આવતીકાલે બજેટ..
પેહલીવાર બજેટ ૨૮મી ફેબ્રુઆરીની બદલે ૧ ફેબ્રુઆરીએ રજુ થશે..રેલ્વે બજેટનો તો એક ઝાટકે ખાત્મો બોલાવી દીધો અને હવે આ સામાન્ય બજેટ ધીમે ધીમે આગળ ખસેડીને ૩૧મી ડીસેમ્બર પર લાવી અને ફાયનાન્શિયલ ઈયરને પેહલી જાન્યુઆરીએ લઇ આવે તો સારુ..
કદાચ બહુ જ સામાન્ય જનસાધારણ માટે બજેટ એ એક ટીવીમાં નાણામંત્રી દ્વારા લોકસભામાં અપાતું ભાષણ છે,પણ અમારા જેવા ઉદ્યોગકારો માટે લોહી પીવાતી પ્રક્રિયા છે, કારણકે બ્રિટીશ જમાનાથી અમને “ચોર” ગણાવામાં આવી રહ્યા છે, દરેક ઉદ્યોગકારે સેન્ટ્રલ એક્સાઈઝ નામના “શાહુકાર”ને સ્ટોકના આંકડા આપવાના અને બજેટમાં કોઈ ફેરફાર ના હોય તો બજેટ પૂરું થાય પછી જ ડીસ્પેચ ચાલુ કરવાનું, પણ ક્લીયરન્સ ના આવે ત્યાં સુધી નહિ.. કરો ભજન આખા સ્ટાફને બેસાડીને..!
અને જો એમાં પણ પાછો કોઈ “અક્કલ વિના”નો નાણામંત્રી હોય અને એને બીજું કઈના સુઝે તો એકાદ બે ટકા સેસ ઠોકે એટલે બધા નાના મોટા ઉદ્યોગકારો એમના એકાઉન્ટીંગ સોફ્ટવેરવાળા પાસે દોડે..બિલીંગ સોફ્ટવેરમાં સુધારા કરાવવા માટે..! બે દિવસ બગડે ડિસ્પેચ વિનાના..!
“અક્કલ વિનાનો નાણામંત્રી” આ ટર્મ વાપરવા પાછળનું સજ્જડ કારણ છે, નાણામંત્રીનો ધર્મ છે કે પ્રજા ને હાલાકી ના પડે એવી રીતે ટેક્ષ કલેક્શન વધારવું, પણ જયારે નાણામંત્રી ડોફરાઈ ગયા હોય અને ક્યાંથી ટેક્ષ કલેક્શન વધારવું એવી સમજણ ના પડે એટલે જે કોઈ ચાલુ ટેક્ષ હોય એની ઉપર એકાદ બે ટકા ટેક્ષ ઠોકે અને રાજસ્વ વધારી દે..
રાજસ્વ વધારવાનો સેહલામાં સેહલો રસ્તો એટલે સેસ..!
એટલે જયારે જયારે ચાલુ ટેક્ષ ઉપર સેસ આવે ત્યારે સમજવું કે નાણામંત્રીની અક્કલ બેહર મારી ગઈ છે ક્યાં તો છે જ નહિ..!
“ઇજ ઓફ બિજનેસ” પણ પંદર લાખ રૂપિયાની જેમ એક કેહવત થઇ ગઈ છે કે મુહાવરો છે,અત્યારે લગભગ દસેક પ્રકારના નાના મોટા લાયસન્સ કોઈપણ ઉદ્યોગકાર માટે લેવા ફરજીયાત છે અને જો તમે એ બધા લાયસન્સ ના રાખતા હો તો તમે “ચોર” છો..! અને બાકી રહ્યું હતુ તો ડીમોનેટાઈઝેશન એ પૂરું કર્યું..!
પણ “સલામ” છે હિન્દુસ્તાનને (હમ સબ ચોર હૈ) કે આખા દેશમાંથી જ્યાં ચાર પાંચ લાખ કરોડ રૂપિયા બચવા જોઈતા હતા ત્યાં એક એક રૂપિયો આના પાઈ સાથે “વિથ એન્ટ્રી” બેંકોમાં જમા થઇ ગયા..!
જનતા એ બાબાજી-જેટલી-મોદીજી ત્રણે ના લોજીકની પથારી ફેરવી નાખી..!
