“ટકુલ”
કોરોનાના કોગળિયા ની બરાબર વચ્ચે આવીને ઉભા છીએ હવે નથી આમ જવાય કે નથી તેમ.. એટલે ચુપચાપ ઘરમાં જ ગુડાઈ
રેહવાનું બીજો કોઈ જ રસ્તો નથી..!
આ જખ મારી ને ઘરમાં ગુડાવું
પડે છે એમાં ઘણા ઘરમાં ધણી બાયડી
ના કજિયા ચાલુ થઇ ગયા છે..!
ચાલો આજે એક વાર્તા કજિયાની ..
એક જુના જમાનામાં એક “ટકુલ” હતો.., આ જુનો જમાનો એટલે બહુ જુનો નહિ હો..સિત્તેરના દાયકામાં જે લોકો પેન્ટ પેહરતા થઇ ગયા હતા ને એટલા જ જુનાની વાર્તા છે પાછા છેક પંચતંત્ર સુધી ના પોહચી જતા હા..! ત્યારે અમે ડાયપર માં અને બાળોતિયામાં હતા…!
એ જમાનામાં ટકુલ ને નવી નવી મૂછો ફૂટી..
એકદમ કુલ
લાગે “ટકુલ”..એના ઝુલ્ફો ફરફરાટ ઉડે ને બેલબોટમ નું સિવડાવેલુ
પેન્ટ ઉપર ચપોચપ શર્ટ ..એ પણ ઇનસર્ટ
કરી ને બુટ પેહરે “સુજ” નહિ હો દેસી બુટ,બુટ..
આમ તો નામ એનું કુલ
રાખવું હતું પણ આજે મિસ્ટર કુલ
સંપૂર્ણ ટકલો થઇ ગયો છે, ડોહો થઈ ગયો છે એટલે ટકલાનો “ટ” લીધો અને પાછળ રાખ્યું કુલ
એટલે આપણે એનું નામ રાખ્યું ટકુલ..
ટકુલીયો પોળના નાકે ઉભો રેહતો થઇ ગયો ને આવતી જતી “ઝાંખતો” થઇ ગયો..
બહુ જુનો અને પોપ્યુલર શબ્દ હતો “ઝાંખવું” , પેહલા તો મને એમ જ હતું કે અભદ્ર શબ્દની શ્રેણીમાં આવે પણ થોડુક વાંચતા થયા એટલે ખબર પડી કે ના.. ના .. સાવ એવું નથી દેવનાગરીમાંથી કે ઉર્દુમાંથી તફડાવી ને અમદાવાદી એ અપભ્રંશ કરેલો આ શબ્દ છે,,!
ટકુલ લાઈનો મારતા
શીખી ગયો.. બીજો અપભ્રંશ થયેલો શબ્દ આવ્યો “લાઈનો મારવી”,
ટકુલ ને સામેથી લાઈનો આવવા
પણ લાગી, પરંતુ એ જમાનામાં બહુ આગળ જવાય નહિ ,આજ ના જેવું નહિ કે ટીંડર થી સીધા અવરલી બેસીસ
ઉપર મળતી હોટેલની રૂમ ઉપર.. ચિઠ્ઠા ચપાટા ચાલે બધા , ટકુલ એના બે ચાર લખોટાઓ ને એ ચિઠ્ઠા વંચાવે એટલે ટકુલ હીરો
..!
ટકુલ એ ત્રણ ચાર વર્ષ તો ચિઠ્ઠા ચપાટા ને સહારે એની ફાટફાટ જુવાની ના દિવસો કાઢ્યા , પણ હવે દાઢી કરારી આવતી થઇ ગઈ હતી રેઝર ફેરવવું પડતું ને એ પણ સાબુ લગાડી ને..
આવો જ વૈશાખ તપતો ચડ્યો ને ટકુલની બાજુની પોળમાં મુંબઈથી કોઈક આવી માસી ને ઘેર રેહવા..એ જમાનામાં કોઈ મુંબઈથી આવે એટલે બકિંગહામ પેલેસથી રાજકુમારી આવી હોય એમ વસ્તી ગાંડી થાય..
ટકુલ ને હવે ફાવટ આવી ગઈ હતી ઉડતા પાડવાની ને મુંબઈ થી આવેલી હતી આખા એરિયામાં ત્રણ દિવસમાં તો ઉત્પાત મચી ગયો..
“ઝાંખણ વૃત્તિ” ને પ્રવૃત્તિ બનાવી ચુકેલાઓ ના મોરા ઘૂમ્યા ને મુંબઈ ની રાજકુમારીવાળી પોળની આજુબાજુ જ ફર્યા કરે..
કર્ણપ્રકર્ણ અંગઉપાંગો ની ચર્ચા થાય..!
ટકુલ બાજી મારી ગયો..મુંબઈ આખું જીતી લીધું અને બીજા જ દિવસે તો ટકુલ અલંકાર થેટરમાં મેટીની શોમાં.. ટકુલે સાંજે માણેકચોકની ભેળ ખવરાવી..રાતે બે વાગે છાપરા કુદી ને ટકુલ ધાબે પોળોની પોળો સન્નાટામાં હોય ને ટકુલ એક ચાદરમાં ભરાઈ ને મુંબઈ ની રાજકુમારી ને પ્રેમ કરે ..!! અઠવાડિયું થયું , ટકુલનો પ્રેમ પરાકાષ્ટા એ પોહચું પોહચું જ હતો ને એક રાત્રે ગુજરાત મેલ ની દસ ને દસે સીટી વાગી ગઈ..!! રાજકુમારી ગોરેગાંવ પોહચી ગઈ..અને ટકુલ પોળમાં..!! ના દિવસ જાય ના રાત ,ટકુલે ઘરમાં હાથ માર્યો ,થોડી ઘણી ઉધારી કરી ને સવારે સાત દસનો ગુજરાત એક્સપ્રેસ પકડ્યો ..બોરીવલ્લી ઉતર્યો અને ત્યાંથી ગોરેગાંવ ..જીવનમાં પેહલી વાર , પણ પ્રેમ કોને કીધો..! એડ્રેસ હતું ,પોહચી ગયો નસીબે યારી આપી ને લોકલમાંથી રાજકુમારી ઉતરી ને સોસાયટીની બહાર જ આંખો મળી ગઈ... પ્રેમમાં પાગલ ટકુલ અને રાજકુમારી.. નક્કી થયું હવે નથી જ રેહ્વાતું તો પછી હેંડો ભાગો “અત્તારે જ “.. રાજકુમારી એ પબ્લિક ફોનમાંથી બાજુવાળાને ત્યાં ફોન કરી ને સંદેશો આપી દીધો કે મારો મન નો માણીગર
ટકુલમને મળી ગયો છે અને હવે અમે લગન કરી લઈશું આવતે મહીને ઘેર આવીશું.. રાજકુમારી ને મુંબઈ ની ભૂગોળ ખબર સીધા દાદર અને ત્યાંથી સેન્ટ્રલ રેલ્વે પકડી અને લોનાવાલા ની એક રૂમમાં..!! જય હો ...! પ્રેમ રૂપિયા પુરા થયા એટલા દિવસ ભરપુર ધરાઈ ને કર્યો ને પછી આંખો ખુલી રાજકુમારી એ કીધું તું અમદાવાદ જા ,હું ગોરેગાંવ..ઘરના ની મંજુરી લઈને પરણીશું.. ટકુલે કીધું તો તો હું અહીંથી ભૂસકો મારું ખીણમાં..છેવટે રાજકુમારી અને ટકુલ આવ્યા અને સૌરાષ્ટ્ર મેલ પકડ્યો જનરલ કોચમાં..! આજુબાજુની પોળોમાં હાહાકાર મચ્યો..ને ઘણી માવરો ને હાશ થઇ કે મારી છો
ડી બચી ગઈ..મુન્સીપાલીટીના હોલમાં ફેરા ફર્યા..!
ટકુલ ને કામધંધે વળગવાનું આવ્યું, ટકુલે એની ઉડતા પંખી પાડવા ની કળા ધંધામાં કામે લગાડી ,ટકુલ ધંધો સેટ કર્યો પણ ગામડે ગામડે ફરવા નું ઘણું રહે ટકુલ ને..
રાજકુમારી “પોળની ચોકડીમાં વાસણ ઘસતી અને ધોકેણાથી કપડા ધોકાવતી” થઇ ગઈ ટકુલના ઘરના..નખરા પુરા ,
પણ રાજકુમારી એ એનો પ્રેમ ટકુલને દેખાડવા એક પ્રણ લીધું ટકુલ રાત્રે ઘેર ના આવે ત્યાં સુધી જમું નહિ..બપોરે તો જમી લ્યે પણ રાત્રે તો નહિ જ ..
શરુ શરુમાં તો પ્રેમ એક થાળીમાં રહ્યો ,પછી બે ત્રણ પ્રેમના પુષ્પો એમના આગણે મોહર્યા એટલે થાળી જુદી જુદી થઇ ,પણ “પોળની ચોકડીમાં વાસણ ઘસતી અને ધોકેણાથી કપડા ધોકાવતી રાજકુમારી” રાત્રે જમે જ નહિ ટકુલ પાછો ના આવે ત્યાં સુધી..!
ટકુલ ને ગામડે ગામડે ફરવાનું કોઈવાર એસ.ટી. મોડીવેહલી થાય કે ટ્રેઈન ને એ જમાનામાં મોબાઈલ તો હતા નહિ ,
પણ પોળની ચોકડીમાં વાસણ ઘસતી અને ધોકેણાથી કપડા ધોકાવતી રાજકુમારી ધરાર
ટકુલ ના આવે ત્યાં સુધી જમે નહિ..
“પોળની ચોકડીમાં વાસણ ઘસતી અને ધોકેણાથી કપડા ધોકાવતી રાજકુમારી” ને ટકુલ સમજાવે કે તું આ આપણા પ્રેમના પુષ્પો જોડે જમી લેતી હોય તો પુષ્પા
..
પણ માને જ નહિ..સમય વીત્યો અને પુષ્પો ફળ થઇ ગયા ,ને પોળની ચોકડીમાં વાસણ ઘસતી અને ધોકેણાથી કપડા ધોકાવતી રાજકુમારી ને લો બીપીની બીમારી આવી,
ડોકટરે કીધું સમયસર જમી લ્યો પણ માને જ નહિ પોળની ચોકડીમાં વાસણ ઘસતી અને ધોકેણાથી કપડા ધોકાવતી રાજકુમારી..
બિચારો ટકુલ જેવા સાંજના પાંચ છ વાગે એટલે એને એની વાહલી પોળની ચોકડીમાં વાસણ ઘસતી અને ધોકેણાથી કપડા ધોકાવતી રાજકુમારી એને યાદ આવે , ઝટ ઉભો થઇ ને ઘેર જવાદે નહિ તો ખાધા વિનાની ને લો બીપી થઇ જશે અને ચક્કર ખાઈ ને પડશે..!!
બાપડો ટકુલ ધંધો મૂકી ને દોડતો ઘેર આવે જમવા અને જમાડવા..!!
મનમાં ટકુલ ને એટલો ખાર ચડે પણ હવે પેલી ગાંઠે જ નહિ..!!
ખાર ભેગો થતો ગયો ,
એકવાર સાઢુભાઈની છોકરીના લગનમાં મુંબઈ ગયા.. ટકુલિયામાંથી ટકુલકુમાર થઇ ગયા હતા .. લગનના આગલા દિવસનો સાંજનો જમણવાર હતો સવારની કર્ણાવતી પકડી ને ટકુલકુમાર એમની રાજકુમારી ને એમના પ્રેમ ના અડધા પોણા પાકેલા ફળ ફળાદી..
એ આવો આવો..આવો આવો ..થઇ ગયું ..! સાંજ પડી મુંબઈની ..!
એક બાજુ જમણવાર ચાલે અને બીજી બાજુ સાળા સાઢુંના છાંટાપાણી પરાણે ટકુલકુમાર ને પીવડાવ્યું..
સાળા સાઢુંએ પ્લેટો લઇ લીધી , ટકુલકુમાર તમે લઇ લ્યો .. ના ના પેલી મારા વિના સાંજે તો ના જ જમે..પછી તો સાળા સાઢુંઓ એ ભેગા થઇ ને જે ખેંચમતાણી કરી છે ટકુલકુમાર ની , જુના ખાર ઉપર એસીડ પડ્યો પણ ગમ ખાઈ ગયો અને લેડીઝ વિંગ
તરફ ગયો..!
પોળની ચોકડીમાં વાસણ ઘસતી અને ધોકેણાથી કપડા ધોકાવતી રાજકુમારી આજે તો પિયર આવી હતી , ફજર ફાળકો થઇ ને ફરતી હતી..બેહનો ને બીજા બધાએ આગ્રહ કર્યો .. પિયરના પ્રેમમાં ભાન ભૂલેલી રાજકુમારી એ આજે તો જમવાની પ્લેટ લઇ લીધી..!!
ટકુલકુમારની એન્ટ્રી થઇ ,મોઢામાં કોળિયા મુકતી દેખાઈ ..
ઢેન ..ટે..ણ ..એ..ન ..ટેણ એન .. ઢેન ..ટે..ણ ..એ..ન..!!
ટકુલકુમાર ના ભંવ ચડ્યા નસકોરા ફૂલ્યા અને મંડપમાં વચ્ચે જઈ ને રાજકુમારીના હાથમાં રહેલી પ્લેટ ઉલાળી ને એક સટાકો બોલાવી દીધો .. બોઈલર ફાટ્યું વીસ વર્ષે.. સસરા વચ્ચે આવ્યા તો એમને પણ ધક્કો મારી ને ફેંકી દીધા સાળા ને તો બે પડી જ ગઈ..
પ્રસંગ ઠેકાણે થઇ ગયો..!
વાંક બધો દારુ નો નીકળ્યો પણ ભીતરમાં ભંડારેલા ભાર
ને કોઈએ ના ઓળખ્યો..!
આજે ટકુલકુમાર બિચારા પોળની ચોકડીમાં વાસણ ઘસતી અને ધોકેણાથી કપડા ધોકાવતી રાજકુમારી ના નખરા ને હજી પાલવે છે..!
આ લોકડાઉનમાં ટકુલ ફરીવાર અકળાયો ,
વગર છાંટાપાણી એક જંગ ખેલી નાખ્યો..!!
પણ એમના પ્રેમ ના પુષ્પોમાંથી ફળ બની પાકેલા એ બારીબારણા બંધ કરી ને બાજી સંભાળી લીધી..!!
જેમ સ્ત્રીઓ ને નાની નાની ટીક ટીક કે જીદ પરેશાન કરતી હોય છે એમ પુરુષ ને પણ એ પરેશાન કરવા માટે પુરતી હોય છે..!
તમે જ કહો કે એકલી સમયસર જમી લે અને પોતાનું બીપી કન્ટ્રોલમાં રાખે તો ટકુલનું પણ બીપી કન્ટ્રોલમાં રહે કે નહિ..?
પણ ના પ્રેમ ..એના પ્રેમમાં પડી એમાં તો હું રાજકુમારી
માંથી પોળની ચોકડીમાં વાસણ ઘસતી અને ધોકેણાથી કપડા ધોકાવતી કામવાળી
થઇ ગઈ ,તો પછી હું એટલું તો માંગું ને એની જોડે..!!??
ખરો અંત આ વાર્તાનો ..?
ઘેર ઘેર માટીના .. સાચવજો ને ઘરમાં રેહજો,
તમારી પોળની ચોકડીમાં વાસણ ઘસતી ની જોડે ને ધોકેણાથી કપડા ધોકાવતી ની જોડે ચોકડીમાં બેસી જાવ ટકુલકુમાર..!
સાચું સુખ એમાં જ સમાયેલું છે..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)