબર છે બાકી તો હજી ઘણી મજલ કાપવાની છે..!!
શાંઘાઈ બનવાની દોડમાં થોડાક સમયથી એક બીજી અડચણ દેખાઈ રહી છે મને અને એ છે ટુ વ્હીલર ..
મુંબઈમાં મેં ક્યારેય આટલી બધી સંખ્યામાં દ્વિચક્રી દોડતા નોહતા જોયા પણ હવે એક્સપ્રેસ વે ઉપર પણ કોક્રોચ ની જેમ આડાઅવળા થઈને દ્વિચક્રી ઘણી બધી સંખ્યામાં નીકળે છે ..
મુંબઈના ટ્રાફિક માટે આ લાલ નિશાની છે , કન્ટ્રોલ નહિ કરવામાં આવે તો મુંબઈને પણ અમદાવાદ નામનું “ગામડું” બનતા વાર નહિ લાગે ..
મોટેભાગે ગામડામાં મનમાની ચાલે, સે`ર માં ઓછી અને શેહરમાં એનાથી ઓછી ને મેટ્રો સીટીઝમાં એક સીસ્ટમ હોય જેને રેહતા લોકો એ ફોલો કરવાની હોય છે પણ ભારતના “મેટ્રો” પણ હજી પછાત અવસ્થા માં જ છે..
ઠાકરે સરકાર માટે ઘણી બધી સમસ્યાઓ મોઢા ફાડી ને ઉભી છે ,પેહલી અને સૌથી મોટી સમસ્યા તો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની છે..
ફેસબુક ઉપર એક સ્ટેટ્સ બહુ સુંદર હતું કોનું હતું એ નામ નથી યાદ આવતું પણ મહારાષ્ટ્રના સંદર્ભમાં લખાયું હતું..
*આટલા દિવસો સુધી જે ધારાસભ્યો વેચાઈના જાય એની ફિકરમાં જે ધારાસભ્યો ને આટલા બધા દિવસો રિસોર્ટમાં પૂરી રાખ્યા એ ધારાસભ્યોના હાથમાં આજે પ્રદેશ આખા નો ખજાનો સોપી દેવાયો..!!*
કેટલી કરુણ વાસ્તવિકતા..!!
જે પક્ષોને પોતાના ધારાસભ્યોના મનોબળ ઉપર અવિશ્વાસ હતો એમાંથી જ કોઈ મંત્રી બની ને તમારા અને મારા રૂપિયાનો વહીવટ કરશે..!!
આમૂલ પરિવર્તનની જરૂર છે સીસ્ટમમાં અને પ્રજાના માનસમાં ,
સીધી ચૂંટણી અમેરિકાની જેમ અને પક્ષ બદલો કે પ્રિપોલ એલાયન્સ તોડવું છે તો પછી રાજીનામાં આપો અને પ્રજા પાસે ફરી એકવાર આદેશ લેવા જાવ..
પોપાબાઈના રાજ થઇ ગયા છે અને ગણિકા ની જેમ વફદારીઓ બદલાઈ રહી છે..
અત્યારે તો શિવસેના ઉપર હિન્દુત્વ ને કોરાણે મુકવાનો આક્ષેપ થઇ રહ્યો છે પણ ઠાકરે સરકાર પાસેથી અપેક્ષા એવી ખરી કે ચૂંટણી સમયે મંદિર મંદિર ભટકતા કોંગ્રેસીઓ ને ખરા અર્થમાં હિંદુ બનાવી દે અને કોંગ્રેસે કરેલા પાપ ને કોંગ્રેસ પાસે જ ધોવડાવે ..
હા ,બંધારણના ઘડવૈયાઓ એ તો સેક્યુલર જેવો શબ્દ જ ભારતના બંધારણમાં નાખ્યો નોહ્તો પણ પાછળથી સળંગ ડાહ્યા કેહ્વાતા કોંગ્રેસીઓએ સેક્યુલર શબ્દ ને બંધારણમાં ઘાલી દીધો..
માનનીય ઉદ્ધવ ઠાકરેજી કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની લીંક બનીને આ શબ્દ ને કઢાવી શકે તો ઈતિહાસ એમને યાદ કરશે બાકી સમયની ધૂળ ચડતા ક્યાં વાર લાગે છે..પછી એ નામ હોય કે કામ..!!
અનહદ અપેક્ષા છે હિંદુ હ્રદયસમ્રાટ બાળા સાહેબ ઠાકરેના સંતાન પાસેથી ..
ગઈકાલે કેબીસી પૂરું થયું એમાં બોલાયેલા શબ્દો યાદ આવે છે..
*વારસદાર ઉત્તરાધિકારી નથી હોતા ઉત્તરાધિકારી વારસદાર હોય છે..!!*
*વારસા ઉપર અધિકાર જમાવવો અને વારસાના અધિકારી બનવું એમાં બહુ ફેર હોય છે* ,
*હું ડોક્ટર હર્ષદ વોરા અને ડોક્ટર મુકતા વોરાનો વારસદાર ખરો પણ એમનો ઉત્તરાધિકારી નહિ..!!*
પણ કનકકાકા નો ઉત્તરાધિકારી ચોક્કસ..!!
ઉત્તરાધિકારી બનવા માટે લાયકાત જોઈએ ,વારસદાર બનવા માટે તો…
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*