ગઈકાલે પાંચમું નોરતું ગયું ..લગભગ ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ) થી જાપાન , સિગાપોર, હોંગકોંગ વાયા જંબુદ્વિપ અને આગળ અરબસ્તાન ,થી આફ્રિકા ,યુરોપ અને આખો અમેરિકા ખંડ છેક વાનકુંવર (કેનેડા) બધે જ નવરાત્રી નો વાવર ફેલાયો છે ..
ફેસબુકની બધી જ પોસ્ટ નવરાત્રીની છે..આખું ગુજરાત અને દુનિયા ના ખૂણે ખૂણે ગુજરાતી ની જોડે રેહતા વસતા લોકો બધા ય હેલે ચડ્યા છે..
જુલ્મી બાદશાહ જોઈ લ્યે તારી હુકુમત નથી, ત્યાં પણ ગરબા રમાય છે, અને એ પણ બિન્દાસ્ત..!!
પેહલા અહિયાં ભરતખંડે, ગુજરાત પ્રખંડે હિંદુ હિંદુ કરી ને વોટ ભેગા કરશે, અને એ જ હિંદુ ના છોકરા ને રાતના બાર વાગ્યે નવરાત્રીમાં કુતરાની જેમ સીટીઓ અને લાકડીઓ દેખાડી દેખાડીને ભગાડશે..!!!
સફળ રહ્યો પણ હો બા`દશો બાર વાગ્યે ગરબા બંધ કરાવવામાં..!
અને પાછા એ જ બાદશાહના કેહવાતા ભગતડા પેલી કોન્ડોમની નવરાત્રી જોડે ની જાહેરાત માટે કકળાટ માંડે..અલ્યા તારા બાદશાહ સલામતની સરકાર..તારાથી એક શબ્દ એની વિરુદ્ધ સંભળાતો નથી, અને એ તારી સરકાર જ આવી અડધા પાનાના ની જાહેરાત છાપવા દયે છે તો પછી લોકો તો કેમ ના છાપે ..?
કોણ જાણે આ ભાટ ગામ વળોટી ને આગળ જઈએ ને પછીના સાબરમતી અને યમુનાજીના પાણીમાં કૈક ગડબડ છે..હાર્ડકોર હિન્દુવાદી જે છઠ્ઠી ડીસેમ્બર ના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઓર્ડરને ક્યાંય સરયુ માં વેહડાવીને આવેલો એ આજે કોર્ટના એકે એક હુકમ ની “તામિલ” કરતો થઇ ગયો છે..!!
વાહ વાહ આહ ..!!
એના હાથમાં કશું જ નથી રેહતું, અને ખાલી જીભમાં જોર આવી જાય છે..!
આપણને “સલ્લાહો” આપતા થઇ જાય..!!
સારા નાગરિક તરીકે તમારે જાજરૂમાં હ્ન્ગવું જોઈએ..અને જમતા પેહલા હાથ ધોવા જોઈએ.. અમારા મિત્ર દેવાંગ છાયાના ટીનાભાઈ પૂછે છે પણ હ્ન્ગ્યા પછી ધોવાનું કે નહિ ..?
તો કહે એ ૨૦૧૯માં જેની સરકાર આવશે ને એ શીખવાડશે કે તમારે હન્ગ્યા પછી અને જમ્યા પછી પછ્વાડું અને મોઢું ધોવાનું..!!
જય હો .. જય હો .. !!
અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્
બની બહારમ્, જલધારમ્
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્
તડિતા તારમ્, વિસ્તારમ્
ના લહી સંભારમ્, પ્યારો અપારમ્
નંદકુમારમ્ નિરખ્યારી
કહે “શૈશવ”પ્યારી, હું બલિહારી
“કર્ણાવતી નગરે” આવો ગિરધારી જી જી જી રે ..આવો ગિરિધારી ….!!
સૂર,તાલ અને નૃત્ય ને વાયરામાં વિખેરતી નવલી નવરાત્ર આગળ વધતી જાય છે, અને ખેલૈયાઓ મન મૂકી ને ખેલતા જાય છે..
આમ પણ આજ ના “બાળુંડાં” છેક પેહલેથી જ શ્રાવણથી ક્લાસ ભરી ને તૈયાર હોય છે અને દસ બાર સ્ટેપ ના દોઢીયા તો એક સેકન્ડમાં પકડે છે..અને ગરબાના તાલે તાલ મેળવી લ્યે છે..
ગરબા ના તાલની પણ મજા છે, આમ તો છ માત્રાનો છે તાલ હીંચ..તાલ ધીન ધા ધા , તીન ના ક્ત્તા.. એટલે એમાં ખેમટો પણ વાગે, અને દાદરો પણ વાગે, અને બહુ મોજમાં આવે ઢોલીડો તો કેહરવો કરી ને આવે બારમી માત્રાએ `સમ` ઉપર આવે અને એમાં જે મલક ઘેલું થાય તા`રે જો મોજ એ મોજ..!!
બહુ નિરાળી છે આ નવ રાતો ની દુનિયા..
સૂર,તાલ અને નૃત્યની જોડે અહિયાં રંગો પણ વિખરાય છે..એક એક ગરબા ગ્રાઉન્ડ શું કલરફૂલ લાગે છે..!!
આહા..ઇન્દ્રના મેઘધનુષમાં નથી એટલા રંગો એક એક ગરબાના ગાઉન્ડમાં વિખેરાય છે..!!
અને એ પણ ઓકલેન્ડ (ન્યુઝીલેન્ડ) થી વાનકુંવર (કેનેડા) બધું આવી ગયું..
આખે આખી વસુંધરા રંગ રંગ વે`રે છે..!!
આ વર્ષે બાળુંડાંઓમાં પીળો પેસ્ટલ ઝભ્ભામાં, ક્યારેક હળદરીયો પીળો અને લાઈટ ગ્રીન રંગ ફેવરીટ છે , અને ચણીયા ચોળીમાં તો હવે મગજ બંધ થઇ જાય એવી હાલત છે..!!
ડીઝાઇનર ના નામે ગલીએ ગલીએ ડીઝાઇનીગ થઇ રહ્યા છે , અને ખરેખર સુંદરતા નીખરી રહી છે ચણીયાચોળીમાં ..!!
હવે આજ ની પ્રજા એક સ્ટેપ આગળ વધી છે..જેમ ફોટોગ્રાફ્સમાં ક્યા કેમેરાથી લીધો છે એનું મહત્વ થઇ ગયું છે ,એમ જ ચણીયાચોળી ગમે તે હોય પણ કેવી રીતે અને કેટલા કોન્ફીડન્સ થી એને `કેરી` કરો છો એ મહત્વનું થઇ ગયું છે..
મોબાઈલના કેમેરાના થાય એટલા દુરુપયોગ કરી લીધા, પછી હવે પ્રજા “ફુલ્લટુન્ન” કેમેરા કોન્શિયસ થઇ ચુકી છે, દરેક ને હવે કેમેરામાં ક્યા પોઝમાં પોતાનો ફોટો કેવો આવશે એની ખબર છે અને એનાથી આગળ કયું ફિલ્ટર મુકવું એની પણ ખબર છે..
અને દરેક ને ખબર પડી એટલે મારે કૈક નવું કરવું રહ્યું ..
એટલે ડીએસએલઆર આવ્યા..અને ચકાચક ફોટા પડવા લાગ્યા..!!
બિલકુલ એમ જ ઝભ્ભા અને ચણીયાચોળીમાં બધા ને બધી જ ખબર પડવા માંડી એટલે હવે નવું શું ..?
નવું એ કે “કેરી” કેવી રીતે કરવા..!!
હવે મારી જનરેશન અને એનાથી ઉપરની જનરેશનના ડોહાઓ અને ડોહીઓ માટે આ શબ્દ નવો છે ..!!
કલોધિંગ “કેરી” કરવું..મોટેભાગે સારી બ્રાંડ અને મોંઘા કપડા ખરીદી અને લુંટાયા પછી ડોહા-ડોહલી એમ માની લેતા હોય છે કે આપડે આ મોંઘા કપડા પેહર્યાં એટલે આપડે પેલા હોર્ડિંગ ઉપર દેખાતા મોડેલ જેવા લાગીએ છીએ ..!!
ખરેખર એવું હોય ડોશી-ડાર્લિંગ ..?
એકે એક ફોટા એવા આવે કે એમ લાગે કે પેલી મોડેલ ને આ ચણીયા ચોળી લાગે છે ને એવા મને નથી લાગતા..!!
અમે પણ હમણાં આવું કર્યું હતું ..!!
એક ગાયક છોકરાની નકલ કરવા રંગલો જામ્યો રીવર ફ્રન્ટે જઈને રેકોર્ડ કર્યું, અમારા અવાજમાં,
પણ બાપરે અમારામાં અને એમનામાં આસમાન જમીનનો ફર્ક આવ્યો, ક્યાં સતત સાતઆઠ વર્ષથી વર્ષે ઢગલો પ્રોગ્રામ કરતુ ,રોજ ના રીયાઝ વાળું કસાયેલું ગળું..!!
અને ક્યા બાથરૂમમાં અને બાઈક ઉપર નીકળે ત્યારે ગાંગરતું ગળું ..??
બસ આટલો ફર્ક આવે સ્ટાઈલ “કેરી” કરવામાં અને મોંઘા માઈલા કપડા લઈને પેહરીને ફરવામાં..!!
મોંઘા કપડા ખરીદીને સ્ટાઈલ `કેરી` નથી થતી..
ગઈકાલે રાત્રે બાદશાહ સલામતના રાજમાં ગરબા કર્યા પછી પ્રજવલિત થયેલા જઠરાગ્નિ ને ઠારવા સિંધુ ભવન રોડ ઉપર એક સરસ મજાના કાફેમાં અમે ઘુસ્યા , મેન્યુ જોયું તો થોડાક ચક્કર આવ્યા ,પેહલા તો થયું સ્યુગર ઓછી થઇ ગઈ લાગે છે, પણ સાલું આપણને તો આવું ક્યારેય નથી થતું એટલે પછી કન્ફર્મ થયું કે આની કોલ્ડ કોફીના ભાવ જોઈને ચક્કર આવ્યા છે..!!
