ઈચ્છાઓ નું શું કરવું જોઈએ ?
એકદમ સિધ્ધો અને સરળ જવાબ છે મનમાં જ દાટી દેવી જોઈએ ,એનું સર્જન ફરી ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ , ઉત્સર્જન તો ભૂલથી ના થઇ જવું જોઈએ ..!!
બધા મોટીવેશનલો એમ કહે કે તમારી જે કોઈ ઈચ્છા છે એને તમે ટાર્ગેટ બનાવો ને એનું એક બોર્ડ બનાવો જે સતત તમારી સામે રહે , તમારી આજુબાજુ ના વ્યક્તિઓ ને પણ જણાવતા રહો જેથી સતત ઈન્સ્પાયર ઉર્ફે પ્રેરણા મળતી રહે તમને જે તે ઈચ્છા ની પૂર્તિ કરવાની ..!!
એવું બને છે ખરું ?
કદાચ નહિ ,
જીવન ની સંસારિક માણસો ની મોટા ભાગની ઈચ્છાઓ આર્થિક કે પછી શારીરિક સુખ મેળવવાની જ હોય છે, કોઈ ને મોટો ફ્લેટ કે ઘર કે પછી ગાડી કે ધંધો કે પછી જુવાની બહુ ફાટ ફાટ થતી હોય તો પોતનાથી બે આંગળ ઉપર એવા વિજાતીય પાત્ર ની ઈચ્છા કે અપેક્ષા હોય, બહુ લાંબે જવાની ઈચ્છા મોટેભાગે પોતાની જાત ને `અતિઅસમાન્ય` ગણતા સામાન્ય માણસની હોતી નથી..!!
સમયની સાથે ઈચ્છાઓ ક્યારેક થોડી ઘણી પૂરી થઇ જતી હોય છે પણ એક ઈચ્છા હજી પૂરી થઇ ના હોય ત્યાં દસ એ જન્મ લઇ લીધો હોય અને પછી એમાં મોટેભાગે બધી જ ઈચ્છાઓ ભરજુવાનીમાં કટકે કટકે કે પછી ઝાટકે વઢાઈ જતી હોય છે ..!!
એવા સમયે પેલા લખેલા પાટિયા `સિવિયર એસીડીટી` થઇ ને બહાર આવે , જેની આગળ કેહતા ફર્યા હોય કે મારે તો આમ જ કરવું છે એ માણસ તમને કોઈ કારણ વિના સતત અળખામણો લાગે ને એમાં પણ જો બે અવળા વેણ કાઢી ગયો સામેવાળો જે તે ઈચ્છા માટે તો પછી થઇ રહ્યું ..!!
સબંધ પૂરો, અને જે તે ઈચ્છા પૂરી ના થવા પાછળ જેની આગળ બહુ મોટે ઉપાડે ભસ્યા હોય કે ભસ ભસ કર્યું હોય એની જોર કુથલી ચાલુ થઇ જાય..!!
એક સાદું પ્રેક્ટીકલ ઉદાહરણ આપું ..!
લગભગ સ્કુલના ટાઈમમાં અગિયારમાં બારમાં ધોરણમાં કોઈક લાલા લાલીનું સેટિંગ પડી ગયું અને બધા ની સામે રખડતા થઇ ગયા હોય, ઈચ્છાઓ જાહેર કરી દીધી ,ઘરોમાં, વડીલોમાં બધે ચારેબાજુ રખડતા થઇ ગયા એક કપલ તરીકે પછી થાય શું ?
ચા માં બિસ્કીટ ..!!
જીવન નો નિયમ છે બે માંથી એકે તો ઉકળતી ચા ને બીજા એ બિસ્કીટ બનવું જ પડે ..! બિસ્કીટ ઓગળી જાય ચા માં ઊંડું ઉતરે એટલે અને ચા ઉકળતી જ રહે ..!
હવે ?
ઝટ પરણી ને ઘર માંડો એવું પ્રેશર આવે ઈચ્છાઓ જાહેર કરી હોય એટલે માંબાપના ,ભણવાનું હજી પૂરું થયું ના થયું હોય ત્યાં , આગળ ભણવાની વાત બહુ આવે નહિ અને છેવટે પરણવું પડે ..!
તાવડી ના વાના તેર પૂરે ..!! કુતરા બિલાડા ..!!
સમય થયે ઉકળતી ચા ઠંડી પડે અને અંદર ઓગળેલું બિસ્કીટ વિચિત્ર સ્વરૂપે બાહર આવે..!!
ચા અને બિસ્કીટ બંને નક્કામાં થઇ જાય..!!
એના કરતા ચા એકલી ઉકળતી રહી હોત ધીમા તાપે તો ? બિસ્કીટ પડીકું ખોલ્યા વિનાનું રહ્યું હોત તો ?
યોગ્ય સમયે યોગ્ય ફ્લેવરની ચા બિસ્કીટ ને મળતે, નગરી અમદવાદમાં આજકાલ ફ્લેવરવાળી અડધી ચા કે જેની કિંમત ત્રણસો ત્રણસો રૂપિયા પણ હોય છે અને બિસ્કીટ ની વેરાઈટી તો અગણિત , પેલા નવા પશ્ચિમ ઝોન માં ખુલેલી નવી નવી દુકાનોમાં જઈને ઉભા રહો તો મગજ ચકરાઈ જાય એવા બિસ્કીટ મળે ..!
નક્કી તો ચા એ અને બિસ્કીટ એ કરવાનું હોય છે કે કેવી ચા બનવું છે, આદુના કુચા વાળી કે પછી રોઝ ઉર્ફે ગુલાબ ની ફ્લેવરવાળી અને બિસ્કીટ એ પણ નક્કી કરવાનું કે સાવ સાદા કુતરા ખાય એવા બનવું છે કે પછી ઈમ્પોર્ટેડ પેકમાં “પેક” થઇ ને પછી બહાર આવવું છે..!!!
જેટલા મોડા ભેગા થઇ ને એકબીજામાં એકબીજાને ઓગાળો એટલા મોંઘા થવા ના ચાન્સીસ વધારે પણ જો `બકી` માર્યું હોય તો ખેલ ખલ્લાસ ..!!
એવી જ રીતે રૂપિયા ના ખેલ ..! કોઈ મોટા પરદેશી ઘર નો ફોટો લઈને ડેસ્ક ઉપર ચોંટાડયો હોય અને એના એક દસકો વીતે પણ એના પાર્કિંગ ની નજીક પણ ના જઈ શકીએ તો વેહલી તકે ફોટો ફાડી નાખવો ,નહિ તો એ ફોટો જોઈ જોઈ ને એસીડીટી વધી જાય..!!
મારા જેવા કોઈક હરખપદુડા એ જો ગાડી, વાડી ને લાડી ત્રણેય ના ટાર્ગેટ નક્કી કર્યા હોય અને ગામ આખ્ખામાં કાંઉ કાંઉ કરી મુક્યું હોય અને કશુય હાથના લાગે તો પછી થઇ રહ્યું ..!!
ફક્ત અને ફક્ત ત્રીસ નો થાય ત્યાં સુધીમાં એનું ગામ બદલાઈ ચુક્યું હોય ..!!!
“માપ” .. ! બહુ મોટી વાત છે ..!!
માપ વિનાનું નું વેહતું પાણી , બધા જ હાથ ધોઈ જાય પણ બાટલીમાં “પેક” થઇ જાય એટલે વીસ રૂપિયે લીટર વેચાય..!
“પેક” થવું પડે ..!!!
પોતાની જાતની કિંમત વધારવી હોય તો ..!!
વેહતા રહ્યા તો લોકો હાથ જ ધોઈ જાય..!!!!
એક નાનકડું ઉદાહરણ આપી ને પૂરું કરું ..!
પાંચ, સાત ,દસ વર્ષ પેહલા ની વાત છે ..! એક નાનો ટેણીઓ એની બેહનપણી ઉર્ફે સખી ને લઈને આવ્યો ..! દસ બાર જણ નું અમારું ટોળું વ્યસન કરવા બેઠું હતું એમાંથી એણે મને ઝાલ્યો ને બધા ની વચ્ચોવચ જાહેર જગત ની વચ્ચે બોલ્યો ડોહે યાર કેસી લગી મેરી વાલી ? “કટરીના” જેસી નહિ લગ રહી હૈ ? મારી જોડે બાકીના બધાએ પણ શરમે ધરમે હા પાડી, મુંડી હલાવી ને ..!! એણે એક વાર પૂછ્યું, બે વાર પૂછ્યું ,પછી ત્રીજી વાર પૂછ્યું પછી એક નંગ ની છટકી ..!!
દેખ (ગાળ) તેરે કો લગ રહી હૈ તબ તક ઠીક હૈ ,અબ તું એસે બાર બાર પૂછેગા તો તેરે હાથ સે ગઈ સમઝ લે ઔર વૈસે ભી કટરીના કો ફીટ ડોહે હી ઝ્યાદા પસંદ હૈ સમઝ ગયા ના .. જા (ગાળ ) મુહ બંધ કર ઔર ઉસકો લે કે નીકલ લે..!!
અને થયું પણ એવું , કોઈક ડોહો એની કટરીના ને લઇ ગયો..! ભૈયા રાજા બાજા બજાતા રહી ગયા ..!
આખા ગામ ને એની ફ્રેન્ડમાં કટરીના દેખાડતો ફરે તો આપણને પત્નીજી ની બીક ના માર્યા એમાં કટરીના ના દેખાય , પણ કોઈ ક ને તો દેખાઈ જ જાય ને પછી શું થાય ?
કટરીના ને ડોહા લઇ જાય..!!
આવું છે સંસારમાં ..!!
ઈચ્છાઓ ની પેહલા જાત્તે જ છટણી કરી ને જે ઈચ્છા પૂરી થાય એવી હોય એને ક્યાંક પ્રોપર ભોંયમાં ભંડારી દેવાની અને ચુપચાપ એની ઉપર પરસેવાનું પાણી રેડ્યા કરવાનું , ઉગી નીકળશે ને સમય આપીએ તો વૃક્ષ પણ થાય..!
પણ મૂંગા મોઢે ..!!
અવાજ નહિ ..!!
ભસ્યો કે બકયો તો ગયો કામથી..!!!
ભંડારો ભોં માં ત્યારે અને મંડી પડો..!!
આપનો દિન શુભ રહે ..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*