અક્ષર..
હમણા હમણા આજુબાજુ કોવીડના રાફડા ફાટ્યા છે એટલે સરકાર ખુદ કામ કરવા ઉતરી પડી છે ..! ચેક લખવાનો વારો જાત્તે આવ્યો ..!
ચેક લખતો હતો ત્યારે આદત મુજબ ગડબડ ગોટો ને પરભુ મોટો એવા અક્ષરોથી ચેક લખવાનું ચાલુ કર્યું પણ અચાનક અંદરથી અવાજ આવ્યો એ ઈ શૈશાવ્યા..અક્ષર સરખા નહિ તો આ ચેક રુમઝુમ કરતો પાછો આવશે અને આબરૂના ધજાગરા બંધાશે..!
દશે દિશામાં દોડતું મગજ બંધ થઇ ગયું અને એક એક અક્ષર ઉપર ધ્યાન આપી ને સાચવી સાચવી ને લખ્યો..!
એકદમ ધ્યાનપૂર્વક ચેક લખી અને સહી કર્યા પછી બત્તી ઝબકી, મિસ્ટર મલ્ટી ટાસ્કર સેહજ સારા અક્ષર કરવાની વાત કરી એમાં તો તારા દશે દિશામાં દોડતા દિમાગના અઢારે ઘોડા કેમના ટાંટિયાવાળી ને સુમડીમાં કેમ બેસી ગયા..?
તરત જ એક ઘોડો ઉભો થયો અને એ દિશામાં વિચારવા દોડ્યો પાછળ પાછળ બીજા બધા ઘોડા દોડ્યા..!
છેલ્લા સાત આઠ વર્ષમાં લાખ્ખો શબ્દો ટાઈપ કર્યા અનેકો અનેકો લોકોએ વાંચ્યો અરે અભિયાન
જેવા માતબર મેગેઝીન જેને વાંચી વાંચીને મોટા થયા છીએ એવા મેગેઝીનમાં કેટલા બધા મારા બ્લોગ છપાયા,
પણ હવે જો આ જ વાત મારા સ્વર્ગવાસી થઇ ગયેલા શિક્ષકો ને ખબર પડે તો..?
સ્વર્ગમાંથી કુદકો મારી ને ક્યાંક અંતરીક્ષમાં પડતા મુકે .. યે દુનિયા યે મેહફીલ મેરે કામ કી નહિ.. અરે યે દુનિયા, વો દુનિયા નહિ ,ઉપર નીચે ક્યાંય કોઈ દુનિયા એમના કામની ના રહે …!
ભરોસો ઉઠી જાય એમનો મર્યા પછી કે પેહલાની જિંદગી ઉપરનો..!!
“આ પાકિસ્તાનના લશ્કર જેવા અક્ષરવાળો શૈશવ લખે અને એ લોકો વાંચે એમ ..? એકેય સીધી લીટીમાં જાય નહિ ..! ”
ઘોર કળિયુગ ..!!
ભયંકર ખરાબ મારા અક્ષરો ..! ઘણી બધી વાર એવું થાય કે મારું લખેલું હું ના ઉકેલી શકું એટલે મમ્મી ને પૂછવા જવું પડે, હેં મમ્મી મેં આ શું લખ્યું હશે ? અને મમ્મી ઉકેલી આપે મારું લખેલું ..!!
હા ભાઈ ડોક્ટરના અક્ષર કેમિસ્ટ ઉકેલે તો ડોક્ટર પોતે તો ઉકેલી જ આપે ને..!! જો કે મારી મમ્મીના અક્ષર મોતીના દાણા જેવા ,એક એક અક્ષરનો સુંદર મરોડ અને છતાં પણ એ ડોક્ટર ..! જયારે પપ્પાના અક્ષર મોડરેટ, એમનું પ્રિસ્ક્રીપ્શન કેમિસ્ટ અને બીજા ડોક્ટર ઉકેલે ખરા, ત્રેપન વર્ષમાં કોઈને અક્ષર ને લીધે ભળતી દવા નથી મળી ..!!
બહુ ગાળો પડી છે જીવનભર મને ખરાબ અક્ષરો માટે, આજે અફસોસ થાય છે કે આ કી-બોર્ડ જીવનમાં વેહલું મળ્યું હોત તો જીવનમાં આટલી બધી ઝીલ્લ્ત જે ભોગવી એ ના ભોગવવી પડતે ..!
જો કે આજ ની શિક્ષણ પધ્ધતિમાં ખરાબ અક્ષર ને પેન પેન્સિલ કેમ પકડાવી એની ઉપરનું જોર ઘટી ગયું છે ,પણ મને યાદ છે કે મારી પેન પકડવાની સ્ટાઈલ કૈક જુદી જ હતી અને ડોક્ટર કપલનું પેહલું સંતાન હોવાને લીધે મને દરેક વ્યક્તિએ ભણાવી જ લેવો હતો અને મને ડોક્ટર બનવી જ લેવો હતો..!
જબ્બર પ્રેશર થતું મારી ઉપર.. નાનો હતો ત્યારે અક્ષર સુધારવાની સ્પેશીયલ સ્લેટ મારા માટે લોકો લાવતા , કાચની સ્લેટ હોય જેમાં અક્ષર કોતરેલા હોય અને મારે એની ઉપર ઘૂંટ્યા કરવાનું ..!
