Shukar chandra
ગઈકાલે શુક્ર એ કન્યા રાશીમાં પ્રવેશ કર્યો અને એક મહિના સુધી કન્યા રાશિમાં રેહશે , શુક્ર કન્યા રાશિમાં નીચત્વ ભોગવે , મારી રાશિ કન્યા છે એટલે સેહજ વિચાર થઇ ગયો કે શુક્ર ચન્દ્રની અસર કેવી ? પછી થયું કે છોડ ને યાર એના કરતા આપડું છોડ અને બીજાનું વિચાર..!!
પણ વિચારવાનું તો ખરું જ હોં .. ??
નવરી બજાર .. ?
વિચારતા એવો વિચાર આવ્યો કે સૌથી મજાનું “ઇન્ટરેસ્ટીંગ” કેહવાય એવું શુક્ર જોડે નું કોમ્બીનેશન કયું..?
તો કહે અમુક કુંડળીઓમાં જયારે દેહ સ્થાનમાં શુક્ર આવે અને પછી જોડે ચન્દ્રની યુતિ થયેલી પડી હોય વત્તા એની ઉપર ક્યાંક ક્યાંકથી પેહલી ,ચોથી કે આઠમી દ્રષ્ટિ મંગળ મહારાજ કરતા હોય ત્યારે રૂપ અને યૌવન જે ખીલે ,કે નાં પૂછો ને વાત ..
પછી એ ભાઈ હોય કે બેહન એ સો માં નહિ, સીધા લાખે સોંસરવા જાય ..
ખાલી આવી વ્યક્તિ ની એન્ટ્રી થી મેહફીલમાં જેટલા લોકો હોય એ બધ્ધે બધાય ના એડ્રીનાલિન એકદમ `હાઈ` થઇ જાય, અને એમાંથી જેટલા લોકો સાથે હાય હેલો થાય એ બધા જ પોતાની જાતને કૈક સમજવા માંડે..
આપણને બાળપણથી થોડા ઘણા ખૂબસૂરત શરીરોની વચ્ચે રેહવાનો મોકો મળ્યો છે..
એ બધામાં કોઈક ની કુંડળીમાં એકલો ચન્દ્ર દેહ સ્થાને હોય શુક્ર દ્રષ્ટિ કરતો હોય અને ઉપર રાહુ મહારાજ મંડરાતા હોય ક્યાંક ગુરુ મહારાજ દ્રષ્ટિ કરી દેતા હોય ..
પણ મજા નું એનાલીસીસ આવે..
સ્ત્રી ના ખૂબસૂરત દેહ લાલિત્ય ઉપર સ્ત્રી અને પુરુષો એ ઉભય પક્ષે દુનિયામાં પન્ને પન્ના ભરી ને ઘચ્ડ્યું છે, અને સામે કેટલીક સ્ત્રીઓ પણ હિંમત કરીને પુરુષ ના દેહ અને અંગ ઉપાંગ ની પોતાની હોય એ બધી શક્તિ વાપરીને વર્ણનો કર્યા છે..
પણ ક્યાંક બધા જ વર્ણનો પછી પણ “ઘણું બધું” બાકી રહી જાય છે..
શુક્રની પ્રકૃતિ જ એવી છે..આમ તો આપણે એને દૈત્ય ગુરુ તરીકે ઓળખીએ એટલે વિલન ની કેટેગરીમાં આવે શુક્ર , પણ હું શુક્ર ને વિલન નથી ગણતો..
પંચમહાભૂતના `પંચ` તત્વો અગ્નિ ,પૃથ્વી ,વાયુ ,જળ અને તેજ આ પાંચમાંથી હું શુક્રને તેજ ને આધીન ગણું છું ,અને એ પંચમ તત્વ તેજ એટલે આત્મા..
શુક્ર ને આધ્યાત્મના આત્મબળ નો કારક હું ગણું છું ,જો કોઈની કુંડળીમાં અષ્ટમ સ્થાનને શુક્ર જોડે નો સબંધ હોય તો પછી એ વ્યક્તિ ચોક્કસ એ તેજ રૂપી દૈવત્વની અનુભૂતિ જીવનમાં ક્યારેક તો પામે જ..
શુક્રના ફલાદેશના અર્થઘટન કરતી વખતે મોટાભાગના આચાર્યો શુક્રને વિલાસીતાના ગ્રહ તરીકે જ જોઈ લેતા હોય છે, પણ સાવ એવું નથી..
કુંડળીના અષ્ટમ ભાવમાં ઉચ્ચનો કે સ્વગૃહી થઈને શુક્ર જયારે દેખાય ત્યારે મોટેભાગે એ કુંડળીને વેશ્યાગામી કહી દેવા માં આવે છે, પણ મજાની વાત એ છે કે મોટા મોટા ધર્માચાર્ય અને ગુરુઓ ની કુંડળીમાં આવો યોગ જોવા મળે છે ..
અષ્ટમ ભાવ એ ગુપ્ત સ્થાન ની જોડે આધ્યાત્મ ને પણ કંટ્રોલ કરે છે અને ત્યાં રહેલો તેજ નો કારક “અનુભૂતિ” ચોક્કસ આપે..
