આ પોસ્ટ કાર્ડ સાચું છે કે ખોટું એ તો રામ જાણે પણ અંદર નું લખાણ અને એનો ભાવાર્થ ખુબ સાચો છે અને સંપૂર્ણ વાસ્તવિક છે ,
હું માની લઉં છું કે આ પોસ્ટકાર્ડ લખનારી દીકરી એણે લખેલા સરનામે રહે છે અને આ ધરતી પર છે ,અને હું આ પોસ્ટકાર્ડ લખનારી દીકરી રુચિકા ને બે વાત કેહવા માંગું છું
બેટા રુચિકા બેરિસ્ટર મિસ્ટર એમ કે ગાંધી ને એક ગોરા એ ફક્ત ગોરાઓ માટેના અનામત રખાયેલા ડબ્બા માંથી ઉતારી મુક્યા હતા અને પછી એમ કે ગાંધી મહાત્મા ગાંધી બન્યા …એની ડીટેઇલ વાત કરવાની જરૂર નથી લાગતી …તારી બુદ્ધિ મત્તા રાહુલ કરતા વધારે જ છે માટે આખી વાત તને ચોક્કસ ખબર હશે ..
કાગળ લખનારી બેન રુચિકા બેટા તું એકલી નથી આ અનામત સીસ્ટમની બલી ચડનારી ,હું તો તને નસીબ વાળી કહીશ કે તું ઉંચી ફી ભરીને પણ ભણી શકીશ
જયારે એક સમય અહિયા ગુજરાતમાં એવો હતો કે જયારે સેલ્ફ ફાયનાન્સ ની કોલેજો જ નોહતી અને અમારે બધાએ જખ મારીને બીએસસી કરવા પડતા હતા ..
પૈસા ખર્ચતા પણ કોલેજો નોહતી અને આ અનામત અમારા મોઢાના કોળિયા મોઢામાંથી કાઢી અને ઝૂંટવી ગઈ ,
મારા ભાઈ અને બેને ઘર બાર છોડ્યા ,મારો ભાઈ જલગાંવ માં ભણ્યો અને બેન મારી જામનગર અને હું અહિયાં બીએસ સી ….વર્ષો સુધી હું એકલો ઘરમાં મારા ભાઈ બેન ને યાદ કરીને હું રડ્યો ..
અનામત ના હોત તો અમે સાથે એક પરિવાર માં રહી શક્ય હોત …!!! અને મારા પપ્પા ને ખર્ચા ઓછા થયા હોત, એક સાથે બે છોકરા હોસ્ટેલ માં જેના ભણતા હોય એનો ખર્ચો કેવો હોય એ તો ખાલી માબાપ એ જ જાણે …
આજે પટેલ છોકરાઓ ની રેલી માં બ્રાહ્મણ અને વૈષ્ણવ સમાજ પણ જોડાયો છે , બાપ દાદા ના કરેલા ” જુલ્મો” ની સજા હવે ક્યાં સુધી ? અને ક્યા ભોગે ? બહુ લખાયું છે અને હજુ લોકો લખશે અનામત માટે …પણ બેટા આ અનામત ની કાળરાત્રી નો અંત ચોક્કસ આવશે …
બેટા રુચિકા આપણા મધ્યમ વર્ગ ની કમબખ્તી છે કે આપણો ભણ્યા સિવાય ઉદ્ધાર નથી , તારે મોટા થઈને રાંધવું પડશે તારા વર અને છોકરા માટે અને કમાવું પણ પડશે ,અને સારું કમાવા માટે સારી ડીગ્રી અને નોલેજ જોઇશે ..તું સરખું ભણેલી હોઈશ તો તારા સાસરિયામાં તારો દબદબો રેહશે માન સન્માન રેહશે..
તને અન્યાય થયો છે એ વાત સો ટકા સાચી છે , પણ મારે એ પૂછવું છે કે તે જે નામ લખ્યું છે કોલેજ ના માલિક નું એ પોતે પણ એક મોટા રાજકારણી છે અને ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે શું તેમને પણ તારા ઘરની વાસ્તવિક પરિસ્થિતિ નો અંદાજ નથી , શું એ રાજકારણી કોઈ રીતે તને મદદરૂપ ના થયા ??
દીકરા રુચિકા તારા આ એક કાગળે અત્યારે ગુજરાત ને હલાવ્યું છે ચોરે અને ચૌટે તારા કાગળ ની વાતો થાય છે , ૧૯૮૫ માં અમે પણ આ અનામત હટાવવા માટે સ્કૂલો માં ના ગયા ,પણ એ સમયે અંતે સત્તા જીતી અને શાણપણ હાર્યું ..
જો આ તારા એક કાગળથી ઉપાડેલું આ આંદોલન ક્યાંકકોઈ રીતે એનો મકસદ પૂરો કર્યા વિના અટકી જાય તો દીકરા તારી આવનારી પેઢીઓ ને તું ચોક્કસ શીખવાડજે કે આ બધું ખોટું છે અને એનો વિરોધ કરો
મને રાજકારણીઓ ઉપર ભરોસો નથી , પણ તારા જેવા તારી ઉમરના છોકરા છોકરીઓ ઉપર ચોક્કસ છે..
અન્યાય સામે લડો અમે પણ લડ્યા હતા .. અને હજી પણ તમારી સાથે અમે પણ લડીશું ..
કદાચ અમારી જેમ હારી જાવ તો ઝુકજો ખરા પણ તુટતા નહિ ..
આજે નહિ તો કાલે અનામત તો જશે જ ..
હું મારા કામધંધા ૨૫ મી તારીખે બંધ રાખવાનો છું અનામત ના વિરોધ માં …
શુભ રાત્રી
શૈશવ વોરા