બીજા ત્રીજા ધોરણના એ પ્રેશર મને અત્યારે પણ યાદ છે મારી સાથે મારો હાથ પકડીને પેન સરખી પકડાવવાના પ્રયત્નો થયા ટીચર ખોળામાં બેસાડી ની પાટી પેન લઈને મને “સુધારવાની” કોશિશ કરતા ,અને છેવટે હું હારી જતો ..!!
બીજા ત્રીજા ધોરણનું પ્રેશર આજે પણ યાદ છે એટલે વિચાર કરો કે કેવો દબાવ્યો હશે મને ?
યાદ કરું છું અત્યારે કે કોણે કોણે પ્રેશર નાખ્યા હતા મારી ઉપર અક્ષર સુધરવા માટે ? તો એક જ જવાબ આવે છે આ બાવન વર્ષે, કોણ બાકી રહી ગયું હતું..?
ક્યાંય સુધી એક જ વાત આવતી ,તારા અક્ષર તો જો કોણ માર્ક આપે તને શૈશવ ?
એમસીકયુ દસમાં ધોરણમાં સાલ ૧૯૮૫માં પેહલીવાર ખાલી ત્રીસ માર્કના આવ્યા સો માર્કના પેપરમાંથી , ત્યારે મારા માસ્તરોને હાશ થઇ , ચાલો આ ત્રીસ માર્ક તો શૈશવ રોકડા કરી લેશે બાકી નું જોયું જશે..!!
ભણવું હતું મારે પણ કદાચ એ અક્ષરો સુધરવા પાછળની આંધળી પળોજણ એ રસ ઉડાડી દીધો હતો, જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ નફફટ થતો ગયો અને પછી તો નઘરોળ ,
સાયન્સ લીધેલું એટલે પ્રેક્ટીકલ આવે, ભયંકર ગમે..! અને આજે પણ લેબોરેટરી એ મારી ગમતી જગ્યા છે ,થીયરી વાંચવી ગમે છે પણ લખવાનું આવે તો હાંજા ગગડી જાય..!!
બારમાં ધોરણમાં દેડકા ચીરવાના આવ્યા લોકો ને છ કે સાત દેડકા કાપતા દમ ઘૂંટાય અહિયાં તો નહિ નહિ તો ય વીસ પચ્ચીસ લઈને ખોલી નાખ્યા..!
કોઈ ને પણ ગમે તે તંત્રમાં સમજણના પડે તો હેન્ડ લ્યા એમાં હતું શું ફટાફટ ડીસેક્શન બોક્સ ખોલીને એક દેડકું ઊંધું પાડીને ખોલી નાખવાનું..!
મારી દિકરી જયારે ફર્સ્ટ ઈયર મેડીકલમાં ગઈ ત્યારે સ્ટ્રીકટ સુચના હતી કે ડીસેક્શન વખતે સ્કાલપેલ તારા જ હાથમાં હોવો જોઈએ જીવનમાં એક જ વાર મરેલું પેશન્ટ મળશે પછી તો જીવતું જ મળશે એટલે ભૂલ કરવાની તક આ એક જ વાર મળશે તને જીવનમાં ,પછી ભૂલ કરી તો પેશન્ટ ઉકલી જાય..!!
એ જ રીતે ફીઝીક્સ કે કેમેસ્ટ્રી, પ્રેક્ટીકલમાં ધડબડાટી, પણ એમાં પણ જ્યારે જર્નલ લખવાની આવે ત્યારે ત્રાસ ..!! રીતસર ઘસી મારતો લખવાનું નહિ..!
જો કે ખરાબ અક્ષરને ગોળી મારી ને પેહલા કોરી ધાક્કોર સાબરમતીની રેતીમાં ઘણા વહાણ હંકાર્યા અને હવે ઉધાર ને સિંદુરે સોહાગણ દિસતી સાબરમતીમાં ના પાણીમાં સપનાના સી પ્લેન ઉડાડીએ છીએ..!!
જયારે જ્યારે મોકો મળે છે ત્યારે ત્યારે ચીસો પાડી પાડી ને કહું છું કે કોલેજોની લેબોરેટરીઓ ને ઉદ્યોગો માટે ખુલ્લી મૂકી અક્કલમઠઠ્ઠાઓ પણ ગરીબનું કીધું ભિખારીઓ માને ખરા ?
જેમ અમારી આખી પેઢી ને અક્ષર સુધરવા પાછળ બરબાદ કરી અને પછી જ્યારથી કી બોર્ડ આવ્યા ત્યાર પછી આઈટીની ક્રાંતિ આવી, એમ આખી પેઢી હજી ઘસી મારશે પછી કોલેજોમાં ઉદ્યોગો ને એક્સેસ અપાશે..!!
હજી તો ભવનો બાંધે યુનિવર્સીટીઓમાં ,અલ્યા પિત્તળયાબંબાઓ લેબોરેટરી બાંધો લેબોરેટરી ..!!
બાય ધ વે .. “અક્કલમઠઠ્ઠા”, “ગરીબ નું કીધું ભિખારીઓ”, “પિત્તળયાબંબા”…
આ તમામ શબ્દો સાથે પરિચય મારા સુજ્ઞ સન્માનીય સ્વર્ગવાસી શિક્ષકોએ કરાવેલો છે, માટે અહિયાં વાપર્યા છે..!!
ચલો અપની તો જૈસે તેસે કટ જાયેગી .. પણ આગે વાલો ક્યા હોગા જનાબે આલી..?
સોચો સોચો..!!
ચાલો આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)