ભૂતાન નરેશ શ્રી જીગ્મે સીગ્મે ખેસર અને મહારાણી પેમા ના ઘેર પારણુ બંધાણું..રાજકુમાર અવતર્યા..
ભૂતાનના રાજપરિવારમાં છઠ્ઠી પેઢીના વારસદાર પધાર્યા ..!!
એ ખમ્મા ખમ્મા રાજકુમારને ઘણી ખમ્મા..! જુગ જુગ જીવો ને રાજ કરો..!
દિલથી આશીર્વાદ નીકળે છે ,અને એના કારણ પણ છે ,
પેહલુ કારણ તો એ જ છે કે ભૂતાન નરેશએ રાજકુમારની જન્મની ખુશીમાં એક લાખ આઠ હજાર વૃક્ષો વાવ્યા,વાહ વાહ ધરતીના ફેફસા થોડા મજબુત થશે..
અને હા એક બીજી વાત કહી દઉં આ ૧૦૮૦૦૦ ઝાડમાંથી એક પણ ઝાડ મરશે તો ભૂતાનની પ્રજા એની જગ્યાએ બીજુ ઝાડ ચોક્કસ વાવી દેશે એની મને સો ટકા ખાતરી છે..!
ખુબ જ સારી અને સો ટકા કમીટમેન્ટવાળી ભૂતાનની પ્રજા છે અને એની સામે એમનો રાજપરિવાર પણ એટલો જ પ્રજા વત્સલ છે..! અત્યારે ખરેખર ધરતી પર ક્યાય સ્વર્ગ છે તો એ ભૂતાનમાં છે..!
રાજા અને પ્રજા વચ્ચેનો પ્રેમ અને અતૂટ બંધન જોવું હોય તો ભૂતાન જાવ, પ્રજા રાજાને અને રાજા પ્રજાને ખુબ પ્રેમ કરે છે ,
ચારેબાજુ ભારતથી ઘેરાયેલો દેશ,જ્યાં કરન્સી પણ ભારતીય ચાલે ,બંગાળ ,મિઝોરમ અને આસામના RTO પાસીન્ગના વેહિકલ પણ એલાઉડ અને ટીવીમાં સ્ટાર પ્લસની સાત આઠ વર્ષ પેહલાથી ચાલતી આવતી ગોપી વહુવાળી સીરીયલ પણ ભૂતાનમાં જોવાતી હતી.. અને છત્તા પણ સાલુ ત્યાની પ્રજામાં આપણા જેવી હરામખોરી નહિ..!!
નવાઈ તો બહુ લાગી હતી, પણ હકીકતનો તો સ્વીકાર કરવો જ પડે..ભારતનું છેલ્લુ ગામ મુકો અને ભૂતાનનું ફૂન્ક્શોલીંગ આવે વચ્ચે ફક્ત એક સામાન્ય તારની વાડ,બીજુ કઈ જ નહિ ખુબ જ નોર્મલી આવન જાવન ચાલે બંને દેશ વચ્ચે પણ સો મીટરમાં જ ખબર પડે કે આપણે ખરેખર કોઈક બીજા દેશમાં છીએ..
છ વર્ષ પેહલા દિવાળીના વેકેશનમાં હું ભૂતાન ગયો હતો ,ગાડીમાંથી ઉતરી અને હું ઈમિગ્રેશન ઓફિસમાં ગયો, પાસપોર્ટ આપ્યા એક નાનકડુ ફોર્મ ભરવાનું હતુ,
મારી બાજુમાં એક ભુતાનીઝ છોકરો ઉભો હતો મેં એની પાસે પેન માંગી ,એકદમ કમરથી ઝુકી અને અદબપૂર્વક મને પેન આપી ,કદાચ ગાઈડ હતો એ..
મેં અમારા છ ફોર્મ ભર્યા ,પછી પેન પછી આપી અને થેંક્યું કીધું ,પણ છોકરાએ ખુબ જ પ્રેમથી ના પાડી નો સર આપકો એ પેન આગેભી ચાહિયેગા ..આપ એ પેન રાખ્લો ,મેં કીધું ફ્રેન્ડ મેરે પાસમેં પેન હૈ ગાડીમે પડ હૈ , પ્લીઝ કીપ ધીઝ થેંક યુ સો મચ..છોકરો બોલ્યો યુ આર કમીગ ટુ ભૂતાન ફર્સ્ટ ટાઈમ ? મેં કીધું યા.. સર એ હમારા આપકો ગીફ્ટ હૈ એટલુ બોલી અને દોડીને જતો રહ્યો ,એણે એની પેન પછી ના લીધી તો ના જ લીધી,મારી અગિયાર વર્ષની દીકરી જોઈ રહી..ડેડ કેટલા પોલાઈટ છે આ લોકો તો જુવો ..!!! યેહ ..મારી પાસે કોઈ જવાબ નોહતો..
મારી અને મારી દીકરીની પેહલી ઇમ્પ્રેશન હતી, એ ભૂતાન દેશ ને એના લોકો માટેની..
કુન્ક્શોલીગમાં ચારેબાજુ ભૂતાન નરેશ જીગ્મે સીગ્મે ખેસર અને રાણી પેમાં ના પોસ્ટર લાગેલા હતી, અમે ભૂતાન પોહચ્યા એના અઠવાડિયા પેહલા જ ભૂતાન નરેશ પાટલેથી ઉતર્યા હતા અને આખા ભૂતાન દેશએ એમના લગ્નનો મહોત્સવ માણ્યો હતો..
મારી મોટી દીકરીએ જીદ કરી ડેડી મારે મહારાણી પેમાંને જોવા છે,તપાસ કરતા માલુમ પડ્યું કે આમ તો નરેશ અઠવાડિયે બે વાર પબ્લિકમાં આવતા હોય છે,અને ખુબ સહજતાથી પ્રજાને મળતા હોય છે ,
પણ ભૂતાન નરેશ અને મહારાણી એ દિવસોમાં જ ભારતના મેહમાન થયા હતા અને નવદંપતી રાજસ્થાનમાં હતા હનીમૂન માટે, છેવટે એમનો પેલેસ બહારથી જ જોઈને દીકરીને સમજાવી..
આપણા છોકરાઓમાં હજી પણ અસલી રાજારાણીનો ક્રેઝ તો ખરો, જો કે મને પણ રાજા રજવાડા અને ઈતિહાસનો કેઝ ખરો, આપણા દેશની અત્યારની હાલત જોતા એમાં થાય ખરું કે આવું ભૂતાન જેવું એકાદું રાજપરિવાર હોય અને શાસનધુરા એમને આપી અને શાંતિથી નિરાંતે કામે વળગીએ..
મહારાણી પેમા એમની જાપાન યાત્રા દરમ્યાન લગભગ જાપાની પ્રજાના દિલો દિમાગ પર છવાઈ ગયા હતા,જાપાની સમ્રાટ આકીહીટો ત્યારે બીમાર હતા એટલે ભૂતાન નરેશની આગતા સ્વાગતા જાપાનના સામ્રાજ્ઞી મીશીકો અને રાજકુમાર આકીશીમો અને ક્રાઉન પ્રિન્સેસ કીકો એ કરી હતી.!
જાપાનમાં ભૂતાનના શાહી દંપતીના સ્વાગતમાં એક વાત કેહવાઈ હતી કે જાપાને હજી ભૂતાન પાસેથી ઘણું શીખવા જેવું છે,અને એ વાત ખરેખર સાચી છે,
ગયા વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતમાં જયારે યુ.એન.ના સેક્રેટરી જનરલ ,ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,વર્લ્ડ બેંકના ચેરમેન અને લગભગ ભારતના તમામ મોટા ઉદ્યોગપતિઓ હાજર હતા ત્યારે એ બધાની વચ્ચે જયારે જીડીપીને બાજુ પર મૂકી અને ભૂતાનના પ્રાઈમ મીનીસ્ટરએ નેશનલ હેપીનેસ ઇન્ડેક્ષની વાત કરી ત્યારે આખું મહાત્મા મંદિર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યુ હતુ , હું એનો સાક્ષી છું..નેશનલ હેપીનેસ ઇન્ડેક્ષ ..મને બહુ જ ગમ્યો આ શબ્દ..!!
ભૂતાનના રાજપરિવારએ એમની પ્રજાને સામેથી લોકશાહી આપી છે પણ પ્રજા છે ભૂતાનની ,ધરાર લોકશાહી નથી લેતી..!! હૈયું ગદગદ થઇ જાય એવી વાત છે ને..!! અને આપણે લડી ઝઘડીને લીધેલી લોકશાહીને પતાવવા બેઠા છીએ..!!
જોકે આપણે ત્યાં તો બે ચાર જુના રાજા રજવાડા.નવાબોઓ એ એવા એવા કારસ્તાનો કરેલા છે કે વાત જવા દો..
જો કે પ્રજાને તો હજી પણ મનમાં ક્યાંક તો રાજા રજવાડા ઘુસેલા જ છે ,હજી પ્રજા એમ જ ઈચ્છે છે કે રાજા શંતિથી રાજ કરે અને આપણે મોજ કરીએ ,
અને બહુ થાય તો આપણે પણ ક્યારેક રાજકુમારીની ફેન્ટસી કરીએ.. એ રાજુમારીની ફેન્ટસીની શરૂઆત છેક ઘોડિયામાંથી ,લાલો રમતો હોય ત્યાંથી થાય , ડોશીમાં ઘોડિયું ખેંચતા ખેંચતા ગાય ..
દીકરો મારો લાડકવાયો …દેવનો દીધેલ છે ..
હાલક ડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ..
શમણે આવી વાત કરે છે રાજકુમારી કોક ..
બસ ઘોડીયામાંથી જ ડોશી શીખવાડી દે બટા તને રાજકુમારી મળશે,અને અને બટો રાજકુમારીની ફેન્ટસી કરતો થઇ જાય ..
પણ બટો મારો,ડોશીનો ગગો રાજકુમારીને પરણીને કરશે શું ?
તો કહે રાજ કરશે ..!!
નવરો બેઠો બેઠો બુધાલાલની તમાકુ ખાશે અને હેઈ મોજ કરશે …લો પત્યું રાજકુમારી આવી ગઈ..!!
ભૂતકાળમાં આપણા રાજા રજવાડાઓ અને નવાબોએ એવા એવા અય્ય્યાશી ના દાખલા સેટ કર્યા છે કે છેક હાલરડાં સુધી પોહચી ગયા છે એમના લક્ષણો..!!
દીકરો હોય તો રાજકુમારી ઉડતી ઉડતી આવશે અને દીકરી હોય તો સફેદ ઘોડા પર રાજકુમાર આવશે અને તને લઇ જશે ..રાજ કરશે મારી દીકરી..!!!
અલ્યા પ્રોપર કામધંધે લગાડ ડોશી ,નહિ તો ડોબો રાજ કરવામાં તો બધું તારાજ કરશે..!!
નોહતું લખવું નેગેટીવ કશું પણ શું થાય આ વક્ર દ્રષ્ટા નજર દુનિયામાં જ્યાં જાય ત્યાં શું સારું અને શું ખરાબ બસ બે જ વસ્તુ જોવે છે અને પછી સરખામણી થઇ જાય…!!!
પાછો ભુતાન જતો રહુ ,પ્રજા બહુ કામઢી ..બેઠા બેઠા પોતાનું કામ કર્યા જ કરતી હોય ,પણ મને બહુ ગમ્યું એમનું પર્યાવરણ પ્રત્યેનું કમીટમેન્ટ,પોતના ભાગમાં આવેલા હિમાલયને એકદમ જતનથી સાચવી રાખ્યો છે ભૂતાનએ ,અને એટલા જ જતનથી પોતાનો ધર્મ સાચવ્યો છે,
પાડોશી નેપાળ માટે ત્યાની પ્રજાને થોડું ઓછું ફાવે પણ ઓવરઓલ નેપાળી કરતા ભુતાની પ્રજા ખુબ સુખી ,
પોલીટીકલી ભુતાની રાજપરિવાર નેહરુ ગાંધી પરિવારનો ભક્ત,જેમ નેપાળના રાજપરિવારને નેહરુ ગાંધી પરીવારે સાચવ્યો, એમ જ ભૂતાની રાજપરિવારને સાચવ્યો છે, પણ નેપાળી રાજપરિવારમાં જે યાદવાસ્થળી થઇ અને છેવટે રાજપરિવારનું નેપાળમાંથી નામોનિશાન નીકળી ગયું ,અને નેપાળ નરેશ બીરેન્દ્રસિંહ અને મહારાણી ઐશ્વર્યાદેવી અને બીજો રાજ્પરીવારની જોડે ભારતનો લગભગ એકડો નીકળી ગયો નેપાળમાંથી ,એમ ભૂતાનમાં થાય તો આપણે બહુ મોટી મુસીબતમાં આવી જઈએ એમ છીએ,એક જ રાજપરિવાર ઉપર ડીપેન્ડ થઈને આપણને મોટું જોખમ વોહરી રહ્યા છીએ..
કારણ એટલું કે નેપાળમાં જેમ ચીની ડ્રેગન ઘુસ્યો છે, એમ ભૂતાનમાં પણ એ પાછળથી બારણા ખખડાવે છે અને જો ભૂતાન હાથથી જાય તો પછી ઉત્તર પૂર્વના સાત રાજ્યો સાચવવામાં ફીણ પડી જાય આપણને..!!
ભારતની સળગતી ચીકન નેક ,ગોરખા લેન્ડ ,બોડો લેન્ડ ,નક્સલ અને એ પણ છેક બાંગ્લાદેશ થી બર્મા સુધી ઘુસેલા ત્રાસવાદીઓ,બહુ અઘરું પડે આપણને..!.
હરવા ફરવા સુધી બરાબર છે પણ બીજી રીતે જોવા જઈએ તો ભૂતાનને બાદ કરતા ઘણી મુસીબતોમાંથી હિમાલયનો એ પ્રદેશ પસાર થઇ રહ્યો છે..
બાકી ફરવાની મજા પડે એવી જગ્યા છે ભૂતાન ,એના મોટા મોટા ઝોંગ ,ચારેબાજુ પથરાયેલી વનરાજી,એકદમ ચોખ્ખા નદી .નાળા ,ધોધ અને ઝરણા ,સીધું જ પી શકાય એવું ક્રિસ્ટલ ક્લીઅર પાણી..
બસ પગમાં તાકાત જોઈએ રોજના દસ બાર કિલોમીટર ચાલી નાખો તો હિમાલયને માણીને અવાય ..
ભૂતાનના બાળ રાજકુમાર મોટા થઈને એમના બાપદાદાઓએ જે રીતે રાજ કર્યું અને પર્યાવરણનું જતન કર્યું છે ,બસ એ જ પરમ્પરાને અનુસરે અને આગળ વધારે એવી શુભકામના સાથે ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા