બજેટ ૨૦૧૬
કેવું છે? રાઈટ? લેફ્ટ? કે સેન્ટર?
એકે ય નહિ ,આખું બજેટ ગોળગોળ છે ,ના રાઈટ ના લેફ્ટ અને ના સેન્ટર..!!
વોટ્સએપ પર ત્રીસ મુદ્દાઓ લગભગ બધાને મળી ગયા હશે અને એને વાંચો અને પછી અંદરથી શોધો કે મને શું ફાયદો થયો ?
શકોરું હાથમાં આવે..!!
નરેન્દ્ર મોદી સરકારનું ત્રીજું બજેટ હતુ, પણ હજી મનમોહનની વાંસળીમાંથી બહાર આવી શક્યા નથી, ધાર્યું હોત તો આના કરતા ઘણું સારુ બજેટ આપી શક્ય હોત પણ..
કોંગ્રેસને ટીકા કરવા માટે શોધવું પડે તેમ છે કારણકે બજેટ મોદીસાહેબ ની સુચનાથી જેટલી સાહેબે બનાવ્યુ છે કે પછી ચિદમ્બરમે એ કોંગ્રેસને સમજાયું નહિ..!!
સામાન્ય માણસ શોધ્યા કરે છે છેલ્લા ત્રણ વર્ષથી કે શું સસ્તું થયું અને ક્યાંથી મારા બે પૈસા બચે ,પણ એવું તો ભૂલ ભૂલમાં પણ ક્યાય થતું નથી.
આરબીઆઈ એકટમાં સુધારો કરશે પણ શું સુધારો થશે એ હજી ખબર નથી ,બેંકોને વધારે કેપિટલ આપશું પણ પેલી ઊંચા ગિરનાર પર્વત કરતા મોટી એનપીએનું શું ?એનું બીલ લાવીશું બસ એટલું જ ..!
નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહું તો મૌનમાં બહુ જ તાકાત છે
પણ એનપીએ માટેનું આ મૌન તાકાતવાળુ છે કે ચાતરી જવાની વાત છે ?એ કોઈને સમજાતું નથી ..
REITS બે વર્ષ પેહલા બનાવવાની જાહેરાતો થઇ એકપણ REITS અસ્તિત્વમાં ના આવ્યું ..!
કેમ ?
પેહલા એવું કીધુ કે આજે મારી પરીક્ષાનો દિવસ છે અને આજે બપોરે તો ધોળા બાસ્તા જેવા હેઈ મજાના બગલાની પાંખ જેવા લૂગડાં પેહરીને જાતે જ રીઝલ્ટ આપી દીધું હું પેહલા નંબરે આવ્યો.. હું પેહલા નંબરે આવ્યો..!!
નક્કી આ કાલીંગરીના પાણીમાં જ કઈક છે..ત્યાં જે જાય છે એ એની મસ્તીમાં ખોવાઈ જાય છે,અને લીલાઓ કરવા માંડે છે ..!
કૃષિ અને સ્કીલ ડેવલપમેન્ટ ઉપર ભાર મુક્યો છે , કૃષિ ઉપર તો હવે ગમે તે સરકાર હોય એને ભાર મૂક્યે જ છૂટકો છે,
દરેક ડીસેમ્બર જાન્યુઆરીમાં જેવી ઠંડી થોડી વધારે પડે અને ભારતમાં ઓગસ્ટ થી નવેમ્બરમાં બે પાંચ કરોડની વસ્તી વધી જાય છે ..
સાલુ આ બધાને ખવડાવશું શું ? એટલે ખેતી માટે તો જેટલું કરો એટલું ઓછુ પડે છે..! ૫૪% જમીનને પાણીથી સિંચવાની વાર્તા છે ..અમલમાં આવે તો દેશ ધન્ય ધન્ય…!
વીડીઆઈએસ પાછી આવે છે ,ચાર મહિના માટે, ૩૦% ટેક્ષ અને ૧૫% દંડ ભરો અને કાળા રૂપિયાને ધોળા કરી નાખો..પેરેલલ ચાલતી બ્લેકમની ઈકોનોમીને ડામવાની વાત છે કે પછી ગમે તે રીતે જીડીપી અને વિકાસદરને પકડી રાખવા માટે એ તો રામ જાણે..!
