
આજે એક સવાલ મને ઘણીવાર પૂછવામાં આવે છે એનો જવાબ લખવાનું મન થઇ ગયું.. સવાલ પણ થોડો વિચિત્ર છે
શું ગુજરાતી ભાષા જીવશે ? હવે આ સવાલ નો જવાબ જનરલી હું એમ કહી દઉ છું કે શું થવાનું હતું ગુજરાતીને..?
પણ થોડું બ્રેઈન સ્ટ્રોમિંગ કરું તો જવાબ એવો આવે છે કે ભાષા કદાચ પોતાનો વૈભવ ગુમાવી દેશે અને બોલચાલમાં રેહશે..!
હવે ભાષા પોતાનો વૈભવ કેમ ગુમાવશે ?
તો એનું મોટ્ટુ કારણ એ છે કે સાહિત્યનું સર્જન લગભગ અટકી ગયું છે,અને જે ગુજરાતી સહીત કદાચ તમામ ભારતીય ભાષાને લાગુ પડે છે, બસ્સો ચારસો વાર્તાઓ અને કવિતાઓને સાહિત્ય સર્જન હું નથી ગણતો..અને આમ જોવા જઈએ તો અત્યારના સર્જકો જે છે એ બધા રેફરન્સની જ મોટેભાગે વાતો કરે છે,
દાખલા તરીકે આવતીકાલની વસંતપંચમી માટે આજે છાપું ખોલીને જોવો તો લગભગ બધે મહાકવિ કાલિદાસને જ ટાંકવામાં આવ્યા છે, અલ્યા તમને કોઈને કેસુડો મોહર્યો છે એ કેમ દેખાતું નથી ? જો કે વાંક એમાં એમનો પણ નથી એકવાર ઓફીસ કે ઘરમાં એરક્રાફ્ટનુ ટેમ્પરેચર ૨૫ ડીગ્રી સેન્ટીગ્રેડ એસીમાં સેટ કરી દે પછી વાસંતી વાયરો છે કે ચૈતર, વૈશાખનો વાયરો એની એમને બિચારા ને ક્યાં ખબર પડે..!
અને રહી વાત કેસુડાના ઝાડની તો મેં પણ કદાચ પચ્ચીસ વર્ષનો થયો પછી કેસુડાંનું ઝાડ જોયું અને ઓળખ્યું બીજાનો ક્યાં વાંક કાઢું ?સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં મોટા થયા અને વાત કરવી હોય કુદરતની તો ક્યાંથી મેળ પડે..
દર મહીને આવતી પૂનમ રોડની રોજ ચાલુ થતી સોડીયમ લાઈટ અને જો સારા વિસ્તારમાં રેહતા હો તો એલઈડી લાઈટના અજવાળામાં ક્યાં દેખાય? પૂનમ કે અમાસનું ભાન ના હોય તો પછી બીજ કે ચૌદસના ઇન્દુલાલ તો ઉગ્યા કે આથમ્યા શું ફેર પડે હે ?
સર્જન તો કુદરતના ખોળે બેસો ત્યારે જ થાય અને એના માટે પેહલા જોઈએ સંવેદના..અને સંવેદના પેદા કરવા વેદના ભોગવી પડે હવે વેદના એટલે પીડા દુખ અને દર્દ ..
એ ભાઈ શૈશવ લોહી ના પી યાર આવા બધા શબ્દો અમને નથી ફાવતા કપિલની કોમેડી નાઈટ્સ બંધ થઇ તો કઈક બીજું આવશે પણ પીડા ને દર્દ એવું બધું અમને નહિ હો..!
અમે તો તાપણું એટલે ના કરીએ કે હાથમાં ફાંસ વાગી જાય એના કરતા હીટર ચાલુ કરવું સારું ભઈ..!
બીજું સર્જન અટકવાનું મૂળ કારણ એવું પણ આવે કે કોઈને રસ નથી ..!
રસ કેમ નથી ? તો કહે મજા નથી ..!!
ઘણીવાર સર્જનના નામે અમુક ચડી બેઠેલા સર્જક લોકો એવા હથોડા મારે કે આપણને એમ જ થાય કે યાર પ્લીઝ માફ કરો યાર..!
પેલા બહુ મોટા ચિત્રકારો ના ચિત્ર જેવું, જેટલું વિચિત્ર ચિત્ર એટલું વધારે સારું અને સામાન્ય માણસ બિચારો એમ જ કહે બહુ સરસ છે એમ.., તમે કહો છો તો હશે ..!!
હવે રસમાંથી મજા ક્યાં ગઈ ? તો જવાબ એવો આવે કે બાપ દાદાએ નવરસ ને જુદા પાડ્યા અને આપણે એમના ફ્યુઝન કર્યા ,ભાષામાં પણ એવું થયું રસ પ્રધાન સાહિત્ય ખોવાઈ ગયું..
બદલાતા સમય જોડે મૂળાક્ષરો ના ઉદાહરણો બદલાઈ ગયા કે નાશ પામ્યા..
જેમકે ભમરડાનો “ભ” .. બેબ્લેટ નો “બ” થયો, ભમરડો જ ના રહ્યો તો “ભ” શેનો કરવો ? “ક” કમળનો ક ક્યાંથી લાવવું કમળ ? અને ક્યાં ક્યાં ઉગે ? વસ્ત્રાપુર તળાવ તો સુકાઈ ગયું અને ત્યાં તો હવે ક્રિકેટ રમાય છે..! સ્ટેડીયમ બનાવે તો નવાઈ નહિ ..!
પાછો ભાષા પર આવું તો ભાષાની માથાકૂટ કર્યા સિવાય બીજી ઘણી બધી જગ્યાએથી મજા મળે છે અને એ પણ સેહલાઈથી..!
એક ધંધાદારી વ્યક્તિ તરીકે જો હું જોઉં તો લગભગ માર્કેટ ખતમ થઇ ગયું છે અને નવો સપ્લાઈ છે જ નહિ, પણ ઇન્વેન્ટરી જુના જમાનાની એટલી બધી મોટી પડેલી છે કે કોઈ લેનાર જ નથી..!
હવે માર્કેટ ખતમ કેમ થયું ?
તો એના જવાબમાં એવું આવે છે કે લેન્ગવેજ અને લીટરેચર આ બે નો ફર્ક જનતાને જાણવો નથી, પાંચ રૂપિયાના છાપામાં સમસ્યા યૌવનવાળુ પાનુ આજ નો જુવાનીયો પેહલા ખોલે અને બે ચાર જાહેરાત વાંચી અને છોડી દે છે..
જાણીતા કોલમિસ્ટો પણ ફેસબુક પર હજાર લાઈક પર આવીને અટકી જાય છે, અને જેને આપણે સમાજશાસ્ત્રી કહીએ છીએ એવા લોકો સમાજની નવી ધારાથી ખુબ દુર જતા રહ્યા છે, મારા પ્રિન્સીપાલ સ્વર્ગસ્થ રમણભાઈ કાપડિયા સાહેબ હમેશા કેહતા કે ભાષા એ વેહતી નદી છે નવું પાણી ઉમેરાય અને જુનું ઉડી જાય..
હવે જુના લેખકો નવા વિચાર અને ટેકનોલોજી જોડે જોડાતા નથી..એમાં હું એમનો વાંક નથી જોતો ત્યાં ઉમર નામનું ફેકટર કામ કરે છે, એક ઉમર પછી ટેકનોલોજી પ્રત્યેની આસક્તિ રેહતી નથી અને જુવાની એકદમ ટેકનો સેવી હોય છે..
હજી પણ ઘણા લેખકો આજે પણ નોટ પેન લઈને લખે છે..
નોટ પેન લઈને લખવું એ આજના જમાનામાં થતો સૌથી મોટો ક્રાઈમ છે..!
અત્યારની ટેકનોલોજી અને સમયની માંગ છે કે બધું જ હવે ડીજીટલ થયું છે તો ડીજીટલ કરો..કાગળિયા બચાવો અને જંગલ બચાવો..!
ટેકનોલોજી સાથે જોડાવ અને જોડે કુદરતને પણ સાચવો ..આમ તો આ સ્ટેટમેન્ટ બહુ વિરોધાભાસી છે પણ આપણી તકલીફ જ એ છે કે વેફરનું પાંચ રૂપિયાનું પડીકું જ લેવું છે એમાં વપરાયેલું પ્લાસ્ટિક ક્યાંથી આવ્યું એ નથી વિચારવું પાંચ રૂપિયા ખિસ્સામાં છે એટલે હું “વીર” અને વીર ભોગ્યે વસુંધરા ..!
હવે નવા જે જુવાનીયા છે જે ખરેખર થોડીક વેદના ક્યારેક ભોગવી અને સંવેદનશીલતાના લેવલ સુધી પોહચ્યા છે જેને ટેકનોલોજી સાથે પણ કનેક્શન છે એ લોકોનું ભણતર અને ઘડતરનું માધ્યમ અંગ્રેજી છે એટલે અંગ્રેજી ને ગુજરાતી બે નદીનો સંગમ થયેલું ગુજરેજી કે પછી અંગરાતી,ગુજલીશ જે નામ આપવું હોય તે અપાય .. એ ભાષા હવે વપરાય છે અને એ જ ભાષા આગળ વધશે આપણે એને ગુજરાતી તરીકે ઓળખાવી હોય તો ઓળખાવાય એમાં કઈ ખોટું નથી..
બાકી તો..
પવાલામાં પાણી પીશો ? આવું જો કોઈ મિત્રને ત્યાં જાવ અને એમના વિદ્વાન પત્ની મને પૂછયુ ત્યારે મારો જવાબ એવો હતો કે હા ભાભી પીશું,પણ આવો સવાલ કેમ કર્યો ?તમારે ત્યાં બુઝારામાં પાણી પીવડાવાનો રીવાજ છે ?
હવે પવાલામાં પાણી પીશો ? એ કયો પ્રાસ થયો ? એવો સવાલ થાય પણ જવાદો જ્યાં જવાબ “બુઝારું” હોય ત્યાં શું કરવું..!!
વૈભવ વેરાય વાલીડા..!
અરે હા “બુઝારું” એટલે શું એ તો ખબર છે ને ? કે પછી ઘરમાંથી માટલું જ જતું રહ્યું અને આર. ઓ. આવી ગયા ?
વધુ ફરી ક્યારેક ટોપિક બહુ મોટો છે ..
અપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા