સુપ્રભાત..
છેલ્લા ત્રણ ચાર દિવસથી એક સમાચાર બહુ ચાલ્યા..ભારતમાં વોટ્સ એપ દ્વારા મોકલાતા ગુડ મોર્નિંગ મેસેજીસ દુનિયાભરના ડેટા ટ્રાફિકને બ્લોક કરે છે, જામ કરે છે..!
અધધધ ગુડ મોર્નિંગના મેસેજ આપણે ઠોકીએ છીએ અને એના કારણે દર દુનિયા ના દર ત્રીજા ફોનની મેમેરી આપણે ફુલ્લ કરી નાખીએ છીએ..!!
જય હો…!!!
કઈ કેહવાનું જ ના હોય..કેમ ..?શું..? શા માટે..?
બસ “ઠોકે” રાખો તમતમારે..અને જરૂર પડે ત્યાં “ટોકે” રાખો..!!
પોતાના અસ્તિત્વને બતાડવાનું એક સાધન છે આ ગુડ મોર્નિંગના મેસેજ..!!
જોડે જોડે એમ પણ ગુગલ જ્ઞાની એ જણાવ્યું કે સૌથી વધારે સર્ચ પણ ગુડ મોર્નિંગ મેસેજ અને ક્વોટ થાય છે..!!
અહો આશ્ચર્યમ..!!
કે જનતા જનાર્દન ખાલી આવેલો મેસેજ ફોરવર્ડ નથી કરતી, પણ મેસેજ મોકલવા માટે પેહલા સર્ચ પણ કરે છે અને પછી ડાઉનલોડ કરી ને ફોરવર્ડ કરે છે..!
“મેહનત” કરે છે…!!
શરૂઆતના દિવસોમાં જયારે “સમસ” એટલે કે એસએમ એસ ફ્રી થયા અને વોટ્સ એપ નો જન્મ નોહ્તો થયો ત્યારે “સમસ” નો મારો ચાલુ થયો, ત્યારે આપણે પેલા નોકિયાના ડબલા વાપરતા.. થોડું અચરજ થતું કે આ ભાઈ કેમ રોજ સવાર પડે મંડે છે ..?
પણ પેલો મેસેજ નો ટોન વહાલો લાગતો એવી ફીલિંગ આવતી કે કોઈ આપણને યાદ કરી રહ્યું છે, પછી તો સ્માર્ટ ફોન આવતા ગયા અને ધીમે ધીમે ફેસબુક અને વોટ્સ એપ આવ્યા અને એ પણ જન જન પાસે..
દાટ વળી ગયો છે..!!
કોઈ કારણ જ નહિ,એક બ્રોડકાસ્ટ લીસ્ટ અને વીસ ત્રીસ ગ્રુપ ..!!
સાચું કહું તો શરુ શરુમાં મને બહુ નફરત થતી આવા ફોરવર્ડીયા ઓ ઉપર કે અલ્યા શું દે ઠોક મારે રાખે છે ..?
પણ પછી એક વિચાર આવ્યો કે આમાં કૈક નવું ના થાય..?
એટલે શરૂઆતમાં એક બે લીટી જાતે ટાઈપ કરી ને ફોરવર્ડ કરી..
વાઈરલ થઇ આનદ આવ્યો,
પછી કોઈકે કહ્યું લખવાની લીમીટ વધાર..એટલે સો શબ્દો સુધી પોહચ્યા..ફરી પાછું પ્રોત્સાહન આવ્યું,
ના શૈશવ, આઠસો થી હજાર શબ્દો લખો મીનીમમ.. કોઈક એક વિચારને સરખી રીતે પ્રેઝન્ટ કરવામાટે એટલા શબ્દો ની જરૂર તો પડે જ..!
આગળ વધ્યા મનમાં આવતા વિચારોને મમળાવી મમળાવીને “ઠાલવવા”નું ચાલુ કર્યું..પછી આજુબાજુમાં જોયેલા જાણેલા પ્રસંગો ઉપરથી વાર્તા બનાવી અને લખી..!
અને આજે લગભગ ચાર લાખ શબ્દો સાથે નો બ્લોગ તૈયાર થઇ ચુક્યો છે..!!
મને પોતાને અંદાજ નોહતો જીવનમાં ક્યારેય મારું લખેલું કોઈક ક્યારેક વાંચશે..!!
એટલા બધા ખરાબ અક્ષરો છે મારા કે મારા એક માસ્તર સાહેબ મારા અક્ષરો માટે કાયમ એક ઉક્તિ વાપરતા..” અલ્યા શૈશવ આ તારા અક્ષરો છે કે પાકિસ્તાનનું લશ્કર..? એકે ય સીધી લીટીમાં નથી ,કશું જ વંચાતું નથી..”
વાત સાચી હતી, ભયંકર ખરાબ અક્ષર.. મારું પોતાનું લખેલું પણ ક્યારેક હું વાંચી નોહતો શકતો..કોલેજના એ એશીના છેલ્લા દાયકામાં તો પેલા કાર્ડ્સની આપ-લે એટલી બધી ચાલી હતી..પણ સાલું આપણે તો ટુ યુ ફ્રોમ મી બસ એટલું જ લખતા..!!
હેઈ મોટા મોટા લાંબા લાંબા લખાણોવાળા કાર્ડ આવે પણ જવાબમાં ટુ યુ ફ્રોમ મી..!!
મારું લખાણ મારી મમ્મી સિવાય કોઈ જ વર્ડ ટુ વર્ડ ના વાંચી શકે..!!
