છેલ્લા બે દિવસથી એક ટેકનીકલ સેમીનારમાં બીઝી હતો,મને “બી” સ્કૂલ કે આઈઆઈટીમાં ના ભણ્યાનો ભારે અફસોસ છે,અને થવો પણ જોઈએ, કેમકે જયારે સ્કૂલ કે કોલેજમાં ભણતા હતા ત્યારે જીવનને ક્યારેય સીરીયસલી લીધું જ નોહતુ અને ચોપડીમાં માથું ઘાલીને બેઠેલાની બિન્દાસ્ત ફીરકી લેતા..!
પણ આજે તો પસ્તાવાથી પેટ ભરાતુ નથી, પણ હવે તો ચીડિયા ચૂક ગઈ ખેત..!
અને એટલે જ જ્યારે જ્યારે આવા કોઈ એમડીપી(મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ) કે ટેકનીકલ સેમીનાર દુનિયાના ગમે તે ખૂણે હોય અને મારા સબ્જેક્ટને લાગતો હોય તો પછી ઘુસી જ જવાનું..!
છેક ધંધામાં આવ્યાને આઠ-દસ વર્ષે ખબર પડી કે અનુભવી વર્સીસ એકેડેમીશિયનમાં હમેશા એકેડેમીશિયન જ આગળ દોડી જાય છે,અનુભવથી શીખેલા એક લેવલથી આગળ ક્યારેય નથી જઈ શકતા..
આ “આગળ જવું” ટર્મ એ રૂપિયા અને ટેકનીકલ નોલેજ બંને માટે લાગુ પડે છે..!
એકેડેમીશિયન જયારે અનુભવ ભેગો કરતો જાય છે, ત્યારે એ આગળ જવામાં લગભગ મલ્ટીપ્લાય થતો જાય છે, અને જયારે એક્સ્પીર્યંસ ખાલી પ્લસીઝમાં જ રમે છે, શુદ્ધ ગુજરાતી કરું તો અનુભવીને સરવાળા થાય અને ભણેલો વત્તા અનુભવી હોય તો પછી એને ગુણાકાર થાય..!
અને એટલે જ એ જે કોઈ લોકો, જે મારી જેમ ભણવાના સમયે જે તે તકો ચુકી ગયા છે એમને માટે આવા સેમિનાર્સ બહુ જ ઉપયોગી થાય છે,અને આવા સેમિનાર્સ બીજી પણ એવી રીતે ઉપયોગી થાય છે કે જયારે ભણતા હતા ત્યાર પછી ના જે કોઈ નવા નવા સંશોધનો થયા એની સાથે તાલ મીલવવા માટે આવા સેમીનાર બહુ ઉપયોગી થઇ પડે છે..!
આજકાલ લગભગ તમામ મોટા એસોશિએશનો પાસે સરકારી અને ઉદ્યોગકારોના સહયોગથી સેન્ટર ઓફ એક્સલન્સ બનેલા છે,એટલે સેમિનાર્સ માટે હોલની વ્યવસ્થા બહુ જ સરળ રીતે અને મોટેભાગે મફતના ભાવે ઉપલબ્ધ હોય છે,ગુગલ દેવતાની કૃપાથી વક્તા પણ સારા મળી જતા હોય છે,પણ શીખવાવાળા અને સાંભળવાવાળા નથી મળતા..સાંભળવાવાળા મળે તો સમજવાવાળા નથી મળતા..!
લગભગ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારો એવી માનસિકતામાં આવી ગયા છે કે “અલ્યા ટેકનીકલ સેમીનારમાં જઈને આપણે “હું” કામ છે..? બધું એ નું એ જ છે અને નકરી ડાહી ડાહી વાતો હોય છે,પ્રેક્ટીકલી આપડા પ્લાન્ટ લેવલે કઈ ઈમ્પ્લીમેન્ટ કરવા જઈએ તો સેટ થયેલી સીસ્ટમ તૂટી પડે અને છ મહિના સુધી હું ધંધે લાગી જાઉં…!”
અથવા તો નવી નવી ટેકનોલોજી જોઈએ અને પછી આપણને ડીપ્રેશન આવે કે સાલો કોઈ આપણો કોમ્પિટિટીટર ખાલી ખાલી એમ પણ બોલે કે આપણે તો નવું મશીન લેવું છે એટલે કારણ વિનાનું બીપી વધી જાય..!
કોઈપણ સેમીનારમાં “ના” જવા માટેના હજારો બહાના હોય છે પણ મૂળ કારણ તો એક જ હોય છે મારે મારા દિમાગને લોડ નથી આપવો..!
એક વાર્તા ક્યાંક વાંચી હતી..
એક ગુરુજી હતા, એમના આશ્રમમાં ઘણા બધા ચેલાઓ રહે, એક ચેલો પેહેલેથી જ હોશિયાર આશ્રમના બીજા બધા ટીચરો એને ભણાવે પણ મેઈન ગુરુજી એને ભણાવે નહિ..
પેલો હોશિયાર ચેલાને થયું કે મોટ્ટા મેઈન ગુરુ મને કેમ ના ભણાવે..? એટલે એક દિવસ એની છટકી રોજ મોટ્ટા ગુરુ પાસે જાય અને કકળાટ કરે ગુરુજી મને તમે ભણાવો અને ગુરુજી કહે ના કાલે વાત..!
એક દિવસ ચેલાની ખોપરી બરાબર ટર્ન મારી ગઈ, મને આજે તો તમારે ભણવવો જ પડશે, ગુરુજી જમાનાના ખાધેલ હતા પેલાના મોઢાના હાવભાવ પરથી સમજી ગયા કે આજે હવે આ લીધી લત મુકશે નહિ..
ચેલાને આદેશ કર્યો જ એક માટલું પાણી લઇ આવ ચેલો દોડતો દોડતો ગયો અને પાણી ભરેલું માટલું લાવ્યો અને બોલ્યો હવે..? જ બીજું માટલું લઇ આવ ચેલો ડબલ સ્પીડથી દોડીને ગયો અને બીજું માટલું લેતો આવ્યો, આજે તો એને ગુરુ જોડેથી જ્ઞાન લેવું જ હતું..
ગુરુજી બોલ્યા હવે પેહલા લાવેલા માટલામાં બીજા માટલાનું પાણી રેડી દે..ચેલો રેડતો ગયો.. પાણી બહાર ઢોળાય ગુરુ બોલ્યા માટલામાં પાણી કેમ નથી જતું..? બહાર કેમ ઢોળાય છે..? ચેલો બોલ્યો પણ માટલું પેહલેથી જ ભરેલું છે..!
ગુરુ ઉભા થઇને જતા રહ્યા..! ચેલાનો પેહલો પાઠ પૂરો થઇ ગયો હતો,ચેલો પણ હોશિયાર હતો પાછળ દોડ્યો અને પગમાં પડી ગયો ક્ષમા ગુરુદેવ હું મારું મન હું અત્યારે જ ખાલી કરી નાખું છું..!!
બસ આવું જ કૈક છે, આપણે જે કઈ શીખ્યા છીએ એનાથી આપણા મનનું માટલું ભરી દીધું છે, નવું પાણી આવે એટલી જગ્યા જ નથી રાખી અને માટલાના માથે સંતોષ,ખોટા આત્મવિશ્વાસનું “બુઝારું” જબરજસ્ત રીતે ફીટ કર્યું છે, પાણીનું એક ટીપું બહાર ના જાય કે એક ટીપું અંદરના આવે..!
કોઈને કંઈપણ શીખવાડવાનું કેહવામાં આવે તો એટલું જ શીખવાડીએ કે જેનાથી આપણને બિલકુલ નુકસાન ના થાય, પેલી સંતાડી રાખેલી બે ચાવી કે બુઝારાથી જડબેસલાક બંધ કરેલા માટલાના પાણીની વરાળ પણ બહારના આવે એની ચોકસાઈ રાખીએ છીએ ..!
મને જયારે સંગીત શીખવાડવામાં આવતું ત્યારે એવું કેહવામાં આવતું કે સાત સૂરના અફાટ દરિયામાં માતા સરસ્વતી પણ એમની વીણાના તુંબડાને સહારે તરે છે..!
અર્થાત સંગીત અને જ્ઞાનની અધિષ્ઠાત્રી પણ જ્ઞાનના સાગરમાં તરે છે, અને આપણે આપણા દિમાગની એક ગાગરડીમાં સાગર સમાયેલો માની ને ગાગરને બંધ કરી દઈએ છીએ..!
ટેકનોલોજી જબરજસ્ત સ્પીડમાં દરેક ફિલ્ડમાં આગળ જઈ રહી છે, ગુગલ અને ફેસબુકે વાંચવાની અને નોલેજ લેવાની ભૂખ ઉઘાડી છે લગભગ બધા મોબાઇલમાં માથું ઘાલીને બેઠા હોય છે પણ ગુગલ કે ફેસબુકમાં જે જ્ઞાન નથી મળતું એ જ જ્ઞાન રૂપિયા કમાવીને આપે છે..!
ગુગલ અને ફેસબુકમાં જે મળે છે એ દરેક પાસે હોય છે, અને જે ચીજ વસ્તુ દરેક પાસે છે એના કોઈ કેમ અને શા માટે રૂપિયા આપે? કૈક નવું અને એક્સ્ટ્રા પ્રોવાઈડ કરવાનો જમાનો છે..! પ્લસ વન
પાછળ આવતી પેઢી ધસમસતી આવે છે,મલ્ટીટાસ્કિંગ છે અને એ પણ પૂરું ભણીગણીને આવે છે, ફક્ત અનુભવની જરૂર છે, અને અનુભવ લેવા માટે આ નવી પેઢીને હજાર દિવસ બહુ થઇ ગયા, એક ઝાટકે કોમ્પિટિશનમાંથી બહાર ફેંકી દેશે ખબર પણ નહિ પડે..!
એટલે કોઈપણ ટેકનીકલ સેમીનાર કે એમડીપીમાં જઈ ને આપણે અપડેટ થવું જ પડે, હા નવી પેઢી માટે આવા સેમીનારમાં અપ ડેટ થવું અઘરું પડે છે કેમકે અનુભવનો અભાવ એમને પાછા પાડે..!
દુનિયાભરના શોખ લઈને બેઠેલી મારા જેવી વ્યક્તિને આવી કોઈક જગ્યાએ જઈને આવે ત્યારે ખરેખર સારી ઊંઘ આવે, અને “દિમાગ” દસ બાર દિવસ સુધી બે દિવસમાં ખાધેલું વાગોળ્યા જ કરે સારું રાખે ખરાબ કે નકામું કાઢીને ફેંકી દે..!
આટલું વાંચ્યા પછી જો પેલું “બુઝારુ” પકડાય તો કાઢીને ફેંકી ડો ભંગારમાં વેચીને રૂપિયા કમાવાની લાલચ ના કરશો બસ..!
મારા કનકકાકા એક કેહવત કેહતા “રૂપિયાથી રૂપિયા તો રાંડી રાંડ(વિધવા) પણ કમાય વગર રૂપયે રૂપિયો કમાય એનું નામ ભાયડો..!”
અને વગર રૂપિયે રૂપિયો કામવાનો એક જ રસ્તો છે “નોલેજ”
નોલેજ મેળવો અને વેચો..!
ઘરની બહાર રોડ પરથી કોઈ “મસ્ટેંગ” ભું ભું કરતો કાઢી ગયો, જીવ બળી જાય છે, આપડી “ગરીબી” ઉપર..!
અમદાવાદમાં આજકાલ રાત પડ્યે નવી નક્કોર “મસ્ટેંગ” બહુ જોવા મળે છે હો ભાઈ..!
શુભ રાત્રી
શૈશવ વોરા