અનામત નો જીન બાટલીમાંથી બહાર નીકળી ગયો છે .. ફરી પાછો જલ્દી બાટલી માં પુરાય એવું લાગતું નથી ..
અત્યારે આઈ આઈ એમ રોડ પર ઉભા હતા અને સો એક છોકરાઓ બાઈક ઉપર ગળામાં સફેદ ખેસ નાખી અને અનામત ..અનામત.. અનામત .. ની બુમો મારતા નીકળ્યા , રોડ નો આખો માહોલ બદલાઈ ગયો પાંજરાપોળ ચાર રસ્તે બધા બાઈકો ઉભા રહ્યા પાંચ મિનીટ માટે અને થોડી નારાબાજી કરીને પછી બધા આગળ નીકળી ગયા ….
સારું એવું હોમવર્ક ચાલી રહ્યું લાગે છે ૨૫મી ની રેલી માટેનું , અમદાવાદ તો યુધ્ધ ના ધોરણે લાગી ગયુ છે , બંને બાજુ ભરપુર તૈયારીઓ ચાલે છે ,પોલીસ અને પટેલ સમાજ ..
પટેલ સમાજે જે તાકાત અને જોર માર્યું છે એ સરાહનીય છે ,ગાંધીનગર ની રાતો ની ઊંઘ હરામ થઇ ગઈ છે ,૧૫ થી ૨૫ લાખ માણસ રેલી માં જોડાય એવી વકી છે ..
આ લડાઈમાં આનંદીબેનનો ચોક્કસ ખો નીકળી જશે એવો અત્યારે તો એવો માહોલ બની રહ્યો છે ,નાની નાની રેલીઓ માં આનંદી ફોઈ હાય હાય ના નારા બોલાઈ રહ્યા છે , દિલ્લીથી વાતચીત નો દોર હાથમાં લેવાયો છે, આજે રાત્રે જો કોઈ નિર્ણય આવે તો રેલી અટકે ,નહિ તો રેલી ને ભગવાન પણ નહિ અટકાવી શકે ..
મારા માનવા પ્રમાણે આ રેલી એકલા અનામત નો રોષ નથી પણ એન્ટી ઇનકમ્બકસિવ ફેકટર બહુ મોટો ભાગ ભજવી રહ્યું છે , આનંદીબેન ને મુખ્યમંત્રી બનાવ્યા એ નરેન્દ્ર મોદીની કદાચ બહુ મોટી ભૂલ સાબિત થશે , ગુજરાતની પ્રજા આનંદીબેન ને જાકારો આપવા માટેનું કારણ શોધતી હતી અને પટેલ અનામતએ એ જોઈતું કારણ આપી દીધું ..
એક વાત યાદ કરાવું છેલ્લી લગભગ બધી જ વિધાનસભાની ચુંટણીમાં આનંદીબેને પોતાનો મતવિસ્તાર બદલવો પડ્યો છે …!!
નરેન્દ્ર મોદી એક અલગ વ્યક્તિત્વ હતું ગુજરાત માટે અને આનંદીબેન અલગ પર્સનાલીટી છે , આનંદીબેને મુખ્યમંત્રી પદ સ્વીકારી અને નરેન્દ્ર મોદી ના પેગડા માં પગ ઘાલ્યો એ કદાચ એમના રાજકીય જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે, અને એમના પતન નો ટોપલો સંઘ ના માથે નાખવો હોય તો નાખનારા નાખી દેશે ..
કારણ એવું પણ આપાય કે સંઘ ને સ્ત્રીઓ સાથે બહુ બનતું નથી , જે ક્યાંક સાચું પણ લાગે છેલ્લા છ મહિના માં સેન્ટ્રલ લેવલે કે જુદા જુદા રાજ્યો લેવલે મહિલા રાજનેતાઓ ને બહુ જોરદાર રીતે નિશાના બનાવાયા છે , જો કે આ બધામાં સંઘની કદાચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી નહિ હોય પણ કાર્યકર્તા લેવલે તો …
એવું કેહવાય છે કે આનંદીબેને આવનારી વિધાનસભા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે , પણ ખાટલે મોટી ખોડ એ છે કે નરેન્દ્ર મોદી જેવી વાક્છટા અને એડમિનિસ્ટ્રેશન પાવર આનંદી બેનમાં નથી , એક હકીકત તો સ્વીકારવી પડે કે માસ્તર એ આખી જિંદગી માસ્તર જ રહે , અને દુનિયા ને એક ઉંમર પછી ભણવું ગમતું નથી
…
૧૫ મી ઓગસ્ટ નું લુણાવાડા નું ભાષણ સાંભળ્યા પછી આ સ્ટેટમેન્ટ આપું છું ..
કોંગ્રેસ હવે ક્યાય નથી પણ ભાજપ ના અંદરના ડખા ૨૫મી ની રેલીમાં બહાર આવશે , કોઈ પણ રાજકીય પક્ષ કે સંગઠનની મદદ વિના આટલી મોટી રેલી નું આયોજન શક્ય નથી , એટલે અંદરખાનેથી ક્યાંક કોઈ ક બહુ મોટી રમત રમી રહ્યું છે ,અને એ સાહેબની નજર બહાર તો ના જ હોય ,પણ દરેક આપત્તિ ને અવસર માં ફેરવનારા સાહેબ હવે ૨૫ મી ની રેલી ની આપત્તિને કઈ રીતે અવસર માં ફેરવે છે એ જોવાનું છે ..
કે પછી આપત્તિ વિપત્તિ નું રૂપ લે છે …!!
અગનખેલ ફરી એકવાર ચાલુ થયો છે , વગર બંધ ના એલાને અમદાવાદ ચોક્કસ બંધ રેહવાનું છે મંગળવારે એ નક્કી છે , પેહલા લખી ગયો એમ રહી રહીને મન માં થાય છે કે ૨૫મી એ ગોળી ના ચાલે અને લોહી નું ટીપું ના પડે તો સારું
પેન્ડોરાની પેટી ખુલી છે ,પટેલ ને અનામત આપી તો બ્રાહ્મણ અને પછી વાણીયા ,ક્ષત્રીય લાઈન લાગવાની છે
મોટા વર્ગ વિગ્રહ તરફ સમાજ ધકેલાઈ રહ્યો છે ..
રસ્તો કાઢો ભગવન્
શુભ રાત્રી
શૈશવ વોરા