૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ..
ભારતે બ્રિટનના બંધારણ પરથી પોતાનું બંધારણ બનાવ્યું,અને કઈ વધારે પડતી ગુંચવણ દેખાય તો વડીલો એ કીધું કે બ્રિટીશ બંધારણ તમારે રીફર કરવું..
પણ બ્રિટનમાં બંધારણ લખાયુ છે..? ના નથી લખાયુ, બ્રિટન એમ કહે છે કે જેમ જેમ જરૂર પડતી ગઈ અને કેસો આવતા ગયા અને આવતા જશે, એમ એમ અમારુ બંધારણ લખાતુ જશે..!
આપણે શું કર્યું..?
બંધારણ લખી નાખ્યું અને પૂરું કરી નાખ્યું,સુધારા વધારા કરવાની છૂટ પણ આખો કાયદો ઉડાડવો કે ઉમેરવો હોય તો લોકસભા,રાજ્યસભા અને દેશની અડધી વિધાનસભાઓમાંથી પાસ કરાવો, અને પછી મહામહિમની સહી થાય,ત્યાર પછી જ આખો કાયદો ડીલીટ થાય કે નવો ઉમેરાય.!
જન્મારો નીકળી જાય છે કાયદાને ઉમેરતા કે ડીલીટ કરતા, અને એનું સીધું ઉદાહરણ GST છે,સાત સાત વર્ષ સુધી આ જ જેટલી સાહેબ “ગાંડા” હતા.. હું નથી કેહતો હો એમને ગાંડા, એમણે જાતે જ કીધું કે હવે હું વાઈઝર થઇ ગયો છું..હવે જેટલી સાહેબ “ડાહ્યા” થયા તો બીજા બધા “ગાંડા” થયા છે..!
એક કાયદો સુધારવો હોય તો પણ ફીણ પડી જાય છે ગમે તે સરકારને, રાજ્યસભાને વડીલોની સભા કીધી પણ કેટલી વાર વડીલપણુ દેખાડ્યું..? લગભગ રીટાયર્ડ થયેલા કે લોકસભા લડીને હારી ગયેલાને પાછલે બારણેથી ઘુસાડીને પ્રધાન કરવાનો રસ્તો થઇ ગઈ છે રાજ્યસભા.! કેટલા બધા મહામહિમ માટે પણ અત્યાર સુધી રબર સ્ટેમ જેવી ઉપાધિઓ અપાઈ ચુકી છે..!
થોડોક વિચાર માંગે છે આ બંધારણ હવે ,પક્ષાપક્ષીથી થોડા દુર હટીને સમયને અનુસરી નવા કાયદાઓ ઉમેરી અને જુના કાયદા ડીલીટ કરી અને એકવાર બંધારણને રીફ્રેશ કરવાનો સમય પાકી ગયો છે.!
આપણા બંધારણની પેહલી જ કલમ ૧ જેને કહે છે એના માટે વીકીપીડીયા એવું લખે છે કે “Section 1 of the Indian Penal Code is about Title and extent of operation of the Code. The section states that this act shall be called the Indian Penal Code, and shall extend to the whole of India except the State of Jammu and Kashmir “
બોલો સેક્શન પેહલુ અને એમાં જ લખે છે કે આખું ભારત પણ જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના લોકોને માટે..!ભારતના રાજા રજવાડાના વિલીનીકરણની આ કલમ છે અને ત્યારથી જ જમ્મુ કાશ્મીરને જુદું રાખવામાં આવ્યું છે..!
ભારતમાં ચાલતા મહાભારતની ભગવદ્ ગીતા એટલે આપણુ બંધારણ અને જેમ ભગવદ ગીતાના પેહલા જ શ્લોકમાં ધ્રુતરાષ્ટ્ર પૂછે છે
धृतराष्ट्र उवाच
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥
પેહલા જ શ્લોકમાં મારા છોકરા અને પાંડુના છોકરા..!
પછી તો મહાભારત જ થાય ને..!
આપણે પણ બંધારણમાં એવુ જ કૈક કર્યું ભારત અને જમ્મુ કાશ્મીર..!
ભૂલો તો છે પણ સુધારવાની દાનત નથી,અને નડે છે વોટબેંકની રાજનીતિ,
અને એ ભૂલો સુધારવા માટે રાજકારણીઓ ને જેમ દરેક પ્રોડક્ટ એક ચોક્કસ કામ માટે ડીઝાઈન કરવામાં આવે છે તેમ પ્રોપર “રાજકારણી” અને સત્તાને સમજી,સાચવી અને દેશ ચાલવે એવા ડીઝાઈન કરેલા “રાજકારણીઓ”ની જરૂર છે..
ડોક્ટર ઓપરેશન કરે, અને જજ ન્યાય કરે, દરેક કામ માટે કોઈને કોઈ ક્રાયટેરીયા નક્કી છે, પણ દોઢસો કરોડ જનતાના ભવિષ્ય અને વર્તમાન જ્યાં નક્કી થાય છે એ લોકસભા કે રાજ્યસભામાં કોણ બેસે અને એની મીનીમમ લાયકાત શું? બેસનારાઓ ને કેટલી કેટલી વસ્તુઓની જાણ હોવી જોઈએ..? બંધારણ આ બધી બાબતે મૌન છે..!
સાદું ઉદાહરણ ડીમોનેટાઈઝેશન છે..જે રાત્રે જાહેરાત થઇ સામાન્ય પ્રજા ખુશ ખુશ થઇ અને જોડે અમે પણ, પછી ખબર પડી કે આ તો બફાટ થઇ ગયો,અને દુનિયાના એકપણ અર્થશાસ્ત્રી આવી ભયાનક સલાહ આપી ના શકે, પણ સલાહ આપી બાબા રામદેવએ અને ઉંધે કાંધ પડ્યા..! યાદ કરતા પણ બીક લાગે એવી હાલત છે,જગહસાઈ થઇ ગઈ..! એશી ટકા ચલણ એક રાતમાં ગેરકાયદેસર જાહેર થઇ ગયું અને એના લીધે ભ્રષ્ટાચાર નાબુદ થઇ જશે..! હવે રોજ ઊર્જિત પટેલ સાહેબની પીએસી લેફ્ટ રાઈટ લે છે..
બંધારણને સર્વોપરી માન્યું અને એક વાતનો સ્વીકાર પણ કરવો પડે કે મોટેભાગે ઘણુખરુ બંધારણની મર્યાદામાં રહી ને શાસન વ્યવસ્થા આટલા વર્ષો સુધી ચાલી, પણ હવે ન્યાયાલયોની વધુ પડતી સક્રિયતા,સંસદમાં પડતર રેહતા કાયદાના સુધારાના બિલ્સ અને મીડિયાની નષ્ટ થતી પ્રમાણિકતા.. આ બધુ બંધારણને ટકાવવા માટે હવે ક્યાંક બાધારૂપ થાય છે, બીજું બંધારણમાં આમૂલ પરિવર્તન માટેનો એક આધાર એવો પણ છે કે જે બ્રિટીશ બંધારણનો આધાર લીધો એ બ્રિટનની વસ્તી અને આપણી વસ્તી, બ્રિટીશ કલ્ચર અને આપણું કલ્ચર ફેર ખરો? અધધધ ફેર, કેટકેટલી ભાષા અને સંસ્કૃતિઓ ભેગી થઇ ત્યારે આ ભારત દેશ બન્યો..!
લગભગ દોઢસો કરોડે પોહ્ચવા આવ્યા..અને એક એક તુંડે તુંડે અલગ મતિ..અને એટલે જ કોમન સિવિલ કોડ બહુ જ જરૂરી થાય છે,બંધારણ બનાવતી વખતે સમાજના દરેક વર્ગને ન્યાય આપવાની કોશિશ થઇ,અને એમાં ને એમાં બંધારણમાં પાછળથી છેક ૧૯૭૬માં નાખવામાં આવેલા બે શબ્દો “સોશિયાલીસ્ટ” અને “સેક્યુલર”
હવે કહો ના કહો આ બે શબ્દો ઉપર જે રાજનીતિ અને રમત ચાલી આજે છે એ જોતા હવે ફરી એકવાર નવા લોકોની એક બંધારણ સમિતિ બનાવી અને આ બે શબ્દો હટાવી અને બંધારણમાં આમૂલ પરિવર્તન કરવુ જરૂરી છે…!
પણ બંધારણમાં રહેલા ઘણા બધા વિરોધાભાસ અને આંતરકલહ વચ્ચે જો પોઝીટીવ વાત કરીએ તો એક વાત એવી પણ નીકળી આવે છે કે ભારતવર્ષની બહુધા સામાન્ય પ્રજાએ બંધારણને સ્વીકારી લીધું છે અને બંધારણને પોતાની જીવન વ્યવસ્થાના એક ભાગ તરીકે લઇ લીધું છે, નાના મોટા વિરોધ છે,ફ્રસ્ટેશન પણ છે, છતાં પણ બંધારણે આપેલી એક સીસ્ટમને વળગીને પ્રજા ચાલી રહી છે..!
એટલે જ જો બંધારણમાં સમજી વિચારી ને ફરી એકવાર રીફ્રેશ કરવામાં આવે તો સારું..! આપણું ગણતંત્ર અખંડ અને અક્ષત રહે એવી ઈશ્વરને પ્રાર્થના..!
જય હિન્દ
જય હિન્દ કી સેના
શુભ રાત્રી
શૈશવ વોરા