Amari Reva
હમણાં ઇકોનોમિક ટાઈમ્સવાળા બેહન બોલ્યા કે ઈવી ઉર્ફે ઈલેક્ટ્રીકલ વેહિકલને પ્રમોટ કરવા માટે સરકાર પેટ્રોલ ડીઝલ ઉપર એક પર્સન્ટ સેસ નાખશે..
નાખો સાહેબ નાખો ..
સત્તર સત્તર વર્ષથી સાંભળું છું કે ઈવી ને પ્રમોટ કરવા સરકાર પોલીસી બનાવી રહી છે ,પણ એકેય સરકારે હજી સુધી કોઈ જ નક્કર પગલું લીધું નથી..
જો કે દરેક વખતે જે ને તે વસ્તુ માટે પેટ્રોલ અને ડીઝલ ઉપર સેસ નાખ્યા કરે એ ડોબા નાણામંત્રીની નિશાની છે ,પણ આપણા થી એવું થોડું કેહવાય ..?
પણ યાર ઈવી માટે તો આપણે તૈયાર છીએ ..
લગભગ પંદર વર્ષ પેહલા અમે એક ઈવી નામે રેવા , એવું રમકડું અમારા ઘરમાં લાવ્યા અને એનો યુઝએક્સ (યુઝર એક્સપીરીયન્સ ) શેર કરું તો બોસ મોજ પડી ગઈ હતી..
પાપાએ સાત વર્ષ રેવા વાપરી અને લગભગ એક લાખ કિલોમીટર ફેરવી…હા જી એક લાખ કિલોમીટર.. આખા ખાનપુર ને આજે પણ દાકતર વોરા સાહેબ ની પીળી રેવા યાદ છે..વેચી માર્યા ને પણ સાત વર્ષ થયા તો પણ..
મારે એ સમયમાં બેંગ્લોર જવાનું ઘણું થતું અને ત્યારે મને રેવા જોઈ ને હૈયા માં કાંઈ કાંઈ થાય ..
રેવા નો શો રૂમ જેવો અમદાવાદમાં ખુલ્યો અને એ ભેગો હું ત્યાં પોહચી ગયો..
અને ત્યારે મારા જેવા માટે ત્યારે સૌથી લ્યુક્રેટીવ વસ્તુ હતી એ ૮૦ ટકા ડેપ્રીશેશન ..
ઈવી જો તમે સપ્ટેમ્બર પેહલા લ્યો તો જે તે નાણાકીય વર્ષમાં ૮૦ % ડેપ્રીશેશન મળે.. લગભગ સાડા ચાર લાખના એશી ટકા,એ વખતે તો ટેક્ષના સ્લેબ પણ ઊંચા એટલે મારે માટે તો ગોળ નું ગાડું હતું..!!
૨૪ મે ની પપ્પાની બર્થડે હતી,એટલે આપણે સરપ્રાઈઝ માં ઘેર એમના માટે રેવા નામનું ટબુક્લું લેતા આવ્યા…એ રાત્રે અમે બે અમારા બે નાનકડા બાળ ગોપાળો લઈને ઉપડ્યા નવરંગપુરા મ્યુનીસીપલ માર્કેટ..
મ્યુનીસીપલ માર્કેટમાં રેવા નામનું ટબુક્લું જોઇને અમદાવાદ નામે ગામ ઘેલું થયું, લોકો રેવાને ફરતે આંટા મારે કોઈ હાથ ફેરવે..અમદાવાદ માટે નવી ગાડી હતી.. અમારા ટેણીયાઓ ને મજા પડી ગઈ ખુશ ખુશ..
વીસેક મિનીટ રહી ને એક નવી નક્કોર હોન્ડાની સીઆરવી છોડાવી ને આવેલો એક હીરો મારી પાસે આવ્યો ..મને પૂછે બોસ કેટલા ની પડી ..મેં કીધું સાડા ચારની ..હીરો માથું ખંજવાળે અને બોલ્યો મારી તો સાડા ચૌદ લાખ ની છે..
હીરો ને સમસ્યા એ થઇ ગઈ કે એની સાડા ચૌદ લાખની ગાડી ને બાજુ પર મૂકી ને ગામ સાડા ચાર લાખની ગાડી પાછળ ગાંડું થયું હતું..
મેં કીધું ગાડીની અદલાબદલી કરવી હોય તો બોલો ભાઈ મને વાંધો નથી..!!
આ મારો પેહ્લો ઇલેક્ટ્રિક વેહિકલ રેવા નો એક્સપીરીયન્સ..
પછી થોડા સમયમાં આઠ-દસ રેવા અમદાવાદમાં ફરતી થઇ..
પણ ઈવી નો એક મોટો ડ્રો-બેક અમને પુષ્કળ હેરાન કરી ગયો..
અત્યારે પણ આપણને ઈવી ના સપના દેખાડતી સરકારો નેધરલેંડ અને યુરોપ ના બીજા દેશોના ફોટા દેખાડે છે અને સપના દેખાડે છે..ઠેર ઠેર ચાર્જીંગ સ્ટેશન ઉભા કરીશું અને મફતમાં ચાર્જીંગ કરી આપીશું અને પોલ્યુશન ઘટાડી દઈશું ..
હવે અમુક વસ્તુ છે ને યુરોપ માં જ ચાલે અને સકસેસ જાય ,એ બધું ભારતમાં નાં ચાલે.. ઈવીનું પણ એવું છે..
ઈવી જેવું જ બીજું ઉદાહરણ છે સોલાર,
સોલાર સોલાર કરીને બહુ ઉપાડો લીધો ,હવે નાખેલી સોલાર પેનલો પૂરું પ્રોડક્શન જ નથી આપતી.. સોલાર પેનલો ઉપર ધૂળ જામી જાય છે એટલે સોલાર પેનલો રોજ ધોવી પડે તો ૧૦૦ ટકા આઉટ પુટ આપે બાકી તો હરી હરી..
અને રોજ સવારે કોણ એ સોલાર પેનલો ધોવા જાય ?
ઈવી માં પણ આવો જ દાવ છે..
કોઈ પણ ઇલેક્ટ્રિક વેહિકલ એની બેટરી ઉપર જ મુસ્તાક હોય છે, અને ફીઝીક્સ અને કેમેસ્ટ્રી બંને નો નિયમ છે કે કેમિકલ એનર્જી ઇલેક્ટ્રિક એનર્જી માં ફેરવાય કે ઇલેક્ટ્રિક એનર્જી કેમિકલ એનર્જીમાં ફેરવાય એ બંને હેક્ઝોથર્મિક પ્રક્રિયા છે..
રેવા ના પ્રેમમાં આંધળો થયેલો હું આ સિધ્ધાંત ને ભૂલી ગયો હતો..
અને એ મારી અને મૈની મોટર્સ બંનેના માથાનો દુખાવાનું કારણ બની ગઈ હતી..
અમદાવાદના ભર ઉનાળામાં રોડનું ટેમ્પરેચર ૪૫ ડીગ્રીથી ઉપર હોય અને બપોર પછી રેવા લઈને રોડ પર નીકળો એટલે એની બેટરી જોરદાર ગરમ થાય અને ૫૫ ડીગ્રીએ આખી ગાડી કામ કરતી બંધ થઇ જાય ..એટલે ગાડી નો થઇ જાય ખટારો.. મારો ધક્કા અને સાઈડમાં પાર્ક કરો અને રીક્ષામાં ઘેર આવો..
અને આ જ રીતે ઘરમાં જયારે રાત્રે ચાર્જીંગ માં ગાડી મૂકી હોય ત્યારે ટેમ્પરેચર વધી જાય એટલે બધું બંધ..
હવે આ સમસ્યા રેવા બનાવનારી મૈની મોટર્સ ને બેંગ્લોરમાં ક્યારેય આવી નહિ..કેમ કે બેંગ્લોર હિલ પર વસેલું છે, અને ત્યાં જેવી ગરમી વધે કે તરત જ વરસાદ આવી જાય બેંગ્લોર નું તાપમાન ક્યારે ૩૮ ડીગ્રીથી વધતું જ નથી અને રાત તો એકદમ પ્લેઝન્ટ હોય ..
બસ `સાન્યોરીટા` અહિયાં જ ફસાઈ..બડી બડી દુનિયા મેં છોટી છોટી બાતે હોતી ..સાન્યોરીટા ..
અમદાવાદ અને બેંગ્લોર બંને ના તાપમાન ના ફર્ક ને લીધે મૈની મોટર્સ ત્રાસી..મહિના માં બે ત્રણ વાર ફ્લાઈટમાં સર્વિસ એન્જીનીઅર ને બેંગ્લોરથી ઉડાડી ને અમદાવાદ મોકલવો પડતો અને આખી ગાડી રીસેટ મારવી પડતી , છેવટે દેસી જુગાડ થયો બેટરી ઉપર જેમ કોમ્પ્યુટરના સીપીયુ માં પ્રોસેસર ઉપર એક નાનકડો ફેન મુકવામાં આવે છે, જે પ્રોસેસરને ઠંડું રાખે છે તેમ રેવામાં બેટરી ઉપર એક ફેન મુકવામાં આવ્યો..
આ બેટરી ઉપર ફેન મુક્યા પછી લાઈફ ઇઝી થઇ, પણ તો ય જોર ગરમી પડે તો રેવા જામ થઇ જાય..
એ પછી મહિન્દ્રા એ મૈની મોટર્સ પાસેથી રેવા ખરીદી લીધી અને એક નવું મોડેલ બહાર પાડ્યું પણ કિંમત જબજસ્ત વધારી દીધી છે આજે અમદાવાદમાં ઓન રોડ રેવા લગભગ પોણા આઠ લાખ રૂપિયાની પડે છે ..
અને પોણા આઠ લાખ રૂપિયામાં તો અધ ધ ધ ગાડીઓ ના ઓપ્શન અવેલેબલ છે..અને હજી પણ ગરમીવાળા પ્રોબ્લેમ નું શું સોલ્યુશન છે એ ખબર નથી..
પણ એક વાત ચોક્કસ છે કે ઈવી મોટેભાગે ઠંડા પ્રદેશોમાં જ ચાલે,બહુ ગરમ પ્રદેશમાં ઈવી ના સપના જોવા ખોટા છે..આ એક પ્રેક્ટીકલ વાત છે,
બાકી મને તો ખરેખર રેવા માટે પ્રેમ છે એટલે હું તો જો સાડા પાંચ ની આજુબાજુમાં મળે તો હું આજે પણ લેવા તૈયાર..ઘર ના તબેલા માં ત્રણ ચાર પેટ્રોલીયા અને ડીઝલિયા હોય તો એકાદું ઈવી તો જોઈએ ..
બીજા કારણોમાં ..
એક.. ક્લચ ની ઝંઝટ નહિ બીજું ખુબ નાની કાર ,લો ગાર્ડનની ચીટી બેંક માં ચાલવતા હતા એવી જ ફીલિંગ આવે
બે.. ગમે તેવા ટ્રાફિકમાં થી બાહર ..
ત્રણ.. એની અંદર પણ એસી મસ્ત પાવરફુલ છે
ચાર.. મ્યુઝીક સીસ્ટમ સરસ ..
પાંચ.. બિલકુલ અવાજ કે વાઈબ્રેશન નહિ
છ.. પેટ્રોલ પમ્પ ઉપર જવાનું પણ હવા પુરાવી ને પાછા આવવા નું
સાત.. પેટ્રોલ ગાડીની કમ્પેરીઝનમાં ઘણી સસ્તી પડે ઓઈલ ની કોઈ મગજમારી નહિ
આઠ.. ડેપ્રીશેશન તો ખરું જ
નવ.. કોમ્પેક્ટ સાઈઝ હોવાને લીધે પાર્કિંગ આસાનીથી મળે અને રીવર્સ કરતા કોઈ ટેન્શન નહિ
અને દસ આ બધા ઉપર મોટું કારણ ..તો મને બહુ ગમે છે…!!
આ મહિન્દ્રા એ મૈની મોટર્સ પાસેથી રેવા ખરીદી લીધા પછી એણે `કુકા` બહુ વધાર્યા છે અને એનું સર્વિસ સ્ટેશન ફૂલ ફ્લેજેડ અમદાવાદમાં છે કે નહિ એ મને ખબર નથી ..
બાકી એટલું તો નક્કી કે હું જીવનમાં ફરી એકવાર ઈવી તો લેવાનો એ નક્કી..જેમ બાઈક ઉપડી આવ્યો તેમ..
જોઈએ હવે સરકાર પોલીસી ક્યારે આપે છે અને મહિન્દ્રા ઓપ્શન કેવા આપે છે એની ઉપર વાત ..
પણ સો વાત ની એક વાત સિટીમાં ફરવા માટે ઈવી એટલે ઈવી..
અને હા ભાઈ બ્લોગ વાંચી ને હલવાઈ ના જતા ..ઘરમાં એકાદ બે બીજા પેટ્રોલીયા કે ડીઝલિયા હોય તો જ ઈવી માં પડાય, બાકી ઈવી લઈને મહુડી પણ ના જવાય પેથાપુર થી જ પાછા આવવું પડે .. ૧૨૫ કિલોમીટર મેક્સ ચાલે..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા