બસ્તર ..
ગઈકાલે સ્ક્રીનીંગ હતું આ મુવીનું , અને ભાવભર્યું આમંત્રણ હતું એટલે માન આપ્યું , શૈશવ પાર્ટી બસ્તર મુવી જોવા પોહચી ગઈ..!
કેવું લાગ્યું ? પેહ્લો સવાલ તો એ જ આવે ?
તો જવાબ છે કે.. જોવા જવાય એકવાર, ચોક્કસ ..
કારણ શું ? તો મુવીની હિરોઈન અદા શર્માના શબ્દોમાં કહું તો આપણે ડ્રોઈંગરૂમમાં બેઠા રહીએ છીએ પણ આપણા જ દેશમાં ૮૫ કિલોમીટરના સડક નિર્માણમાં અસંખ્ય આપણા જવાનોના લોહી રેડાઈ રહ્યા છે અને નવાઈ ની વાત એની આપણને ખબર સુધ્ધા નથી ,
એ ખબર પાડવા માટે જોવા જવાય..!
મોટેભાગે કેવું છે કે આપણે બધાય રાજનીતિને વ્યક્તિવાદી સ્વરૂપે જ જોતા આવ્યા છીએ ફલાણો માણસ સારો છે , બસ એટલે એને રાજ કરવા સોંપી દઈએ છીએ..!
એની કઈ નીતિઓ છે આવનારા ભવિષ્ય વિશે એ લોકો શું માને છે અને જે તે વ્યક્તિ કે પક્ષ જે કોઈ નીતિ અપનાવશે તેનાથી મારા અને તમારા જીવનમાં શું ફર્ક પડશે એની આપણને જાણ લગભગ હોતી નથી ..
હવે આવું કેમ થાય ? તો જન્મ્યા ત્યારથી પેહલા તો છાપા વાંચવાની ટેવ નહિ , જો ટેવ પાડી હોય તો મોટા મોટા અક્ષરો અને ફોટા જોઈ લેવાના ,અંદરના પાનામાં આવતા લેખ ? તો કહે એવું બધું લાંબુ લાંબુ કોણ વાંચે ?..!
પત્યું ..હવે એવા લોકો માટે સામ્યવાદ ,મૂડીવાદ ,સમાજવાદ આ બધા શબ્દો કાળા અક્ષર કુહાડે માર્યા જેવો ઘાટ થાય..
દુનિયા આખીમાં લગભગ લોકતંત્ર છે પણ હજી ઘણી બધી જગ્યાએ ફક્ત એક જ પાર્ટી રાજ કરે અને કીમ જોંગ જેવા સરમુખત્યાર દુનિયામાં છે, એવા કોઈકને ભારત દેશ ઉપર ચડી વાગવું હોય તો ?
અઘરી વાત છે, અને ઊંડી વાત છે, એ બધું ક્યારેક પછી,
પણ બસ્તર ફિલ્મમાં લાલ સલામ ઉર્ફે કોમરેડ ઉર્ફે સામ્યવાદ કેવું ખતરનાક રૂપ ધારણ કરી અને ભારતની છાતી ઉપર નકસલવાદ સ્વરૂપે ચડીને લોહીની નદીઓ વેહ્વડાવતો હતો એ સમજવું હોય તો ચોક્કસ જોવા જવાય..
એક ખતરનાક આંતરરાષ્ટ્રીય કાવતરું , એ પણ બુદ્ધિજીવીઓને સાથે રાખીને તમામ ધર્મોના લોકોને પણ સાથે રાખીને દેશની વચ્ચોવચ દેશનું લશ્કર પણ ના જઈ શકે એવી પરિસ્થિતિ કેમ ઉભી થાય એ સમજવું હોય તો જોવા જવાય..
ઓવર ઓલ જો કેરાલા સ્ટોરી ગમ્યું હોય તો ગમશે ..
પણ હા ,
હિંસા અને ક્રુરતા અત્યંત ચરમસીમાએ દર્શાવાઈ છે .. મને શેખર કપૂરની બેન્ડિટ ક્વીન યાદ આવી ગઈ ,અનહદ મારધાડ અને નકરી ક્રૂરતા..
આ ફિલ્મની અભિનેત્રીએ વાત કરતા એમ કીધું કે આપણે કોરોના વખતે કેવું કરતા હતા.. હજી તો અહિયાં કેસ છે પણ આપણે ત્યાં નથી અને ક્યારે આપણે ત્યાં આવી ગયો અને કેટલાય સ્વજનોને લઇ ગયો તે ખબર ના પડી..
વાત તો જાણે સાચ્ચી .. ઊંઘવામાં ભારતીયો અવ્વલ ..!
કોણ જાણે કેમ મારું શું ?અને મારે શું ?એ બે સવાલો ભૂલાતા નથી આપણને .. રાષ્ટ્રહિત હોય ત્યારે પણ..
જો કે મારા જેવા જરાક પોચા માણસને ફિલ્મ જોતા જોતા ચીતરી ચડી ગઈ અને સાચ્ચું કહું તો વોશરૂમના બહાને હું બાહર નીકળી ગયો ..
બાહર ઉભેલા ટેન્શનમાં આવી ગયા કે આ પાર્ટી અધવચ્ચેથી મુવી મુકીને ભાગી કે શું ?
વધારે પડતા હિંસક દ્રશ્યોએ મારી રસક્ષતિ ચોક્કસ કરી નાખી હતી..
ઓટીટી અને ફિલ્મનો ભેદ ફિલ્મ બનાવનારા ચુક્યા છે ..
હિંસક સીનને સ્ક્રીન ઉપર થોડીક સેકંડ માટે જ રાખીને પછી બીજું દ્રશ્ય બતાવી શકાત, પણ ઈફેક્ટ વધારે કારગર આપવાની લાલચમાં મુવી હોરર કહી શકાય એવી કેટેગરી તરફ જતું રહ્યું છે..
બીજી ખામી નીરજાનું પાત્ર જે અદા શર્મા ભજવે છે તેને વધારે ઉપસાવ્યું હોત તો પક્કડ મજબુત બની હોત ..
ફિલ્મ એ ફિલ્મ છે કોઈ ડોકયુમેન્ટરીની જેમ વિલનને ટપ કરતો ટપકાવે તો વિલનના મરવાની મજા દર્શક લઇ શકતો નથી ..
એમ ટપ કરતો માર્યો એના કરતા ટીપીકલ હિન્દી ફિલ્મની જેમ બે ચાર ડાયલોગની આપ લે કરાવીને ટપકાવ્યો હોત તો મજા આવતે..
થીયેટરમાં ભારત માતા કી જે પણ બોલાવાઈ, ચાલુ મુવીમાં અને મુવીના એક ભાગ રૂપે રાષ્ટ્રગાન જયારે આવે છે ત્યારે દર્શકગણ પોતાની સીટ ઉપરથી ઉભો પણ થઇ જાય છે ..
એક સારી ટ્રીક છે દર્શકને મુવી સાથે જોડી દેવાની…
હવે મૂળ મુદ્દો ..
ચૂંટણીમાં કોઈ ફર્ક લાવી શકે ?
ઉત્તર ,પશ્ચિમ ,દક્ષિણ ભારતમાં તો લગભગ નહીવત પણ મધ્યભારત અને પૂર્વ ભારતમાં પચાર પ્રસાર થાય તો ચાલી રહેલા ષડયંત્રથી લોકો વાકેફ થાય અને પરિણામોમાં ક્યાંક અસર લાવી શકે ..
પણ હવે સૌથી પેહલી વાત એ છે કે મારા અને તમારા જેવાએ પક્ષોના ચૂંટણી ઢંઢેરા તો વાંચવા જોઈએ ..
સોશિઅલ મીડિયાએ આજે ઝીણું ઝીણું જ્ઞાન પણ હાથવગું કરી નાખ્યું છે તો દુનિયામાં ચાલી રહેલા વાદ જે વિવાદ અને પછી હિંસાનું સૌથી મોટું કારણ બને છે એ સમજવાની કોશિશ કરવી જોઈએ..
મારી બિલકુલ સાદી સમજણ એવું કહે છે કે હું જે કરી રહ્યો છું તે સાચું છે સારું છે માટે હું જે કહું તે હવે તું પણ આખી જિંદગી કર તો તું સુખી થઇશ ..
દુનિયાના તમામ `વાદ` પાછળ આ વાત મને દેખાય છે અને તમામ ધર્મોની વાત કરું તો મર્યા પછીની જિંદગી ઉપર વધારે ભાર મુકે છે..
બાકી તો સુખ ,શાંતિ, સ્વર્ગ, નર્ક .. વગેરે વગેરે આભાસી છે , સાપેક્ષ છે ..!
માણસ એકલો જીવી શકતો નથી એટલે કુટંબ બનાવે છે, કુટુંબ એકલું જીવી શકતું નથી એટલે સમાજ બને છે ,અને સમાજ એકલો રહી શકતો નથી માટે રાષ્ટ્રોના નિર્માણ થાય છે ,
અને એમાં પછી ઉપર લખી એ જ વાત આવે છે `હું` ની બદલે `અમે` ની વાત આવે છે અને થાય પછી રમખાણ..!!
પાંચમાંથી કેટલા એમ ?
સાડા ત્રણ .. દોઢ કાપું વધારે પડતી હિંસાને સ્ક્રીન પર રાખી મુકવાના અને અદા શર્માના પાત્રને નહિ ઉપસાવવા માટેના ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*