ક્યારેક એવું થાય કે આંખમાંથી રાત ઉતરે નહિ અને બીજા દિવસની બપોર આવી જાય..
કાલે મારી સાથે એવુજ થયું રવિવારની બપોર હતી મસ્ત ઊંઘ ખેંચી કાઢી એટલે રાતનો ઉજાગરો પાક્કો થઇ ગયો હતો , જીમના મિત્રોને રાત્રે દસ વાગે ભેગા કર્યા બધા નાના નાના પચ્ચીસ વર્ષથી નીચેના , જેમ જેમ મમ્મી પપ્પાના ફોન આવતા ગયા એમ એમ એક પછી એક વિદાય થતા ગયા
એ જવા દો યાર બાપાનો બીજો ફોન આવ્યો , પથારી ફેરવશે મારી ..એ મમ્મીનો ફોન છે કાલે આખો દિવસ સાભળવું પડશે યાર .. હું નીકળું યાર ..
છેલ્લે અમે ત્રણ જણા રહ્યા …દેવ હું અને ધવલ, ચાલો મેરીયટ.. પેહલા મસ્ત રેંજ રોવરની રાઈડ લીધી પચીસ મીનીટની , સ્પીડ નહિ પૂછવાની …અને પછી મેરીયટમાં વાતો ,વાતો ને વાતો ,ઘેર જવું નોહતું કોઈ ને પણ જવું તો પડે ને ભાઈ , પેલા બધાને મમ્મી પપ્પા ખખડાવે અમને તો …ઘરવાળી ..!!!
અને ઘરવાળી નારાજ થાય ને તો એકાદ દિવસ નહિ અમારો તો આખો જન્મારો બગાડે ભાઈ ,એટલે રાત્રે અઢી પોણા ત્રણે વાગ્યે ઘર ભેગા થયા ,અને રસ્તામાં બે વાર તો ઘેર પોહચતા પોલીસવાળા એ મોઢા અમારા સુંઘ્યા ,
અરે ભાઈ નથી દારૂ પીતા યાર ,પણ માને એ બીજા બસ રાત પડે મોડે સુધી રખડો એટલે દારૂ પી ને જ રખડો છો એવું કન્ફર્મ અમદાવાદની પોલીસ માને છે ..
આખી રાત અમે રખડ્યા ,સોરી પોણી રાત રખડ્યા અમદાવાદમાં ( પપ્પા એવું કહે કે ચોકીદારી બાંધી દે આનંદીબેન જોડે તું અમદાવાદની તો બે પૈસા પણ મળશે ) પછી લાગે છે કે
આ વખતે નોરતા પેહલા દિવસથી જ જામી જશે , ચારે બાજુ તડામાર તૈયારીઓ ચાલે છે , લોગાર્ડન પરની ચિક્કાર ભીડ, હોટલો લગભગ બધી ગઈકાલે એક વાગ્યા સુધી ચાલુ હતી , મેરીયટમાં પણ બધા સ્ટારની હલચલ ચાલુ થઇ ગઈ …પ્રેસ ફોટોગ્રાફરો પણ , એસ જી હાઇવે પરની ક્લબો બધું ભરેલું હતું અને ક્યાંક ક્યાંક ટ્રેડીશનલ ડ્રેસવાળી પ્રજા પણ સામી મળી ગઈ રસ્તામાં ગરબામાંથી પાછી આવતી..!!
ગઈકાલે રાત્રે લોગાર્ડન મોટી બબાલ થઇ હતી , કોઈ એ ઘણી બધી ગાડીઓની હવા કાઢી નાખી હતી રોંગ પાર્કિંગ માટે , પણ હવે નોરતામાં શું કરશો ? હવા કાઢે નહિ મેળ પડે બકા ..!!
સીટીની વાત છોડો ,
એસજી હાઈવે પર તો અત્યારથી જ રાજપથ ક્લબ મુકો એટલે પેલા પકવાનવાળા ચાર રસ્તેએક કલાક જાય છે એટલો ટ્રાફિક જામ છે , અન્ડરગ્રાઉન્ડ બનાવ્યો છે ડફોળોએ અને છેડા બે જામ થાય ..!! શું કાંદા કાઢ્યા ..? જે જુનું હતું એ વધારે સારું હતું .. પણ વિકાસ કર્યો ને ભાઈ ….
બધું થઇ ને લાખ એક વાહનો એસ જી રોડ પર કાલ રાતથી ઉમટશે ,જીજે-૧,જીજે-૨,જીજે-૧૮,જીજે-૨૭…બધ્ધે બધ્ધું ત્યાં ઉમટશે ,અને જેને જ્યાં જગ્યા મળે ત્યાં વેહિકલ મૂકી અને હેંડતા,એ હાલો ….
હે રંગલો જામ્યો એસજીરોડને ઘા…ટ. હો છોગાળા તારા ..
ટ્રાફિક પોલીસની તો વાટ લાગશે ટ્રાફિક ક્લીયર કરતા કરતા અને પછી મોડી રાતે આ બધા રંગલો જમાવીને પાછા ફરતા રંગભેરૂઓને એમના ઘરમાં પાછા ઘાલતા તો પોલીસને નાકે દમ લાવી દેશે આ રંગભેરૂઓ..!!
કાલથી કોઈ છોકરા છોકરીને મમ્મી પપ્પાના ફોનની ચિંતા જ નહિ , ફોન કરે તો પણ શું હે ? એ મમ્મી પપ્પા નવરાત્રી છે…!! ખોટી વાત નહિ કરવાની તમે પણ તમારા ટાઈમે રખડતા હતા ને વળી …
અને મમ્મી પપ્પાને માટે પણ ..ભાઈ જો આપણી પ્રજા છે તો પછી આપડાથી એક ડગલું તો આગળ રેહવાની ને ..? ખોટી ચિંતા ના કરાય , આ નવ દિવસ છોકરાનો મોબાઈલ ઉપડે પણ ખરો અને ના પણ ઉપાડે , કકળાટ કર્યે કઈ વળવાનું નથી ..
મમ્મી પપ્પાઓ એ પોતાના સંસ્કારો ઉપર ભરોસો રાખવાનો અને છતાય કઈ આડુંઅવળું થાય તો નસીબ સમજવાનું બીજો કોઈ રસ્તો નથી , કોઈની પણ હોશિયારી દુનિયામાં પોતાના પેટ આગળ ચાલી ચાલી નથી એટલે ટેન્શન કરીને બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ વધારવાનો મતલબ નથી …
ક્યાં તો ગરબા ગાતા થાવ અને છોકરાઓ જોડે જાવ નહી તો શાંતિથી ખોટા વિચાર કર્યા વિના ઘેર ઊંઘી જાવ ,કરી શકો એટલી ફેરવી ફેરવી ને વાતો કરજો પુછજો પણ આમ તો બધું નકામું છે ,ફરી એકવાર કહું આપણી પ્રજા આપડાથી તો એક ડગલું આગળ જ રેહવાની …
મારી મારા નાનપણની એક વાત યાદ આવે છે,મારી પાસે મારુતિવાન હતી દસ બાર જણા ભરતા અમે અંદર .. ગ્રુપમાં અમે બધા ગરબા કરવા ગયા હતા , એમાં એક છોકરીના પપ્પાને એમની લાડલીનું ઘણું ટેન્શન એટલે સાથે આવ્યા હતા , ગરબા પત્યા ઓલ્મોસ્ટ ,રીધમ ફાસ્ટ હતી .. સ્પોર્ટ્સ ક્લબમાં હતા અમે , પછી બધા તોફાને ચડ્યા ઝમકુડી રે ઝમકુડીમાં એક ગાડી બનાવી બધાએ એકબીજા ને કમ્મરેથી પકડ્યા અને વીસેક જણાની ચેઈન બનાવી અને ગાડી દોડાવી..
પેલી પપ્પાની લાડકીના પપ્પા દુરથી જોઈ ગયા કે એમની છોકરીની કમ્મરે કોઈ છોકરા એ હાથ મુક્યો ,તરત જ દોડતા દોડતા આવ્યા અને પેલા છોકરાનો હાથ અપમાનજનક રીતે ખેંચ્યો અને ગુસ્સે થઇને બોલ્યા મારી છોકરી ને હાથ નહિ લગાડવાનો
પેલો છોકરો પણ મારા જેવો તીખો હતો .. તો કાકા આ તમારી જાડીને તમારે ઘેર રાખો ને અહિયાં શું જખ મારવા મોકલો છો ..? પેલા કાકા સમસમી ગયા ..અને પછી આખી રાત પંચાત ચાલી ગ્રુપમાં …
બીજે દિવસે પેલી છોકરી રડી રડી ને સુજી ગયેલી આંખે આખા ગ્રુપને સોરી સોરી કેહતી ફરતી હતી …મારા પપ્પા થોડા ઓર્થોડક્સ છે.. શું કરે બિચારી ? સીધી સાદી છોકરી વગર કારણે એના બાપના જડ વર્તનને લીધે ચર્ચાનું કેન્દ્ર રહી ..
છેલ્લે પૂરું કરતા પેહલા એટલું જ કે આજકાલના છોકરા છોકરીઓને માબાપને સાથે રાખતા બિલકુલ શરમ નથી આવતી ખરેખર આજની જનરેશન સખત ફ્રેન્ડલી છે , ચોક્કસ એમની સાથે જવાય પણ કોઈ જડ વેડા ના કરાય , બે ચાર દોઢીયા ના સ્ટેપ આઘાપાછા કરે છે બાકી આપડે કરતા હતા એના એ જ સ્ટેપ છે ,જાવ છોકરાઓ જોડે અને એજ્નોય કરો
નવરાત્રી
શૈશવ વોરા