નીટ અને જેઇઇ લેવી કે નહિ ? ઘમાસાણ મચ્યું છે..?
શું ખોટું છે ?
એક વાત હવે સરકાર બોલે કે ના બોલે પણ એ તો નક્કી થઇ ગયું કે કોવીડ ની રસી આવે ત્યાં સુધી લોકડાઉન કરી ને બેસી રેહવાય તેમ નથી ,
તો પછી યા હોમ કરી ને પડો .. ફતેહ છે આગે..!!
હર્ડ ઇમ્યુનિટી ની જ વાત આવે,
અને એના માટે મોટાભાગના લોકો ને કોરોના થઇ ને મટી જવો જોઈએ ,
કોવીડ નામનો રાક્ષસ નાની ઉંમરના લોકો માટે “રેહમ દિલ” છે ,બહુ ઝટ અસર કરતો નથી..!! અને જો અસર કરી જાય તો પણ મોર્ટાલીટી
ઘણી ઓછી છે એટલે જોખમ લેવું રહ્યું..!!
ભારત દેશ માટે એવું કેહવાય છે કે યંગ
લોકો નો દેશ છે અને જે કેહવાઇ રહ્યું છે એ સાચું હોય તો પછી યુથ ને ઘરની બાહર લાવવું જ રહ્યું ..!!
તો જ હર્ડ ઇમ્યુનિટી આવે..!!
ઉપર નું વાક્ય લખતા પેહલા કહી દઉં કે મારા ઘરમાં પણ સ્કુલ-કોલેજ જતા બે બાળકો છે , અને મેડીકલ સ્ટુડન્ટ હોવા ને કારણે મારી મોટી દીકરી રોજ સવાર પડ્યે પીપીઈ કીટ પેહરી ને એની ડ્યુટી ઉપર જાય છે..!!
કોલેજો હવે ખોલવી રહી..ધીમે ધીમે ઉપરથી નીચે આવવું રહ્યું ..!!
પી.જી. પેહલા ,પછી યુ.જી. અને પછી અગિયારમું અને બારમું ધોરણ ..ઉતરતા ક્રમમાં કોલેજો અને સ્કૂલો ખોલવા જ રહ્યા..!!
નામ લેવું પણ નથી ગમતું ,પણ પાકિસ્તાન કોવીડના મામલે આગળ નીકળી ગયું છે..!!
જીનેટીક્સ એક જ છે, પાછલા સિત્તેર વર્ષમાં જીનેટીક્સની અદલાબદલી નથી થઇ પણ સિત્તેર વર્ષ એટલે ત્રણ જ પેઢી કેહવાય અને જનીન શાસ્ત્રમાં ત્રણ પેઢી કઈ બહુ મોટી વાત નથી , ત્યાં કોવીડ ને લીધે બહુ ખાનાખરાબી થઇ નથી, એટલે હવે આપણી અનલોક પ્રક્રિયા ઝડપથી થાય તો વધારે સારું..!!
જુના જમાનામાં કિલ્લાના દરવાજા તોડતા ત્યારે કિલ્લાના દરવાજાના ખીલ્લા ની આગળ આંખે પાટા બાંધી ને ઊંટ ઉભું રાખવામાં આવતું ,અને પછી હાથી ને ફૂલ
દારૂ પીવડાવી ને ઊંટ જોડે અથડાવતા , ઊંટ ના શરીરમાં ખીલ્લા ઘુસી જાય , ઊંટ ઉકલી જાય ,પણ હાથી બચી જાય, કિલ્લા નો દરવાજો તૂટી જાય અને લશ્કર કિલ્લામાં ઘુસી જાય..!!
આપણા માટે પાકિસ્તાન નામનું ઊંટ આગળ હતું ને મજા ની વાત એ છે કે કોરોનાનો કિલ્લો તૂટી ગયો છે , એટલે આપણે રમખાટ હાથી ની જેમ હવે આગળ દોડી જવું જોઈએ..!!!
કોલેજો ખોલી નાખો અને આપણે ત્યાં તો અમુક કોલેજો તો છોકરા ભણવા કરતા ચરવા મોકલવાના હોય એવડી મોટી મોટી છે તે પછી ભલે ખુલ્લામાં ચરી
ખાતા ..!
હવે રહી વાત પબ્લિક ટ્રાન્સપોર્ટ ની ..
તો એમાં એવું છે કે મફત નો માલ છે આજ ની તારીખે ભારતનું પબ્લિક ટ્રાન્સપોર્ટ ..!!
અમદાવાદ થી મુંબઈ ની ટ્રેઈન ટીકીટ કેટલી ? ત્રણસો, ચારસો, પાંચસો અરે હજાર, બારસો ?
હવે જુના દિવસોમાં ગમ્મે ત્યારે બધું ફૂલ જ મળે એક પણ ટ્રેઈન ની ટીકીટ અવેલેબલના હોય , જયારે લોકડાઉન થયું ત્યારે એમ લાગતું હતું કે દેશ ડૂબી જશે આ પબ્લિક ટ્રાન્સપોર્ટ નહિ હોય તો ,પણ હજી સુધી દેશ ડૂબ્યો નથી ..!!