એટલે કોઈ ને કઈ લખી ને મોકલો તો શું ફેર પડે..? વાંચી તો શકવાની નથી બિચારી..!! એટલે મોઢાની જ “મારામારી” કરી લેવી નફફટ થઇ ને,,!!
ટૂંકમાં કહું તો ખરાબ અક્ષરોને લીધે કશુક લખવાની વૃત્તિને મેં મારી, કુટી અને દાટી દીધી હતી પણ અચાનક આ વોટ્સ એપ અને ફેસબુક અને ત્યાંથી બ્લોગ…આજે આ લેપટોપ પર લખવાની જે મજા પડી ગઈ છે..
અને હું પેલા ફોરવર્ડીયા કરતા પણ નફફટ અને ધીટ થઇ ગયો છું..કોઈ મને એમ કહે કે શું લાંબુ લાંબુ લખ લખ કરે છે..તો હું નફ્ફટાઈ પૂર્વક જવાબ આપું છું સ્ક્રોલ ડાઉન કરને હું ક્યાં તારે માથે બેસીને વંચાવું છું..?
અને જાહેર જનતામાંથી ટીકા ટિપ્પણ આવે તો બ્લોક કરી દેવાના.. લમણા લેવાના જ નહિ..!! તદ્દન સ્વાર્થીવેડા ..!!
વચ્ચે એક ભાઈ એક વોટ્સ ગ્રુપમાં મંડાણા હતા અમુક સમયે જ બધાએ મેસેજ કરવા અને એવું બધું..બે ત્રણ ગ્રુપમાં ચર્ચાઓ કરવા માટે જ અમુક ટોપિક રાખવામાં આવે અને બધા એકબીજા જોડે લમણા લ્યે..
ઓ માડી રે …
ત્રાસ ત્રાસ થાય એવા એવા વિચારો અને મંતવ્યો આવે..!
મણ મણના પથરા આવે અને એડમીનો આપડે માથે પડેલા પથરા ઉપર હથોડા મારે..!!!
પણ એટલુ ખરું કે વોટ્સ એપના માધ્યમથી પેલી ઉક્તિનો સાક્ષાત્કાર થઇ ગયો ..
शैले शैले न माणिक्यम् मौक्तिकम् न गजे गजे.
साधवो न हि सर्वत्र चन्दनम् न वने वने…
જે પથરાને માણેક સમજીને ચાલતા હતા એ પથ્થર સાબિત થઇ ગયો, અને જેને બાવળિયો સમજીને મગજના ખૂણે ફેંકી દીધો હતો એ ચંદન નીકળ્યો..!!
જેને સાધુ પુરુષ સમજી રાખ્યા હતા એ બધા મોબાઈલ છુટ્ટો મુક્તા ડરતા નીકળ્યા, કેમ ? તો કહે સાધુ પુરુષના વોટ્સ એપમાં બે ત્રણ ગ્રુપ કામક્રીડાઓ નિહાળવાના સ્પેશિઅલ ગ્રુપ છે, અને જેને ધીટ નફફટ નાલાયક કહીએ એ બિચારા ઓશો થી લઈને શ્રી શ્રીના ક્વોટ મોકલે..!!
વોટ્સ એપ અને ફેસબુકે પણ ઘણા બધાના કપડા ઉતારી લીધા..!!
ફેસબુક પર સ્ટાઇલમાં જીવતું પ્રાણી એક સિગારેટ માટે કોઈને શોધતું મળે છે અને ફેશન આઇકોન થઇને ટૂંકા ટૂંકા કપડા પેહરી ફરતા માનુની કોઈકની પાસે ઉધાર મેચિંગ દુપટ્ટા શોધતા મળે..!!
વિરમગામની બાજુમાં ભોજવામાં જન્મેલા અને મોટા થયેલા વોટ્સ એપ કે ફેસબુક ઉપર વેનિસમાં જન્મ્યા હોય એવા વર્તન કરતા હોય..!!!
બહુ કરી હો ભાઈ આ વોટ્સ એપ અને ફેસબુકે તો..!!
જો કે આપણે પણ કલર કરેલા કાગડા જ છીએ ફેસબુક અને વોટ્સ એપના..!!
ના..ના..કરતા ય ફોલોઅરસ નો આંકડો સત્યાવીસ હજાર ક્રોસ કરી ચુક્યો છે.. અને પાંચ દિવસ પેહલા નાખેલી વાર્તા “ભમ્મરિયો” કુવો લગભગ વીસ હજાર લોકો વાંચી ગયા છે..!!
મારું બેટું ત્રીસ પાના અને નવ હજાર શબ્દો.. ડેટા એનાલીસીસ એવું કહે છે કે એવરેજ એક પાના ઉપર દોઢ મિનીટ “જણ” ચોંટ્યો રહે છે, એટલે સીધો મતલબ એવો નીકળે કે વીસ હજાર ગુર્જર માટીડા અને માનુનીઓ પોણો કલાક એક વાર્તા વાંચવામાં બેઠા રહ્યા..!!
અને એ પણ દુનિયાભરમાંથી, એવું નથી કે ખાલી ભારત દેશમાં “બજાર” નવરી રખડે છે..!!
બહુ થયું નહિ ..??!!
હેંડો ત્યારે કો`મે વ`રગીયે..!!
હ`વાર હ`વારમાં ઘણી પટલાઈ કુ`ટી ઘા`લી..!!
હ`વ ત`મે પણ શ`રવર જો`મ કરો ત્યારે..
એ`વુ…??
હો`વ ..!!
તે શું ક`ઉ બધા `ન ગુડ મોર્નીગ..
શૈશવ વોરા