એક વિદ્વાને આપણી જાણીતી આરતીમાં થતી ભૂલો નું લીસ્ટ મીક્લ્યું છે,અને એના સુધારા મુક્યા છે ઈમેજ રૂપે મુકું છું અને એના ઉપરથી આજે વાત કરવી છે ગુજરાતી ગીતો અને ગરબામાં વાગતા “ભગા” ની..
ગરબા ગાતા ગાતા ગાયકો એટલા જબરજસ્ત “ભગા” મારતા હોય છે કે અર્થના અનર્થ થઇ જાય..
એક જાણીતો ગાયક લગભગ એક રાતના પોતે બે લાખ તોડે છે નોરતામાં,
નો ડાઉટ ખુબ જ સરસ ગાય છે, એકદમ સુરીલો છે ,ખાલી એમનેમ પણ સાંભળવો ગમે છે એ છોકરાને પણ આજકાલ પેલું બહુ ચાલેલું અવિનાશ ભાઈનું ..
રંગલો જામ્યો માં જે ભગા મારે છે..
એક જ ગરબામાં વાગતા ભગા ..
રંગલો જામ્યો કાળંગરી ને ઘાટ..અહિયાં કાળીનદરી વાપરે છે ..”વાંદરી” ની બેહન “કાળીનદરી” હોય એવું નથી લાગતું..?
અને બીજા ઘણા બધા `ળ` ને બદલે `ડ` વાપરે જેમકે `છોગાળા` તારા ની બદલે `છોગાડા` તારા..
ળ ની બદલે ડ
`છોગાળા` તો બરાબર પણ `છોગાડા` ..?
આ છોગાડા શું છે..?
અને સૌથી મોટો “ભગો”… તો આ જ ગરબામાં
હે તને “બરકે” તારી જશોદા માત..
અહિયાં તને “ભરખે” તારી જશોદા માત..બરકે ની જગ્યાએ સીધું ભરખે થઇ જાય છે..
અલ્યા એ ભાઈ બરકે એટલે બોલાવવું અને ભરખે એટલે ખાઈ જવું…
જશોદા માત બોલાવે કે ભરખી જાય ..?
જશોદા માત એ “માં” છે કોઈ “રાક્ષસી” નથી કે કા`ન ને “ભરખી” જાય..!!
પણ બાપા જે ચાલે છે, ચાલે છે ..અને ચાલવા દેવું પડે ..
આવી રીતે ગુજરાતી સુગમ સંગીતનું રાષ્ટ્રગીત પેલું સાંવરિયો રે મારો …
એમાં બયાનક ત્રાસ થાય.. છબીલો મારો સાવ ભોડો ને સાવ બાવરિયો ..
ભોડો ..? કે ભોળો ..!!
હવે “ભોળા”નું “ભોડો” કરનારી આઈટમને અમે પૂછ્યું “ભોડું” એટલે શું ખબર છે ?
એક જમાનામાં નદીના પટમાં રેહતા લોકો ભોડું ફોડી નાખે હવ .. એમ બોલતા .. ભોડું એટલે માથું..!!
હવે એ જ ગીતમાં ખાલી ઘડામાં ટહુકો કર્યો આવે ..ત્યાં “ઘડા” નું કરે “ગડું”
ખાલી “ગડા” માં ટહુકો ભરીયો ..
કયો “ગડો” ? મહમદ બેગડો ..?
કે જેઠાલાલ ચંપકલાલ ગડા કે ટીપેન્દ્ર “ગડા” ?
હવે આ જ લાઈન માં કોઈક ડાહ્યો ભાષા શુદ્ધિ કરે ખાલી “ગળા” માં ટહુકો ભરીયો રે..
ખાલી ઘડામાં ટહુકો કરિયો રે..
એનું થયા ખાલી ગળા માં ટહુકો ભરીયો રે..
પણ બધું લોલ..મ..લોલ ચાલે છે..
