સૌથી પેહલા તો બધાને હોળી ધૂળેટીની શુભકામનાઓ..
થોડાક દિવસથી એક સવાલ ઘુમરાઈ રહ્યો હતો મગજમાં એટલે આજે થયું કે લાવ હવે ખાલી કરી નાખું મગજને ..
સવાલ એવો છે કે શું રૂપિયાને પૂછવું જોઈએ કે તું કોણ અને ક્યાંથી આવે છે ?
જો કે આ આઝાદી દરેકને નથી મળતી ,કદાચ જીવનનો અત્યંત મોંઘો ,કિમતી સવાલ છે કેમકે મોટાભાગના લોકોને આ સવાલ પૂછવાની જીંદગી આઝાદી આપતી જ નથી..!
છતાંય જયારે થોડોક પણ જીવનમાં `ગેપ` ,જગ્યા મળે જેમ શાસ્ત્રીય સંગીતના ગાયકો એમની ખડી ગાયકીમાં જગ્યા કાઢી અને કણ ,હરકત, મૂરકી કે ઘસીટ મારી લેતા હોય છે તેમ જગ્યા કાઢીને આ સવાલ પૂછી લેવો જીવનમાં અત્યંત જરૂરી છે..
એક બિલકુલ સત્ય ઘટના કહું .. શાસ્ત્રીય ગાયનની વાત નીકળી છે ત્યારે..
એક મિત્રના પુત્રના લગ્ન હતા અને ખર્ચો કરવાનો જ હતો , ધુમાડાબંધ ખર્ચાની વાત હતી ..મારી એક ટેવ છે હું મારા મિત્રોના સંતાનોના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રેહ્વાનો પ્રયત્ન હંમેશા કરું છું . જે આજના જમાનાના નથી..
હવે થયું એવું કે વરરાજાનો ડાયરેક્ટ મને ફોન આવ્યો શૈશવકાકા ફલાણા સિતારવાળા ભાઈ મને લાવી આપો ,મારા લગનમાં મારે એ જ જોઈએ ..
મેં કીધું ઠીક છે દિકરા તારે કોઈની સાથે વાત થઇ છે ?
સામેથી જવાબ આવ્યો કે હા મારી ઇવેન્ટવાળીએ વાત કરી છે અને એ સિતારવાળા ભાઈ છ લાખ રૂપિયા કહે છે બે અઢી કલાકના..
મારો આંખો કપાળે ચડી ગઈ .. મેં કીધું તારી ફટકી ગયું છે બેટા ?
કુમાર ક્લબ શાસ્ત્રીય ગ્રુપનો કારભારો થોડોક સમય જીવનમાં ફૂટયો હતો એટલે મને ખબર કે કોનો શું ભાવ ચાલે .. દિકરો મારો ડાહ્યો અને લાડકવાયો એટલે મને કહે એટલે જ તો તમને કીધું વહીવટ કરો ,છ લાખ સાંભળી અને પપ્પાએ તો મને લગન કરવાની જ ના પડી દીધી છે , તમારા ભાઈબંધ તો કહે છે ફ્લેટના પાર્કિંગમાં જ ફેરા ફેરવું તને, હવે તમે રસ્તો કાઢો..
મેં તરત જ એક શાસ્ત્રીય સંગીતના કલાકારને ફોન લગાડ્યો.. અને વાત કરી .. મને કહે લાખ દોઢ લાખમાં તો હું બાર-પંદરને લઈને આવું અને તો પણ હું કમાઈશ..શૈશવભાઈ આપણાથી આવા રૂપિયા ના લેવાય..!!!!
આપણાથી આવા રૂપિયા ના લેવાય .. હ્રદય સોંસરવું ઉતરી ગયું .. જો કે પછી વરરાજાનું વાજું વહુરાણીએ ફેરવી નાખ્યું હતું કે લગ્નમાં શું વાગશે એ મારા પપ્પા નક્કી કરશે તારે નથી કરવાનું ..એટલે મારે તો ટાઢા પાણીએ ખસ ગઈ..
પણ હું આખ્ખો હાલી ગયો હતો…!! એ સમયે..
