બજેટ આવશે કાલે ,
સાપ નીકળશે કે ઘો એ તો રામ જાણે પણ આપણે ઠેર ના ઠેર રેહવાનું..!!
ભારત નો શેહરી મધ્યમવર્ગ ઘંટીના બે પડ ની વચ્ચે પીસાતો જ રેહવા નો, એનું કારણ એવું છે કે મધ્યમ વર્ગ બહુ મોટા કુછંદે ચડ્યો છે,
જેનું નામ છે લોન..!!
દેવું કરી ને ઘી પીતો થઇ થઇ ગયો છે, જરાક રૂપિયા હાથ લાગ્યા નથી કે નવી ગાડી લઈને સોશિઅલ મીડિયા ઉપર ફોટો ચડાવી દે..!!
નવા ઘર લઇ લ્યે..!
એક લોન કેટલા બધા ઘર ચલાવે એની તને ક્યાં ખબર છે શૈશવ ?
વાત સાચી ,
લોન ઓટોમોબાઈલ થી લઈને રીયલ એસ્ટેટ થી લઈને એનબીએફસી થી લઈને છેક માનસિક રોગ ના દાકતર સુધી ના ઘેર સોનાના નળિયા કરે ..!
અને તમારા ને મારા નળિયા ઉતરતા જાય..!!
ભાન જ નથી પ્રજા ને ..!!
જે વાત હોય તે વાત, લોન લઇ લ્યો ..!!
પપ્પા ત્રીસેક વર્ષ પેહલા અમેરિકા પેહલી વાર ગયા અને પાછા આવી ને પેહલો શબ્દ બોલ્યા હતા , “આખો દેશ ઉધારીયો..!!!”
આજે ભારત દેશ માટે શું કેહવું ?
જે રીતે ગામડે ગામડેથી આંદોલનો થઇ રહ્યા છે એ જોતા એમ લાગે કે ત્યાં તો ભીખ અને ભૂખ નાચી રહી છે ને શેહરો ના તોતિંગ સિમેન્ટ કોન્ક્રીટ ના જંગલો ગીરવે પડ્યા છે..!!
પ્રગતિ કરીએ છીએ કે અધોગતિ એ જ સમજાતું નથી..!!
રત્નગર્ભા વસુંધરા ના ગર્ભપાત કરી કરી ને જેટલા રત્નો કાઢીએ છીએ એમાંથી ઘરેણા કેટલા બનાવ્યા ?
કન્ઝ્યુમર ઈકોનોમી ને છેલ્લા પચ્ચીસ વર્ષથી પ્રાધાન્ય આપ્યું છે ,
વાપરી ખાઓ..!!
તમે અમદાવાદમાં અમુક ઘરોમાં જમવા જશો ને તો એક શબ્દ બોલવામાં આવે છે “વાપરજો હો” મને શરૂઆતમાં તો આ શબ્દ ખૂંચતો ,
`અન્ન` માટે “વાપરજો” શબ્દ ?
“વાપરી નાખવા” ની વસ્તુ છે ? તમે વિચાર કરો કે જીવનમાં બીજી કઈ પ્રક્રિયા અને ક્રિયા માટે “વાપરવું” શબ્દ વાપરો છો ?
“વાપરી ખાધું” આ શબ્દ પ્રયોગ કેમ અને કોના માટે કરીએ છીએ ?
ઈકોનોમી ની પરિસ્થિતિ આવી છે , “વાપરી ખાવા”ની વૃત્તિ ને ટેકો આપતા થઇ ગયા છીએ , જીએસટી એ આપણને “વાપરું” બનાવી દીધા છે..!!
સલાહ ઓછામાં ઓછી વસ્તુથી ચલાવી લેવાની અપાય છે પણ પ્રેરણા વાપરવાની અપાય છે..!!
સલાહ અને પ્રેરણા નો ફર્ક પણ સમજાવો રહ્યો..!!
એક્સાઈઝના મૃત્યુ પછી પ્રોડક્શનના આંકડા ઉપર નો દારોમદાર હટી ને ફક્ત અને ફક્ત વેચાણ ઉપર આવી ગયો , એક લાખ કરોડ ને જીએસટી નું ઉઘરાણું પાર કરે એટલે શંખ નાદ કરી ને જય ઘોષ કરી મુકે નોર્થ બ્લોક..!!
વેચાણ ઉપર નો ટેક્ષ થઇ ને રહી ગયો છે જીએસટી..!!
વધુ વેચાણ એટલે વધુ બગાડ..!!!
સાચવી અને સમજી ને વાપરતા આપણને હજી આવડ્યું નથી , જો આવડતું હો તો દરેક શેહરની છાતી ઉપર પીરાણાના કચરા ડુંગર જેવા ડુંગરા ના ફાટી નીકળ્યા હોત અને ધાર્મિક સ્થળ હોય કે પર્યટન જે રીતે પ્લાસ્ટિકના કચરા કરી મુક્યા છે એ જ આપણી મેચ્યોરીટી દેખાડે છે..!!
બહુ જુનું ઉદાહરણ પણ મારું ફેવરીટ કદાચ પેહલા લખી ચુક્યો છું અને ફરી લખું છું, મારો પોત્તાનો વિચાર છે કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી નથી..!!
