
સોની બજારની હડતાલ ..
મને મારા એક વેપારીએ મિત્રએ એક ‘સુ’વાક્ય શીખવાડ્યું હતું
“જેમાં જેને જે વસ્તુની ખબરના પડે એ વસ્તુનો ધંધો કરવો ”,
મેં કીધું ભાઈ ઝૂમ કરો તો એમણે દાખલો આપ્યો તમે સોનીને ત્યાં ઘરેણા લેવા ગયા અને સોનીએ તમને કીધું કે આ ઘરેણા ૨૨ કેરેટના છે અને તમે માની લીધું,
પછી એ ઘરેણા બાવીસ કેરેટના છે કે ૨૧ કેરેટના એ તમને ક્યાં ખબર છે? સોની હોલમાર્ક હોલમાર્ક કરે એટલે તમારે માની લેવાનું ,
અને બીજું ૨૨ કેરેટ અને ૨૧ કેરેટમાં સોનાની શુધ્ધતામાં કેટલા ટકા નો ફેર? બોલો ખબર છે? મેં કીધું ના ભાઈ હો ગુગલ કરવું પડે અને પછી પણ ટેસ્ટીંગ લેબોરેટરી ક્યાં?
એટલે એ વેહ્પારીએ મને કીધું તો સોનાનો ધંધો થાય, સોની બની જવાય..
વાત તો સાચી જાણે,મોટેભાગે સોનું કે હીરા ખરીદવા આવતી જનતા જનાર્દન સોનું અને હીરાની પ્યોરીટીની બાબતમાં મારી જેમ તદ્દન અબુધ અને અભણ છે ..!!
પણ હવે અત્યારે આખા સોનીબજારનો પેચ ફસાયો છે ૧%એક્સાઈઝમાં, જેટલી સાહેબે ફક્ત ૧% એક્સાઈઝ ફટકારી છે ઘરેણા ઉપર, અને એનો આખું ઝવેરી બજાર એક સૂરમાં વિરોધ કરી રહ્યો છે, તકલીફ શું છે ? ૧% એક્સાઈઝ?
તો કહે ના ભઈ ..ડોશી મરે એની ચિંતા નથી,આવા એક ટકા તો અમે કસ મારીને ગમે ત્યાંથી કાઢી લઈએ પણ પેલા સેન્ટ્રલ એક્સાઈઝના જમડા ઘર ભાળી જાય એ તકલીફ છે,
હવે સેન્ટ્રલ એક્સાઈઝના જમડાઓ તો અત્યારથી જ થનગનાટ કરી રહ્યા છે, ક્યારે વારો આવે અને ફરી પાછા આપડા “સોના”ના દિવસો આવે..!
આ સરદાર મનમોહનસિંહએ ૬૦ % એક્સાઈઝને ઘટાડતા ઘટાડતા ૧૨.૫% સુધી લઇ આવ્યા અને એમનુ “ઇન્સ્પેકટર રાજ” લગભગ ખતમ કરી નાખ્યું, બાકી અમે તો એમ જ માનતા હતા કે ઇન્ડસ્ટ્રી એટલે અમારા બાપની જાગીર,
અમને એમાંથી લાગભાગ મળવો “ જ ” જોઈએ, પણ આ ઉદારીકરણમાં લગભગ અમારા દાંત,નખ કાપી લીધા અને કોણ જાણે આ જીએસટીમાં શું થશે ?
અમારા ટેસ્ટીક્લસ રાખે તો સારું, નહિ તો ઈઝ ઓફ બીઝનેસના નામે એ પણ કોઈ ખસીકરણના પ્રોગ્રામ આવે અને એમાં કાઢી લે.. તો પછી ભજમન સીતારામ સીતારામ ..!!
પગાર આવે એમાં ઘર ચલાવવાનુ,અને છોકરા મોટા કરવાના બસ ઉપરની આવક લગભગ ઝીરો થઇ જાય, હવે જો વધુ ઉદારીકરણ થાય તો..!!
પણ આ જીએસટીના કાળા ડીબાંગ વાદળાની “રૂપેરી” કોર અરે “સોનેરી” કોર છે, ભાઈ આ ઘરેણા બજાર ઉપરની ૧% એકસાઈઝ તો..આખું ડીપાર્ટમેન્ટ તરી જાય..!!
કારણ શું ?કેવી રીતે?તો બકા તું રહ્યો સામાન્ય માણસ તે તારી બાપ જિંદગીમાં એક કરોડ રૂપિયા રોકડા એક જગ્યાએ પડેલા જોયા છે ખરા? એક હજારની નોટોના સો બંડલનું વજન કેટલુ થાય એનું તને ભાન છે ગધેડા?
હવે નખ ના ચાવીશ રેહવા દે આ દેશના ૯૯% લોકોએ નથી જોયા, બધા તારા મારા જેવા અભાગિયા જ છે,૧૦૦૦ની સો નોટો કેટલી બધી જગ્યા રોકે?
હવે એની બદલે ત્રણ કિલો સોનું લઈને લોકરમાં મૂકી દો તો કેટલી જગ્યા રોકે? સમજણ પડી વૈશાખનંદન તને કઈ કે હજી ઝુમ કરું? આ બળદયાની જેમ માથું ના ધુણાવીશ ઝૂમ કરું છું ..
