અલગ થલગ પડતી જતી દુનિયા..
કોરોનાનું કોગળિયું આગળ વધી રહ્યું છે, વાઈરસને જરાક પણ નથી પડી કે સિંધિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા કે નથી પડી શાહીન બાગની..!!
કેવો વિચિત્ર વાઈરસ છે નથી અર્ણવ ના ઘાંટા ને ગાંઠતો કે નથી ઓવેસી ને ..!
વાઈરસ રાષ્ટ્રવાદ કે કોમવાદ ઉપર ચર્ચા પણ કરવા પણ તૈયાર નથી , બસ મરણીયો થઇ ને દુનિયા ઉપર તૂટી પડ્યો છે એક જ વાત છે આ વાઈરસ જોડે “મરું કે મારું” ..
ગુજરાતી છાપા વાસી થઇ ગયા આજે, ભારત સરકારે તમામ વિઝા રદ્દ કર્યા છે ૧૩મી ની મધરાતથી ભારતના દરવાજા બંધ થશે..!!!
રા` ખેંગાર નો ગઢ જેટલા વર્ષ બંધ રહ્યો એનાં થી વધારે દિવસો ભારત નામનો દેશ બંધ રેહશે છેક ૧૫ મી એપ્રિલ સુધી બંધ ..!!!
કોરોનાનું કોગળિયું બહુ મોંઘુ પડી રહ્યું છે દુનિયા આખી ને..
આ નિર્ણય નો સાદો મતલબ એવો થયો કે ભારતમાં કોઈ બહારથી આવી શકશે નહિ જહાજો ખાલી આવશે અને ભરેલા પાછા જશે, પણ આવશે તો ખાલી..!!
એરલાઈન્સ ઇન્ડસટ્રીઝ ની પછી કયારેક, પણ સમાજિક અસરો બહુ ભારે પડશે .. જો ૧૫ એપ્રિલથી આગળ આ પ્રતિબંધ લંબાયો તો..
બીજી તરફ છૂટકો પણ નથી , કોરોના એકવાર દેશમાં ઘુસ્યો તો ચીન દેશની જેમ સજ્જડ રીતે આપણે શેહરો ના શેહરો બંધ કરી શકીએ તેમ નથી અને આપણી અંદર ની રહેલી વાનરવૃત્તિ એ કરવા દે તેમ નથી ..!!
બહુ ખતરનાક પરિસ્થિતિ નું નિર્માણ થઇ રહ્યું છે ગ્લોબલ વિલેજ નામની પરિકલ્પના એક જ કોગળિયું આવ્યું એમાં કકડભૂસ થઇ ગઈ , છોકરાઓ ને ગ્લોબલ સીટીઝન બનાવવા મથી રહેલા લોકોના સપના ઉપર લાગેલી બ્રેક છે..!!
એક સાવ તુચ્છ પ્રકાર નો જીવ આજે માણસજાત ને રંજાડ આપી રહ્યો છે..!!
માણસજાતના જોયેલા સપના કકડભૂસ થઇ રહ્યા છે, એક તરફ અવકાશમાં સ્પેસસ્ટેશનમાં ઉગાડાયેલી લેટ્સ ના ફોટા આવે છે અને બીજી તરફ એક પછી એક દેશ ધીમે ધીમે પોતાના નાગરીકો ને ઘર ભેગા કરી ને પોતાના દરવાજા બંધ કરી રહ્યા છે..!!
વિધિ ની વિડંબણા જુવો..!!
૧૩મી તારીખ મધરાત પછી દેશમાં ઉભા થનારા કકળાટ ની કલ્પના નથી થતી..!!
લાગણીઓના ઘોડાપૂર ઉમટશે , પણ કંટ્રોલ રાખવો જ પડશે પણ બીજો કોઈ રસ્તો નથી આખા દેશ ને કોરોનાના કોગળીયા થી બચાવવા નો..!!
ભારત સરકાર અભિનંદન ને પાત્ર છે આવો આગમચેતી ભર્યા નિર્ણય લેવા ને બદલ..!
જીવતો નર ભદ્રા પામે ..!!
વૈશ્વિક મહામારી જાહેર થઇ છે કોરોના , ભારત અનેકો અનેક મહામારીમાંથી પસાર થયું છે , થોડુક આપણા જીનેટીક્સમાં ક્યાંક મહામારી સામે કેમ લડવું એ પણ છે ,સેહજ અંદર ડોકિયું કરવાની જરૂર છે..!
જૈન મુની બનવું પડે ..નાક મોઢા ઉપર લાગેલી મુપત્તી વાઈરસ બહાર ફેલાવા ના દે અને અંદર આવવા પણ ના દે , ઓછું અને માપનું ખાવું જેથી બીજા કોઈ પ્રોબ્લેમ ના થાય જેવા કે ઝાડા ઉલટી , કાચા પાણી નો ત્યાગ અને ઉકાળેલું પાણી પીવું અહિયાં પણ પાણીજન્ય બેક્ટેરિયાથી થતા રોગથી બચી શકાય છે ,તિથિઓ પાળવી જેથી શરીરમાં પ્રોટીનની માત્રા જળવાઈ રહે..!!
વાહન નો ત્યાગ કરવો .. બીજી કોઈ કસરત ના થાય પણ ચાલવાની થાય એટલે શરીર પોતે જ ચુસ્ત રહે અને સૌથી મોટી વાત એ કે તડકો શરીર ને મળે જે વાઈરસ ને તત્કાળ મારવા સક્ષમ છે ..!! રાત્રે વાઈરસ પ્રકોપ વધે એટલે વિહાર દિવસ દરમ્યાન જ કરવા નો..!
ભારતભૂમિ ઉપર જન્મેલા લગભગ બધા જ ધર્મોમાં કોઇપણ મહામારી ની સામે કેમ લડવું એની ગાઈડલાઈન્સ આપેલી જ છે , છેલ્લા હજાર બારસો વર્ષમાં લખાયેલા પુસ્તકો અને જેને ધાર્મિક પુસ્તક ગણી અને સેવાપૂજા થઇ રહી છે એમાં મહામારી સામે કેવી રીતે લડવું એનો ઉલ્લેખ કદાચ ઓછો છે ,
જો કે આપણા દેશમાં તો કોઈ એક ધર્મ નું નામ લઈને કશું કહો એટલે હું તો મરું અને તને રાંડ કરું એવા ઝનુન ચાલુ થઇ જાય..!! એટલે સરકાર જ એક ગાઈડલાઈન બહાર પાડે અને પેહલા સુપ્રીમકોર્ટના જજો પાસેથી પાસ કરાવી લ્યે કે આમાં પાણીમાંથી કોઈ પોરો તો નહિ કાઢો ને માનનીય જજ સાહેબ ? તો હવે દેશના નાગરીકો ને આ ગાઈડલાઈન્સ ફોલો કરવાનું કહીએ છીએ..!!
ધરમૂળમાંથી ઘણી બધી જીવનશૈલીઓ બદલવાના દિવસો આવશે જો આ કોગળિયું આગળ વધ્યું તો..!!
ઉપવસ્ત્ર એની ઉપર વસ્ત્ર અને એની ઉપર પણ વસ્ત્ર પેહરી ને ફરવા માં તડકો નામે શરીર ને નથી અડતો એવા સંજોગોમાં વાઈરસ વધારે હેરાન કરી જાય ભારતભૂમિ ઉપર..
ભારતભૂમિ પર શરીર ને આટલું બધું ઢાંકી ને જીવવાનો રીવાજ નોહતો.. ગોઠણથી ઉંચી ધોતી કે લુંગી અને ઉપરના ભાગે એકમાત્ર સીવ્યા વિનાનું કપડું ,સ્ત્રીઓ ઘાઘરો ચોલી અને ઉપર પાતળું ઓઢણું ,પણ આતતાયીઓ ની વિષય વાસના ભરી નજરો એ મર્યાદાના નામે ઘણા બધા વસ્ત્રો શરીર પર નાખવા મજબુર કર્યા..!!
એક વધુ પરમસત્ય .. માણસજાત સિવાયની આખી સૃષ્ટિ નગ્ન અવસ્થામાં જીવે છે..! અને એ બધા જ એમની રીતે એમના ખાનપાન શોધી અને જીવી રહ્યા છે અને વાઈરસ હોય કે બેક્ટેરિયાની સામે લડી ને પોતાના વંશવેલા આગળ વધારી રહ્યા છે ..!!
આપણે જુદા જુદા સમાજો નું નિર્માણ કરી અને સંસ્કૃતિઓ ને જન્મ આપ્યો ..નખ્ખોદ વાળ્યું.. સભ્ય થયા કે અસભ્ય એ પણ ચર્ચા નો વિષય છે..
મારી કિશોરવસ્થામાં બસ્તરની ગુફાઓમાં અને ભીમબેટકામાં દસેક હજાર વર્ષ જુના દોરેલા ભીંતચિત્રો યાદ આવી રહ્યા છે તમામ પ્રકારની માનવજીવન સાથે જોડાયેલી ક્રિયાઓ ના ચિત્રો દોરેલા હતા ,અગ્નિ કેવી રીતે પેટાવવો , પ્રજનન ની ક્રિયા થી લઇ ને પ્રસવ સુધી ની અને બીજી ઘણી બધી રોજીંદી ક્રિયાઓ ના ચિત્રો જોયા હતા ..
અનાયાસે મેં ગાઈડ ને પૂછ્યું કે આ બધા ભીતચિત્રો દોરવા પાછળ નું કારણ શું ? વોઝ ધેટ ફોર ફન ? ઓર સમ પર્પઝ ?
સરજી યે બિલકુલ મઝે કરને કે લિયે નહિ બનાયે ગયે થે , વો ઝમાને મેં મહામારીયા ફેલતી થી ઔર ઉસમેં પૂરે કે પૂરે કબીલે સાફ હો જાતે થે સિર્ફ થોડે બચ્ચે બચ જાતે થે ઔર વો બચ્ચે ફિર સે અપની જિંદગી શુરુ કર સકે ઇસીલીએ યે સબ ચિત્ર બનાયે ગયે હૈ ..
યે ચિત્રલીપી હૈ , સમજ સકો તો એક ભાષા હૈ ,જીવન જીને કી રીત સિખાઈ ગઈ હૈ .. મનુષ્ય કો હી ઇસ સંસાર કો આગે બઢાના હોતા હૈ યે બાત વો લોગ ભી અચ્છી તરહ સે જાનતે થે..!!
ક્યારેક રેશનલીસ્ટ પણ થવું પડે આટલા બધા ઉપરવાળામાંથી એકેય સાક્ષાત આવતો નથી એટલે આપણી લડાઈ આપણે જાતે લડવી રહી ,
શીખવાડ્યું છે ક્યારેય તમે કે મેં આપણા સંતાનો ને કે શીખ્યા છીએ ક્યારેય માંબાપ પાસેથી કોગળીયા સામે કેમ લડવું અને જીવવું ?
નથી શીખ્યા ને .. નજર દોડાવો આજુબાજુ સંતાનો જોડે વાત કરો અને સમજાવો ભગવાન કરે ને સો વર્ષના બધાય થઈએ ,ગભરાઈ એ નહિ પણ આદિ ગુફા માનવ પાસેથી એટલું તો શીખીએ કે આવનારી પેઢી ને જીવન કેમ જીવવું એ શીખવાડીએ..!!
મોબાઈલ માંથી માથું કાઢો અને પૂર્વજો ના સંઘર્ષ કહો અને મહામારી ઉર્ફે કોગળિયું થી બચવાના રસ્તા શીખવાડો અને શીખો..
હું પણ પ્રયત્ન કરું છું ..
પરદેસ રેહતા છોકરાઓના માંબાપ એ વિઝા પ્રતિબંધ આગળ લંબાય તો પણ આકળા વિકળા થવા ની જરૂર નથી પોપટ ત્યાં પણ સરોવરની પાળે અને આંબા ની ડાળે જ છે , વોટ્સ એપ વિડીઓ કોલ દસ મિનીટ વધારે કરજો આ વર્ષે એ ના આવ્યો કે આવી તો આવતીસાલ તમે બંને જોડે જતા રેહજો ટીકીટના બચ્યા છે તો , ધીરજ રાખજો ફરી એકવાર ચેતતો નર સદા સુખી..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)