
બે ચાર દિવસથી બ્લુ વ્હેલ રમતના મેસેજ વેહતા થયા છે, જનતાની ફાટી પડી છે, પુનામાં એક ૧૪ વર્ષના છોકરાએ આપઘાત કર્યો અને દેવન્દ્ર ફડણવિસે ઠીકરું ફોડ્યું બ્લ્યુ વ્હેલ ગેઈમ ના માથે..
સાલુ રોજ નેટ પર નિત નવી રમતો આવતી જાય છે અને છોકરા એમાં ભરાતા જાય છે,પેલી પોકોમેન-ગો એ તો મને પણ ચસ્કો લગાડ્યો હતો..રીતસર ઘરવાળાએ એકટીવાની ચાવી હાથમાંથી ખેંચી લીધી અને ડ્રાઈવરને કડક સુચના અપાઈ હતી કે કામ વિના શેઠ ગાડી ઉભી રાખવાની કહે તો નહિ ઉભી રાખવાની..
જોધપુર ગામના ચોરે પોકીમોન નું પ્લે સ્ટેશન હતું અને મારા જેવો મારી ઉંમરનો તો કોઈ ના મળે પણ સોળથી પચ્ચીસના છોકરા ભરબપોરે તડકામાં મોબાઇલ લઇને રમે..
ખરું કહું તો સખ્ખત મજા આવતી હતી,પણ પછી થયું કે યાર આ તો ચસ્કો છે અને બરબાદી નોતરશે, એકવાર તો પીરાણાના કચરા ડુંગરે મેં ગાડી ઉભી રાખવી હતી,અને ત્યાં ઉતરી પડ્યો હતો મારો ડ્રાઈવર આશ્ચર્યથી જોઈ રહ્યો હતો કે ભૂલથી શેઠ ગાડીમાં ઝોકું ખાઈ ગયા હોય અને પીરાણા કચરા ડુંગરથી ગાડી કાઢી હોય તો સામે દત્ત મોટરમાં ગાડી લઇ જઈને અંદર બહાર નીચે ઉપર ચારેબાજુથી ગાડી ધોવડાવે અને મને બે ગાળ કાઢે એ જુદી,
પણ એ દિવસે વારો એનો હતો ગાળો આપવાનો હું તો ગાડીમાંથી નીચે ઉતરી અને રેર પોકીમોન પકડવા આમતેમ દોડતો હતો,ખરેખર ત્યારે મને એ કચરા ડુંગરની વાસ પણ નોહતી આવતી..!
રમત નો નશો..કોમ્પ્યુટર કે મોબાઈલની ગેઈમ નો નશો … કેવો ?
તો હું કહું અરે બાપરે બહુ જ ખતરનાક છે, મારા જેવા કેટલાય લોકોની કેરિયરની પથારી પ્રિન્સ ઓફ પર્શિયા ફેરવી ગયો..અરે યાર એક પછી એક લેવલ આવે અને કુદતા જઈએ અને પ્રિન્સ પેલી પ્રિન્સેસને પપ્પી ના કરે ત્યાં સુધી જપ ના વળે, ઘણી વાર એવું પણ બન્યું છે કે રાત્રે ઊંઘમાં પણ એમ લાગે કે આપણે ક્યાંક ખાડામાં પડી ગયા અને આપણી લાઈફ ગઈ..!
જો કે મારી જેમ દરેક ની લાઈફ માં કોઈને કોઈ આવી કોઈક ગેઈમ આવી જ હોય કે જે ર્ત્રે ઊંઘમાં પણ જપવા ના દે
કોમ્પ્યુટર કે મોબાઈલની રમતોની એક બહુ સરસ આભાસી દુનિયા છે અને એમાં નાના બાળકોથી લઈને જુવાનીયા બધા જ બહુ જ આસાનીથી ફસાઈ જાય છે,
એક મિત્ર ગેમિંગ ઝોન ચલાવતો હતો અને એમાં લગભગ બારેક પીસી (કોપ્યુટર) ગોઠવ્યા હતા દસ બાર છોકરા આવે અને કાઉન્ટર સ્ટ્રાઈક(CS) નામની રમત રમે, છ- છ જણાની ટીમ પડે અને જેને આપડે સાદી ભાષામાં ચોર પોલીસ કહીએ એવી રમત CS,
પણ રમાય કમ્પ્યુટર થ્રુ..