મને હોરીની એક ચીજમાં ફેરફાર કરીને ગાવાનું મન થઇ ગયું શ્રી રાગમાં શીખ્યો હતો .. બોલ કૈક આવા હતા .. ધૂમ મચાઈ હૈ બ્રીજમેં મોહન રી .. ફેરફાર એવા કરવાનું મન થઇ ગયું કે લુંટ મચાઈ હૈ “મોહન” ભારતમેં..
એવા લોકો વસે છે આ દેશમાં કે જેમને નફાખોરી નથી કરવી ..!!!
આપણાથી આવા રૂપિયા ના લેવાય ..!!!
ફાયદો ખરો ?
હા સીધ્ધો ફાયદો બહુ મોટો .. કહું આગળ..!!
મારી મમ્મી હંમેશા કહે છે કે “મારા ઘરમાં લક્ષ્મી નહિ હોય તો ચાલશે પણ સરસ્વતી તો જોઇશે જ..!”
સરસ્વતીકૃપાએ મને એક સમયે એક પ્રોડક્ટ હાથ લાગી સાડા છ રૂપિયાની પ્રોડક્ટ, અને બજાર ચાલે ત્રીસ રૂપિયે.. એવે સમય એક કાકા આપણા ગુરુ .. સવાલ પૂછ્યો મેં કાકા અઠ્ઠાવીસ રૂપિયે વેચું કે વધારે બજાર તોડું ?
કાકાએ સરસ જવાબ આપ્યો .. જો બટા એક ના બે કરાય ,ત્રણ કરીશ તો જાત બગાડીશ, ચાર કરીશ તો બૈરી બગડશે અને પાંચ કરીશ તો વેતર વંઠે..
મેં કીધું કાકા ઝૂમ કરો .. તો કહે એક રૂપિયાના માલના બે રૂપિયા કરાય , ત્રણ કરીશ તો એક રૂપિયો વધારાનો આવશે એટલે તું તારી જાત બગાડીશ ,દારૂ પીશ ,જુગાર રમીશ, વેશ્યાઓ પાસે જઈશ ..ચાર કરીશ તો વધારાનો રૂપિયો તારી પત્ની પાસે જશે અને એ એની જાત બગાડશે અને પાંચ કરીશ તો તારા છોકરા બગડશે..!!
સલાહ માન્ય રાખી અને એક ના બે કર્યા..!!
ફાયદો શું તો કહે સરસ્વતી અને લક્ષ્મી સાથે રહી ગઈ..!
જયારે જયારે પૂછ્યા વિનાનો રૂપિયો ઘરમાં આવે છે અને ઘણીવાર તો આખું ઘર જ એના વિના બંધાય છે ત્યારે ત્યારે લક્ષ્મીનું પલડું ભારે થઇ જાય છે અને પછી જે થાય એ મલક આખું જાણે ..!!
સવાલ એવો પણ આવે કે નોકરીવાળાનું શું ?
આઠ કલાક ઈમાનદારીથી કામ કરીને જે મળે એને વધાવી લેવું અને બીજા ચાર કલાકમાં સ્કીલ વાપરી અને કમાઈ લેવાય પણ પગાર હોય પચાસ હજાર અને મકાન બને ત્રણ કરોડ ,પાંચ કરોડ ,દસ કરોડ …!
વેતર નહિ આવતા પચ્ચીસ જન્મારા વંઠે..!!
બેટા ધૂળેટી રમો જે ખાવું પીવું હોય તે પીજો પણ બાહર બહુ ટાઈટ છે એટલે પછી રાત્રે બધા ત્યાં ફાર્મ પર જ રોકાઈ જજો અને એમાં ક્યારેક લીટીઓ વધારે ખેંચાઈ જાય તો એકાદો સવારે ઉઠે જ નહિ પછી શું ?
છાપાનું છેલ્લું આખ્ખું પાનું ભરીને ને જાહેરાત આપે .. બેસણાની..!!
લગ્નનો ખર્ચો બેસણા અને શ્રદ્ધાંજલિમાં જાય..!!
પોળના મકાન યાદ આવે ..!! બે ચાર રૂમમાં કેટલા સુખી હતા..!!
સમય સમય ઉપર પૂછવું રૂપિયાને તું કોણ ? ક્યાંથી આવ્યો ? કેમ આવ્યો ?શું કરીશ આવીને ?
નહિ તો પછી “ખાયે ગોરી કા યાર બલમ તરસે ..રંગ બરસે ..!!”
જય હો
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*