આ દેશમાં જેટલા ભ્રષ્ટ સરકારી ઓફિસરો અને નેતાઓ છે,અને એ સિવાય જે લોકો, કે જેમની પાસે બે નંબરના અઢળક રોકડા રૂપિયા છે એ બધાને એમના રોકડા રૂપિયા ક્યાં સંતાડવા એ એમના માટે બહુ મોટો પ્રોબ્લેમ છે,
અને એના માટેનો સૌથી સેહલો રસ્તો છે રોકડા રૂપિયાનું સોનુ લઈને બેન્કના લોકરમાં મૂકી દો,જગ્યા પણ ઓછી રોકે અને રોકાણનું રોકાણ વળી કાળી રાત્રે જરૂર પડે તો રોકડા હાજર થઇ જાય એ સોનાના..
જમીનો,ફ્લેટો કે બીજે ગમે ત્યાં રોકાણ કરો તો એ રોકડા ધાર્યા સમયે પાછા નાં મળે પણ સોનુ લઇ રાખ્યું હોત તો તરત જ રૂપિયા છુટા થઇ જાય સમજણ પડી..?
અને મારી ભોળી રે ભરવાડણ એવું માને છે કે આ દેશની પ્રજાને સોનાની ભૂખ બહુ છે..કોઈ હરી લ્યો..હરી લ્યો..
હવે રહી રહીને ભોળીને થયું કે પરદેશમાંથી તો કાળુ નાણું દેશમાં આવી રહ્યું,તો પછી લાવ દેશમાંથી અને દેશમાંથી શોધી કાઢું અને બીજું નવું જનરેટ થતું અટકાવું એટલે ભોળીએ જ્યાં સૌથી મોટુ જનરેશન થાય છે કાળા નાણાનું ત્યાં જ હાથ માર્યો..
હું મુઈ ભોળીને તમે રહ્યા લોઠકા..મેં તો ખાલી એક ટકો કીધુ અને તમે તો બધું સાવ બંધ કરીને બેસી ગ્યા.. આ લે લે આવું તે કાઈ હોય..
પણ ભોળી તું સમજ ગાંડી ,આમાં તો તારા જ સરકારી ઓફિસરને તકલીફ થાય બે લાખની ઉપરની ખરીદી પર પાનકાર્ડ ક્યાંથી લાવે બિચારો સરકારી ઓફિસર,તું જ ક્હે ભોળી ?
એમાં પાછો સેન્ટ્રલ એક્સાઈઝવાળો ધારે ત્યારે રેડ પાડે, અને રોજ અમારા ત્યાં સ્ટોક લેવાના બહાને આવીને બેસી જાય,અમારે અમારો રોકડાનો હિસાબ એ બેઠો હોયને ત્યારે ક્યાંથી સેટ કરવાનો? અમારો તો ધંધો અડધો થઇ જાય ભોળી..!!
જીદ ના કર ભોળી જેમ ચાલે છે એમ ચાલવા દે..
પણ ભોળી છે માનતી જ નથી બસ..હરી લ્યો..હરી લ્યો.. રોકડા કાઢો રોકડા કાઢો..એક જ જીદ પકડીને બેઠી છે ભોળી
ચલ જોઉં ભોળી તારે કેટલા હરી જોઈએ એમ સીધી વાત કરને, મથુરાની જેલમાં ઘાલી દઈશ હા કઈ આડુંઅવળું બોલ્યો છે તો હા અત્યારે તો રાજ મારા કાનાનું છે..
બસ અત્યારે તો નોર્થ બ્લોકમાં બેઠી બેઠી ભોળી હરી લ્યો ,હરી લ્યો રોકડા કાઢો ,રોકડા કાઢો કરે છે અને સાઉથ બ્લોકમાંથી કાનો વાંસળી વગાડે છે..તે છેક અમેરિકા સુધી..
કોઈપણ ભોગે રોકડાના ટ્રાન્ઝેક્શન ખતમ કરવા છે સોની બજારમાંથી નહિ તો ઈકોનોમી ક્યારેય કન્ટ્રોલ નહિ થાય, એક ટકો એકસાઈઝથી આખા ઝવેરી બજારના એકાઉન્ટ ખુલી જાય એમ છે,પણ પેહલા ઝવેરીઓને એક સેઈફ એક્ઝીટ આપો અને પછી ગાળીયો કસો,
એકદમ જરૂરી છે આ ૧% એકસાઈઝ, અને સાથે સેન્ટ્રલ એકસાઈઝ અને કસ્ટમ્સના ઓફિસરોને પણ એમની મર્યાદામાં રાખવ પણ જરૂરી છે ..
નવી નવી ટેકનોલોજી અને ઈ-રીટર્નથી આ શક્ય છે,ક્યાં સુધી આ બે નંબરના સોની બજારના વ્યવહાર ચલાવીશું ?પેટ્રોલીયમ પછી સૌથી વધારે ડોલર સોનું ખરીદવામાં જાય છે , દેશની સોનાની ભૂખ તો ક્યારની મરી ગઈ છે,
ત્રીસ હજાર રૂપિયાનું તોલો સોનું સામાન્ય માણસ તો જરૂર પુરતું જ લે, અને છેલ્લા થોડાક વર્ષોમાં સોનાએ એવું કોઈ વળતર નથી આપ્યું , જે કોઈ સોનામાં રોકાણ છે એ રાજકારણીઓ અને સરકારી ઓફિસરોના બે નંબરના રૂપિયા પાર્ક થયેલા છે એને કન્ટ્રોલ કરીએ તો ડોલરની સામે રૂપિયો ઘણી મજબૂતી પકડે અને ખરેખર અચ્છે દિન આવે..
મોદી સાહેબ લગે રહો..!
ભલે બંધ રેહતું ઝવેરી બજાર એક વર્ષ માટે પણ ના છોડતા,આ કાળા નાણાના નાગની ફેણ છે સોનુ, કસ્સીને પકડજો વા`લા
શુભ રાત્રી
શૈશવ વોરા