મારા કેસમાં હું જયારે આવી કોઈંપણ વ્યક્તિને જોંઉ ત્યારે એનું સામુદ્રિક પેહલા જોઈ લેતો હોઉં છું ,
કુંડળીના ફલાદેશ માં પછી પડું છું, કેમકે કુંડળી સાચી ખોટી હોઈ શકે પણ શરીર તો જે છે તે જ રેહવાનું છે..
શુક્ર મને હમેશા વ્યક્તિની આંખમાં જ દેખાયો છે, કોઇપણ વ્યક્તિની આંખ માં ત્રાટક કરીને એની આંખમાં આવેલા આઈરીશ ને સેહજ ઝીણવટથી જોઈએ એટલે શુક્ર નો પાવર તરત જ દેખાઈ જાય..
ક્યારેક જોરદાર શુક્ર ની જોડે એકદમ અણીયાળું પોઇન્ટેડ નાક હોય અને સ્કીન અસાધારણ સફેદ હોય એટલે હું માની લઉં કે આ વય્ક્તિ શુક્ર ચન્દ્ર અને મંગળ પ્રધાન છે..
અને સામેના પછી એની પાત્રમાં શુક્ર અને ચન્દ્ર તો ચોક્કસ પ્રભાવી હોય, પણ એ સામેનું પાત્ર મોટેભાગે મંગળ નહિ બુધ પ્રધાન નીકળતું હોય છે,
બુધ પ્રધાન વ્યક્તિના નાકના ફોયણા મોટા હોય અને તેની સ્કીન સેહજ શ્યામળી હોય, પણ એની બુદ્ધિ ..!? તો કહે જોરદાર..
એટલે કોમ્બીનેશન પરફેક્ટ બેસે..
મને સિંગલ “ખૂબસૂરત” ઓબ્ઝર્વ કરવા કરતા ખૂબસૂરત કપલ ઓબ્ઝર્વ કરવા વધારે ગમે..
શુક્ર ના પ્રભાવ મનુષ્ય ઉપર જ હોય છે એવું નથી જગ્યાઓ ઉપર પણ એટલા જ હોય છે..
લગભગ છેલ્લા પંદર વર્ષની જીમીંગ લાઈફમાં હું અમદાવાદના ટોપમોસ્ટ જીમમાં રખડ્યો છું , શરૂઆત એક નાના એવા જીમથી કરી હતી ,પણ એક ભૂતપૂર્વ રણજી પ્લેયર એવા મિત્રે મારા કાનમાં ફૂંક મારી કે જીમમાં જવું તો એવા જીમમાં જવું કે જ્યાં પ્રોપર બેલેન્સ કરેલા મશીન હોય નહિ તો પછી ટીપીકલ અખાડામાં જા ..જીમ અને અખાડા નું નાતરું થયું હોય એવા જીમમાં ના જઈશ ,બોડી ની પથારી ફરી જશે , ત્યારે મારી દલીલ હતી કે યાર પછી એ મોટા જીમમાં બધું બ્રાન્ડેડ વાપરવું પડશે..
સામે સ્પષ્ટ જવાબ આવ્યો..અલ્યા તારે ના દારૂ પીવો ના સિગારેટ તો પછી ક્યાંક તો જાત માટે રૂપિયા ખરચ ..
આપણને કરંટ લાગી ગયો અને અમે પંદર વર્ષ પેહલા અમદાવાદના એક અમેરિકન ચેઈન ના જાજરમાન જીમમાં ઘુસ્યા..જ્યાં ફુલ્લ ટોન્ડ બોડીવાળા છોકરા છોકરીઓ વર્ક આઉટ કરતા હોય , છોકરો કાનમાં ચાર પાંચ વાળી પેહરતો અને છોકરીઓ નાભિમાં વાળી પેહરે…
આખા જીમમાં ચારેબાજુ શુક્ર જ શુક્ર ફેલાયેલો હોય અને સમય સમય પર મંગળ પણ ધીમી આંચે પોતાની આગ ફેંકતો હોય..
સવારના સાત વાગ્યે પણ અંધારા થાય, અને લાઈટો ચાલુ કરી અને જીમમાં ડિસ્ક નો માહોલ ઉભો કરાય , આથમી ચુકેલા શુક્રને અંધારા કરીને ફરી એકવાર ઉદિત કરાય …!!
પછી કાન ફાડી નાખે એવું પાશ્ચાત્ય સંગીત અને એના ડીજે ના તાલે યૌવન એરોબીક્સ કરે અને પોણો કલાક માટે ખૂબસૂરત બદનો ખુશ્બુદાર પરસેવા રેલાવે …ખરેખર મન તરબતર થઇ જતું ..!!
આવા મજાના જીમમાં મને એક આવું શુક્ર-ચંદ્ર-મંગળ અને શુક્ર-ચન્દ્ર-બુધનું કોમ્બીનેશન મળ્યું ..
છોકરો સખ્ખત હેન્ડસમ અને ગોરો ગોરો ચટ્ટક પાંચ અગિયાર હાઈટ અને છોકરી સેહજ શ્યામલી પણ હાઈટ પાંચ આઠ અને બંને જીમમાં જ ભેગા થયા અને જુગતે જોડું જામે..
મને ઘણીવાર એમ થતું કે આ જોર જોર હેન્ડસમ ને આ કેમની પકડાઈ ગઈ..? શાણો કૌઓ `ગુ` પર જઈને બેઠો ..?
પણ એવું નોહતું પેલો ચન્દ્ર-શુક્ર-મંગળ પણ થોડો હોશિયાર હતો, એણે પેલી ચન્દ્ર-શુક્ર અને બુધ વાળીમાં બુધને જોયો ,બુદ્ધિ ને પ્રધાન્ય આપ્યું છોકરી આઈઆઈ એમ A ની સ્ટુડન્ટ હતી..
બધું બરાબર, પણ મારા મગજને સેટ ના થાય કે આ છોકરીમાં આ શું ભાળી ગયો..? કેમકે છોકરી ત્યારે કાયનેટીક લઈને જીમમાં આવે અને છોકરો ૨૨૦ સી કોમ્પ્રેસર વાપરે..
એ જ સમયમાં એકવાર હું બેંગ્લોર જતો હતો, ફ્લાઈટ વાયા મુંબઈ હતી અને લો કોસ્ટ એરલાઈન હતી એટલે આગલી સીટો કાઢી નાખી હતી અને બધું ય ઈકોનોમી માં ફેરવેલું હતું..
મારો સીટ નંબર 17 પછી નો હતો એટલે હું પાછલે બારણેથી એરક્રાફ્ટમાં ઘુસી ગયો હતો અને સીટ પર બેઠો હતો , લગભગ ફ્લાઈટ ફુલ્લ હતી અને ત્યાં અચાનક એરક્રાફ્ટના આગળના આગલા ગેઇટ પર થી પેલા બંને એન્ટર થયા ..
છોકરાને જોઇને ફ્લાઈટમાં સન્નાટો થઇ ગયો અને છોકરીને જોઇને હું સુન્ન થઇ ગયો .એ દિવસે એણે એના વાળ ખુલ્લા રાખ્યા હતા.. ઘટાટોપ ચમકતા લાંબા સાથળ સુધી ના વાળ…
મને તરત જ તાળો મળી ગયો…કે કાયનેટીક અને ૨૨૦ સી કોમ્પ્રેસર નું સેટિંગ કેમનું થયું ..!!
સામુદ્રિક શાસ્ત્ર સ્ત્રીના વાળને બહુ પ્રાધાન્ય આપે છે..અને સુંદર વાળ ધરાવતી સ્ત્રી હમેશા દેખાવે એકદમ હેન્ડસમ પતિ મેળવે છે અને રાજયોગ ને પામે ..
સુંદર વાળ ધરાવતી સ્ત્રીનું નું એક ઉત્તમ ઉદાહરણ સોનિયા ગાંધી છે…રાજીવ ગાંધી જેવો હેન્ડસમ હસબંડ અને પૂર્ણ રાજયોગને પામ્યા .. જે દિવસથી પરણી ને આવ્યા છે એ દિવસથી ૧૫ ઓગસ્ટ હોય કે ૨૬ જાન્યુઆરી પેહલી હરોળમાં એ સ્થાન પામ્યા છે..અને હવે બીમારીને લીધે વાળ નથી રહ્યા, અને પતન આવી રહ્યું છે ..!!
મેં એરક્રાફ્ટમાં પેલા હેન્ડસમ ને હાય કર્યું દુરથી, અને ઈશારો કર્યો આવી જા પાછળ.. બંને મારી બાજુમાં આવી ગયા અને બેઠા અમે પોણો કલાક ખપાવી..થોડું સ્ટારડમ પણ મને ફિલ થયું એરક્રાફ્ટમાં..શુક્રની અસર ..!!
છત્રપતિ શિવાજી હવાઈ અડ્ડા ઉપર ઉતર્યા અને ટર્મિનલમાં એન્ટર થયા ..સામે એક ફિલ્મી સ્ટાર કપલ ક્યાંક આગળથી આવેલું હતું, અને અમારી જેમ ટ્રાન્ઝીટ માં હતું..
મારી જોડે રહેલા શુક્ર-ચન્દ્ર –મંગળ ની ની કોઈ થેક પણ નોહતું લેતું…
આખું ટર્મિનલ પેલા ફિલ્મ સ્ટાર કપલને જ જોઈ રહ્યું હતું…
શુક્રની આ જ કમબખ્તી ..સાંજે અને વેહલી સવારે બે બે કલાક માંડ ઝગારા મારે…પછી ઢે થઇ જાય..!
શુક્ર ની જોડે સૂર્ય કે ગુરુ મહારાજ જોઈએ જ , તો જ દિવસ રાત સતત શુક્ર ચમકે નહિ તો વૈભવ ના મળે, વિલાસિતા મળે…!!
હવે લખતા લખતા થાક્યો છું એટલે ઇતિશ્રી કરું છું ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા