ગઈકાલે સરસ ખગોળીય ઘટના થઇ ગઈ સૂર્ય પરથી બુધનું પારગમન થયું..
ગઈકાલે બપોરના લગભગ ચાર વાગ્યાથી ભારતના આકાશમાં બુધનું સૂર્ય પરથી પારાગમન થયું, લગભગ તેર વર્ષે બનતી વિરલ ખગોળીય ઘટના આજે ઘટી, એક સદીમાં બુધની પારાગમનની ઘટના લગભગ તેર વખત થાય છે અને આઠ થી દસ વર્ષે એકવાર થાય છે, અને શુક્રનું પારાગમન તો એક સદીમાં એક જ વાર થાય છે..!
બીજા તમામ ગ્રહોની ભ્રમણકક્ષાની ત્રિજીયા પૃથ્વી કરતા મોટી છે એટલે એમનુ પારાગમન પૃથ્વી પરથી દેખાવુ શક્ય નથી..!!
સદીઓથી ભારત ખગોળ વિજ્ઞાનમાં આગળ રહ્યું છે,પણ આપણે પાછા પડીએ છીએ માર્કેટિંગમાં..!!
ગેલેલીઓ કીધું કે દુનિયા ગોળ છે ત્યારે પાશ્ચાત્ય જગતને ભાન થયું,પણ આપણને તો એ પેહલા વર્ષોથી ખબર જ હતી ,કે દુનિયા ગોળ છે જયારે આપણા ઋષીઓએ દુનિયાને ૩૬૦ ડીગ્રીમાં વિભાજીત કરી ત્યારે જ આપણને ખબર પડી ગઈ હતી કે ધરતી ગોળ છે..!!
આપણે ગ્રહો અને તારાઓ વિષે બહુ પેહલાથી જાણતા હતા અને સામાન્ય માણસને સમજણ પડે એવી રીતે એના માટેની કથાઓ પણ બનાવતા..
ચાલો એવી જ એક વાર્તા..
સતયુગના સમયની વાર્તા કરું,
અખૂટ રૂપના સ્વામી એવા ચન્દ્ર(પૃથ્વી નો ઉપગ્રહ) એમના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ(ગ્રહ)ની પાસેથી વિદ્યા જ્ઞાન લેતા હતા અને એવા સમયે દેવગુરુ બૃહસ્પતિની પત્ની “તારા” ચંદ્ર ઉપર મોહી પડી..!!
હા અલ્યા “સાચી” વાર્તા છે, જુઓ અમારા જીમના ટેણીયા મિત્રોના કાન અધ્ધર થઇ ગયા..!! ચંદ્ર આંટી પટાઉ?
દેવગુરુ બૃહસ્પતિના પત્ની તારા, ચંદ્ર જોડે “સેટ” થઇ ગયા..બંને એ સહવાસ માણ્યો,
ગુરુજી અકળાયા,શિષ્ય ચંદ્ર તો મને એવો નોહતો..!! એટલે છેવટે પત્ની તારાને કીધું ચુપચાપ ઘરભેગી થઇ જા..!
તારા ધરાર ના માની, છેવટે દેવગુરુ બૃહસ્પતિએ એમના શિષ્ય ચંદ્ર સામે યુદ્ધ જાહેર કર્યું..!!
યુદ્ધ ચાલુ થયુ દેવગુરુ બૃહસ્પતિના દુશ્મન એવા દાનવગુરુ શુક્રાચાર્ય (ગ્રહ)એ ચંદ્રની ફેવર કરી, દુશ્મન કા દુશ્મન દોસ્ત..!!
અને બાકી બધા દેવતાઓ દેવગુરુ બૃહસ્પતિની ફેવરમાં ગયા,એમ કેવી રીતે કોઈની બાયડી લઇ જવાય..ના ચાલે હેંડો ત્યારે પતાવો ચન્દ્રને..!!
ઘમસાણ મચ્યું..!
બ્રહ્માજી ટેન્શનમાં આવ્યા કે આ બધા ગ્રહો અને દેવતાઓ અંદર અંદર લડાઈ કરીને મરી જશે, તો મારી રચેલી શ્રુષ્ટિનું બેલેન્સ હલી જશે, એટલે છેવટે બ્રહ્માજીએ યુદ્ધનું મૂળ એવી તારાને બોલાવી ઝાટકી,ખખડાવી અને દેવગુરુ પાસે પાછી મોકલી..!!
યુદ્ધ સમાપ્ત ..!
પણ ..પણ ..પણ ..થોડા સમય પછી તારાએ એક સુંદર છોકરાને જન્મ આપ્યો..
ચંદ્ર કહે …બોસ આ તો આપણો છે, અને બૃહસ્પતિ કહે ના મારો છે..રસ્તો શું ? તો કહે પૂછો તારા ને ..પણ તારા કઈ બોલે નહિ, બૃહસ્પતિએ પ્રેશર કર્યું એટલે છેવટે તારાએ ફોડ પાડ્યો અને સ્ટેટમેન્ટ આપ્યું આ સુંદર બાળક, સુંદરતાના ધણી એવા ચંદ્રનો છે..
જેવું તારાએ સ્ટેટમેન્ટ આપ્યુ કે ચંદ્ર હરકતમાં આવ્યો અને તરત જ એ બાળકની કસ્ટડી લઇ લીધી..હવે ચંદ્રને તો એક બે નહિ સત્યાવીસ પત્નીઓ હતી.. હા બકા સત્યાવીસ પત્નીઓ..!!
બધા જ નક્ષત્રો ચંદ્રની પત્ની..!!
(ખોટા મનમાં ગલગલીયા લાવવા નહિ આ વાર્તા છે,અને ચંદ્ર પોતે એક ઉપગ્રહ છે એટલે ચન્દ્ર કુંડળી ના બને, એટલે ખોટા સવાલો નહિ કરવાના બકા કે ચંદ્રનો શુક્ર કેટલો પાવરફૂલ છે? )
ચંદ્રએ એ બાળકને તારા પાસેથી લઈને એની સત્યાવીસ પત્નીમાં એની પ્રિય એવી રોહિણી(નક્ષત્ર)ને આપ્યો , કોઈ કહે છે કૃતિકા(નક્ષત્ર)ને પણ જોડે કેર ટેઈકરમાં રાખી..!
હશે જે હોય તે, આપણે આગળ વધીએ..
હવે બાળક મોટો થયો ખુબ તેજસ્વી પણ એને એના જન્મની કથા ખબર પડી,બાળક શરમાઈ ગયો હાય હાય.. મારા માંબાપ આવા ? મારો જન્મ આવી રીતે થયો છે?
છેવટે બાળકે હિમાલયમાં જઈને તપ આરંભ્યું અને પ્રભુ લક્ષ્મીનારાયણ પ્રગટ થયા..!!
વિષ્ણુ ભગવાને એ બાળકને વરદાન આપ્યા,વિદ્યા અને તમામ કલાઓ આપી અને એ બાળક એટલે બીજું કોઈ નહિ પણ બુધ ગ્રહ પોતે..!!
હાજી આ કથા બુધ ગ્રહના જન્મની છે..!!
અને ગઈકાલે આ બુધ ગ્રહ પ્લેનેટ સૂર્યના માથે કલંકની જેમ ચાર કલાક માટે પસાર થઇ ગયો..!!
હવે મહર્ષિ ભૃગુએ બધા જ ગ્રહોને બે બે રાશીના સ્વામી બનાવ્યા અને સૂર્ય ચન્દ્રને એક એક રાશી આપી..એક કરીને ટોટલ બાર રાશી કરી અને દરેક રાશીને ૩૦ -૩૦ ડીગ્રી આપી દીધી એટલે ૩૬૦ ડીગ્રી પૂરી..!!
બુધને કન્યા અને મિથુન રાશીનો સ્વામી બનાવ્યો અને કન્યામાં બુધ ઉચ્ચત્વ ભોગવે જયારે મીન રાશિમાં નીચત્વ..!!
હવે ઉપરની કથામાં થોડુક મનોમંથન કરીએ તો એવું તારણ આવે કે બુધ એ ચંદ્રનો જ એક ભાગ છે, અને કોઈક લાખો કરોડો વર્ષો પેહલા બુધ ચંદ્રમાંથી છૂટો પડી અને સૂર્યની નજીક ધસતો હશે પણ એને એની ભ્રમણકક્ષા પકડાઈ ગઈ અને પછી એ પોતાની ભ્રમણકક્ષામાં પૃથ્વીની જેમ સ્ટેબલ થઇ ગયો..
કદાચ એક જમાનામાં આપણા ઋષિ મુનીઓમાં વિવાદ પણ રહ્યો હશે કે બુધ ચન્દ્રમાંથી નહિ પણ બૃહસ્પતિમાંથી છૂટો પડ્યો હશે,
મને આ કથામાં બૃહસ્પતિની પત્નીનું નામ “તારા” બહુ જ સાંકેતિક લાગે છે..
રાત્રે દેખાતા આકાશના તારા ઓ વિષે આપણે ઘણું જાણીએ છીએ અને બહુ બધું નથી જાણતા..
આ કથામાં છેલ્લે “તારા” ને પૂછવામાં આવ્યું કે “બુધ” નો બાપ કોણ ? ચન્દ્ર કે બૃહસ્પતિ..?
અને “તારા” એ કીધું કે ચંદ્ર .. વિવાદ પૂરો પણ આ “તારા’ કોણ હોઈ શકે ?
“તારા” કોઈક સ્ટાર સાથેનો રેફરન્સ હોઈ શકે છે, અથવા તો એવું કૈક બન્યું હોય કે બૃહસ્પતિમાંથી કે ચન્દ્રમાંથી કોઈ એક મોટો પાર્ટ છૂટો પડ્યો હોય અને એના છુટા પડવાનું કારણ કદાચ સૂર્યમંડળની બહારથી આવેલો કોઈ “તારો” હોઈ શકે, અને એ છૂટો પડેલો ટુકડો એટલે બુધ..
થીયરી આગળ મુકું તો “તારા” એ સૂર્ય મંડળની બહારથી આવેલો કોઈ તારો હોય જે ગુરુની નજીકથી પસાર થયો હોય અને પછી ચંદ્ર જોડે અથડાયો હોય અને બાઉન્સ બેક થઈને પાછો ગુરુ( બૃહસ્પતિ)માં સમાઈ ગયો હોય અને આ અથડામણના ફળ સ્વરૂપે ચંદ્રમાંથી છૂટો પડેલો ટુકડો સીધો રોહિણી નક્ષત્ર તરફ જતો રહ્યો હોય, અથવા કૃતિકા નક્ષત્ર તરફ ,કે પછી રોહિણી અને કૃતિકા બંને નક્ષત્રની વચ્ચેથી નીકળી અને સૂર્ય તરફ ગયો હોય..!!
અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે એની તરફ ખેંચાયો હોય અને રસ્તામાં એને કોઈક ઓરબીટ મળી ગઈ હોય અને એમાં એ ફરતો થઇ ગયો હોય..!!
જેને આપણે અત્યારે બુધ ગ્રહ તરીકે ઓળખીએ છીએ..!
તમે પણ વિચારજો ..બુધની જન્મની કથા વિશે..!
ચલો કદાચ આજે પણ બુધનું પારગમન દેખાવાનું છે, ચાન્સ મળે તો જોજો..!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા