આજે આપણા બજારો ધડાકાભેર તૂટી પડ્યા અને રૂપિયો ડોલરની સામે ૬૮ રૂપિયા પર આવીને ઉભો રહ્યો , ખુબ નસીબ સારું છે નરેન્દ્ર મોદીનું અને આ દેશનું કે ક્રુડ ઓઈલ ઘણું નીચે છે નહિ તો સોનું ગીરવે મુકવુ પડ્યું હતું ભુતકાળમાં એવો ઘાટ થાત..
કારણો ઘણા છે આ ધડાકાના ..
પણ અત્યારે આ બધી ધમાલ માટે સાફો બંધાય છે ચાયનીઝ પ્રમુખ શી પીંગના માથે..આખી દુનિયાના બજારો તળિયા શોધે છે અને કારણ ચાઈનાને બતાડે છે..
એક જ વાત ચાલી રહી છે ચારેબાજુ કે ચાયનીઝ ડ્રેગન અત્યારે આખી દુનિયાના બજારોની પથારી ફેરવી રહ્યો છે અને હવે બજારોમાં ખાલી હાહાકાર મચાવાનો બાકી છે,
થોડુક મારું એનાલીસીસ મુકું તો માઓવાદ થી મૂડીવાદ તરફ ડ્રેગને પડખું ફેરવ્યું ત્યારે અડધી દુનિયા અંધારામાં રહી અને ઊંઘતી રહી,અને આપણા દેશના સામ્યવાદીઓ જેવા દુનિયામાં કેટલાક લોકો હજી પણ માને છે કે ચાયનામાં માઓવાદ ચાલી રહ્યો છે…!
આ નાનકડી એવી જીન્દગીમાં ચાયના એક એવો દેશ છે જ્યાં હું ચાર પાંચ વાર ગયો છું, મને એવો સવાલ કોઈ પૂછે કે ચાયના કેવું છે ?
ત્યારે મારો એક જ જવાબ છે આંધળાનો હાથી,જેમ પેલા ચાર આંધળામાં કોઈ ને હાથી દોરડા જેવો લાગ્યો, કોઈ ને થાંભલા જેવો લાગ્યો..એમ ચાયનાને બે પાંચ વાર ગયે કે સો બસ્સો આર્ટીકલ વાંચીને ઓળખી શકાય એમ નથી..!
દુનિયામાં ભયાનક તાકાત ઉભી કરી છે ચીનાઓ એ અને એમના શાસકોએ,
ખાલી આર્થિક તાકાતની વાત કરીએ તો હું તો ૧૦૦ ટકા માનું છું કે ચાઈના અત્યારે આખી દુનિયાનું પ્રોડક્શન હાઉસ છે,બીજા શબ્દોમાં આખી દુનિયાની ફેક્ટરી ચાઈના છે,
અને એ ફેકટરી અત્યારે મંદીના વાવાઝોડામાં સપડાઈ છે..!
અને મંદીના વાવાઝોડામાં સપડાયેલી ફેકટરીના માલિક શી પીંગ એ બહાર આવવા માટે જો કઈ વધારે આઘુપાછુ કર્યું તો આખી દુનિયાને એવા ઝાટકા આવશે કે બીજા પાંચ સાત વર્ષ સુધી દુનિયાભરના બજારો એમાંથી બહાર નહિ આવે..!
૨૦૧૬ની પેહલી તારીખથી આજ સુધીમાં દુનિયાભરના બજારો ૭.૧% તૂટીને નીચે પછડાયા છે, ભૂતકાળમાં ૧૯૭૦માં આવું કઈક થયું હતું,પણ આજે જે થયું દુનિયા આખી એનો ટોપલો ચીનના માથે નાખે છે..!
એનાલીસીસ એવું થાય છે કે માઓવાદથી મૂડીવાદ તરફ જવામાં ચીનના રાજકારણીઓ ક્યાંક થાપ ખાઈ ગયા છે,અને એમાં એક વાત એવી છે કે ચાયનીઝ યુઆન ને બહુ વર્ષો સુધી પકડી રાખ્યો ,ના ઉપર ના નીચે લઇ ગયા.
જો કે ત્યારે પણ દુનિયા ચાયનાને ગાળો આપતી એ વાત જુદી છે,
પણ ગયા વર્ષે પ્રેસિડેન્ટ શી પીંગએ ચાયનીઝ યુઆનનું અવમુલ્યન કર્યું અને આંશિક રીતે તરતો મુક્યો અને એમના બજારોને ખોલ્યા ,એ ભેગા દુનિયા આખીના બજારોમાં ધરતીકંપ થયો…
ચાયનામાં પેઠેલી મંદીનો આખો દોષનો ટોપલો અત્યારે તો એના યુઆનને છુટ્ટો મુક્યો એને અપાય છે અને એવું કેહવાય છે કે ખોટો યુઆન ને બજારને હવાલે કર્યો..
જયારે બીજો મત એવો ઉભો થયો છે કે યુઆનને કમ્પ્લીટલી તરતો મૂકી દેવાની જરૂર છે,કેમકે ચાયના પાસે આજની તારીખે પણ ૩ ટ્રિલિયન ડોલર્સ નું રીઝર્વ છે..!(ભારતની આખી ઓફિસીયલ ઈકોનોમી જેટલું ) એટલે ચાયનીઝ ઈકોનોમી ને કઈ ના થાય..!
