બજેટ ની બેઠકો શરુ થઇ ગઈ ..!
અંગ્રેજ રાજની જૂની પ્રણાલીઓ તોડી અને બજેટ ધીમે ધીમે ભારતીય થઇ રહ્યું છે, પણ ૧૦૦ ટકા ભારતીય થઇ જાય એવી અપેક્ષા ખોટી છે..!
ઘણી બધી જગ્યાએ વોટ્સ એપ યુનિવર્સીટી કે ફેસબુક યુનિવર્સીટીમાં એવા દાવા થાય છે કે સૌથી પેહલું વિમાન કોઈક ભારતીય એ ઉડાવ્યું હતું ,
હશે કદાચ ,પણ પછી શું ? બોઇંગ કે એરબસ ઉભી કરી ?
પેહલું વિમાન પુષ્પક હતું … માની લીધું ચલો , પણ આજે શું ? મંત્ર શક્તિથી બોર્ડીંગ કરી ને સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન પતન સ્થળ ઉપરથી ઉડીને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન પતન સ્થળ સુધી જવાશે ખરું ?
બોઇંગ કે એરબસ નો જ ઉપયોગ કરવો પડે ..
ફાંકો રાખવા નો મતલબ નથી..!!
ઈકોનોમીનું પણ સંપૂર્ણ ભારતીયકરણ કરવા નો મતલબ સરી ચુક્યો છે..!!
પેહલા લખી ચુક્યો છું ,ફરી એકવાર..!!
જૂની ભારતીય ઈકોનોમી રાજાની આજુબાજુ ફરતી ,રાજ નો ખજાનો રેહતો, રાજ કર ઉઘરાવતો અને પ્રજા ને જરૂર પડ્યે દઈણા દળી ને પોતાના રાજ સાચવતો..!
પ્રજા સામે પક્ષે રાજ ને સાક્ષાત વિષ્ણુ નો અવતાર અને રાણી ને લક્ષ્મી નો અવતાર ગણી અને પૂજતી..!
મંદિરોમાં મુકવામાં આવતું સોનું ચાંદી સીધું રાજના ખજાનામાં જતું અને બાકી બધું દ્રવ્ય પુજારીઓ ને બીજા બધા સેવકોને ..!
મોટા ભાગના રાજ ના ખજાના મંદિરોમાં જ સચવાયેલા રેહતા ,ઉદાહરણ છે કેરળના પદ્મનાભ મંદિર નો મળી આવેલો ખજાનો એ કેરળના રાજપરિવાર ની રાજલક્ષ્મી છે..!!
જુના જમાનામાં આર્થિક સીસ્ટમ બહુ કોમ્પલીકેટેડ નોહતી ..
બહુ રૂપિયા કમાય તો , ક્યાં તો શેઠ પોતે દાન કરી દેતા , નહિ તો મંદિરમાં મુકે અને શેઠ નો જય જયકાર થાય , છેવટે રાજ કર ના સ્વરૂપે પાછા લઇ લેતો..!
પૈસો અને લોહી ફરતા રેહતા..!!
રાજ નું કામ કર લઈને રૂપિયા ને સમાજના જુદા જુદા વર્ગો ને જરૂર પ્રમાણે વેહચણી કરવાનું રેહતું એક સાદી પણ ચોક્કસ સીસ્ટમ ને આધારિત..!
કર જે ધંધામાં વધારે નફો લેતો દેખાય ત્યાં કર વધારે રેહતો..!
પછી એ ધંધો ગમે તે હોય ..
માઈન્ડ વેલ ..ખેતી ને પણ ધંધો જ ગણવામાં આવતો..અને કર લેવામાં આવતો..!!!
લુચ્ચાઈ ને લુખ્ખાઈ નો એ જમાનો નોહતો..!!
જો કે પ્રજા લુચ્ચી અને લુખ્ખી છેલ્લા ૧૪૦૦ વર્ષના વિદેશી શાસનમાં વધારે થઇ , અને પછી જે વાડા ઉભા કર્યા ,જેમાં એક નો અન્યાય દૂર કરવા બીજા ને અન્યાય કરવાનો ચાલુ કર્યો ને ગરીબ ને સાચવવા માટે પૈસાદાર ને દંડો એવો દેખાડો ચાલુ થયું ,
હકીકતે સત્તા ની કદમબોસી કરતા પૈસાદાર ને સાચવવામાં આવ્યા અને કમાનારા ના દંડવામાં આવ્યા ..!
કર સૌથી વધારે `પૈસાદાર` પાસેથી વધારે લેવાનો હોય ,પણ સીસ્ટમ એવી આવી કે સૌથી વધુ `કમાતો` હોય એની પાસેથી ટેક્ષ ખેંચાઈ રહ્યો છે..!!
ટપ્પો ના પડે એના માટે..
નોકરું ફૂટી ને કે વેપલો ઠોકી ને એક લાખ ની માસિક આવક ધરાવતો પૈસાદાર ના કેહવાય , એ હજી પૈસાદાર થવા તરફ જઈ રહ્યો છે..!
એ કમાનારો છે..!
જયારે અઢી ત્રણ કરોડ રૂપિયા વ્યાજે મૂકી ને માસિક એક લાખ ની આવક ધરાવતો હોય એને પૈસાદાર કેહવાય..!!
પેલી ડોશી વાઘ ને કહે ને કે તાજી માજી થાઉં પછી તું મને ખા ..!!!
સિત્તેર વર્ષથી કોઈ ડોશી ને તાજી માજી થવા જ નથી દેતા ,
તાજીમાજી થાય એ પેહલા જ ટેક્ષ નામનો વાઘ ડોશી નું પેટ કતરી ખાય છે..!!!
કમાનારો અને પૈસાદાર બધા ને એક જ લાકડીએ હાંક્યા રાખ્યા પછી જે ના થવું જોઈતું હતું તે થયું..!!
એક જ જગ્યાએ ધનસંચય થઇ ગયો ..!!
કમાનારા કરતા પૈસાદાર વધારે બુદ્ધિવાળો હોય એ તો હકીકત જ છે આ દુનિયામાં , કેમ કે કમાનારા ને પૈસાવાળો નોકરીએ રાખે છે..!!
મને લાગે છે ઉપલા વાક્યમાં કરેકશન ની જરૂર છે..!
બુદ્ધિ કદાચ કમાનાર પાસે વધારે હશે પણ હોશિયારી પૈસાવાળા પાસે વધારે..!
હવે સરકાર એમ કહે છે કે ટેક્ષપેયર નું સન્માન થવું જોઈએ , મંજુર..
પણ કઈ રીતે સન્માન થવું જોઈએ ..
જુના જમાનામાં શેઠ નો જય જય જય કાર થતો ,દરેક જગ્યાએ શેઠ નો પાટલો પેહલો પડતો અત્યારે ? નગરશેઠ ની પદવી હતી
અત્યારે ?
આન્તાલીયા જોઈ ને કેટલાય ને પેટ લાહ્ય બળતરા ઉપડે છે..!
અને સરકારી જમણમાં ગરીબ નો પાટલો પેહલો પડે છે ..!
તમામ સરકારી દવાખાના કે પાર્ક ,ગાર્ડન ,રેલ્વે ,એરપોર્ટ ,એસટી કે પછી કોઈ સરકારી ઓફીસ દરેક જાહેર જગ્યાએ ગરીબ પેહલો ..
ગરીબ પ્રત્યેની કરુણા અને દયા દેખાડવા જતા પૈસાવાળા દૂર ભગાડી મુક્યા..!
સારો ટેક્ષ પેયર શું સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડમાં કોવીડ ની સારવાર લઇ શકે ખરો ? અને એણે લેવી જોઈએ ખરી ? એને પ્રાયોરીટી ના મળવી જોઈએ ? શું ટેક્ષ પેયર નું સન્માન કરવાની એક ઉમદા તક નથી ?
ગરીબ ને માં કાર્ડ આપો પણ ટેક્ષ પેયરના બાપ પણ ક્યારેક બનવું ના જોઈએ..?
એક એવી સીસ્ટમ ઉભી થવી જોઈએ કે જેમાં દરેક જગ્યાએ ઉંચો ટેક્ષ ભરનારો છે તો એને ક્યાંક પ્રાયોરીટી મળે..!
પાન કાર્ડ ક્રેડીટ કાર્ડ ની જેમ ત્રણ ચાર કેટેગરી ના કરવા જોઈએ , ગોલ્ડ સિલ્વર ,પ્લેટીનમ વગેરે વગેરે ..!
આ કોરોનામાં તમારી પાસે પ્લેટીનમ પણ કાર્ડ છે તો ચાલો જાવ એસવીપીમાં તમને એડમીશન , એરપોર્ટ ઉપર તમને બોર્ડીંગમાં આગળ ,રેલ્વેમાં પણ કૈક આપો ..!!
એક નાનકડું જીવંત ઉદાહરણ આપું .. પુણે વિમાન પતન સ્થળ ઉપર હું બેઠો હતો ,પુણે નું એરપોર્ટ એરફોર્સ નું છે, અચાનક એમની કવાયત શરુ થઇ ગઈ એટલે તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ ને થંભાવી દેવામાં આવી ,લગભગ કલાક સુધી ફાઈટર હવાઈ જહાજો જ આવ્યા ને ગયા, રન વે આપે ભારતીય વિમાન પતન પ્રાધિકરણ ને આપે જ નહિ એરફોર્સ ..!
ટર્મિનલ ઉપર ભીડ ભીડ ના ભડાકા થઈ ગયા, નહિ નહિ તો ય દસ બારફ્લાઈટનું પેસેન્જર ભેગું થઇ ગયું , એવામાં અચાનક એક સીઆઈએસએફ નો જવાન કે સાહીઠ એક વર્ષના ભદ્ર મહિલા ને દોરી ને લાવ્યા ગજ્જબ ભીડ ની વચ્ચેથી , મહિલા ના વાળ સંપૂર્ણ શ્વેત ,આછી ક્રીમ કલર ની સાડી અને ગળામાં મોતીઓ ની માળા ..ખુબ શાલીનતા એમની ચાલમાં દેખાય, આંખોના ભાવ કોઈ જોઈ ના જાય માટે ગોગલ્સ પેહરેલા હતા ..એમના માટે સિક્યુરીટી ગેઇટ ખોલવામાં આવ્યો અને બોર્ડીંગ ગેઇટથી એક ગાડીમાં નાના બાર સીટર ના પ્રાઈવેટ જહાજ સુધી એમને પોહચાડવામાં આવ્યા ,
એ બાર સીટર જહાજ ઉપર એમની કંપની નું નામ લખેલું ,ખુબ જ જાણીતી કંપની છે ભારતમાં એટલે એરપોર્ટ ઉપર ઉભેલા અમારા જેવા ઘણા બધાના મોઢા ખુલ્લા ના ખુલ્લા રહી ગયા ..એરફોર્સ એ કવાયત પૂરી કર્યા પછી સૌથી પેહલું ક્લીયરન્સ એ નાનકડા જહાજ ને આપ્યું હતું..!!!
આવું કૈક પ્રાયોરીટીમાં ગોઠવાય તો સારું પડે ટેક્ષ પેયર માટે ..
કાંકરિયામાં જોગીંગ માટે જુદો પ્રીમીયમ ટ્રેક ટેક્ષ પેયર માટે , મોઢેરાના સૂર્ય મંદિરે સરકારી ઉત્સવમાં ચીફ ગેસ્ટ અમદાવાદ નો હાઈએસ્ટ ટેક્ષ પેયર ,
`જય` બોલાવવી પડે શેઠ ની તો ટેક્ષ ભરવાનું મન થાય ,જબરજસ્તી ઈલાજ નથી ..!
અને હા વારસાઈ વેરો ..એના વિના બધું જ નક્કામું છે..!!
સીસ્ટમ બદલશો તો જ મત માટે ઢગલો એક છોકરા પેદા કરી એ મતોના જોરે સીસ્ટમ ઉપર હાવી થવાની માનસિકતા બદલાશે..!
ગમે તેટલી ગાયો દોહશો પણ કુતરીઓ જ પીશે..!!
બાકી ગરીબ નો તો ઉપરવાળો પણ નથી હોતો નહિ તો એ ગરીબ રહ્યો જ ના હોત..!! અને છતાં પણ સૌથી વધારે છોકરા ગરીબ જ થવા દે છે..!!!
વિચારો તમે કે આઠ દસ છોકરા થવા દીધા હોત તમે, અને તમારા પિતાશ્રી એ તો કુટુંબ નું શું પરિસ્થિતિ હોત ? પાસપોર્ટ ની બદલે બીપીએલ કાર્ડ કઢાવતા હોત..!!!
આધાર લ્યો જૂની પદ્ધતિ નો ,નગરશેઠ ની પદવી હતી ,
વિશેષ કરદાતા સન્માન કાર્ડ એવી કૈક કે પછી બીજું જે સંસ્કૃતમાં લખાય એવું કાર્ડ કાઢો હવે..!
બહુ થયા ગરીબોના કાર્ડ ..!!
આપનો બાકી બચેલો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*