ગઈકાલે અમારા તલકશી કેશવજી વોરા પરિવારની ચોથી પેઢીની પેહલી દીકરી વળાવી..! પાંચેક દિવસ આખો લગ્ન મહોત્સવ ચાલ્યો,અને લગભગ એશીએ પોહચવા આવેલા પપ્પા (દાદા) થી લઈને પાંચમી પેઢીનો નાનો પાંચ વર્ષનો ટેણીયો ભવ્ય એકે એક જણાએ મન મુકીને બધા પ્રસંગો માણ્યા..!
પણ સૌથી વધારે આનંદ કર્યો ટીનેજરો ટીમએ..! રોજ રાતના સાડા બાર અને ઊંઘતા એક વાગે,એક એક જણાને પકડી પકડીને એ ટીમે નચાવ્યા..અને બધા ખુબ નાચ્યા..! ટોટલ ધમ્માલ મસ્તી અને ફોટોગ્રાફ્સ..અને ડ્રેસિંગ તો પરફેક્ટ જ જોઈએ અને દરેક પ્રસંગને અનુરૂપ “જ”,સેહજ પણ કોમ્પ્રોમાઈસ કરવાની વાત જ નહિ અને બ્યુટીપાર્લરવાળીઓ અને સલુનોવાળા ધક્કા મારે કે અલ્યા જાવ હવે ત્યારે પ્રજા જ બહાર નીકળે..! પેહલા જ દિવસથી સવાલોનો મારો ચાલુ થયો..કાકુ તું શું પેહરવાનો કે મામા તમે શું પેહરશો ?ત્યાંથી ચાલુ થયું અને ખર્ચાના ખાડા ઊંડા થતા ગયા અને છેક છેલ્લી મિનીટ સુધી ખાડા ખોદાતા રહ્યા અને શોપિંગ ચાલતા રહ્યા..! છોકરા છોકરીઓના બાપા ના માને એટલે કાકાને અને મામાને મસ્કા..!
પણ સાલી શું લુંટ ચાલે છે શોપિંગમાં તો, અને પ્રજા હસતા હસતા લુંટાય છે, જરાક અમથું બ્લાઉઝમાં જરદોશી વર્ક કે ખાટલા વર્ક હોય અને રો સિલ્ક હોય તો સીધા ત્રણ ચાર હજાર ઠોકી લે અને થોડુક ભરેલું વધારે દેખાય તો પછી તો સીધા આઠ દસ હજાર અને નામ આપે ડીઝાઈનર છે, સાડીઓનું તો નામ ના લેવાય એવી હાલત છે શિફોન નું સારામાં સારું પોત લઈએ તો પાચ છ હજારમાં મળે અને વર્ક કરાવો એના બીજા પાંચ હજાર અરે ચાલો દસ હજાર આપ્યા પણ એ જ સાડી એસ.જી. રોડ ના બ્યુટીકમાં જાય અને સીધી પચીસ ત્રીસ હજારની થઇ જાય અને સેલ્સમેન પાછો આંખો પોહળી કરીને બોલે શિફોન નું છે.. અલ્યા શિફોન જ છે કઈ તું ઢાકાનું મલમલ લાયો છે ટોપા..! અને બ્યુટીક ના સેલ્સવાળા આંટી તો બાપરે બાપ “ડાર્લિંગ યે તુઝ પે બહોત અચ્છા લગેગા, તેરી સ્કીન હૈ ના એક્સ્ટ્રા ફેયર હૈ, તો યે બ્રાઈટ કલર તુઝ પે એકદમ જચેગા ,જા એક ટ્રાયલ લે`કે આ જા..અને ટ્રાયલ રૂમમાંથી બહાર આવે એટલે વાઉ લુક એટ હર સો ગોર્જીયસ..” એમની વાણીમાંથી ફૂલડાં ઝરે અને આપડા ખિસ્સામાંથી રૂપિયા..અસલી કાંજીવરમ, બનારસી કે રાજકોટી પટોળા તો ભાગ્યેજ ક્યાંક જોવા મળે અને જરીકામ તો લગભગ નહિ જેવુ હોય ,જો કે અમદાવાદમાં બે ચાર સ્ટોર ખરા કે જ્યાં આવા ભારે “સેલા” મળે છે પણ આજકાલના વિટામીન બી ૧૨ ની ડેફીશીયંસી વાળા બૈરા “સેલા” પેહરીને બે કલાક ઉભા ના રહી શકે.! એટલે શિફોન કે આછા વર્કવાળા સિલ્ક જ ચાલે..!
ચણિયાચોળીમાં પણ રૂપિયા અને વર્કમાં એ જ ઘાટ છે બ્રાઈડલ બોલો એટલે સીધા ત્રીસ ચાલીસ હજારથી ચાલુ કરે અને બે ત્રણ લાખ સુધી જાય..! અને એવા એવા બતાડે કે પચાસ હજારનું બજેટ લઇ ગયા હોય તો લાખે પૂરું થાય..!
હા ઘરેણામાં હવે “દાવ” થઇ ગયો છે,પ્રજા નકલી અને એ પણ ભાડે લાવેલા ઘરેણા પેહરતી થઇ ગઈ છે..અમારા જમાનામાં તો ઈમિટેશન પેહરીને પરણ્યા તો પત્યું હાય..હાય.. થઇ જાય..! પાંચ તોલા તો પાંચ તોલા પણ અસલી જ પેહરીને માય્હરામાં બેસે..
બીજું એક ઇન્ડો-વેસ્ટર્નનું જબરું તૂત ઘૂસ્યું છે અને એ તો લેડીઝ જેન્ટ્સ બધામાં છે, સાલુ સમજાય નહિ કે આખા કપડાની પેરમાં કયું ઇન્ડો છે કે કયું વેસ્ટર્ન અને કયું બન્ને ભેગુ ..? જેન્ટ્સમાં ઝભ્ભાથી સ્ટોરી ચાલુ થાય કોટન તો ભૂલી જ જવાના પછી વારો કાઢે સિલ્ક અને એમાં પણ અમુક તો રીતસરના જુના જમાનાના પડદા અને ચાદરોની ડીઝાઈનના આઉટફીટ, મારા જેવાને એ ના ફાવે એટલે છેલ્લે કશ્મીરી વર્કવાળા ઉપર હેલ ઉતારી..!
ગ્રુમના સેક્શનમાં પણ એ જ હાલ પચાસ હજારથી લાખ બે લાખ સીજી રોડ અને એસજી રોડ કે પછી સેટેલાઈટ અને બોડકદેવના ખૂણેખાંચરે સંતાયેલા ડીઝાઈનર બ્યુટીકના.. શેરવાની થી લઈને ઇન્ડો-વેસ્ટર્ન સુટ જાત જાતના અને ભાત ભાતના નાતરા કરે અને વીસ હજારનું લેવા ગયા હો તો ચાલીસ પચાસનું પકડાવે અને પાછા ઉપરથી એમ બોલે બોસ આ તમારા જેવા ક્લાસી લોકો માટે જ છે આ ,એકલા રૂપિયા હોય એ આ બધું લઈ જાય પણ એ લોકો સ્ટાઈલ “કેરી” ના કરી શકે..રૂપિયા ખર્ચવા અને સ્ટાઈલ કેરી કરવી એ તમારા જેવા ક્લાસી લોકોનું કામ છે..!
મનમાંથી જે ગાળ નીકળે, કે ભાઈ હું રહ્યો માર્કેટિંગનો માણસ અચ્છા અચ્છાને બાટલામાં હું ઉતારું અને તું મને..! મને ..! મને ..! ત્રણ ચાર વાર મગજમાં ઇકો પડે..પણ ગમે તે કરો મૂંડાવા ગયા હોઈએ એટલે મુંડન ના થાય ત્યાં સુધી સંતોષ જ ન થાય..!
સાફાના દસ દસ હજાર રૂપિયા તોડી લે અને પેલા નકલી મોતીઓનો હાર પેહરાવે શેરવાની ઉપર અને પછી સેલ્સમેન કહે સાહેબ કહે ઘેર ભાભી જોડે ફેસટાઈમ કરી લો..હવે ભૂલ ભૂલમાં ત્રીસ હજારની શેરવાની,સાફો અને નકલી મોતીઓની માળાઓ પેહરી અને ફેસટાઈમ કર્યો પછી એ શેરવાની બીજા કેટલા ઓછા કરાવે..?
એના કરતા ભાઈ મે`લ ને છાલ ફેસટાઈમ નો બકા, તો ય પાછો બોલે સર એકસેલન્ટ લાગે છે એવું હોય તો ટેગ બદલી કાઢજો.. જાણે વીસ વીસ વર્ષથી આપણી જોડે રેહતા હોય એનામાં તો બુદ્ધિ જ ના હોય..! ટેગ બદલીએ તો ઉપરથી વધારે ભરાઈ જવાય ,સ્ટોરનું નામ અને વસ્તુ જોવે એટલે તરત જ ઘરવાળા સમજી જાય કે મારો કાનુડો કેટલાની વાસળી વગાડી ને આવ્યો છે..!
કપડા પતે એટલે જૂતા અને એક બીજું નવું રમકડું ગોગલ્સ જોઈએ હવે સરખી બ્રાંડ સિવાયના તો ચાલે નહિ…
પણ બધું કરતા કુટુંબ ભેગું છે અને મનમાં માયા છે એ જ મોટી વાત છે ભાણીયા ભત્રીજા ભત્રીજી કાકા મામા કરતા કરતા થાકતા નથી અને બધા બા-દાદાની પ્લેટો વેઈટરની બદલે એમની ત્રીજી પેઢી ભરી ભરીને લઇ આવે છે અને આટલું તો ખાઈ જ લેવું પડશે તમારે દાદા, અને બા હવે નહિ હો, ગઈકાલે સ્યુગર વધી ગઈ`તી ને હવે બસ..એનાથી રૂડું શું..?
મોજે મોજ પડી ગઈ હજી “નશો” ઉતરતો નથી..ઘરનો પ્રસંગ પત્યો અને બીજા સગા અને મિત્રોના બાકી છે એટલે કપડા તો આ જ સીઝન માં પેહરાઈ જશે, અને ભલું હશે તો વૈશાખ પણ નીકળી જશે..!
તમે પણ તમારા પ્રસંગો માણજો
શુભ રાત્રી
શૈશવ વોરા