સાલી કાનમાંથી કીડા ખરી પડે એટલી ગાળો બોલે અને ચીસો નાખે છોકરાઓ, બાર છોકરા રમતા હોય અને ચોવીસ જોતા હોય અને દુકાન ની સાઈઝ બસ્સો સ્ક્વેર ફૂટની, છત્રીસ છોકરાની બુમો માર માર ,કવર કવર.. માહોલ તો એવો થઇ જાય કે હિન્દુસ્તાન પાકિસ્તાનની લડાઈ ફાટી નીકળી હોય એમ એક બીજા ને મારે અને ગાળો કાઢે, માંબેનની ગાળો તો કોમા અને ફૂલસ્ટોપમાં આવે બાકીની બધી શબ્દોમાં વપરાય.. જે જબરજસ્ત ઇન્વોલ્વમેન્ટ છોકરાઓનું રમતમાં આવી જતું એ જોઇને દુકાનનું બારણું ખોલીને નવો નવો કોઈ અંદર આવે તો એક બે મિનીટ તો સમજી જ ના શકે કે આ શું ચાલી રહ્યું છે..હબકી જાય બાપડો..!
ચોર પોલીસ તો આપણે પણ રમતા નાના હતા ત્યારે, અને બધા ભેગા થઈ ને એક ને ધીબી નાખતા એક ધાબે થી બીજા ધાબે, એક સોસાયટીમાંથી બીજે કોટ ઉપર ચડીને નીચે, ઝાડ પર ચડીને કઈ કેટલા ખેલ કરતા પણ જે દિવસથી કોમ્પ્યુટર હાથમાં આવ્યું બસ પછી ટાંટિયા તોડવાની રમતો બંધ થઇ ગઈ..
જે પોકીમોન ગો અત્યારે આવી એનું નાનું વર્ઝન તો “સદી”ઓ પેહલા આવ્યું હતું જયારે 286 કોમ્પ્યુટર વાપરતા ત્યારે..
હવે સીરીયસલી વિચારીએ કે આ બધી રમતો સફળ થવાનું કારણ શું ? તો બ્લ્યુ વ્હેલ કે CS કે પોકીમોન તમામ રમતોની સફળતા પાછળનું એક બહુ જ મોટું કારણ છે ઘરમાં બાળકોની વસ્તીનો ઘટાડો..!
આજે આપણા સમાજમાં અત્યરે કંસ ચારેબાજુ છવાયેલો છે, એક સારા ભવિષ્યની લાલચમાં ફક્ત એક કે બે જ સંતાનો થવા દઈએ છીએ અને ત્રીજું કોઈને ભૂલથી પણ આવી જાય તો બાપરે.. ક્યાં તો એ ત્રણ છોકરાનો બાપ કરોડો નો માલિક હોવો જોઈએ, બાકી તો એકાદું છોકરામાં ડીફેક્ટ હશે એટલે ત્રણ થવા દીધા,છેક આવી વાત આવી જાય છે..!
હું જ્યાં સુધી ખાનપુરમાં રહ્યો જ્યાં ખુબ મોટો માસ(જથ્થો) હતો, ત્યાં સુધી મને ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટ્સનો ચસ્કો નોહતો લાગ્યો,એવું નોહતું કે ત્યારે વિડીઓ ગેઈમ શોધાઈ નોહતી ,શોધાઈ પણ હતી અને મારી પાસે હતી પણ ખરી, આજકાલના નાના બાળકો જે લેગો (LEGO) થી રમે છે એ મારી પાસે એશીના દાયકામાં હતા..પણ મને એ ખાનપુરનો “માસ” ગમતો અને ત્યાં જ રમતા..!
જ્યારે આજે ફક્ત એક કે બે સંતાનો હોવાને લીધે બાળકોનો માસ (સમૂહ) ગાયબ છે,પેલો કાર્બાઈડ કેરી પકવવાવાળા મેસેજ પર બહુ કટાક્ષ થયા ,(એકટીવા પર સંતાનને લઈને આમતેમ દોડતી માતાઓને જોઇને મને કાર્બાઈડથી કેરી પક્વવા જતી હોય એવું લાગે છે) પણ તારામાં હોશિયારી અને તાકાત હોય તો કાઢને ચાર છોકરા, એ ઘરની ચાર કેરીઓની ગરમથી જ બધી કેરીઓ પાકી જશે..કર પેદા ચાર છોકરા એટલે ખબર પડશે..કટાક્ષ કરવા બહુ સેહલા છે પણ પાછળની વરવી વાસ્તવિકતા ને સમજવી અઘરી છે..
માબાપ દાદા દાદી બધાની વચ્ચે એક જ છોકરું દિવસ આખો ઘરમાં રહીને અકળાઈ ગયું હોય,બહાર સોસાયટી કે ફ્લેટમાં સરખી ઉંમરના બીજા બાળકો હોય નહિ, તો ક્યાંક તો એ બાળકને લઇ જવું ને કે જે એની સરખી ઉંમરના બાળકો જોડે સાંજ વિતાવે રમતગમતમાં..!
કાર્બાઈડ કેરીની માં ની મજબુરી તો જુવો..ડફોળો..! અને એ છોકરું જરાક મોટું થાય એટલે ભણવા નું પ્રેશર આવે અને પેલી એક્ટીવીટી બંધ થાય હાથમાં મોબાઈલ આવે એટલે સીધું જ એને ચોંટી પડે..!
તકલીફ એક જ છે..
“કંપની”
બાળકને બાળકની કંપની ના રહી, મિત્રો જોડેની મારામારી,હુંસાતુસી બધું જ જતું રહ્યું છે..આજ સોળ સત્તર વર્ષનો નો છોકરો કોઈને બે “ધોલ” મારી શકે તેમ નથી અને બે ધોલ ખાઈ શકે તેમ પણ નથી, ઢીંઢાં તૂટી જાય એવી મારામારી એણે ક્યારેય કરી નથી, કે નથી કોઈના પડા ભાંગી નાખ્યા..
લીમડે ચડીને આંબે કુદ્યો નથી અને ભૂલમાં સરગવાની ડાળ આવે હાથમાં અને મોભર્યા નીચે પડે પછી બીજો સીનીયર જયારે બે ગાળ સાથે જ્ઞાન આપે કે ગણે તેટલું જાડું ડાળું હોય તો પણ સરગવા પર ના લટકાય એ બટકી જ જાય…
આવા કોઈપણ પ્રકારના અજુગતા સાહસ એણે ક્યારેય કર્યા નથી એટલે આજ નો છોકરો એના સાહસ મોબાઈલ કે વિડીઓ ગેઈમમાં બતાડે છે..અને આવી બ્લ્યુ વ્હેલ જેવી રમતોમાં જીવ ગુમાવે છે..!
ચૌદ વર્ષના છોકરાની આત્મહત્યા પાછળ જવાબદાર બ્લ્યુ વ્હેલની સફળતા નહિ આપણા સમાજની નિષ્ફળતા છે, કાચી ઉંમરે સંતાનો ને સમય આપો બાળકના પિતા માતા બંધુ સખા બધું જ આપણે છીએ એક કે બે બાળકો ને જન્મ આપી ને અટકેલા આપણે હવે એક સાથે ઘણા બધા રોલ કરવા પડે તેમ છીએ નહિ તો જીવનના ગમે તે એક તબક્કે સંતાન હાથ છોડીને જતું રે`શે..
નવરાશ અને એકલતા ને કોઈપણ ભોગે મારવી જ રહી આપણી કે બીજાની નહી તો એ ભોગ લ્યે લ્યે અને લે જ ..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા