શેરબજારમાં આજે હુતાશણી “હળગી” ગઈ ..
ભક્ત પ્રહલાદ ની જેમ બે ચાર બીપીસીએલ જેવી સ્ક્રીપ્ટ બચી ગઈ બાકી તો રિલાયન્સ થી લઈને એલ એન્ડ ટી બધું ય હોમાઈ ગયું..!
ગામ આખું મોઢું વકાસીને જોતું રહી ગયું અને પોર્ટફોલિયામાંથી રીતસર આંકડા નાના અને મીંડા ઓછા થઇ ગયા..!
કોના પાશેરા
થઇ ગયા એ તો મૂંગી મનમાં જાણે ,બાકી તો આજ કરતા હજી પરમદિવસની બીક વધારે લાગી રહી છે..!!
અમે એક નિષ્ણાંત ને ફોન કર્યો અલ્યા આ તો લેવા
ના દિવસો ના કેહવાય ..?
જવાબ આવ્યો ..
લેવા-દેવા
નહિ રાખવાના દિવસો છે..!!
દૂર રેહવામાં સાર છે ,બોટમ આઉટ થાય પછી લેવાય અત્યારે તો જરાય લેવા-દેવા રખાય જ નહિ..!
અમે કીધું હશે ત્યારે ભલું થયું ભાંગી જંજાળ ..
આપણે આપણી ઘંટી ,ઘાણી અને ઉઘરાણીને ફરતી રાખો.. લઇ લો રામ પાતર હાથમાં અને નીકળો ઉઘરાણીએ..!
મારું બેટું બજારમાં જે જોવો એ રડતું હોય છે ,બહુ માર આવ્યો આ ચાઈનાનો , ગધેડીના તે ક્યે દાડે ચાઈનાથી કન્ટેનર લોડ કર્યું ? છૂટક “કરિયાણા” લઇ ખાતા હોય એ બધાય ચાઈનાની વાર્તા કરતા થઇ ગયા ,ને એમાં એકાદ બે ઘેટી યસ બેંકમાં ભરાઈ, માં મરી હોય એમ આખું કારખાનું બેઠું હોય ..!! શેઠિયા એ પાછા સેલરી એકાઉન્ટ યસ બેંકમાં કરાવ્યા હોય ..પડતા ઉપર પાટુ ..!! શેઠિયો પણ રડે અને વાણોતર પણ..કારખાનાના ચોકીદારથી લઈને છેક સુધી નું બધું ય રડે..!! ગજબ સિનારિયો ગોઠવાયો છે એક બાજુ ક્રુડમાં કડાકો બોલ્યો તો પણ ડોલર ઉપર ચડ્યો અને પીળી ધાતુ ને તો અડતા બીક લાગે..!! એક તાજા તાજા જન્મેલા પાંત્રીસેક વર્ષના
બાબલાને કીધું અલ્યા વીસ વીસ હજારના લગ્ડા હતા , સાલો મોઢે કહે ડોહા થઇ ગયા તમે જૂની જૂની વાતો કરો છો..!! પચાસે ક્યારે પોહ્ચે હવે એની રાહ જોઈ ને બેઠું છે , વીસ નું લગ્ડુ એ તો જાણે સદીઓ જૂની વાત હોય એવું થઇ ગયું છે..!! સોશિઅલ મીડિયા એલઆઈસીની “બોન પૈણવા” બેઠું હોય એમ વારે વારે પ્રશ્નાર્થ ચિન્હ મારી દે છે , અમુક રાંડ્યા પછીના ડહાપણ એમ કહે કે બે વર્ષ પેહલા જ યસ બેંક ને બચાવી લેવાની હતી તો આટલો માર નાં આવતે, અને આવી ખતરનાક વિશ્વાસની કટોકટી ના આવતે...! પણ હવે જે થવાનું હતું તે થઇ ગયું અને એસબીઆઈ ને ડેબે ભરાવી દેવાશે યસ બેંક ને એટલે આજ નું મોત થોડું આગળ જશે..! એક પછી એક આવી રીતે પ્રાઈવેટ બેંકો જો એસબીઆઈ ને ગળે બાંધશો તો ઊંટ કેટલા ભાર ઝીલશે ? ખુંટીયો કઈ બાજુ જઈને ઉભો રેહશે ,બેસશે કે પછી ઉંધો પડશે એ જ કોઈ ને ખબર નથી પડતી.. આગાહી કરનારો આજ નો વિદ્વાન ડફોળ સાબિત થાય છે અને ડફોળ વિદ્વાન.. એક આર્થિક ચેનલ ઉપર વિદ્વાનો કહે કે કોરોના વિષે વિજ્ઞાનના તજજ્ઞો કેમ કઈ કેહતા નથી કે આટલા અમુક તમુક સમયમાં કોરોના જતો રેહશે..! પ્રદર્શન થઇ ગયું વિદ્વાનનું.. અલ્યા જનમ ,મરણ ને પરણ ત્રણે પ્રભુ ને શરણ..!! ગમે એવી હાજા હુતાર ની ઘડેલી લાવ્યા હોઉં અને તારા ઘરના પાણી ના બે જ ઘૂંટડા પી ને છટકી તો ? કઈ ના થાય ભોગવવું જ પડે જન્મારો આખો..! આ તો એવું છે , એક વત્તા એક ક્યારેય સાયન્સમાં બે ના થાય...! અટવાયું કોમર્સયુ પ્રાણી..! એવું જ હોય, આજે ન્યુટન સાચો કાલે તો કોઈ ટુનટુન સાચો થઇ જાય એનું નામ જ વિજ્ઞાન..!! કોરોનાના કોગળિયા ના ભવિષ્ય ભાખવા જેટલા હોશિયાર હોત તો કોગળિયું આગળ જ ના વધવા દીધું હોત..!! ગુજરાતી આર્ટસના વિદ્વાનો હવે દબાતે સ્વરે વર્લ્ડ વોર અને બાયોલોજીકલ વેપનની સ્ટોરીઓ ધીમે ધીમે દબાતા સ્વરે લખે છે..પણ ખોંખારી ને અને એમની ભાષામાં સોય ઝાટકી ને બોલતા જરાક ડરી રહ્યા છે..!! વચ્ચે એક સ્પોન્સર સ્ટોરી વિદેશી અખબારમાં હતી કે ચાઇનીઝ પ્રીમિયર શી પીંગ એમની પક્કડ શાસન ઉપર ગુમાવી રહ્યા છે ,પછી બધુ ગોળ ગોળ .. મામલો શું છે એની હજી કોઈ ને ગેડ બેઠી નથી ,અને જેને બેઠી છે એ તેરી ભી ચુપ અને મેરી ભી ચુપ પણ બહુ લાંબો સમય ઢંકાયેલું રહે એવું લાગતું નથી..! અમેરિકા જેવા અમેરિકામાં અફરાતફરી છે ક્યાંક ક્યાંક ખાવા પીવાના માલ બજારમાંથી ગાયબ છે ,
બળી` આપણે એટલી તો શાંતિ કે બાર મહિનાના લગભગ બધાએ ભરી મુક્યા હોય એટલે રોટલો ને મીઠું ખાઈ ને પણ બે ચાર મહિના નીકળી જાય..!!
કાલની ધૂળેટી કોના રંગ ચડાવે છે અને કોણ રંગ ઉડાડે છે એ સમય જતા ખબર પડશે..!
બાકી હોરીના ઘણા ગીતો શીખ્યા હતા એક જમાનામાં .. શ્રી રાગની એક ચીજ યાદ આવી રહી છે ધમારમાં હતી ..
હોરી ખેલત ઘનશ્યામ મુરારી
બ્રિજ નારી ચલ લે પીચકારી
રંગ ભરી અત સોહે ભારી
કોમળ રિષભ ઉપરથી સીધા પંચમ ઉપર જવાનું એ ફક્ત શ્રી રાગમાં જ થાય અને આખો રાગ પકડાય પણ ત્યાંથી જ..!
એટલે બજારની જોડે સરખાવવું હોય તો પણ થાય .. આરોહમાં સા રે મા પ ની સાં અને અવરોહમાં સાં ની ધ પ મ ગ રે ગ રે રે સા ..
સડસડાટ ઉપર જાય અને લુડકતો લુડકતો નીચે આવે..!!
જો કે થોડાક સમયથી બજારમાં ઊંધું છે આરોહ અવરોહ થઇ ગયો છે અને અવરોહ આરોહ..!!
ચાલો સૌ ને ધૂળેટીની શુભકામનાઓ
અલ્યા આ છેલ્લી કેટલીક સદીઓથી રંગ બરસે ભીગે ..સાંભળી સાંભળી ને કાન નથી પાકી ગયા ..? ખાયે ગોરી કા યાર બલમ તરસે..
આ “ગોરી” અને “બલમ” .. એકવાર તો શોધવા જ છે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)