બજેટ ૨૦૧૮
પેહલી ફેબ્રુઆરી આવી ગઈ અને બજેટ નો દિવસ છે એ યાદ રાખવું પડે એવું થઇ ગયું છે,
જન્મ્યા ત્યારથી ૨૮ મી ફેબ્રુઆરી એટલે બજેટ , એવું મગજમાં કોતરાઈ ગયું હતુ અને હવે પેહલી ફેબ્રુઆરી થઇ અને કદાચ ભવિષ્યમાં ૩૧ ડીસેમ્બર બજેટ નો દિવસ પણ થઈ જાય..બજેટ વેહલું આપવા પાછળ નો તર્ક સાચો છે અને સારો છે..!
મોદી સરકારની “દિલી તમન્ના” રહી છે ફાઇનાન્સિયલ ઈયર ને જાન્યુઆરી થી ડીસેમ્બરમાં બદલી નાખવાની પણ બે ડ્રાસ્ટીક સ્ટેપ લીધા પછી હવે નથી લાગતું કે હમણા એવું કઈ કરે..
જેટલું પલાળ્યું છે એને મુંડતા જ જન્મારો જાય એવી હાલત છે,
બીજા શબ્દોમાં કહીએ તો પથારી કરતા જ સવાર પડી ગઈ, ૨૦૧૪માં પેહલું અને ૨૦૧૮માં છેલ્લું બજેટ..આવતું ૨૦૧૯નું બજેટ તો કદાચ વચગાળાનું બજેટ આપવું પડશે કેમકે ચૂંટણી માથે હશે, આચારસંહિતા લાગી ગઈ હશે..!!
એટલે આ બજેટને ચાલુ સરકારનું છેલ્લું બજેટ જ ગણવું રહ્યું…!
નોટબંધી, જીએસટી અને રેરા આ ત્રણ અતિમહત્વના કેહવાય એવા “સુધારા” થયા, પણ છેલ્લા બે વર્ષ દરમ્યાન પણ કોઈ મોટા ફળ હાથમાં આવ્યા હોય એવું દેખાતું નથી, અને એટલે વળી વળીને જયારે નેટ ઉપર BOP અને BOT ના આંકડા જોવા જઈએ છીએ ત્યારે આરબીઆઈની સાઈટ બધા ઈકોનોમિસ્ટના પલ્સ થોડા હાઈ કરાવી નાખે છે..
કદાચ BOP ને જાળવી રાખવા જ એફડીઆઈ માટે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે, પણ દરેક સમસ્યાના ટેમ્પરરી સમાધાન લાંબે ગાળે સમસ્યા ને વધુ વકરાવે,
૨૦૧૪માં ક્રુડ ઓઈલના નીચા ભાવ એ ઘણો સપોર્ટ આપ્યો પણ હવે અગ્નિ પરોક્ષા આવી છે, ક્રુડ ઉપર જાય છે પેટ્રોલ ,ડીઝલ ની કિમતો પીક પર છે અને હવે આગળ વધતી અટકાવવા રાજ્યો અને સેન્ટ્રલ બંને એ પોતાના ટેક્ષની “કુરબાની” આપવી પડે તેમ છે, અને પેટ્રોલ, ડીઝલનાં ટેક્ષની કુરબાની એટલે જેટલી સાહેબ માટે ગાય ની માટી બરાબર થાય..!!
કોઇ કાળે પેટ્રોલ ડીઝલના ટેક્ષમાં ઘટાડો થાય તેમ નથી, અને જો આ ચૂંટણીનાં વરસમાં ના છુટકે ઘટાડો કરવો જ પડે તો પછી ગડકરી સાહેબના હાઈવે બનતા અટકી જાય..!! અને વિકાસને હોસ્પિટલમાં દાખલ કરવો પડે, ગુજરાતમાં તો ગાંડા વિકાસને ડાહ્યો કરવામાં દમ નીકળી ગયો, ગળા બેસી ગયા અને વાત ત્યાં સુધી આવી ગઈ કે ભાઈ, યાર આ નથી સેહવાતું, રોજ રોજ ચૂંટણી એના કરતા બધી ચૂંટણી ભેગી થાય એવું કઈ ક ગોઠવો એટલે એક ભાષણમાં બધું પતે પછી પાંચ વર્ષની શાંતિ..!
ખરેખર આ બજેટ જેટલી સાહેબ માટે નટ બજાણીયો જેમ હાથમાં વાંસડો લઈને દોરડે ચાલે એમ ચાલવા બરાબર છે..
શેરબજાર ભુરાંટુ થયું છે, લોકો એક લાખ સેન્સેક્ષ ની વાર્તાઓ કરતા થઈ ગયા છે ,પણ પચાસ હજાર તો જે રીતે આખલો દોડે છે એ જોતા ૨૦૧૯ની ચૂંટણી પેહલા દેખાડે એવું લાગે છે…
પણ ભાઈ આ તો શેરબજાર..!!
ક્યારે શેર ના પાશેરા થાય એ કોઈ ને ના સમજાય, અને સમજાય ત્યારે કશું બાકી ના બચ્યું હોય..આજે જેના જોરે આખું બજાર દમ ભરે છે એ જ રિલાયન્સને આ જ બજાર પરપોટો કેહતું, અને સો રૂપિયા નો રિલાયન્સ ડિસ્કાઉન્ટ થઇ ગયો હતો..!!
પણ સમય સમયની વાત છે ભાઈ..એક જમાનાના ટેક્ષ્ટાઈલના શેરોના આજે ટ્રેડીંગ પણ નથી થતા, અને જેના નામ પણ નોહતા સાંભળ્યા એ રમખાટ જાય છે..!!
આજે કોઈ એમ કહે કે શેરબજાર એટલે અર્થતંત્રની પારાશીશી તો એમ કેહવું પડે અલ્યા ભાઈ રેહવા દે હો..તારી પારાશીશી ને ગમે ત્યારે ગમે તે ગરમ કરીને પારો ઉંચે ચડાવી દે છે અને ગરમી સેહજ જેવી ઓછી થઇ કે બધું ધબાય નમઃ…!!!
જોઈએ હવે પેહલી તારીખે જેટલી સાહેબ પારાશીશીના પારાને કેટલી ગરમી આપે છે..!
ઇન્કમટેક્ષની લીમીટ પાંચ લાખ કરવાની સ્ટોરીઓ સંભળાય છે, પણ એટલો મોટો જમ્પ તો નાં મારે પચાસ હજાર કે લાખ વધારે એનાથી આગળ ના જાય..
મોટેભાગે જોર ખેતી ઉપર જ રેહશે..
ઇન્ડસટ્રીઝ નામની ગાયો ને દોહી ને ખેતી ને પીવાડાવશે..સરદારજી મનરેગાના ખાડા ખોદાવતા…
પીએસયુ ને બાદ કરીએ તો રિલાયન્સે લગભગ ૯૦૦૦ કરોડ રૂપિયા નો ટેક્ષ ભર્યો છે પછી એલ એન્ડ ટી અને બીજા બધાના વારા આવે છે..!!
મુખ્યમંત્રી હતા ત્યારે એફડીઆઈ ભરપેટ ગાળો અઆપી અને હવે લાલ જાજમ બિછાવી..!
હશે દેર આયે દુરસ્ત આયે..
ચાલુ વર્ષે નર્મદાના નીર ખૂટ્યા છે એમ આવતું ચોમાસું સોળ આનીથી જરાક પણ ઓછું ગયું તો ૨૦૧૯ માં ઇન્ડીયા શાઈનીગ થઇ જશે..અને જેટલી સાહેબના માથે સાફો બંધાશે..!!
૨૦૧૮ નું ચોમાસું નબળું પડે તો વિકાસને દોડતો રાખવા નહિ, પણ ખાલી બેસાડવા નો જ ખર્ચ જે થાય એ વિચારે અત્યારે તો સરકાર થથરી જાય એમ છે..
જીએસટીની ગાડી પ્રોપર ટ્રેક પર દોડતા હજી વર્ષ નીકળે તેમ લાગે છે, હજી GSTR1 ના અને 2 ના ઠેકાણા માંડ પડ્યા એમ લાગે છે GSTR 2 માં ક્યાંક લોચા નીકળે છે ત્યાં ઈ-વે બીલ પેહલી ફેબ્રુઆરીથી ફરજીયાત થાય છે..!!
લગભગ દરેક વેપારી બબ્બે ઈન્ટરનેટના કનેક્શન રાખતો થઈ ગયો છે..!! બ્રોડબેન્ડ બંધ હોય તો બીજા ઉપર ફોર્મ ૪૦૨-૪૦૩ કાઢી લેવાય, ધંધા થોડા બંધ રખાય..!!
નાના મોઢે મોટી વાત, પણ ઈ-વે બીલ માટે પણ GSTR ની જેમ ફાલુદા થવાના હોય તો ફોર્મ ૪૦૨ અને ૪૦૩ની સાઈટ અપ ટુ ડેટ ચાલે છે, તમારું સેટ ના થાય ત્યાં સુધી રૂપાણી સાહેબનું સર્વર વાપરો જેટલી સાહેબ..!
જીએસટીમાં પણ એક્સાઈઝ ની સેનવેટની સીસ્ટમ સેટ હતી, એમાં થોડા મોડીફીકેશન કરીને નામ બદલી નાખ્યું હોત તો કઈ બહુ લાંબો ફેરના પડ્યો હોત..!! નવી સિસ્ટમ ના પ્રોપર ટ્રાયલ્સ લઈને શરુ કરી હોત તો..
પણ હવે કીધો કુંભાર થોડો ગધેડે ચડે..!!
જોઈએ હવે પેહલી તારીખે એ સાપ નીકળે છે કે ઘો…
અને હા છઠ્ઠી “રો” માં હતા કે ચોથી…? નક્કી કરો અને કહો ,૨૦૧૯માં પેહલી રો માં ના આવી જાય હો બાપલીયા…!! ન જાણ્યું જાનકી નાથે….!!
બાકી આપણે તો પેલા “એક” ટકામાં ક્યારેય નથી જ આવવાના, જેમની પાસે ભારતની ૭૩ ટકા સંપત્તિ છે..!!
અને તો ય પાછા કાજી દુબલે કયું ફિકર સારે દેશ કી..!!!
મમ્મી કહે છે ફિકર ચાલુ રાખ નેવું એ તો પોહચ્યો “દુબળો”.. નકામો સવાસો કિલો થઇ જઈશ..!!
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા