અમર જવાન જ્યોતિ ને શિફ્ટ કરવામાં આવશે..!!
શું ખોટું છે ? સદીઓથી ઈરાનમાં જલતી પારસી બંધુઓની આતશ ને ઉદવાડા લાવવી પડતી હોય વાયા સંજાણ બંદર તો આ તો હજી પચાસ વર્ષ પેહલા જ જલાવાયેલી જ્યોત છે અને એ પણ સો એ સો ટકા કોલોનિયલ સ્ટ્રક્ચરની નીચે છે તો એમાં ખોટું શું છે ?
ક્યાં સુધી જુના કોલોનિયલ સ્ટ્રક્ચર કે પછી મુઘલ કે ઇસ્લામિક સ્ટ્રક્ચરને ભારત દેશના માનબિંદુ બનાવીને રાખવાના છે ?
મને તો આશ્ચર્ય એ વાતનું થાય કે નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ લાલ કિલ્લાની પ્રાચીર ઉપર ૧૫ ઓગસ્ટે ભાષણ આપવા અને ઝંડો ફરકાવવા શા માટે જાય છે ? અને હજી ક્યાં સુધી જશે ? આ પરંપરા ને તિલાંજલિ ક્યારે ?
જો સેન્ટ્રલ વિસ્ટાનો પ્રોજેક્ટ સમયસર પૂરો થઇ જવાનો હોય તો ૨૦૨૪ પેહલા ત્યાં જ ક્યાંક એવું માનબિંદુ ઉભું થવું જોઈએ કે જ્યાંથી ભવિષ્યમાં આવનારી પેઢીના પ્રધાનમંત્રી ૧૫ ઓગસ્ટે ભાષણ આપે..!!
લાલ કિલ્લો હોય કે આજ નું સંસદભવન કે રાયસીના હિલ્સ આ તમામ વસ્તુઓ ગુલામી નું પ્રતિક છે, તો પછી હવે એને છોડો કશું જ ખોટું નથી તેમાં..!!
આવનારી નવી પેઢીને ગર્વ થાય એવું કૈક સ્ટ્રક્ચર દિલ્લીની છાતી ઉપર આઝાદીના ૭૫માં વર્ષે પણ ના ઉભું કરી શક્યા હોઈએ તો ધોળામાં ધૂળ પડી..!!
આજકાલ અમર જવાન જ્યોતિ બુઝાવી દેવાશે એવા શબ્દો પ્રયોગ થાય છે, કમ્પ્લીટ નાલાયકી જ કેહવાય ..!!
હું ચોક્કસ ઈચ્છું કે એક બહુ મોટો સમારંભ થાય અને અત્યંતમાનપૂર્વક અમર જવાન જ્યોતિ ને આખા દિલ્લી શેહરમાં ફેરવી અને પછી નવી જગ્યાએ પ્રસ્થાપિત કરવી જોઈએ,
અનેરો અવસર છે માભોમ માટે મરી ફિટેલા સપૂતો ના માનમાં જલતી જ્યોતિ ને સલ્તનતે બર્તાનીયાની છાયામાંથી દૂર કરી અને પોતાના લોકો વડે બનાવાયેલા સ્મારકમાં સ્થાપિત કરવાનો..!!
એક નાનકડું ઉદાહરણ આપું શેઠીયા-ગુલામી દિમાગનું..!!
જુના જમાનાના બહુ મોટા શેઠ એમને ત્યાં એક વાણોતર, વાણોતર નો દિકરો ભણવામાં હોશિયાર, શેઠને હૈયે રામ વસ્યા અને છોકરા ને સારું એવું ભણાવી દીધો , સીએ થઇ ગયો , વાણોતરની ત્રીજી પેઢી પણ ઘણું ભણી ગણી ને સેટ થઇ ગઈ, કાળક્રમે શેઠજી ગુજરી ગયા અને ચકરડું ફર્યું શેઠનો વસ્તાર રોડ ઉપર આવી ગયો, વાણોતરકાકા ને ખબર પડી તાત્કાલિક શેઠના પૌત્રને પોતાના દિકરાને નોકરીએ મુકાવ્યો ..!
હવે પેલું શેઠનું સાપોલીયું હખણું ના રહે , આખા સ્ટાફમાં બોલતું ફરે મારા દાદાએ ભણાવ્યા અને આમના બાપા મારા દાદા ને ત્યાં વાણોતર હતા..!
થોડો સમય ચલાવી લીધું ,પછી પેલો રીતસરનો બળવો કરે દરેક કામમાં આડો ચાલે ,છેવટે એક દિવસ કાઢી મુક્યો એને ,
બીજા દિવસે એનો પપ્પો રાવ લઈને વાણોતરકાકા પાસે પોહચ્યો એટલે કાકાએ એક ટૂંકમાં સમજાવ્યો કે તારા બાપાને ત્યાં હું નોકરી કરતો ને ત્યારે એ કહે ને તેમ હું કરતો ,તારા છોકરાને સમજાવજે કે હવે એના દાદા છે નહિ અને એ શેઠ નો પૌત્ર નથી ,એટલે મારા છોકરાને ત્યાં કામ કરવું હોય તો એ કહે તેમ એણે કરવું પડશે બાકી રહી વાત તમારા બાપાએ મારા છોકરાની ફી ભરી હતી તો મારા છોકરા ને કહી દઉં છું કે શેઠના તમામ વારસદારોની આજથી ફી અમે ભરી ભરી દઈશું ..!!
આપણી ફી ભરી હોય કોઈએ તો એનું માનમોભો સાચવીએ, વેળા-કવેળા સાચવીએ પણ પછી ત્રીજી પેઢી પ્રીમીયમ માંગે કે હું કહું એમ તારો ધંધો ચલાવ તો ક્યાંથી મેળ બેસે ?
બહુ થયું હવે ..! ઘણા પ્રયત્નો થયા કે આખરી મુઘલના અવશેષો રંગુનથી અહિયાં લઇ આવીએ,૧૮૫૭માં ખભે ખભા મિલાવીને લડ્યા હતા, તર્પણ કરીએ તો કઈ ખોટું નથી ,પણ પછી બાકી બધાને મહાન બનાવવાના અને હજી એમની પાંચમી સાતમી પેઢી લાલ કિલ્લા ઉપર દાવો કરે અને ઝીલ્લે ઇલાહી બનવાની વાર્તા કરે એ ખોટી છે..!!
જમનાજીમાં ઘણા પાણી વહી ગયા હવે..!!
ભૂતકાળ , ઈતિહાસ અને પત્થરો જોડે મને સખ્ખત પ્રેમ છે, ક્યાંય પણ ગયો હોઉં અને સમય સેહજ પણ મળે તો જે તે જગ્યાની જુનામાં જૂની જગ્યાએ ઘુસી જવું ગમે, પણ એક ટુરીસ્ટ તરીકે બસ ..!
ભારતમાં જેટલા પણ કોલોનિયલ સ્ટ્રક્ચર અને બીજા જે કોઈ કિલ્લા કે મેહલો ઉભા છે એ બધા હવે ટુરિસ્ટ પ્લેસથી વિશેષ ના હોવા જોઈએ..!!
અનંત અંબાણીના લગ્ન માટે લાલ કિલ્લો ભાડે અપાય અને દિવાને ખાસમાં સંગીતની મેહફીલ સજે અને દિવાને આમમાં રીશેપ્શન થાય તો એમાં ખોટું શું છે ?
ઉદયપુરથી લઈને ઘણા બધા રજવાડાના પેલેસ હવે પ્રસંગોમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે..!!
એક બીજી વાત પણ થઇ રહી છે કે પોતાનું નામ રાખવા માટેની આ બધી ચેષ્ટા છે , તો ભાઈ મારા દિલ્લી ઉર્ફે હસ્તિનાપુર ઉર્ફે ઇન્દ્રપ્રસ્થ ની ધરતીમાં જ એવું છે, દરેક ને દિલ્લીની છાતી ઉપર મિનાર ઉભા કરવા હોય છે , દિલ્લી સુધી ના પોહચી શકનારા નોઇડામાં મોટા મોટા પાર્ક ઉભા કરે છે અને જીવતે જીવત જ પુતળા ઉભા કરી મુકે છે..!!
જરાક પણ નવાઈ નથી , અને એ પ્રથા પણ કોણે સેટ કરી ? શું કરવા રોડ રસ્તાના નામથી લઈને પુલો ને બધે આ પંચોતેર વર્ષમાં નામો ઠોક્યા ..?
ગાંધીનગરની જેમ ઘ-રોડ
ને ચ-રોડ
ને ક-રોડ
કરવા હતા ને ..!!
જુનું જુનું પૂરું કરો હવે , અને હા એલિસબ્રિજ ને હવે ઉતારી ને એની જગ્યાએ નવો પુલ બાંધી દો , અંગ્રેજોએ પણ આવા હજારો પુલ તોડી ને નવા પુલ બાંધી મુક્યા , દોઢસો બસ્સો વર્ષ જૂની વસ્તુ ને હેરીટેજ કરી કરી ને મૂકી ના રખાય અને એ પણ આવા ભર ટ્રાફિકની વચ્ચે..!!
અરે હા પ્રેમાભાઈ હોલ નો શું વહીવટ છે ? એનો ઘડો લાડવો પાછો ના કરી નાખતા બી.વી.દોશી ડીઝાઈન છે , સરખો રીનોવેટ કરીને કોઈ રચનાત્મક કામ માટે ઉપયોગમાં લઇ શકાય તેમ છે એનું પાર્કિંગ રીવર ફ્રન્ટે આપી અને પેલી ઇલેક્ટ્રિક રીક્ષાઓ મુકો તો પાછો ઉપયોગમાં લઇ શકાય તેવું બેસે છે..!!
કરો કરો નવરું જુનું થાય એટલું ..
સંઘરેલા સાપ કામમાં આવશે એમ કરી કરી ને એકલા સાપ ભેગા ના કરાય..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)