ગઈકાલે અચાનક ભારત બંધનું એલાન આવ્યું અને કેન્દ્ર સરકાર પગ થી માથા સુધી હાલી ગઈ…
રાત્રે દુરદર્શન ઉપર કાનૂન મંત્રીશ્રી સરકારનો પક્ષ મૂકી ગયા..
લગભગ વીસેક વખત “દલિત સમાજ” ,”દલિત સમાજ” એવો શબ્દ વાપર્યો છે..
કેટલી બધી માનસિક “કંગાલી” ભારતના રાજનેતાઓમાં છે…!!
સખ્ખત દયા આવે છે, ભારતના રાજનેતાઓની..
દલિત સમાજ..દલિત સમાજ..
કેમ આ શબ્દ જ આ લોકોના મોઢામાંથી હજી નીકળે છે..?
શું “દલિત” એ આખે આખો સમાજ છે..?
ના નથી..!!
“દલિત એ અવસ્થા છે, સમાજ નહિ..!!”
કોઈપણ સમાજ આખે આખો દલિત હોઈ જ ના શકે,દલિત હોવું એ એક અવસ્થા છે…!!
આઝાદી પછી “રામરાજ્ય “ની વાર્તા કરતી સરકાર લગભગ દસ વર્ષ રહી ,અને બાકીના સમયમાં “સેક્યુલર સરકાર” રહી…
શું ફર્ક પડ્યો ..??
કઈ જ નહિ ..
કેમ ..??
કદાચ આ સમસ્યાને જોવા નો અને હેન્ડલ કરવાનો એન્ગલ જ ખોટો પકડ્યો છે..!!
રામરાજ્યની કલ્પના લઈને ગાદીએ બેઠેલા સત્તાધીશો અને સવર્ણ-પછાતની રાજનીતિ કરતા સેક્યુલર લોકો એ ભૂલી જાય છે કે ભારત નું અસ્તિત્વ જ જે બે મહર્ષિના ઉપર ટકેલું છે એ બંને કોણ હતા ..??
હું માનું છું કે ભારતનું અસ્તિત્વ આજે પણ ટક્યું હોય તો એનું શ્રેય જાય છે ભારતના બે મહાકાવ્યો ઉપર, અને એ મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત…!!
અટકો અને બે મિનીટ વિચારો કે મહાભારત અને રામાયણનું ભારતીય સમાજમાં શું યોગદાન છે…
હવે આગળ વાંચો…
રામાયણના રચયિતા કોણ હતા ..?
મહર્ષિ વાલ્ક્મીકી..!!
મહર્ષિ વાલ્મીકી ક્યા સમાજમાંથી આવતા હતા…??
અને છતાં પણ તે સમયના ભારતીય સમાજે એમને મહર્ષિની પદવી આપી, રીપીટ “તે સમયના ભારતીય સમાજે એમને મહર્ષિની પદવી આપી” અને આજે પણ મહર્ષિ વાલ્મીકી બીજા મહર્ષિ જેટલા જ પૂજનીય છે..
બિલકુલ એમ જ મહાભારત ના રચિયતા કોણ ..?
મહર્ષિ વેદવ્યાસ ..
એમની માતા કોણ ..?
અને હા એ જમાનામાં પુત્રનું કુળ અને જાતિ માતા ઉપરથી નક્કી થતા..
નહી તો રાવણ રાક્ષસ કેમ કેહવાય ..?
એના પિતા તો મહર્ષિ પુલત્સ્ય હતા..?
મહર્ષિ વેદવ્યાસને બ્રાહ્મણ ક્યારેય ગણવામાં નોહતા આવ્યા, અને છતાં પણ એમના રચેલા મહાભારતના એક ભાગ ભગવદ્ગીતા છે ..
કશું કેહવાની જરૂર ખરી ભગવદ્ ગીતા વિષે..?
હવે અહિયાં કોઈ ને બાઝવાની જરૂર નથી કે એ તો કૃષ્ણ ભગવાને સ્વયમ કહેલી છે..ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે, અને જેને મહર્ષિ વેદવ્યાસ જેમને “ભગવાન વેદવ્યાસ” કેહવામાં આવ્યા છે એમણે અક્ષરદેહ આપ્યો…!!
ફરી એકવાર અટકો અને વિચારો…
રાજ રાજ્યની કલ્પના કરી અને સપના દેખાડવા બહુ સેહલા છે, પણ રામરાજ્ય કેવું હતું અને એ રીતે રાજ ચલાવવું બહુ અઘરું છે..
થોડાક સમય પેહલા ક્યાંક સમાચાર વાંચ્યા હતા કે એમપી ની ગવર્મેન્ટ પુરોહિત નો કોર્સ ચાલુ કરવાની છે પણ પછી બધું પડી ભાંગ્યું..
આજે દલિત ચેમ્બર ઓફ કોમર્સ છે..અને પાંચસો, હજાર કરોડ રૂપિયાના ધંધા કરી રહ્યા છે..
સદીઓ સુધી “વાણીયા” ના હાથમાં રહેલા ધંધા આજે કોઇપણ જાતિના આધાર વિના ગમે તે વ્યક્તિ કરી શકતા હોય તો ક્રિયાકાંડ માટે શા માટે કોઈ એક જાતિ ..?
