સત્ય બોલવું..ઉર્ફે સાચું બોલવું ..
આમ જોવો તો એક ખુબ સેહલી અને સહજ પ્રક્રિયા છે, ખરેખરો જમીનથી જોડાયેલો માણસ હોય તો એણે સાચું બોલવા માટે કોઈ પ્રયત્ન જ ના જ કરવો પડે..
જીવનમાં આજુબાજુ નજર દોડાવજો મળી રેહશે એવા માણસો કે જે ક્યાંક ખૂણામાં `પડ્યા` છે દુનિયાની દ્રષ્ટિએ નિષ્ફળ છે ,
પણ સાચાબોલો છે..!
તો અઘરું શું ? જુઠ્ઠું બોલવું ?
ના એ તો એનાથી પણ સેહલું છે..!
દુર્બળ અને પરિસ્થિતિમાં ફસાયેલો પણ ટકવાની જદ્દોજેહદ કરતો માણસ શોધો ,
જુઠ્ઠો હશે..!
તો તમે પૂછશો કે શૈશવ તને અઘરું શું લાગ્યું ? આજે મને અઘરું એ લાગે છે કે જે નથી પણ દેખાડી અને બોલો …
એના માટે એક જ શબ્દ છે…”વખાણ”
દુનિયામાં બહુ જ જૂજ લોકો હોય છે કે જે કોઇપણ વિષમ પરિસ્થિતિમાં વખાણ કરી શકે છે…!
એક કારખાનું બે ભાઈઓ ચલાવે..
મોટાભાઈની મોટી ઓફીસ અને નાના ભાઈને બિલકુલ સ્ટાફની વચ્ચે બેસાડ્યો છે કેબીન નહિ ..!
આજે આખું બજાર ચર્ચા કરે આવડું મોટું કારખાનું પણ `નાનો` આવી રીતે કેવો બેસે ?
પણ નાનો ભાઈ જુવો તમે..શૈશવભાઈ આવો આવો ..બાજુમાં નાનકડી ખુરશી આપે અને વખાણોની હેલી વરસાવે..અને એ પણ સતત દસ મિનીટ સુધી ..!!
ક્યારેક તો મને એમ લાગે કે ખરેખર આ બધું મારામાં છે ? કે પછી આ બધું મારામાં ખૂટે છે ..?
પણ બહુ જ ગમે એની પાસે જવું..!
અને `મોટો` તો એનાથી પણ ચાર ચાસણી ચડે ..
કોઈ જ વ્યક્તિ કે પરિસ્થિતિ માટે ક્યારેય ખરાબ જ ના બોલો એની વાતમાં સત્ય, અસત્ય, અર્ધસત્ય કઈ કરતા કઈ જ ના આવે અને છતાં પણ એકધારું બોલે ..!
છેલ્લા ત્રણ દાયકામાં બંને ભાઈઓ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ જેમની ઉપર બાજ નજર રાખી રહ્યું છે એવા મોટા લોકોમાં શામિલ થઇ ચુક્યા છે..!!
`લક્ષણ` છે,
અને જરૂરી છે આ લક્ષણ `સફળ` થવા માટે..!
મને ઘણીવાર એમ થાય કે ક્યાંકથી વખાણ કરવાના કલાસીસ ચાલતા હોય ને તો ચોક્કસ ભરવા જવું છે..! ઘણી બધી સમસ્યાઓનો અંત આવી જાય જીવનની…
ઈનફેક્ટ ગુગલ પર ઘણી બધી વખત સર્ચ પણ કરી લઉં છું પણ એવું કઈ સ્પેસિફિક હાથ નથી લાગતું..!
ઘણા બધા લોકો સફળતાની ચાવી શું છે ? અને એ જાણવા માટે કેટલાય ખર્ચા કરી મૂકતા હોય છે..
પણ મને લાગે છે કે ભલે બીજી ઘણું જરૂરી હશે સફળ થવા માટે, પણ એક મોટામાં મોટી જરૂરિયાત છે વખાણ કરતા આવડવું ..
એકલા મુઈ ભેંસના ડોળાથી કામ હવે ચાલે એમ નથી..ભેંસ “ચાલીસા” ની “રચના” કરવી પડે ..
અ રે રે .. તમારી ભેંસ નું તો શું કેહવું , મરતા ને મર ના કહે એવી હતી, કોઈ દિવસ કોઈ ને શિંગડે લીધા નથી , અને પોદળો કરે તે રોજ મારા આંગણે જ કરતી ..અને રોજ વેહલી સવારે એવું મીઠું ભાંભરે કે એનું ભાંભરવું ને મારી નીદરડી ઉડવું , એનું દૂધ તો કેવું હે ..હેઈ રબડી જેવું દૂધ આપતી તમારી ભેંસ..
અને પાછી ચોખ્ખી તો કેવી .. હે ? રોજ તળાવે જાય અને આખી બપોર તળાવમાં પડી રયે ,પણ હો એને જરાય લાકડી `નો અડાડવી પડે ,સેહજ પુચકારો કરીને પૂછડું આમળો ત્યાં તો સીધી તમારે ફળીયે આવી ને ઉભી રયે ..હેઈ મજા નું બોઘેણું ભરી ને દૂધ આપે ..
જારાય ખોટું ન`થ કે`તો..ચાર પાડી દઈ ને ઉપર એક જ પાડો દીધો એણે ..વસુકી ગઈ એ ભેગી વ`ઈ ગઈ ..કામધેનું હતી કામધેનું ..ભાઈ , તમારી ભેંસ ભૂરી તો નોહતી પણ ઇ`ના શરીરે વાળ જોયા કેવા લીસા મજાના હતા..!
આંખો તો કોઈ કે નહિ કે આ ભેંસ હતી હરણી જેવી આંખો હતી ભાઈ ..!!
હશે ત્યારે બીજી ચાર પાછળ મૂકતી ગઈ છે તે બહુ શોક ના કરતા..!!
હાશ બહુ થયું હો હવે `વખાણ` નહિ થાય શૈશવથી ..!!
“ભેંસ ચાલીસા” અપૂર્ણ ..
આવા બીજા દસ ફકરા લખાય તો જ આપણે આગળ વધવાના એમ કેહવાય..!
બાકી તો સિત્તેર કરોડના મિડલ ક્લાસમાં જ જીવવા ને લાયક રેહવાના..!
સાચા બોલા શાંતિલાલ..!
બહુ થાય તો કોઈક “શાંતિલાલ” ને માન આપે પણ રૂપિયા તો ધરાર ના આપે..!
જાત અનુભવ છે ..
નાનામાં નાના માણસને માન આપી અને વખાણો બસ બધુય ચપટીકમાં થશે..!
મને વખાણ કરવામાં તકલીફ ખાલી અલંકારિક શબ્દોની પડે છે, ભગવાનનું દીધું ઓબ્ઝર્વેશન તો છે પણ પેલી મુઈ ભેંસ ની જેવું થાય છે ,
વિચારવું પડે છે વખાણ કરવા માટે અને ત્યારે સમય વીતી જાય છે.. અને વખાણ હમેશાં ઈન્સ્ટન્ટ જ જોઈએ, કોઈ ને મળ્યાની બે કે ત્રણ સેકન્ડમાં તો વખાણ ઉપાડી જ લેવા પડે..અણી ચુક્યાના વખાણ ચાપલુસીમાં જાય અને એ નફા કરતા નુકસાન વધારે કરાવે..!
એક કઝીન છે મારો , બે ચાર વર્ષે માંડ એકવાર મળે પણ મારો બેટો હમેશા વજન ઉતારવાની અને ચડાવવાની વાતો કરે ,જીમની વાતો કરે ,અને અમારા વખાણ કરે અને શૈશવભાઈ જે જીમમાં તમે જાવ છો એ જ જીમમાં મારે કાલથી આવવું છે ..તમે મારા રોલ મોડેલ છો એવી એવી વાતો કરી ને જાય અને ફરી વર્ષે બે વર્ષે મળે ત્યારે ચાર પાંચ કિલો વધારી ને મળે ..!!
એટલે તારણ એવું આવે કે પેહલેથી ખબર જ હોય કે સામેવાળા ને શેની ભૂખ છે તો પછી વિચારીને રખાય..! એ મારો બેટો દર વખતે વિચારીને જ આવતો હશે..!
જો કે આ બધી વાર્તાઓ ત્યારે જ જરૂરી થઇ જાય કે જ્યારે જીવનમાં એક લેવલ કૂદવું હોય બાકી તો સાચું બોલ્યા કરો, કાણા ને કાણો ,કાણીયો , કાગડો વગેરે વગેરે `વિશેષણો` થી “નવાજતા” રહો..
છે ત્યાં ના ત્યાં પડી રેહવાશે ,પોતાની દુનિયાની મજા લીધા કરાશે..!!
આજે સત્ય વક્તા બહુ ઓછા છે , પણ આ દુનિયાને એમની જરૂર નથી…!
ફરી એકવાર .. આગળ વધવું છે..??
કોઈપણ પરિસ્થતિમાં ફસાયા છો ? બધ્ધું જ મુકો પેહલા …
નક્કી કરો કોના કારણે ફસાયા છો..!!?
અને કોણ તમને એમાંથી બહાર કાઢી શકશે..!!?
એ પેહલા શોધો ,
અને જેના કારણે ફસાયા છો એ વ્યક્તિની સામા પડવા ને બદલે આખી એની ચાલીસા ની પેહલા `રચના` કરો અને પછી એને સતત મળી અને એની `ચાલીસા` ગાન જુદી જુદી રીતે કરો..!
ફરેબ ની દુનિયા રચો..
શું કહો છો ..?
ઘોરકલિયુગ ..
હા …છે ..અને એમાં જ જીવવાનું છે
આત્માને જુઠ ,ફરેબના ખંજર મારી લોહીલુહાણ કરી ને જીવવાનું છે..!!
ટ્રાય કરો “નડતા” ની આજે કોઈની “ચાલીસાની રચના” કરો..
ના ફાવે તો “ભેંસ ચાલીસા” નો ફકરો ફરી વાંચો ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*