પણ રાષ્ટ્રપતિ શી પીંગ અત્યારે તો આગળ વધતા અટકી ગયા છે, યુઆન ને હવે વધુ તરતો નહિ મુકે, થોભો અને રાહ જુવો ની નીતિ અપનાવી છે, અને આ નીતિ અત્યારે આખી દુનિયાને રડાવે છે..!
દુનિયા માટે હજી ગયા વર્ષ સુધી ખાલી ક્રુડ ઓઈલ એક મોટો પ્રોબ્લેમ હતો અને રશિયા, અમેરિકાએ પોતાના તેલના કુવાના ઢાંકણા ખોલીનને ઓપેકને કન્ટ્રોલ કર્યું અને બીજી બાજુ ઈરાન પરથી પ્રતિબંધ ઉઠાવ્યો એટલે ઓઈલમાં થોડી સ્ટેબીલીટી દેખાશે એવું લાગ્યું પણ એક સાંધ્યું ત્યાં બીજું તૂટયું ,
હવે શી પીંગ એમ ઝટ દઈને હાલે એવું લાગતું નથી એટલે બે ચાર મહિના તો મંદીનો માર ઝીલ્યે જ છુટકો..
ચાયનીઝ વેપારીઓ જોડે વાત કરીએ છીએ તો એ લોકો એમ કહે છે અમારે ત્યાં જબરજસ્ત ઓવર પ્રોડક્શન છે ,જરૂર કરતા વધારે પ્રોડક્શન કેપેસીટી છે અને હવે કોઈપણ ભોગે કારખાના ચલાવ્યે જ છૂટકો છે એટલે અમે દુનિયાભરમાં સસ્તો માલ ફેંકવાનું ચાલુ કર્યું છે..!
બીજી બાજુ અમેરિકન ડોલર મજબૂતી પકડી રહ્યો છે,એનુ કારણ પણ ચાયનીઝ યુઆન છે , અંકલ સામના ડોલરે પેહલા યુરો જોડે બાથ ભીડી અને યુરોને પતાવ્યો, હવે જેવો ચાયનીઝ યુઆન છૂટો મુક્યો એ ભેગા અંકલ સામ યુઆનની પાછળ પડ્યા છે..
અંકલ સામથી એ વાત બિલકુલ સહન થતી નથી કે ચાઈના પાસેનું રીઝર્વ ૩ ટ્રિલિયન ડોલર છે,આ ત્રણ ટ્રિલિયન ડોલરમાંથી જો ચાયના એટલે થોડા ઘણા પણ છુટ્ટા મુકે તો ડોલર નધણીયાતો થઇ જાય..
અને એવું કઈ થાય તો
આપણે તો હાલત ઓર બગડે ક્રુડમાંથી બહાર આવ્યા અને ચાયનામાં અને અમેરિકન ડોલરમાં ભરાયા..બે પાડા લડે છે અને રૂપિયાનો ખો નીકળી રહ્યો છે..
એક હકીકત એવી છે કે બહુ વર્ષોથી અમેરિકાને ચીનની આર્થિક મજબુતી સતાવી રહી છે,ચાયનીઝ એ વાતને સારી પેઠે જાણે છે કે જો યુઆનને સંપૂર્ણ રીતે કન્વર્ટીબલ કરવામાં આવે તો અમેરિકા ચાયનાની જે રીઝર્વ છે એને ખાઈ જાય..
એટલે કદાચ ચાયના તરફથી અત્યારે એક છમકલું કરવામાં આવ્યું છે અને એની અસરો બજારો પર છે,
આપણા ઘરેલુ બજારોની પીન ,લેન્ડ બીલ અને જીએસટી પર અટકી છે, બજેટ માથા પર છે અને બેન્કિંગ સેકટરમાં સરકારને સુધારા કરવા છે, પણ આપણી બેંકોની હરામખોરીનો કોઈ પાર નથી ..
આપણી એકપણ બેંક પોતાની એનપીએ સાચી બોલતી નથી કે બતાડતી નથી,જરૂર છે બેન્કિગમાં સેક્ટરમાં સુધારા કરો અને એક રોડ મેપ આપો આરબીઆઈને બજેટમાં..
બીજો પ્રોબ્લેમ ફુગાવો છે ,અને એમાં પણ આજ સુધીની સરકારો એમાં કારીગરી કરતી આવી છે જેના ભાવ વધે એને ફુગાવાના ઇન્ડેક્ષમાંથી બહાર કાઢો..!
જરૂર છે ટ્રાન્સપેરંસી અને ચોખ્ખી વાતની, પણ સંસ્થાઓ,આરબીઆઈ,નોર્થ બ્લોક બધા જ એકબીજા સાથે અંદર અંદર ઝઘડે છે..!
અને એકબીજાથી આંકડા સંતાડે છે ..!
કાળા વાદળાની રૂપેરી કોર
વર્લ્ડ બેંક એવું કહે છે વિકસતા દેશોમાં ભારતનું પ્રદર્શન બહુ જ સારું છે અને ચીનનો ડ્રેગન ભારતને નહિ કરડે ..!!
આશા અમર છે ..! (નિરાશા નક્કી છે)
શુભ રાત્રી
શૈશવ વોરા