એનો સીધો મતલબ એ થયો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો મોટાભાગનો ઉપયોગ સસ્તી ટીકીટો ને લીધે નોન-પ્રોડક્ટીવ હતો..!!
ગામ નું કુતરું મરે તો પણ મુંબઈ થી મેહસાણા જવું ને નણંદ ની નણંદ નાતરે જાય તો પણ અમદાવાદથી પુના જવું પડે..!!
હવે પડ્યો રહે ને છાનો માનો ..!! વોટ્સ એપ ઉપર આરઆઈપી લખ બહુ થયું ને નણંદ ની નણંદ ને કોન્ગ્રેચ્યુંલેશન કહી દે ફોન થી ..!!
ખાધા વિનાની રહી ગઈ તી નાતરું કર્યું એનું તેમાંની ..!! લોકડાઉન એ “બગાડ સંસ્કૃતિ” ને બ્રેક મારી છે ક્યાંક , તો પછી એ બ્રેક ને સજ્જડ રીતે ચોંટાડી રાખો, કોઈ જ જરૂર નથી એવા હવે ખોટા વ્યહવારની કે જે સરકારી તિજોરી ઉપર ભારણ રૂપ થાય..!! પબ્લિક ટ્રાન્સપોર્ટ ખોલો તો હવે મફતવાળી વાતો બંધ કરો , થોડુક આગળ ઘણા ને ના ગમે તેવું લખું છું પણ જરાક વિચાર કરશો તો ગમે પણ ખરું..! જુના જમાનામાં તીર્થ યાત્રાએ જતા લોકો ને ગામ મળવા આવતું કે મા
ડી પાછા આવે પણ ખરા અને ના પણ આવે ..
જેમ જેમ સાધનો વધતા ગયા તેમ તેમ તીર્થ યાત્રા ઓ સુગમ થતી ગઈ અને તીર્થ સ્થાનોના ભારણ વધ્યા, લગભગ ટુરીઝમ કેટેગરીમાં આવી ગયા તીર્થ સ્થાનો અને દરેક તીર્થ સ્થાન “નાના” પડવા લાગ્યા ..!!
છેલ્લે કોરોના પેહલાની પરિસ્થિતિ તો એવી આવી કે તીર્થસ્થાને છાશવારે લોકો નીકળી પડતા ,અરે ઉદેપુર ને આબુ માં અમદાવાદીઓ એ વિક એન્ડ કન્સેપ્ટ લાવી દીધો ..
ખરેખર દિલથી વિચારજો અને જવાબ આપજો કે શું આવું થાય એ ઇચ્છનીય છે ખરું ?
પૂનમો ભરવાની ? કેમ ? સાધન છે સગવડ છે એટલે ?
આ સાધન ને “ફેરવવા” કેટલા ડોલર ભારત દેશ ને ખર્ચવા પડે છે ?લોકડાઉન એ કદાચ પેહલી વાર ભારત નું ઈમ્પોર્ટ કરતા એક્સપોર્ટ વધારી આપ્યું ..!!
શું આ ઇચ્છનીય પરિસ્થિતિ નથી ?
બધું જ સરકાર કરે ?
સ્વતંત્રતા નો ઉપયોગ સ્વછંદ થઇ ને નોહતા કરતા આપણે ?
દસ રૂપિયા ને વેફર માટે બસ્સો વર્ષ સુધી રીસાયકલ ના થાય એવી પ્લાસ્ટિકની થેલી ના વાપરી આપણે ? જરૂર છે કે હતી ?
પ્લાસ્ટિક ની થેલી વિના જીવન નોહતા જીવતા ?
નર્યો બગાડ અને ઐયાશી કરી છે આપણે ..!!
હું પણ તમારી જેમ ઐયાશ જ છું, કદાચ વધારે પડતો ઐયાશ છું , કેપિટલાઈઝમ નો નશો છે મને પણ ..!
છતાંય ક્યારેક એમ લાગે કે થોડોક સામ્યવાદ સારો કેપિટલીઝમ ની અંદર માપમાં રેહવાય..!!
સેહજ ,મન ,હ્રદય , ને ભેગા બેસાડી ને વિચારવા નો સમય છે ..!
આ કામ કરું કે નહિ ?
કોલેજની પ્રજા તો ક્લાસ ,કેન્ટીન અને કીટલી વચ્ચે વેહ્ચાયેલી જ હોય છે ..અમે પણ કોલેજ ગયા છીએ એટલે ખોટી સફ્ફાઈ મારવાની જરૂર નથી ..
એસ જી હાઈવે ,સિંધુ ભવન રોડ ઉપર ટોળે વળીને બધું બેઠું હોય ત્યારે કોરોના ગામતરે જાય છે તો પછી હવે ખોલો કોલેજો ,કાઢો ગમાણમાંથી બાહર ને મોકલો ચરવા..!!
નહિ તો હરાયા મારી જેમ એમનેમ રખડી તો ખાય જ છે..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)