એ ખમ્મા ખમ્મા મારી ભદ્રકાળી માત ને … માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી એ માં પાવા તે ગઢથી …નગર દેવી માં ભદ્રકાળી ને ત્યાં આટલા વર્ષે આટલી ભીડ અને આવો ગરબો જોયો હૈયે હરખની હેલી ઉમટી,
મારા સંગીત ગુરુ શ્રીમતી સરોજબેન ગુંદાણી કેહતા બેટા હું એક ગરબો ઉપાડુંને ભદ્રકાળીના ચોકેથી …હે દુધે તે ભરી તલાવડી ને મોતીએ બાંધી પાળ રે ઝીલણ ઝીલવા ગ્યાતા કે ગરબે રમવા ગ્યાતા … અને લાખ લાખ પગ મારા ગરબા ના તાલે ઠેસ મારે અને હીંચ લે … એ સમય હતો સાહીઠ અને સીતેર નો દાયકો
ઓછામાં ઓછું પચાસ હજાર માણસ ભદ્રકાળીના ચોકેથી ગરબે ફરતું અને ત્રણ દરવાજે જઈને ગરબો પાછો ભદ્રકાળીના ચોકે આવે ,અને ઢોલીડા કેટલા એ તો ગણ્યા ગણાય નહિ અને ..રાતે અગિયાર વાગ્યાથી મારી અંબા ભવાની ચંડી ચામુંડા રમે તે સવારો સવાર …..
આજે ઘણા વર્ષે માંને રમતી જોઈ ભદ્રના ચોકે , આ એજ જગ્યા જ્યાં માતા મહાલાક્ષ્મીએ બાદશાહ સલામત ને વચન આપ્યું કે તું પાછો નહિ આવે ત્યાં સુધી અહીજ ઉભી છું અને બાદશાહે પોતાની તલવારથી ધડ પરથી માથું ઉતારી લીધું …
લક્ષ્મી મારા શેહરમાંથી જાય તો શું વધે ..? એના કરતા આ ધડ પર માથું ના રહે એ ચાલે …અને સાક્ષીમાં હતી નગર દેવી માતા ભદ્રકાળી … ભદ્રકાળીની સાક્ષીએ વચને બંધાણી છે એટલે ગમે તે થાય માતા મહાલક્ષ્મી અમદાવાદમાંથી તો નહિ જાય ….
ભઈલુ નવરાત્રી તો બાકી જામી ગઈ છે ..જોબન હેલે ચડ્યું છે રાત પડે અમદાવાદના રોડ ચમકી રહ્યા છે મોડી રાત સુધી દુનિયા આખી ખુલ્લી રેહવા માંડી છે ..એફ એમ રેડિયો સ્ટેશન પર નવ વાગ્યાની આરતી ચાલુ થાય અને પછી મુડ બની જાય છે…
ફેસબુક પર નવરાત્રીના ફોટા ધીમે ધીમે ચાલુ થયા છે , પણ એક લોછો છે ફેસબુકમાં યાર આજકાલ ..
જ્યારથી ફેસબુક પણ પેલા યુ ટ્યુબ ના રવાડે ચડ્યું ત્યારથી વિડીયો શેરીંગ બહુ વધી ગયા છે .. ડેટા પ્લાનની માં બેન એક કરી નાખે છે આ ફેસબુક ના વિડીયો બફરીંગ , સાલું જોવું હોય કે ના જોવું હોય ચકરડી ફરતી થઇ જાય અને બફરીંગ ચાલુ થઇ જાય છે ..!!
ગયા અઠવાડિયે રાત્રે રાત્રે આનંદીબેન ના કીધા વિના મારી બેટી બધી મોબાઈલ કંપનીઓ એ મોડી રાત્રે બધાના ૩ જી કનેક્શન બંધ કરી નાખ્યા હતા , ખાનગી સુત્રો ના જણાવ્યા પ્રમાણે ૪ જી ના ટેસ્ટીંગ માટે કંપનીઓ મોબાઈલ નેટવર્ક જોડે ખેલ કરતી હતી , હવે નવરાત્રીમાં તો એ ખેલ બંધ છે ..બહુ ગાળો પડે
લાગે છે દિવાળી પેહલા કે દિવાળીમાં તો ૪ જી દેવતા મોબાઈલમાં અમૃત કુંભ લઈને પ્રગટ થશે …!!! પેલી એરટેલ વાળી છોકરી સિવાય કોઈ બીજા પાસે ૪ જી હશે દેશમાં …!!
નવરાત્રીમાં ગરબા સિવાય બીજી એક પરંપરા ગુજરાત અને ગુજરાતની બહાર બહુ સમૃદ્ધ હતી , રામલીલા .. ક્યાં ખોવાઈ એ રામલીલા ..?એમાં સીતા મોટે ભાગે કોઈ પુરુષ જ હોય ….જો કે મેં એકપણ વાર રામલીલા જોઈ નથી કબુલ … ટીવી પર દૂરદર્શને બતાવી હતી એ જોઈ છે પણ સામે બેસી ને તો ભાઈ સોરી ..
મને માઉન્ટ આબુમાં એકવાર બહુરૂપી મળ્યા હતા , રામલીલાની સાથે બહુરૂપીને એટલે સાંકળું છું કે રામલીલા ના અને બહુરૂપી ના પરિધાન લગભગ એકસરખા હોય છે …
આખે આખી પરંપરા અને કળા લુપ્ત થતી દેખાય છે , પ્રોફેશનાલીઝમ ના જમાનામાં બહુરૂપી અને રામલીલા ગયા …!! અને જોડે રાવણ દહન પણ ઓછા થયા ..
જોકે થાય એમાં નવાઈ નથી કેમકે અત્યારે ઘોર કલિયુગમાં ગાંધી ને બદલે ગોડસે સાચો હતો અને રામને બદલે રાવણ સાચો ઠર્યો .. તારી બૈરી ને એકલી મુકીને ગયો તો કોઈ લઇ જાય ભાઈ એમાં શું ? આવું કેહ્નારા મુરખો નો તૂટો નથી …
એક નવી ડીમાંડ આવી છે , મરાઠી ગીતો પર ગરબા કરવાના .. આવો જ ફતવો આઝાદી પછી પાકિસ્તાન રેડિયો પર મુકવામાં આવ્યો હતો , બધા જ રાગ રાગીણી નું ઇસ્લામિક નામ આપો બિચારા પાકિસ્તાન રેડિયો સ્ટેશનના ડાયરેક્ટર ગાંડા થઇ ગયા હતા …
ગરબા જે દિવસે મરાઠીમાં ફરજીયાત થશે ..ત્યારે શું થશે ..? હા કોઈ મરાઠી કવિ મરાઠીમાં નવા ગરબાની રચના કરે તો એ ખુબ અદ્વિતીય અને સરાહનીય થશે પણ … માડી મહીસાગર ને આરે ઢોલ વાગે છે નું મરાઠી કેમનું થાય યાર …?
મને તો કોઈ ને ગમે કે ના ગમે પણ જુના ગરબા ની જે ઓરીજીનલ ફ્લેવર છે એ સખત ગમે છે , કચ્છીમાં પેલો ગરબો છે ને હાં આ મણિયારો તે હાલો … બસ એવી રીતે ઓરીજીનલી મરાઠીમાં ગરબો લખાય અને કમ્પોઝ થાય તો કઈ જામે બાપુ .. કેમ કે તાલ માં તો ગરબામાં કોઈ બહુ વેરાયટી નથી એક જ છે ધીન ધા ધા | તીન ના કતા એટલે વાર્તા પૂરી થાય ..
કરો કઈ ક નવું કરો યારો ખોટા ધમપછાડા કરવાને બદલે …
રાત વધી ગઈ છે થોડા ભદ્રકાળી મંદિર ના ફોટા મુકું છું …
જય અંબે
શુભ મધ્ય રાત્રી
શૈશવ વોરા