જવેલીન થ્રો એટલે ભાલા ફેંક ..! આવી મને તો ખબર પડી ગઈ અને બીજા પણ ઘણા બધા ને પડી ગઈ હશે ,
કોઈક બિચારું મારી જેમ અત્યારે કબૂલ કરશે ને કોઈક કેહશે કે મને અત્યારે ખબર પડી અને કોઈ એમ કેહશે કે મને તો પેહલે થી ખબર જ હતી..!!
હશે ત્યારે, સાચું ખોટું રામ જાણે, પણ ભાલા ફેંક અત્યારે તો સોશિઅલ મીડિયામાં છવાઈ ગયું છે ને ભાલો ફેંકનાર પણ ..!
ગર્વ ની વાત છે, પણ એકપછી એક ડુંગળીના પડ ખુલતા હોય એમ નવી નવી વાતો બાહર આવતી જાય છે, આજે એક કેન્દ્રીય મંત્રી એ કૈક ફેસબુક વોલ ઉપર એક કલીપ શેર કરી અને એમાં એવું કીધું કે નીરજભાઈ ઉપર સાત કરોડ રૂપિયા નો ખર્ચો કરવામાં આવ્યો છે , અને એમનો એક એક ભાલો લાખ લાખ રૂપિયા નો પડતો , ને આવા તો એકસો સત્તર ભાલા એમના માટે ખરીદી ને લાવવામાં આવ્યા છે, એમના વિદેશી કોચ વગેરે વગેરે નો હિસાબ પણ જોડે જોડે મુકવામાં આવ્યો હતો..!
આંખો પોહળી થઇ ને કપાળે ચડી જાય મારા જેવા રૂપિયે રૂપિયો ગણી ગણી ને જીવવાવાળા અમદાવાદી જીવડા ની તો ..!!
આટલો બધો ખર્ચો ..?!! હાય હાય મા`ડી રે …!!
હશે પણ વસુલ છે ,મેડલ ની સામે..!!
મીડિયા હવે મેડલ જીતનાર ની પાછળ પડ્યું છે ,
એક ઈન્ટરવ્યું જોતો હતો , બેન નીરજ ના મગજમાં રાઈ ભરવાની ભરપુર કોશિશ કરતા હતા ..!
આપ ઇન્ડિયા કે મોસ્ટ એલીજીબલ બેચલર હો .. કોઈ ગર્લફ્રેન્ડ તો હોગી નાં.. અરે કોઈ નહિ હૈ ..!!
મારા જેવાને આવો સવાલ પૂછે તો મોઢા ઉપર મારું કે આ સવાલ છે કે ઇન્વીટેશન ? ગુજરાતી સીસ્ટમ જ સારી ,જે હોય એની પાછળ બેન લગાડી જ દેવું એટલે બેન બહુ આડા અવળા સવાલો ના કરે, ત્યારે શું વળી ??!!!
મીડિયા વ્યવસ્થિત રીતે રીતે મંડ્યું છે મેડલ વિનર ને બગાડવા અને એના મગજમાં રાઈ ભરવા માટે..!
નીરજ એમ જવાબ આપે કે મારે ત્રણ વર્ષમાં આવનારી ઓલોમ્પિક ની તૈયારી કરાવી છે એટલે એ બાજુ મારે ધ્યાન જ નથી આપવા નું તો ફેરવી ફેરવી ને પૂછે કે સ્ટારડમ કેવું લાગે છે ?!!!
અલ્યા પણ શું કામ ? કોઈ રૂપાળું હોય અને એને ખબર જ ના હોય કે એ રૂપાળો કે રૂપાળી છે ને પોતે નક્કી કરેલા લક્ષ્ય ને પામવા જોરદાર મેહનત કરતુ હોય તો એને ક્યાં મગજમાં ઘાલવા ની જરૂર છે કે તું તો બહુ રૂડી ને બહુ રૂપાળો..!
જીવનમાં એટલા બધા રૂપાળા ને રુપાળીઓ ને એવા એવા ભાલે ભરાતા જોયા છે કે ના પૂછો ને વાત, એકવાર મગજમાં રાઈ ગોઠવાઈ જાય કે હું રૂપાળો કે રૂપાળી પછી જુવો રૂપલો કે રૂપલી કોઈ ને ગાંઠે છે..?
એકલું રૂપ ક્યારેય દુનિયામાં નથી ચાલતું , જે રૂપ ને બાજુ પર મૂકી ને ગુણ ખીલવે એની જ દુનિયા છે , કાળું ભમ્મર આકાશ હોય પણ ગુણ ના તારલાઓથી ભરેલું હોય તો ચંદરવો કેહવાય, પણ મીડિયા છે જે મંડ્યું જ છે બાકી , એને રૂપાળો કરી ને જ મુકશે ..!
ભૂતકાળમાં મેડલ વિનર સ્પોર્ટ્સ પર્સન ને આવી રીતે મનમાં ઘાલી દીધું હતું કે તું બહુ રૂપાળો..!! અને એ રૂપાળી પાર્ટી ને સીધા બોલીવુડ ના એક ફેશન ડીઝાઈનરે ધરદબોચી લીધી, પછી શું થાય ?
કઈ નહિ..!
મોટેભાગે ફેશનવાળો ને મોડલિંગ નો માધાંતા હોય એટલે એની પેહલી ડીમાંડ આવે કે તમારું બેર બોડી જોવું છે.. ગુજરાતીમાં બેર બોડી ને નાગુપુગું કેહવાય..!
પછી શું બાકી રહે..! ?? અને ફેશનવાળા તો ભઈ કે બઈ નો ફર્ક જ ક્યાં રાખે..??!!!
અલ્યા સ્પોર્ટ્સવાળા ને છોડો , બક્ષો ભૈલા ..!! એમાં પણ આટલા બધા રૂપિયા અને સમયના જો ભારત સરકારે એમની પાછળ આંધણ કર્યા હોય તો પછી એક નહિ બીજા બે ચાર મેડલ લાવે ત્યાં સુધી એને રમત ઉપર કોન્સન્ટ્રેશન કરી ને રમવા દો ..
પેલું ડોશી વાઘ ને કહે છે ને કે તાજીમાજી થાઉં પછી મને ખા..!! બળ્યું આ બોલીવુડ અને મીડિયા કાચા જ ખાઈ મુકવા હોય જે હાથ ચડે એને..!
બહુ અઘરું છે આ મીડિયા અને બોલીવુડ ની મોહમાયા થી બચવું , ગ્લેમર નો ચસ્કો ભલભલા ને ડીસ્ટ્રેકટ કરી મુકે છે , ભાલા અને ભાલો ફેંકનાર ના કેસમાં આવું ના થાય તો સારું ..નહિ તો આવતી ઓલોમ્પિકમાં ક્વોલીફાઈ પણ નહિ થાય , જો રવાડે ચડી પાર્ટી તો..!
નગરી અમદાવાદમાં પણ આજકાલ લોકો ભાલા શોધતા થઇ ગયા છે ..!!
સ્પોર્ટ્સ ની દુકાનોમાં ભાલા ની ઈન્કવાયરી ઘણી નીકળી છે પણ હજી ક્યાંય અમદાવાદમાં ભાલા ફેંકાય એવી જગ્યા હોય એવું સાંભળવામાં નાતી આવ્યું..!
ગોલ્ફવાળા ઘણા છે ,પણ ભાલાવાળા કોઈ નથી,
જો કે ડીમાંડ આવી છે એટલે અમદાવાદી જીવડાઓ સપ્લાઈ ઉભો કરી જ દેશે, ક્યાંક એકાદ ખૂણામાં ભાલા ફેંકવા ની સગવડ ઉભી કરી ને રોકડી ચાલુ કરી મુકશે..!!
નવું નવું તો અમદાવદ ને ઘણું જોઈએ ..!! અને એમાં પણ “જવેલીન થ્રો” એવું બોલવું કેવું સામેવાળા ને ગમે તેવું લાગે ..!
જૈનમ ના મમ્મી ને જયતિ ના મમ્મી ને પેલા રાજપથ કલબ ની પાછળ નવા બનેલા ઓડીટોરીયમમાં નાટક જોવા ગયા હોય ત્યારે બ્રેકમાં ચીપી ચીપી કહે “અમારા જૈનમ ને તો હવે ગોલ્ફ ,ટેનીસ કે ફૂટબોલમાં જરાક પણ રસ નથી રહ્યો એ તો હવે “જવેલીન થ્રો” માં જાય છે …!!
આમ કેવું જ્વેલરી જોડે જોડાયેલું હોય તેવું રોયલ લાગે બોલવામાં “જવેલીન થ્રો” અને પછી જયતિ ના મમ્મી ને પણ પાછું નીચું તો પાડવા જ ના દેવાનું હોય એટલે એ પણ વધારે ચીપી ચીપી ને અને થોડા પોહળા ઉચ્ચાર સાથે બોલે “સાચ્ચી વાત છે અમારે જયતિ પણ કેહતી હતી કે આ લોકડાઉનમાં બહુ કંટાળી છે કૈક નવું શરુ કરવું છે, હું એને કહીશ કે જૈનમ સાથે વાત કરી લે અને એ પણ “જવેલીન થ્રો” કરવા નું ચાલુ કરી દે ..!
“પણ બહુ એક્સપેન્સીવ છે આ ગેઈમ તો ..”
“અરે પણ તમારે જૈનમ એક ને મારે પણ જયતિ એક જ છે ભગવાન નું આપ્યું આટલું બધું છે તો ભલે ને છોકરા એમના શોખ (પોહળો ઉચ્ચાર શો..ખ ) પુરા કરે ,આપણે તો બાંધી મુઠ્ઠીમાં જીવ્યા ,યાદ છે તમને પેલા જય શંકર સુંદરી હોલમાં નાટક જોવા જતા ત્યારે તમે બંને સ્કુટર ઉપર આવતા અને અમે પેલી સેકન્ડ હેન્ડ ફિયાટમાં ..!! પછી ત્યાંથી એમને બંને ને આપણે સાથે એકટીંગ ની એક્ટીવીટીમાં મુક્યા હતા ..!!
ચાલે પછી તને સાંભરે રે મને કેમ વિસરે રે ..એકબીજા સંભળાવતા અને ટોન્ટ મારતા નાટક ની ઘંટડી વાગે ત્યાં સુધી..!!
શું કો` છો` જૈનમ અને જયતિ ના પપ્પા ..????
મુકવા છે ને “જવેલીન થ્રો” બન્ને ને ?
ભાદરવા ના ભીંડા કેહવા કે વરસાદી ફૂદ્દા ..?
આવું છે ,માલ હૈ તો તાલ હૈ વરના તું કંગાલ હૈ..!!
સુખડી ખાવી હોય તો ભારોભાર ગોળ ઘી નો પાયો સરખો કરી ને લોટ પડે.. બાકી તો થુલું થાય ..!!
ગોળ નાખો એટલું ગળ્યું થાય ,
“જવેલીન થ્રો” બોલી કાઢો દસ બાર વખત , કરો પ્રેક્ટીસ ખોટો ઉચ્ચાર કરશો તો પછી જૈનમ કે જયતિના મમ્મી તમને નહિ છોડે સંભળાવી જ દેશે હા..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*