પેલો શ્મ્ભુડો અને ડેનીયો આની એક કોફીના બદલે આટલા રૂપિયામાં છ કોફી આપે અને આ મુઓ ઉપરથી જીએસટી પણ લગાડે..
હવે ઘ`રી ગ્યા પછી શું ..?
મુંડન..!!
પણ સાલું ત્યાં જ ઉપર કાફેટેરિયામાં બેઠા બેઠા અમે પાર્કિંગમાંથી જોયું તો બધી સાહીઠ સિત્તેર લાખ ઉપરની બેચાર એસયુવી ઘુસી ,સપાસપ પાર્ક થઇ અને એમાંથી બાળુંડા ઉતર્યા..
અને એમાં એક રતી અને કામદેવ નું જોડું કાફેટેરિયામાં પ્રવેશ્યું…!!
કામદેવ પુરા છ હાથ ઊંચા અને એકદમ જેલ લગાડીને ઉભ્ભા વાળ,આછી આછી દાઢી તો હોય જ નહિ તો આજ ના જમાનામાં “મીઠ્ઠો” (ગે ,હોમોસેકસ્યુઅલ ) કેહવાય..એકદમ ગૌરવર્ણ,સિંહ જેવી પાતળી કેડ અને ભરાવદાર છાતી..લાઈટ બ્રાઉન ,સફેદ અને બ્લેક કોમ્બીનેશન નો સિલ્ક નો ઝભ્ભો અને બ્લેક ચોરણી ..કાનમાં રબારી જેવા સરસ મજા ના કુંડળ નાખ્યા હતા અને છટાદાર ચાલ…!!
અને રતીદેવી પણ મારા કરતા ઊંચા, પોણા છ ફૂટના,એમણે કાળા કલરની ચમકતી કંચુકી ..સોનેરી જરીયલ ક્રશ સિલ્કનો ચોસઠ કળીવાળો ચણિયો, અને ઉપર એકદમ હળવા લીલા કલર ની લગભગ આરપાર દેખાય એવી ઓઢણી અને ઓઢણીમાં વેર્યા હતા ગુલાબી ઝીણા ઝીણા ભરતકામના ફૂલ ..!!
શું જુગતે જોડું લાગતું હતું ..!!
આખી કાફેટેરિયાની નજરો ત્યાં જ સ્થિર થઇ ગઈ હતી..
આપણને ત્યાં જ અને તરત જ સિલ્કના ઝભ્ભા નું ભૂત વળગ્યું,
અને પત્નીજી એ ઠંડા હે`માળા નું હિમ જેવું પાણી રેડ્યું..આ તારી કમ્મર નો કમરો થતો જાય છે,વીસ કિલો વજન પેહલા ઉતાર, પછી પેહરજે સિલ્કના ઝભ્ભા..કેરી કરવા પડે એવું કલોધિંગ છે..સિલ્કના ઝભ્ભા ..ચાર વાર સ્ટુડીયોમાં જઈને કેમેરા શું ફેઈસ કરી આવ્યા પાર્ટી હીરો સમજતી થઇ ગઈ છે..!
એક મમ્મી અને બીજી પત્ની દુનિયામાં આ બે જણ એવા છે ને કે જેમને આપણે ગમે તેટલી સાવધાની રાખીને કૈક જોઈએ ને તો ખબર પડી જ જાય..!!
વીસ કિલો વજન તો ક્યારે ઉતરે ..?
મારી જેમ તમે ય અટવાયાને કાકા ..?
“ગાભરું નકો” , મન થાય તો એકાદું ઝભલું લઇ પાડવાનું “કાકી” તો બોલ્યા કરે ..
આપણે તે ક્યાં એમની જેમ કપડામાં અધ્ધ્દ્ધ ..વેરાઈટી છે ..?
અમે તો આજે સિલ્કના ઝભ્ભા શોધવા ફરવાના..આ અમદાવાદી નગરીમાં..!!
અમદાવાદી નગરી તાં બા`દશો બડૉ મિજાજી..!!
એકે લાલદરવાજે તંબુ તાણ્યા રે લોલ..!!
ચાર રાત બાકી..!!
હે હેંડો હેંડો કરમદા વેણી એ..!!
લેમ્બુડીના લીલા પીળા પાન ..!!
લેમબુંડા લે`રા લે`ર..!!
પશ્ચમ ના રાધારાણી પૂરવ નો કાનુડો..!! (ઓકલેન્ડ થી વાનકુંવર )
કેવી આ હંસલાની જોડ રે..!
ગોરી રા`ધા ને કાળો કા`ન ..!
ગરબે ઘૂમે ભૂલી ભાન..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
તા.ક : અલ્યા વાંચી વાંચી ને મજા લ્યો છો તે ફોરવર્ડ કરો છો ખરા ..?