બીજી એક મોટ્ટી ભૂલ થાય છે વાસળી વાગી રે .. હવે અહિયાં થાય છે વાંસડી વાગી રે ..
અલી બઈ વાંસળી .. વાસડી નહિ..!!
પણ માને કોણ .. ?
પેલા ઘોડાફોનવાળા મેસેજ મોકલે છે તમને મડે છે વધુ એક નંબર..
તારી ટાંગ “મડે” છે ..”મળે” લખને ટોપી..!!
મોટેભાગે આવી ભૂલો થવાનું કારણ એ છે કે શબ્દ અને ભાવ સમજ્યા વિનાની ગાયકી..
શાસ્ત્રીય સંગીતમાં શબ્દ ગૌણ હોય છે, અને સૂર નું પ્રાધાન્ય રહેલું હોય છે, શબ્દને સૂર મળી જાય તો શબ્દ સૂર નો આભારી થતી હોય છે, જ્યારે ઉપશાસ્ત્રીય કે સુગમ સંગીત કે પછી ગરબા ,ગીત ગઝલમાં શબ્દનું મહત્વ ખુબ વધે છે અને સૂર પાછળ ધકેલાય છે..
અને જ્યારે આ પ્રકારનું ગાન કરતા હોય ત્યારે શબ્દ ના અર્થને જાણી લેવો ઘટે છે નહિ તો ઘણી વાર અર્થના અનર્થ થતા હોય છે..
જો કે લોકગીતમાં તો અનર્થના પણ અર્થ કાઢવામાં આવતા હોય છે..
હમણાં હમણાં પેલા જોક્સ બહુ ચાલ્યા છે .. ઓઢણી ઓઢું ને ઉડી જાય… બેન તું સેફટી પીન લગાડ કે પછી વેલક્રો લગાડ ..નહિ તો રખડવાનું બંધ કર..
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે..
ઢોલીડો : તો બાકી બધા અહિયાં કરિયાણું લેવા આવ્યા છે ..?
હવે આવું જ કૈક અમે પેલા દિવાળીબેન ભીલના “મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે” માં કરતા..
અરે ઓ મા`ડી ડીમેનશિયા(સ્મૃતિભ્રંશ) ની અસર આવી કે શું..?
તમે ને તમે બોલો છો કે મારે ટોડલે બેઠો રે મોર ..
તો પછી ટોડલે જ બેઠો બેઠો બોલે ને..બીજે ક્યાં બેઠો હોય ?
થાય આવી હળવી મજાકો થાય..અમે સંગીત શીખતા ત્યારે મિત્રોમાં આવી ભૂલોની ઘણી બધી ચર્ચાઓ થતી પણ એમાં એક ગીત ની ચર્ચામાં મને જબરજસ્ત ગાળો પડી હતી…
એ ગીત છે..
હે… ઝેરી કાળોતરો ડંખે,
તોય મીઠો લાગે રે કાંય મીઠો લાગે
મારી આરપાસ શેરડીનો સાંઠો,
મારી આરપાસ શેરડીનો સાંઠો રે લોલ
હે… ઝેરી કાળોતરો ડંખે,
હે… ઝેરી કાળોતરો
હું હું… હો હો…
વેરીનાં ફૂલ જેવી બરડાંની ભીંસ,
ભીતરમાં ભંડારી લોહી કાઢતી,
પીડા ઘેઘુર મને અંગે,
કાંત ફોરી લાગે,
અજી ટાળો આ રેશમની ગાંઠો
અજી ટાળો આ રેશમની ગાંઠો રે લોલ
વાટીને કેમ કર્યા મહુવરના ખેલ,
રાફડામાં પૂર્યા કાંય લીલાની વેલ,
નીતરતું ઘેન મારે અંગે રે,
કાંય ભીનું લાગે,
મારે છલકાવું કેમ કરી ગાંઠો,
મારે છલકાવું કેમ કરી ગાંઠો રે લોલ.
એક તો ઘણી મેહનત કરી ને ટપકાવ્યું ,એ જમાનામાં કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી તો હતા નહિ .. અને પછી આખી ટોળકીના સામે આ ગીત ને મુકવામાં આવ્યું અમારા દ્વારા, પછી અમારા “વિદ્વાનો” કીધું ચલ બાહર આવ તો ,ક્લાસની બાહર આવ તો ..
એમ કરી ને અમને ક્લાસની બહાર લઇ જવામાં આવ્યા અને પછી જે સટાકા બોલાવાયા છે..હલકટ તારે આનો અર્થ જાણવો છે નહિ..? જાણે કશું જાણતો જ નથી તું તો ..માસુમ બાળક છે એમ ..?
બધા હસતા જાય અને મને સટાકા બોલવતા જાય..
આજે હવે ગુગલમાં જોઈએ તો ઘણા બધા એ કદાચ રચનાકારે ના વિચારેલા અર્થ પણ કાઢી બતાડ્યા છે, પણ મને તો ત્રીસ-પાંત્રીસ વર્ષ પેહલા પણ જે અર્થ લાગતો હતો એ આજે પણ લાગે..
લોકગીત જેવા અને લોકગીતમાં ક્યાંક અશ્લીલતા કે ડબલ મીનીગ આવતા હોય છે..
પણ ચાલે..
અમારે શાસ્ત્રીય સંગીતમાં પણ શૃંગારિકના નામે થોડી હલકાઈ હોય છે ..
રાગ પુરિયા ધનાશ્રી એક બહુજ જાણીતી ચીજ છે , ઘણા બધાએ રીમીક્સના નામે એને મંતરી ઘાલી છે..
પાયલિયા ઝનકાર મોરી
ઝનનન ઝનનન બાજે ઝંકારી
પિયા સમજાવું સમજત નાહી
સાસ નનથ મોહરી બેઠી જાયે..
સેજ ચડત મોરી ઝાંઝર હાલે
સાસ નનથ કી લાજે ..
મોટેભાગે પાછલી બે લાઈનો ગાયબ કરી દેવાઈ છે દરેક જગ્યાએ અને રીમીક્સ ચાલ્યું છે..
ચાલો હેંડો હવે તૈયાર થાવ અને નીકળો ચોથું નોરતું તો ગયું અને કાલ નો રવિવાર છે એટલે આજે તો નીકળો..
આ સુલતાન ના રાજમાં બા`દશો બડો મિજાજી છે.. રાતના બાર વાગે તો ઠોલા ગરબા ગ્રાઉન્ડમાં આવી જ જાય છે અને સીટીઓ મારવા જ માંડે છે ..
અને એક નાની લારી ગલ્લો સુધ્ધા ખુલ્લું રેહવા નથી દેતા અને પાછું બાકી હતું પાર્કિંગ ..
સાલું હવે ગરબા બે પાંચ વર્ષ છે પછી તો મુંબઈમાં બૈરા લોકલમાં ગરબા ગાઈ ને આનંદ લ્યે છે એમ લેવો પડશે..
ધ્વની પ્રદુષણ , પાણી પ્રદુષણ ,હવા પ્રદુષણ..
હિંદુ તેહ્વારો બંધ કરો બંધ કરો … કોર્ટનો હુકમ ..
તો પછી પેલું મંદિર વહીં બનાયેંગે નું શું હે ?
કોર્ટ કેશે તો ફરી કારસેવા કરી ને મસ્જીદ બનાવી આપશો ?
ઝીલ્લેઇલાહી..?
છોડો કકળાટ જ્યાં સુધી માણવા દે છે ત્યાં સુધી માણજો પછી તો જોયું જશે..
બોલ શ્રી અંબે મા`ત કી જે ..
જય આદ્ય શક્તિ
શુભ રાત્રી
શૈશવ વોરા