બાળપણમાં આગરા ના લાલ કિલ્લે ગયો હતો , ત્યાં પણ લાલ કિલ્લો છે અને લાહોરમાં પણ છે ,એકલો દિલ્લીમાં જ નથી ..!
બેક ટુ પોઈન્ટ ..
ત્યાં ગાઈડે એવી માહિતી આપી હતી કે અકબર ની મરિયમ-ઉજ-ઝમાની ઉર્ફે ગુજરાતીમાં પટરાણી કેહવાય , નવી પેઢી ને રાણી અને પટરાણી ફર્ક ખબર ના હોય તો કહું કે એક રાજા ઘણી રાણીઓ હોય અને પટરાણી નું કામ એકલા રાજા ને નહિ પણ બીજી બધી રાણીઓ ને પણ કન્ટ્રોલ કરવાનું રેહતું , એટલે મારા જેવા અડધે પોહચેલા ને બીજી રાણી લાવવાનું સ્વપ્ન પણ આવે તો ભય નું લખલખું પસાર થઇ જાય છે પણ ખરેખર એવું નોહ્તું , પટરાણી ઘણું સંભાળી લેતા ..!!
માહિતી એવી અપાઈ કે મરિયમ-ઉજ-ઝમાની આઈસ્ક્રીમ ઉર્ફે હિમક્રીમ ખાવો હોય તો આજે ઓર્ડર કરે તો બે મહીને ખાવા મળતો કાશ્મીરથી શણીયામાં બાંધી બરફ તાણી લાવે , ઊંડા કુવામાં એ બરફ દાટે , પછી બરફમાં મીઠું ભેળવી અને સંચો કરે ત્યાર પછી મરિયમ-ઉજ-ઝમાની ને આઈસ્ક્રીમ ખાવા મળે ..!!
હવે ઉપર ની વાતમાં સાચું ખોટું રામ જાણે ,પણ એટલું તો નક્કી કે હજી ચારસો વર્ષ પેહલા આઈસ્ક્રીમ ખાવા માટે મેહનત ઘણી કરવી પડતી ..
અને અત્યારે ?
ચાર રસ્તાવાળી ભિખારણ ને પણ આઈસ્ક્રીમ ખાવો હોય તો કેટલીવાર લાગે ?
તમારા જેવા દયાળુ `બે` મળી જાય એટલે પાંચના સિક્કા બે આપે એટલે આઈસ્ક્રીમ તૈયાર..!!
ઈકોનોમી ક્યાં આખા કેસમાં ?
રવિવાર છે શાંતિથી વિચારજો..!!
દરેક વ્યક્તિ ને દરેક વાત કે વસ્તુ વાપરવા આપવી એ “જરૂરી” હોતી નથી , પ્રગતિ કરવી છે પણ આંધળી ?
કોઈક ના જેવું હરગીઝ નથી બનવું , કોઈક થી આગળ હરગીઝ નથી જવું ..!!
શું ઈમ્પોર્ટ થઇ રહ્યું છે અને શું એક્સપોર્ટ થઇ રહ્યું છે એની ઉપર પક્કડ છૂટશે તો ચાર રસ્તાની ભિખારણ આઈસ્ક્રીમ ખાતી થઇ જશે..!!
બરફ ઇમ્પોર્ટ ના થાય એનું ધ્યાન ..!
મરિયમ-ઉજ-ઝમાની અને ભિખારણ ને એક સ્તરે લાવી ને મુકવાની જરૂર નથી..!!
મૂડીવાદમાં પંદર ટકા સામ્યવાદ કે ડાબેરી વલણ ભેળવવું જ રહ્યું ..!!
મરિયમ-ઉજ-ઝમાની ઉપર વારસાઈ વેરો નાખો અને ભિખારણ ને ટંક ના રોટલા આપી અને એની પાસે પ્રોડક્ટીવ કામ કરાવો..!!
બાકી તો પાંચના બે સિક્કા નો આઈસ્ક્રીમ ખાઈ જશે ને પ્લાસ્ટિક નું રેપર રસ્તે ફેંકશે, એટલે રેપર ને ઉપાડવા અને કચરા ડુંગર સુધી પોહચાડવા નો ખર્ચો સરકાર કરશે..!!
મરિયમ-ઉજ-ઝમાની ઉપર વારસાઈ વેરો નહિ નાખો તો એનો વસ્તાર કુછંદે ચડશે, દિલ્લી અભી બહોત દૂર હૈ , ચલ ગૌહરજાન ..લગા આડા ચૌતાલા ધીન ,તીરીકિટ.. તુંન.. મયુરાસન લુંટાઈ ગયું..!!
“બચત એ બીજો ભાઈ કેહવાય ને ત્રેવડ ત્રીજો”..!!
બચત “ભાઈ” ને ત્રેવડ “ભાઈ” નું ટેલીફોનીક બેસણું પણ ના થયું, કોઈ એ શ્રદ્ધાંજલિ પણ ના છપાવી,
જો કે અત્યારના ડોક્ટર ને દોષ દેવાય તેમ નથી એટલું ખરું કે છેક ૧૯૯૨ માં દવા બદલી ત્યારથી બીમાર રેહતા હતા..!!
ક્યારે ગુજરી ગયા એની ખબર જ ના પડી..!!
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*