મને “વિઘ્નેશ્વરાયવરદાય સુરપ્રિયાય” કરીને પૂજા કરાવતા રાજપૂત, વાણીયા કે ક્ષુદ્ર ચોક્કસ ગમશે..
વેદ કાલીન જમાનામાં નિષાદપુત્રીના પેટે અવતરેલા મહર્ષિ વેદવ્યાસને “ભગવાન વેદવ્યાસ” ગણવામાં આવે છે તો આજે પણ કેમ ચોક્કસ જાતિ જ કર્મ કાંડ કરાવે ..??
આટઆટલી અનામત અને બીજી સહાયતાઓ ત્રણ ત્રણ પેઢીથી આપ્યા પછી પણ જો હિંદુ સમાજ વર્ગવિગ્રહ તરફ ધકેલાઈ જતો હોય તો પછી સમસ્યા ક્યાંક બીજે છે ..
કદાચ દુઃખે છે પેટ અને કુટાઈ રહ્યું છે માથું..
અનામતનો લાભ લઈને ડોક્ટર થયા પછી પણ વ્યક્તિ પોતાને એક ચોક્કસ સમાજનો ભાગ ગણાતો હોય તો પછી સમસ્યા ચોક્કસ ક્યાંક બીજે છે…
સોમનાથ મારો આરાધ્ય દેવ છે, પણ મારે મારા સોમનાથ ઉપર શિવલિંગ ઉપર અભિષેક કરવો હોય તો મને દુરથી કરવા દેવામાં આવે છે..
મને મારા મહાદેવને અડવાની કે ભેટવા ની છૂટ નથી ..
કેમ ..?
છુઆછૂતની શરૂઆત ઈશ્વરની નહિ અડવાના આભડછેટ થી થઇ છે..
આજે હિંદુ સમાજના લગભગ દેવસ્થાનોમાં એન્ટ્રી જાતિગત ગણિતથી દૂર થઇ છે, લગભગ હિંદુ સમાજનો દરેક વર્ગ દરેક દેવસ્થાનમાં જઈ શકે છે , પણ હજી દેવસ્થાનોની પૂજા એક ચોક્કસ સમાજને હવાલે છે..
કેમ ..?
મહર્ષિ વાલ્મીકી રામાયણની રચના કરી શકે અને એ અનાદિકાળથી રામાયણ ગ્રન્થ પૂજનીય છે તો પછી એમનો રામ કોઈ એક જાતિ નો કેમ ..???
દર્દ જ્યાંથી મળ્યું છે દવા પણ ત્યાંથી જ મળશે..
કદાચ સમાજના દરેક વર્ગમાંથી કર્મકાંડ કરાવવા માટે આવશે ત્યારે જ સમાજની અસમાનતા દૂર થશે..
હવે બીજો મુદ્દો ખેતી..
દેશભરનો ખેડૂત ખેતી કરી અને પસ્તાઈ રહ્યો છે અને છતાં પણ અમારા જેવા લોકો કે જેમના બાપદાદાઓ એ ખેતી નથી કરી પણ અમારે કોઈક નવીન પધ્ધતિથી ખેતી કરવી છે તો પણ જન્મે ખેડૂત પુત્ર ના હોવાને લીધે અમે ખેતી કરી શકીએ નહિ …
ખેતીની જમીન બજારભાવે પણ અમે ખરીદી શકીએ નહિ અને ખેતી કરી શકીએ નહિ ..
શા માટે આવો અન્યાય ? ક્યાં સુધી જન્મ અને જાતિ જોડે જ હજી વ્યવસાયને ઝાલી રાખવાનો છે ?
હું ખેતી કેમ ના કરી શકું ?
મારું સંતાન એમએસસી (એગ્રીકલ્ચર) સુધી ભણી અને કોઈક પ્રયોગાત્મક ખેતી કેમ ના કરી શકે ?
દેશના બંધારણ અને સામાજિક બંધારણમાં જ્યાં સુધી ભેદભાવ રેહશે ત્યાં કોઈને કોઈ રીતે દલિત ,કણબી, વાણીયા ,રાજપૂત ,બ્રાહ્મણ આંદોલન થતા રેહશે અને જે કોઈ સરકાર હશે એને લાળા ચાવવા પડશે..
મારી એક વણિક પુત્ર તરીકે માંગણી છે કે અમારા બાપદાદાઓ એ સદીઓથી ટેક્ષ ભર્યા છે તો હવે અમારી ઉપર ટેક્ષનો “જુલમ” ઓછો થાય, અને આ ફાઇનાંન્શિઅલ વર્ષથી બીજા સિત્તેર વર્ષ સુધી અમને તમામ વાણીયાઓ ને ટેક્ષ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે..
અને શરૂઆત રિલાયન્સથી કરવામાં આવે..
તમારી જાણ ખાતર કે અમારા જ્ઞાતિ બંધુ ની માલિકી ધરાવતી રિલાયન્સ દેશમાં સૌથી વધારે ટેક્ષ ભરતી કંપની છે..!
કોમન સિવિલ કોડ એ એક માત્ર રસ્તો ..
દરેક જગ્યાએ એ સૌ એક સમાન..
જય હિન્દ ..
જય હિન્દ કી સેના..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા