બે ત્રણ દિવસ પેહલા એક નવા નવા પપ્પા બનેલા ટેણીયો મને આઈઆઈએમ કીટલીએ મળવા આવ્યો..!!
ભઈ મારા છોકરા ને કઈ એક્ટીવીટીમાં મુકવો ? ટેણીયા નું બચોળિયું હજી સાતેક વર્ષનું માંડ, પણ ટેણીને એવું બચપનથી ખરું કે મારા છોકરાને તો હું “આમ” બનાવીશ ..!! તમને થશે કે સાત વર્ષના છોકરા નો બાપ ટેણીયો કેવી રીતે હોય ? અરે ભાઈ શરૂઆતના વર્ષોમાં તો હા લુ લુ .. પુ લુ..લુ.. માં જ જાય , સ્કુલ નું એડમીશન થાય ત્યારે પાઘડીને પેહ્લો વળ ચડે , બાપ બન્યા નો એહસાસ આવે ,સેવિંગ્સ એકાઉન્ટમાં સાંધા કરી કરી ને ભેગા કરેલા રૂપિયા એક ઝાટકે સાફ થાય , એ ઝાટકો એને બાપ બનાવે ,પછી તો ખેલ શરુ થાય ને છોકરું ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીમાં જીભડી બાહર લટકી ગઈ હોય ..!! માણસમાં પણ ના રહ્યો હોય..!! ટેણી મને પૂછે બચોળીયા ને વોલીબોલમાં મુકું કે ફૂટબોલમાં ? હવે ટેણી માંડ સવા પાંચ ફૂટ અને સુકલકડી અને એનું બચોળિયું ઈયળ જેવું , સાત વર્ષનું બચોળિયું ચાર વર્ષનું લાગે..! મેં જરાક મોઢું બગાડ્યું .. ટેણી બોલ્યો કેમ ? ના મુકાય ? મેં બાઉન્સર નાખ્યો તારા સાળા ની હાઈટ કેટલી ? બોડી કેવું ? ટેણી ડોળા અધ્ધર ચડાવી ને વિચારે ચડ્યો અને પછી બોલ્યો પાંચ ફૂટ છ ઇંચ તો ખરો અને બોડી તો તમારા જેવું નહિ પણ મારાથી જરાક સરખો..!! કેમ ? મેં બીજો બાઉન્સર નાખ્યો .. તારા સસરા ? ટેણી ગીન્નાયો .. મારા છોકરા માટે પૂછું છું અને તમે યાર મારા સાસરીયાની ક્યાં માંડી ને બે
હો છો ..!
મને લાગ્યું કે સીધે પોઈન્ટ પે આના પડે..ગા..!
મેં કીધું જો ટેણી તારા કે તારા સાસરીયાના ખાનદાનમાં કોઈ સાડા પાંચ ફૂટથી ઊંચું નથી કોઈ અલમસ્ત છે નહિ ,ગલી ને પોળના ક્રિકેટ થી કોઈ આગળ વધ્યું નથી અને તારે વોલીબોલ ને ફૂટબોલની આણવી છે , ટેણી બકા શરીરે જીનેટીક્સ જેવું કૈક હોય , નવો ચીલો ચાતરવો હોય ને તો પછી બહુ મેહનત માંગી છે જોડે જોડે સમય પણ અને તારી ઘરવાળી ને હું ઓળખું છું ,તારા બચોળીયા કરતા પાંચસો વાર વધારે એણે ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર ભરડયુ છે એટલે જીવનભર બચુડા ની પાછળ ભણવા માટે લાગેલી રેહવાની, અને હજી બચુ થોડો નાનો છે બે ચાર વર્ષ જવા દે ક્યાંક કૈક કોઈ ફિલ્ડમાં હીર ઝળકતું દેખાય તો એમાં મૂકજે ,આગળ વધારજે , અત્યારથી શું છે..!!
મારું ભાષણ સાંભળી ને ટેણી બોલ્યો કોઈ દાડો કોઈ નું હારું વિચાર્યું છે ? સલાહ લેવા જેવી જ નો
હતી..!
આખું રુમઝુમ કરતુ મારે માથે આવ્યું રણઝણીયુ ..!!
મેં કીધું અલ્યા શંખ સાત વર્ષના છોકરા ને તારે ક્યાં લઇ જવો છે બેજંગલી.. ? સચિન તેન્ડુલકર બનાવવો છે ? છાનીમાની જીવવા દે ને એને ,શાંતિથી દસ બાર વર્ષ નો થાય પછી કઈ વિચારજે.! મારા છણકાથી મોઢું ફુલાવી ને ભવિષ્યમાં થનારા સુપર હીરોના પપ્પા જતા રહ્યા ..!! મને દુઃખ દુઃખ થઇ ગયું કે યાર શું કરવા એને દુઃખી કર્યો ?ફૂટબોલ કહી દીધું હોત તો ? અને હજી આ લોકડાઉનમાં ક્યાં કશું ખુલ્યું છે એવું તે ખોટો ખોટો મચી પડ્યો..? પણ ખરેખર મારો પ્રેક્ટીકલ અનુભવ એવો છે કે બહુ નાની ઉંમરથી કોઇપણ ફિલ્ડમાં છોકરા ને નાખો અને એની પાછળ અઢળક મેહનત કરો તો મોટેભાગે એવું થાય કે એ એક્ટીવીટી અમુક વર્ષ પછી એને મન ઉપર ભાર રૂપ થઇ જાય છે અને છેવટે એ એક્ટીવીટી થી ત્રાસી અને છોડી દે છે..!! આ સામાન્ય બાળકો ની વાત કરું છું કોઈ નું અદ્ભુત અપ્રિતમ પ્રતિભા ધરાવતું સ્પેશિઅલ ડિઝાઈન કરી ને અવતરણ
કરાવેલુંહોય તો એના માટે નહિ હો ..! હા ભાઈ આજકાલ તો પૂછવા જેવું નથી , આઈયુએફ મુકવામાં પણ લોકો ચોઘડિયા જોવડાવી છે , જન્મ ના સિઝેરિયન માટે તો ક્યારના ય જોવડાવે છે..!! શું ખોટું કીધું મેં ? ટેણી નું શરીર અત્યારે પણ ફૂટબોલ કે વોલીબોલનો ભાર ઝીલે એમ નથી બચોળિયું બાપડું ઈયળ જેવું છે ક્યાં જોરથી કોઈક ક્રિકેટ બોલ વાગે તો પણ એકાદું હાડકું બટકી જાય એમ છે પણ હવે ક્યાંક કઈ જોઈ ગયો હશે ટેણી ..!! ઘણીવાર તો એમ થાય કે આ મોટીવેશનલો અને પોઝીટીવીટીવાળા ઓ નખ્ખોદ વાળ્યું છે..!! માણસ ને સાચી વાસ્તવિકતાથી કોઈ કારણ વિના દૂર ખેંચી જાય..!! તલ માં તેલ હોય નહિ ને બાપડા ને પીલવા ધકેલી દે..! ફીફા પીલાય ને પછી આવે ડડીપ્રેશન , વગેરે વગેરે..!! આખા ફૂટબોલ કે વોલીબોલના વજન જેટલા બચોળીયા ને ક્યાં ચેમ્પિયન બનાવવાના ધખારા કરવાના ? આવું સંગીતમાં થાય, એક ભાઈબંધ નું ત્રણ વર્ષનું ફરજંદ ટેબલ ઉપર ચમચા ચમચી પછાડે ને પેલો મારી પાછળ પડ્યો એના ફરજંદ તબલા સમ્રાટ બનાવવા..! તબલા ક્યાં મળે ..? પેહલા તો બહુ ના પાડી પણ ના માન્યો છેલ્લે ડબગરવાડ ભેગો કર્યો.. અને ચાર પાંચ વર્ષ પછી એની બૈરી મારી પાછળ પડી આ તબલા કોઈક ને મફત તો મફત આપી દો ઘરમાં જગ્યા થાય..!! તબલા સમ્રાટ બીજે ક્યાંક રાજાધિરાજ બનવા “લાગ્યા” હતા..!! જો કે સ્પોર્ટ્સ કોચિંગ કરતા કે સંગીત શીખવાડતા મિત્રો મને આજે ગાળો આપશે .. અલ્યા જપ ને આવવા દે આ બધા ને શું કામ અમારા પેટ ઉપર લાત મારે છે.! ના બકા ના , તું જરાય ચિંતા ના કરીશ .. કીધો કુંભાર ક્યારેય ગધેડે ચડ્યો જ નથી ..!! તારી ભક્તિ તો ચાલુ જ રેહવાની..!! હું તો સ્પષ્ટ રીતે માનું છું કે બાળક બાર વર્ષ નું થાય ત્યાં સુધીમાં સ્વીમીંગ ,સાયકલીંગ જેવી બેઝીક વસ્તુઓ જ શીખડાવી જોઈએ , અને પછી એને કઈ વસ્તુમાં રૂચી જાગી છે એ સમજી વિચારી ને જે તે ફિલ્ડમાં મુકવું જોઈએ , એ વખતે ખાસ ધ્યાન એ રાખવું રહ્યું કે બાળક એના કોઈ મિત્રના પ્રભાવમાં આવી ને પોતાને અનુકુળ ના હોય એવી એક્ટીવીટીમાં ના જોડાઈ જાય..અહિયાં બાળકની માં અને બાપ ને પણ આ જ વાત લાગુ પડી જાય .. સેજલબેન નો બાબો તો એક્ટિંગ ની એકડેમીમાં જાય છે એટલે જેસલબેને એક્ટિંગમાં એમના બાબાને ના મૂકી ને અવાય..! બધું અઘરું છે આજકાલ નવી નવાઈના જણેલા માટે , મલ્ટીટેલેન્ટ બનાવવાની હોડ છે, “આગળ” મૂકી દેવો છે..!! પોતાને ક્યાં પોહચવું એની પણ ખબર નથી અને સંતાનો ના ટાર્ગેટ સેટ છે..!! દરેક ફૂલ પાસે પોતાની એક આગવી ખૂબી છે, ઈયળ જેવો દેખાતો ટેણી નો બચુ ચેસમાં કે ટેનીસમાં નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે પોહચી પણ જાય ..! કાર્બાઈડથી કેરી નહિ પકવવાની, રાહ જોવા ની બસ ..!! કુદરત એનું કામ ચોક્કસ કરશે..! ભરોસો રાખવો જ રહ્યો..! બચુ ચોક્કસ “આમ” બનશે ..! સુ ..કો
.. છ .. હે ..?
શુભ રાત્રી
શૈશવ વોરા