બંધ મગજ ..
કોરોનાના કોગળિયામાં આજે સવારે છાપામાં વાંચ્યું કે આંકડા હવે ૨૪ કલાકમાં એક જ વાર સરકાર આપશે..
સારી વાત છે ,
ઘરમાં રહી રહી ને જેમ ઈલેક્શનના રીઝલ્ટના આંકડા જોઈ જોઈ ને મગજ ચકરાવે ચડી જતા હતા..એમ આંકડા જોઈ જોઈ ને મગજ ડોફરાઈ જતું હતું..! જરૂર નથી આંકડા દિવસમાં ત્રણ વાર કે બે વાર આપવાની ,
કારણ એક જ છે ઘરમાં રેહવાનું છે..
સદીઓથી ભારતની સ્ત્રીઓ એમ કેહતી આવી છે કે “તમે પુરુષો ઘરમાં ખોટા બહાર જ સારા..વર ઘરમાં બેઠો હોય ને તો માથે એક ની બદલે બે સાસુ બેઠી હોય એવું લાગે..!”
આ “બાહર સારા” ,”ઘરમાં ખોટા” , “બીજી સાસુ”.. એવું બધું ઘરમાંથી જ સાંભળી સાંભળી ને મોટા થયેલા પુરુષ ને આજે જખ મારીને ઘરમાં રેહવાનું આવ્યું છે અને એ પણ સતત દિવસો ના દિવસો સુધી..!
કપરું લાગે ઘરમાં પડી રેહવાનું ને એમાં પણ એવા લોકો કે જેમની જિંદગી સાવ છેડે આવી ને ઉભી છે એ ઘરડાં પુરુષો રીતસર ઘરની બાહર દોટ મુકતા હોય છે..!
થોડાક દિવસ પેહલા મમ્મી ઉપર એક ફોન આવ્યો એક રીટાયર્ડ જસ્ટીસના ધર્મપત્ની નો.. “ મેડમ આમને સમજાવો ને એ મને કહે છે કે સાહેબના દવાખાને જઈને બેસવું છે મારે ,અને આવા સંજોગોમાં પણ ચાલતા ઘરની બાહર નીકળી જાય છે, અમારે એમને શોધતા દમ નીકળે છે..અત્યારે પણ અમે આપના દવાખાના ની બહાર જ ઉભા છીએ..”
મૂળ વાત એવી કે જજ સાહેબ જ્યારથી વકીલાત કરતા ત્યારથી મમ્મી પપ્પા ના પેશન્ટ, સમયાંતરે આગળ વધ્યા અને જજ થયા એ પણ બહુ મોટા,
લગભગ પાંચેક દસકા નો સબંધ ડોક્ટર-પેશન્ટ નો એટલે મન મળી ગયેલા ..
પાંચમી જાન્યુઆરી એ પપ્પા એ દેહ મુક્યો ને મમ્મી એ ૧૫મી જાન્યુઆરીથી ધુરા સંભાળી લીધી એટલે પેશન્ટો ને બહુ તકલીફ પડી નહિ ,
હવે આ લોકડાઉનમાં જજ સાહેબ આંકડા જોઈ જોઈ અને એક જ વાત વાંચી વાંચી ને સાંભળી સાંભળી ને થોડાક ડિપ્રેસ
થયા ..
ગમે તેટલી વિદ્વતા હોય પણ મૃત્યુ નજીક દેખાય ત્યારે જ્ઞાન નો નાશ થાય છે..
જ્ઞાન એ જીવન જીવવા નો સહારો છે મૃત્યુ નો નહિ..
જજ સાહેબ પોતાના મૃત્યુ વિષે વિચારવા લાગ્યા ને એમના મનમાં એમનો સહારો એમના વોરા સાહેબ..!
પણ સાહેબ નથી તો મેડમ તો છે જ ને ..મારે ત્યાં જ જવું છે જક પકડી લીધી ,
એમાં ને એમાં ઘરના લોકો ની નજર થી બચી ને એકલા ઘરની બાહર દોડી જાય..
સામાન્યમાં સામાન્ય માણસને પણ એમના દેખાવ જોઇને જ ખબર પડી જ જાય કે વિદ્વાન ને મોટી વ્યક્તિ હશે, મુખમંડળની આભા જ જુદી તરી આવે..!
એ દિવસે ચાર પાંચ કિલોમીટર ચાલતા બંધ દવાખાનાની બાહર જઈને બેસી ગયા.. ભૂતપૂર્વ જજ એટલે પોલીસ પણ બિચારી
થઇ જાય, ઉપરથી પોલીસ કહે અમે મૂકી જઈએ આપને સાહેબ દવા લેવા જવું હોય તો ..પણ સાહેબ કહે હું ચાલતો જઈશ..
પરિવાર શોધતો શોધતો અમારા દવાખાને પોહ્ચ્યો, જો કે બહુ મુશ્કેલી એમને ના પડી પરિવારને કેમકે ખબર જ હતી કે ભૂત નું ઘર આંબલી , સાહેબ ચોક્કસ દવાખાને ગયા હશે..
ત્યાંથી જ એમના ધર્મપત્ની એ મમ્મી ને ફોન લગાડ્યો અને મમ્મી ને રીક્વેસ્ટ કરી મેડમ સાહેબ જોડે વાત કરી લ્યો ને..મમ્મી એ પંદર એક મિનીટ વાત કરી.. જજ સાહેબ ની તકલીફો સાંભળી , અને પછી કીધું કે સાહેબ જો આપને ખરેખર તકલીફ હોય તો હું અત્યારે જ ડ્રાઈવર ને બોલાવી ને દવાખનું ખોલું ,પણ અત્યારે આપની વાત ઉપરથી એવું લાગે છે કે આપ બાજુ ની દવાની દુકાને જાવ હું ત્યાં દવા કઈ આપવાની એને કહું છું, અને આપને ચોક્કસ સારું થઇ જશે..
મન શાંત કરવાની જરૂર હતી એમનું ,વિદ્વાનના મન વિદ્વાન જ શાંત કરી શકે , મમ્મીએ એમના ધર્મપત્નીને ફોન પર કીધું…ભાભી નિ:સંકોચ તમે ગમે ત્યારે ફોન કરજો ભલે ભાઈ ને કાઈ નથી ,પણ આ ઉંમરે હવે એમને બહાર બહુ ના જવા દેવાય..
તકલીફ છે , જીવનભર કામ કર્યા છે એવા લોકો ને અત્યારે..
મગજ ચાલતા રાખવાની આદત પાડી હોય એ મગજ બંધ એકદમ તો કેમના કરવા..?
“બંધ મગજ” ને ખોલવા માટે રીતસર પંદર પંદર વીસ વીસ વર્ષ લાગ્યા હોય એ મગજ બંધ કેમનું કરવું , અચાનક..?
આ તે કઈ લેપટોપ છે કે શટડાઉન નો કમાંડ આપો એટલે બે મિનીટમાં બંધ અને ચાંપ દબાવો એટલે ચાલુ ?
યોગી કે કોઈ મહાત્મા જ કરી શકે આવું તો સામાન્ય જીવો નું કામ નથી..!
“બંધ મગજ” જોડે જેમના પનારા પડ્યા હોય એમને જ ખબર પડે કે આ “બંધ મગજ” હોય કેવા ..!??
મહાપરાણે એ “બંધ મગજ” ને કોઈકે ખોલ્યા હોય ,પછી એ એકદમ બંધ ના થાય ને એનું પરિણામ આવે કે આડુંઅવળું દોડતું થઇ જાય અલ્ટીમેટલી ડીપ્રેશન..!
આજે “બંધ મગજ” માંથી “ખુલી ગયેલા મગજો” આકળા વિકળા થઇ રહ્યા છે ધંધા ખોલવા , ઝટ કરો હવે બહુ થયું અને પોતાની જાત ને જ સવાલો પૂછી રહ્યા છે ક્યાં સુધી બંધ રાખવા નું ? આવું કેટલું ? આખી જિંદગી તો નહિ રેહ્વાય ને આવી રીતે ,બેઠા બેઠા તો કુબેરના ધન ભંડાર ખાલી થાય તો આપણે તો શું હસ્તિ ?
કોઈક ને એસેન્શિઅલમાં પરમીશન મળી હોય તો એની રીતસર ઈર્ષ્યા કરે તારી જોડે તો પરમીટ છે..
થોડાક વધારે ખુલેલા મગજ આ બધું પૂરું થાય પછીના વિચાર કરી ને દુ:ખી થાય છે..
હું તો મારી જાત ને એક જ વાત કહી ને મનાવી લઉં છું ..
નજાણ્યું જાનકી નાથે..
તો પછી આપણે વળી કઈ હસ્તિ ?
રામાયણની વ્યુઅરશીપ બહુ આવી છે ,પણ એનું જ્ઞાન ગ્રહણ કરવાનો સમય છે,
પડશે એવા દેવાશે સીતા ને હરી
જશે તો પણ શોધવા માટે મન મક્કમ રાખશો તો હનુમાન, સુગ્રીવ, વિભીષણ ઈત્યાદી તમને મળી જ જશે..
નથી સમય આ મગજ ચલાવી ને સ્ટ્રેટેજી ગોઠવવાનો..
ઘેર રેહ્વાનો સમય છે..
એ પણ “શાંત મગજે” ..
મગજ બંધ ના થાય તો કઈ નહિ પણ શાંત તો થાય ને..?!!
“જવા દો જી નૌકા કિનારે કિનારે પડેલા પ્રભુજી તમારે પનારે..
અમો મોર કોયલ તમે દ્યો જી ટહુકા અમારા જીવન ની તમે છો જી નૌકા..
તમે છો દ્વારકાધીશ હું છું સુદામા અમારા તમોને હજારો પ્રણામો..
હજારો ગુના છે પ્રભુજી અમારા અમોને શરણમાં તમે રાખનારા..”
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)