હવે જોઈએ આ આવતીકાલના બજેટમાં શું “ખેલ” થાય છે, બાકી બજેટની સ્પીચ તો નરેન્દ્રભાઈએ ૩૧મી ડીસેમ્બરે આપી દીધી હતી..!
હવે આ બજેટમાં કેટલા પ્રકારના ટેક્ષનું મર્જર થાય છે અને GST કેટલો જલ્દી લાવી શકાય છે એ જ જોવાનું છે, GST નામનુ હાડકુ એવું ફસાયું છે કે અત્યારે ખરેખર મોદી સાહેબ અને જેટલી સાહેબ પસ્તાતા હશે, આ GST ને મનમોહનસિંહ ના જમાનામાં અમે આડા ના ફાટ્યા હોત અને પસાર થઇ જવા દીધો હોત તો અમે અત્યારે બીજા કેટલા બધા સુધારા વધારા કરી શક્ય હોત..!
અબ પછતાયે ક્યા હોત જબ ચીડિયા ચૂક ગઈ ખેત..!
પણ હવે તો પીન ચોંટી ગઈ છે GST ઉપર, જ્યાં GST ના આવે ત્યાં સુધી રાજસ્વ મેળવાના ટ્રેડીશનલ માળખામાં બીજા કોઈ મોટા ધરખમ સુધારા વધારા થાય એમ જ નથી..હા ખાલી ખાલી લોકોને સપના દેખાડવા માટે બજેટ એલોકેટ કરીને મુકાય પણ ખરેખર રૂપિયાનું ડીસ્બ્રસમેન્ટ ક્યારે કરી શકાય એ તો ઝુપડીમાં બિરાજેલા રામ લલ્લા જાણે..!
ઇન્કમટેક્ષમાં લિમીટ મોટી કરીને છુટની અપેક્ષા પ્રજા રાખીને બેઠી છે, એવું કૈક થાય તો “ચોર” થોડા ઓછા થાય ખરા..!
મોદી સાહેબ આંખો પોહળી કરી કરીને બોલે છે “મિત્રો આપકો સુન કર હંસી આયેગી કી ઇસ દેશમેં પચીસ લાખ સે ઉપર કી ઇન્કમવાલે સિર્ફ દસ લાખ લોગ હૈ”
અતિ નમ્રતા અને આદરપૂર્વક પુછવાનું મન થાય તો વાંક કોનો..? અને તમારી ઈચ્છા શું છે કે દસ લાખ લોકો નહિ એ આંકડો હજારોમાં જ હોવો જોઈએ કે કરોડોમાં હોવો જોઈએ..?
ઘણીવાર મને થાય છે કે ખરેખર મોદી સાહેબ આ બધું જે બોલે છે એમની એમને ખરેખર ખબર જ નથી..? મનમોહનસિંહ ગયા અને હવે તમે છો પ્રધાનમંત્રી..! સાહેબ..!
કોણ જવાબદાર છે ? પચ્ચીસ લાખથી ઓછી આવકમાં હિન્દુસ્તાનનો મોટ્ટો વર્ગ છે એમાં..? મેં એક બ્લોગ લખ્યો હતો કે મારી ટોટલ મિલકત કેટલી અને એની ચોપડે અને બજાર કિમત કેટલી..?
એકાઉન્ટીંગની ગુચ્મડાવાળી સીસ્ટમ, દરેકે દરેક મિલકત ડેપ્રીશીયેટ થાય ચોપડે અને હકીકતમાં એના ભાવ વધે..! હવે આને કોણ પોહચે..?
ચારેબાજુ ટેક્ષના ગુચ્ચ્મ છે અને પતંગ લઈને બેઠા મોટ્ટો અને પછી ઢીલ મુકવી છે તો શું કરવું..? કોઈ ની ફીરકી તફડાવો.. હવે ફીરકીના હોલસેલ વેપારી તો મોટા મોટા મહાલય માં બેઠા છે એમને તો આંગળી પણ ના અડાડાય તો ..?
લંગશિયા માર્યા કરવાના..ડીમોનેટાઈઝેશન જેવા મોટા ભારે પથરા બાંધીને લટપટિયા બનાવવાના ને ફેંકવાના અને એમાં ક્યારેક શાહપુરની ભાષામાં “ભોડું” ફૂટી જાય,સીધું લટપટિયુ આવે માથે..!
સીધો અને સાદો હિસાબ છે હિન્દુસ્તાન પાંચ-છ પાયા ઉપર ઉભું છે,
એક ફાયનાન્સ ઇન્ડસ્ટ્રી જેમાં બેન્કિંગ, ઇન્સ્યુરન્સ, સ્ટોક માર્કેટ જેવું બધું આવી જાય ,આ આખે આખો ધંધો એક નંબરનો છે એમાં કેશ ચાલતી નથી..! ચેકથી જ વાર્તા થાય..
બે રીયલ એસ્ટેટ..કન્સ્ટ્રકશનની આખી લાઈન જેમાં મોદી સાહેબને પણ ખબર છે કે ૬૦ -૪૦ નો રેશિયો ચાલે છે…
ત્રણ બુલિયન માર્કેટ… સોના ચાંદી અને હીરા.. લગભગ બધું બે નંબર અને રોકડું
ચાર કોમોડીટી ખેત પેદાશોની લે-વેચ કરતી એપીએમસી બધ્ધે બધ્ધું રોકડું અને ખેડૂત રડતો ને રડતો..
પાંચમું ઇન્ડસ્ટ્રીઝ જ્યાં ખરેખર ઉત્પાદન થાય છે અને એમાં ૮૦-૨૦ નો રેશિયો છે
છઠ્ઠું સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ ..લગભગ ચેક પેમેન્ટ..!
રીયલ એસ્ટેટ માટે “રેરા” લાવ્યા “રીટસ” લાવ્યા અને હજી પણ સકંજો કસવાની જરૂર છે બધી મિલકતો આધાર કાર્ડ જોડે જોડો..!
બુલિયન માર્કેટ પર એક્સાઈઝ લગાડી પણ હજી બરાબર નકેલ કસવાની જરૂર છે, ગાંઠતા નથી, રોકડે વેચાણ પર બિલકુલ પ્રતિબંધ મુકવો પડે એવી દશા છે હિન્દુસ્તાનનું ત્રીજા ભાગનું વિદેશી હુંડીયામણ સોનું ખરીદવામાં જાય છે અને પછી એ સોનું બે નંબરમાં કન્વર્ટ થઇ જાય છે..!
એપીએમસી..ગજબ શેતાની ચાલે છે સાત ટકાની દલાલી ને બદલે રીતસરના “ગાળા” ખવાય છે કોઈક સીસ્ટમ સેટ કરવી અત્યંત જરૂરી, કોઈપણ ભોગે કેશલેસ કરવા જ પડે, ત્યારે જ બજારો સરકારના કાબુમાં આવે નહિ તો કાંદા બટાકા અને ટામેટા સરકારોના નાકમાં વર્ષે બે વર્ષે દમ લાવતા જ રેહશે..!
એફડીઆઈ માટે ગાડી ચુકી ગયા છીએ, ચાઈના પછી બ્રાઝીલમાં મોટા રોકાણો ખેંચાઈ ગયા છે ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળાના ડોલરો છુટા થાય પછી આપડો વારો આવે,પણ દુનિયાભરમાં ના હોય એવા એવા ટેક્ષ અને લાયસન્સને લીધે હજી પણ દુનિયા આપણે ત્યાં આવતા ડરે છે..!
એક હકીકત કે આપણે અત્યારે ઈમ્પોર્ટ કન્ટ્રી છીએ એનો સ્વીકાર કરીને બજેટ બન્યું હશે તો ૨૦૨૦માં કૈક પામીશું, નહી તો ૨૦૨૨ના સપના દેખાડશે સોદાગર..!
જુગટું ખેલી લેવાનું બજેટ છે, એક ડીમોનેટાઈઝેશનની હિંમત કરી બીજું પણ હજી આવું પગલું લેવાઈ જાય તો કદાચ પેલે પાર નીકળી જવાય..નહિ તો આ પાર તો બેઠા જ છીએ કોણ કાઢવાનું છે..!
ડીમોનેટાઈઝેશન પછી રૂપિયા ઘણા પડ્યા છે આરબીઆઈ પાસે,હવે કેવી રીતે માર્કેટમાં પાછા ફેંકાય છે એ જોવાનું છે..! જોઈએ કાલે બિલાડું,વાઘ,સિંહ કે પછી ઉંદર શું નીકળે છે..!
શુભ રાત્રી
શૈશવ વોરા