પંદર લાખ જનતાના ખાતામાં તો ક્યારેય કોઈ સરકાર નોહતી આપવાની પણ સરકાર પોતાના ખાતામાં પણ એક રૂપિયો ના લાવી શકી અને હવે દેશમાં ને દેશમાં કાળા નાણા શોધે છે..બ્બાજી કી જય હો
કિસનની આવક બે વર્ષમાં ડબલ કરવી છે, અને એના માટે એપીએમસી માર્કેટોને તોડી પાડવાની વાત છે..ચાલો વેપારીના ખિસ્સામાંથી રૂપિયા કાઢી અને ખેડૂતના ખિસ્સામાં નાખવાની વાત ,
ખેતીમાં નવી ટેકનોલોજી વાપરીને ખેતીમાં એક મોટી ક્રાંતિની જરૂર છે,અને એ ક્રાંતિ થકી આવક વધારવી જોઈએ . ત્યાં એપીએમસીની વાર્તા કરી ગયા,
હશે ચાલો એ પણ જરૂરી છે કેમકે એપીએમસીમાં પણ હરામખોરી ઓછી નથી ચાલતી , સાત ટકાની દલાલીને બદલે એપીએમસીના વેપારીઓ રીતસરના “ગાળા” ખાય છે ,
એપીએમસીના મોત પછી ખેડૂત અને પ્રજા સીધા સંપર્કમાં આવે અને ખેતપેદાશો જનતા જનાર્દનને થોડી સસ્તી મળે એવી આશા,,!
સ્ટાર્ટ અપની પાછળ પડ્યા છે એટલે પેહલા પણ એના માટે જાહેરાતો કરેલી જ છે એને આગળ વધારશે ..એક હાઈપ ઉભો થયો છે સ્ટાર્ટ અપ માટે .!
ઉદ્યોગ માટે શું?
તો કહે જીએસટી આવે પછી તમારો વારો.. બીજું વર્ષ છે અને ત્રીજું બજેટ મોદી સરકારનું ,અને ઉદ્યોગો રીતસરના તરફડીયા મારે છે જીએસટી માટે ,એકવાર સોનિયા ગાંધીના પગે પડવું પડે તો પાડો બાપા ,પણ હવે જીએસટી લાવો અને દુનિયાભરના રીટર્ન ભરવામાંથી અમને મુક્તિ આપો બાપલીયા..
ઈઝ ઓફ બીઝનેસ ,ઈઝ ઓફ બીઝનેસ કર્યા કરો છો પણ ક્યાં અને કઈ ઇજ આપી બિજનેસમાં એ તો બોલો ..
સોરી યાર હું પણ સાહેબની જેમ મેહસાણીયુ બોલી ગયો ઈઝ ઓફ બીઝનેસ ..!!
હા ઓડીટની લીમીટ બે કરોડ કરી આપી ,ચાલો એક ત્રાસમાંથી બચાયા પણ સીએ થોડા છોડશે ..?
નવેમ્બર પછી દુનિયા આખી મંદીમાં સપડાઈ છે પણ આપણે થોડાઘણા ટકેલા રહ્યા છીએ, કેમ ટક્યા ? તો એ કારણ તો ભગવાનને પણ નથી ખબર પણ ટકી ગયા એટલે જશ તો જશરાજ ને આપવો જ રહ્યો..!
મારા થોડાક સવાલો ..
શું રૂપિયો ડોલરની સામે ૬૦ પર પાછો આવશે ? વાસ્તવિક વાત કરું છું માટે ૬૦ની ફિગર મૂકી છે, કે પછી ૭૨-૭૩ થશે ?
ઈમ્પોર્ટ કેટલુ ઘટાડી શકશો ? એક્સપોર્ટ કેટલુ વધારી શકશો ? ટુરિઝમ વધારી શકશો ?
મેઇક ઇન ઇન્ડિયા ક્યાં ખોવાયુ ? સ્ટાર્ટ અપની પાછળ કેમ પડ્યા છો ?
સ્કીલ ઇન્ડિયામાં કઈ નવી સ્કીલ લેબર ડેવલોપ થઇ (કડિયા ,મિસ્ત્રી, ઈલેક્ટ્રીશયન ..વગેરે સિવાય) ?
ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગંગા નદી માટે બનાવેલી મીનીસ્ટ્રી શું કરી રહી છે અને ગઈસાલ એને આપેલા રૂપિયાનું શું થયું ?
તમારા જ શબ્દોમાં ગંગા અને યમુનાના મેદાનોમાં દેશની ૪૦ ટકા વસ્તી રહે છે અને ત્યાં રેહતી પ્રજા ઉંચી આવે તો દેશનો જીડીપી ૧૦ ટકાની ઉપર જાય અને એના માટે ગંગા શુદ્ધિકરણ મીનીસ્ટ્રી બનાવી અને ગંગા નદીમાં બંગાળથી છેક બનારસ સુધી જહાજ તરાવવાના હતા તમે, તો એનું શું થયું ?
તમે જ એક જમાનામાં કેહતા હતા કે પાંચ લાખની વાર્ષિક આવક સુધી ઇન્કમટેક્ષના હોવો જોઈએ તો હવે એમ કરતા તમને કોણ રોકે છે ?
૨જી સ્કેમ અને કોલસાના સ્કેમ પછી ફરીવાર જે હરાજી થઇ અને જે અમુક લાખ હજાર કરોડ રૂપિયા આવવાના હતા એ આવ્યા કે નહિ ?
પરમાણુ ઉર્જાનું શું થયું ? કેટલા ન્યુક્લિયર રીએક્ટર બન્યા ?
નવા નીતિ આયોગ અત્યારે શું કરી રહ્યા છે ?
કિસાનોના પાક બળી જાય તો શું કરશો ? પાકવીમો દેશમાં ફક્ત ૪ ટકા કિસાનોને કેમ મળે છે ?
એક લાખ રૂપિયામાં કઈ ગંભીર માંદગીની દવા થાય છે તે જણાવશો ..!
શૌચાલયો બનવ્યા તો પાણી ગટરની વ્યવસ્થા ખરી કે પછી ખાળકુવા કરીને ભૂગર્ભ જળ ..
સ્માર્ટ સીટીના કચરા માટે પીરાણાની જેમ કચરા ડુંગર બનાવશો અને પછી એની ઉપર પાર્ક બનવાવશો કે પછી કોઈ બીજી વ્યવસ્થા ખરી ?
ગઈસાલ નવા બંદરો બનવવા પર ભાર મુક્યો હતો તો એ બધું કેટલે પોહ્ચ્યું ?
આંતર રાજ્ય હવાઈ સેવા ચાલુ કરવા માટે જૂની એર સ્ટ્રીપ રીવાઈવ કરવી છે પણ પેહલા આંતરરાજ્ય હવાઈ સેવા વાયેબલ છે ખરી ? સુરતથી ભુજના પેસેન્જર મળશે ખરા ?
વાસંતી વાયરાની જેમ ઠંડા ગરમ સવાલો ઘણા છે અને ઝાકળભીના જવાબો પણ મળે છે ,પણ જમીન કોરી રહી જાય છે ,
છેવટે આકડો, ગાંડો બાવળ અને થોરિયા ઉગે છે અને રોઝડા રખડે છે..
ઉપરા ઉપરી બે ચોમાસા નબળા છે કાળઝાળ ઉનાળો માથે ઉભો છે ..
ભલભલા અર્થશાસ્ત્રીના શાસ્ત્રો ફરી જાય એવી પરિસ્થિતિ માથે ઝળુંબે છે,આપતિને અવસર માં ફેરવવા કરતા આવેલા અવસરને ચૂકાય નહિ એ જોવાય તો સારું..
ઉપરના સવાલો પૂછવાનું કારણ એટલું જ છે કે મારે મારા જીવનમાં મારા ભારત વર્ષને આર્થિક રીતે સધ્ધર જોવું છે ,
નથી મોકલવા હવે ભાઈ ભાંડું ને પરદેશ કમાવવા, H1B તો બહુ બધાને ગળી ગયો મારા એન્જીનીયરને ત્યાં સ્કીલ લેબરની કેટેગરીમાં મુકવામાં આવે છે ..
થોડી વધારે ઝડપ પકડાય તો ઘણું બધું આગળ નીકળાશે ..!
આપનો માર્ચ શુભ રહે
શૈશવ વોરા