ગુજરાતી ભાષાનો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે, કોઈને સંભળાય છે?
ક્યાંથી સંભળાય..? અને જરૂર પણ શું છે સાંભળવાની હેં..!!
એ હા ભઈ આ “મૃત્યુઘંટ” એટલે શું? અમને તો “ગુરુઘંટ” ની ખબર છે પણ મૃત્યુઘંટ એટલે શું? એ ખબર નથી ..તમને ખબર છે?
હા હોં વાત તો સાચી કરી ભાઈ તમે મૃત્યુઘંટ એટલે શું ?
એ જો જો શૈશવ સલવાયો, લખતા તો લખી નાખ્યું કે મૃત્યુઘંટ વાગી રહ્યો છે..
યાદ કર ભાઈ શૈશવ હવે, કે મૃત્યુઘંટ એટલે શું..?
યાદ કર, તારા એક ક્રીચિયન મિત્રને ત્યાં તું એના પપ્પાની દફનવિધિમાં ગયો હતો, ત્યારે પેહલા ચર્ચમાં પ્રેયર થઇ હતી અને પ્રેયર પૂરી થઇ અને કોફીન લઈને બધા નીકળ્યા અને પાછળથી પેલો ચર્ચનો ઘંટ વાગ્યો હતો ટન..ટન..ટન..
હા કદાચ એ જે ઘંટ વાગતો હતો ને એને “મૃત્યુઘંટ” કેહવાય..!!
ચલ હટ બે શૈશવ, ખોટા લવારા ના કર, તું કહે છે ને એ રીતે તો મૃત્યુઘંટ તો ખાલી ક્રિશ્ચનોમાં જ વાગે આપણા હિંદુઓમા ના વાગે, અને ગુજરાતી થોડીના ક્રિશ્ચન છે એ તો હિંદુ છે..!!
હે રામ હે રામ..
તું અંતર્યામી સબ કા સ્વામી ..તેરે ચરણો મેં ચારો ધામ
હે રામ હે રામ..!!
તો આપણે હિંદુઓમાં શું થાય..? લો હવે આટલો મોટો છેતાળીસ વર્ષનો થયો અને પૂછે છે કે આપણે હિંદુઓમાં શું થાય..? કેમ કોઈ દિવસ મસાણે નથી ગયો?
તમારે જવું છે ..? મસાણે .. ઈચ્છા ખરી..?
એ દોઢ ડાહ્યા શૈશવ,તું પણ છે ને વધારે પડતો ઉત્સાહી છે, હજી તો ગુજરાતીના શ્વાસ ચાલુ છે અને તું ચક્ષુદાન અને પિંડદાન કરવા સુધી પોહચી ગયો,
પણ હવે બહુ ઝાઝું નહિ ખેંચે ગુજરાતી..!!
હવે લગભગ ગુજરાતી ભાષાની હાલત મારવાડી જેવી થઈ ગઈ છે, મારવાડી ભાષાને બોલી તો છે પણ લીપી અને વ્યાકરણ હિન્દીના વાપરવા પડે છે..!!
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યસૂરી મહારાજની મેહનત પાણીમાં જઈ રહી છે..!!
એ ફરી પાછુ નવું લાયો આ “કલિકાલસર્વજ્ઞ” આ કલિકાલસર્વજ્ઞ એટલે શું..?
હે રામ..
નહિ ચાલે હવે મહાદેવનો વારો છે..!
શમ્ભુ ..શમ્ભુ ..શિવશમ્ભો
સારુ ચલ પણ આટલો બધો કકળાટ કર્યો તે તો થયું છે શું એ તો બોલ ..?
ભાઈ “નીટ” ફક્ત અને ફક્ત અંગ્રેજીમાં જ લેવાશે અને એ પણ સીબીએસઈ ના કોર્સમાં..
એ હા પેલા “નીટ” ના બહુ બધા જોક્સ ફર્યા વોટ્સ એપ પર, સોડા બનવવાવાળા કૈક ટેન્શનમાં છે કોર્ટે કીધું કે “નીટ” ફરજીયાત છે..!!
બસ કર દોસ્ત મારાથી હવે નથી સહન થતુ..!! જેશ્રીક્ર્ષ્ણ તું જા બાપા મારી ભૂલ થઇ ગઈ..!!
બસ આ જ હાલત છે ગુજરાતીની સામાન્ય માણસોમાં,અને ઉપરથી આ નીટ અને બીજી બધી પરીક્ષાઓ..
ખાંડણીયામાં માથુ ને ધીમો કેમ રામ..?
એક પછી એક કોમ્પિટેટીવ પરીક્ષાઓ અંગ્રેજીમાં ફરજીયાત થતી જાય છે એટલે ધીમે ધીમે દરેક માંબાપ મજબુરીમાં એમના છોકરાઓને અંગ્રેજી મીડીયમની સ્કૂલોમાં ભણાવતા જાય છે..!
છાપાઓમાં આજે ઘણી બધી ગુજરાતી માધ્યમની સ્કૂલોના પ્રિન્સીપાલો એ કકળાટ કર્યો છે, કે આપણે ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ કરાવી પડશે ,સેન્ટ્રલ બોર્ડનો કોર્સ જ હવે ફોલો કારાવો પડશે..!!વગેરે વગેરે ..
પણ “સાહેબો” આ બધો કકળાટ અત્યારે કરો છો, એની બદલે તમે હવાના રુખને વીસ વર્ષ પેહલા જો ઓળખી અને ગુજરાતી ભાષા માટે કૈક કર્યું હોત ને તો આજે આ દશા ના આવત, હવે શું તમારી …(ગાળ ગાળ ગાળ)..કકળાટ આદર્યો છે?
મને નાનપણથી ગુજરાતીના પાઠ્ય પુસ્તકો અને ગુજરાતી ભણાવતા માસ્તરો પ્રત્યે થોડો ઓછો પ્રેમ રહ્યો છે..
કેવા કેવા પાઠ આપણને ભણાવતા હતા..?
નર્યા કરુણ કરુણ પ્રસંગો ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં ઠોકતા અને કવિતાઓના અર્થ કવિને પણ ના ખબર હોય એવા એવા અર્થ માસ્તરો શોધી લાવે..!!
જેને આપણે “ભાર વિનાનું ભણતર” કહીએ એવું કઈ જ નહિ,.અહિયા “ભાર” શબ્દ હું કુમળા બાળમાનસ પર નાખવામાં આવતા લોડ ની રીતે વાપરું છું..!
આપણા દેશનું પેહલુ પાઠ્ય પુસ્તક પંચતંત્ર હતુ,અને પંચતંત્રની બધી જ વાર્તાઓમાં એક નાનકડા બાળમાનસ ને સમજણ અને રસ પડે વત્તા જ્ઞાન મળે એવી રીતે તમામ વાર્તાઓ વણેલી છે..
પણ અફસોસ આઝાદીના સીતેર વર્ષે પણ આપણે હજી લોર્ડ મેકાલમાંથી બહાર આવી શક્યા નથી..અને એમાં આપણા કેહવાતા “ગુરુઓ” ,”વિદ્વાનો” ,”પંડિતો”, “શિક્ષણશાસ્ત્રી”.”સમાજશાસ્ત્રી” અને છેલ્લે સરકારો આ બધા ઘોર નિંદ્રા અને આત્મશ્લાઘામાં કે પછી એકબીજા ઉપર છીંટાકશીમાં ડૂબેલા રહ્યા..
“નીટ” માટે MCIની દલીલ છે કે મેડીકલનો સંપૂર્ણ કોર્સ અંગ્રેજીમાં છે, એટલે એની એન્ટ્રન્સ ટેસ્ટ પણ અંગ્રેજીમાં જ થવી જોઈએ..!
MCI એની જગ્યાએ સાચી છે, આજદિન સુધી મેડીકલ ટર્મિનોલોજીમાં આપણે “ગભરામણ” સિવાય એકપણ શબ્દ ગુજરાતીનો ઘુસાડી શક્યા નથી..
રશિયા અને ફિલીપાઈન્સ જેવા દેશોમાં મેડીકલનું ભણતર સુધ્ધા પોતાની ભાષામાં ભણાવાય છે, અને આપણે સીતેર સીતેર વર્ષ થયા પણ મેડીકલના ભણતરનું ગુજરાતી તો કરવાનુ બહુ દુર રહ્યું પણ રેલ્વે સ્ટેશનનું પણ સરખુ ગુજરાતીના કરી શક્યા..!
કેવુ જોરદાર ગુજરાતી કરતા આપણે રેલ્વે સ્ટેશનનું, અગ્નિરથ વિરામ સ્થળ.. અલ્યા હવે તો અગ્નિરથનો અગ્નિ તો ઓલવાઈ ગયો, કોલસા ગયા અને વીજળી આવી તો હવે શું ગુજરાતી કરશો ?
વીજળીરથ વિરામ સ્થળ કરશો ? એવું ના કરતા નહિ તો હું જ પ્રોબ્લેમ કાઢીશ કેમકે ઇલેક્ટ્રિક કાર પેલી “રેવા” ને પણ વીજળીરથ જ કેહવાય હો હા ..!
એટલે એવું ના થાય..
હજી પણ સમય છે, પેહલા ધોરણથી તે દસમા ધોરણ સુધી ગમે તે માધ્યમની શાળા હોય પણ ગુજરાતીને એક ભાષા તરીકે ભણાવવાની ફરજીયાત કરો,અને એમાં આવતા પાઠ અને કવિતાઓ બાળકોને આનંદ આપે એવા રાખો,
નહિ કે મીઠી માથે ભાત..! કે પછી અમરત કાકીની મંગુ,
સાલુ સેન્સીટીવ છોકરા તો રડી રડીને અડધા થઇ જાય..!અને અક્કલવાળાના મગજની તો..X..x
છેલ્લા બે દસકામાં ગુજરાતી મીડીયમમાં ભણેલા છોકરા હવે ગુજરાતમાં બહુ જોવા મળતા નથી, એક આખી એવી પેઢી વચ્ચેથી નીકળી ગઈ કે જે ગુજરાતી ભાષા બહુ સહજ રીતે વાંચી લખી શકતી હોય..
અને હજી પણ જો ગુજરાતી ભણાવવાનું ફરજીયાત કરવામાં નહિ આવે તો બીજા બે દસકા પછી ગુજરાતી ભાષા ભણાવનારા પણ નહિ બચ્યા હોય..
જાગો આનંદીબેન જાગો, તમે પણ એક જમાનામાં માસ્તર અને પછી પ્રિન્સીપાલ રહી ચુક્યા છે..કૈક કરો અને હા
ગુજરાતી છાપાવાળાઓ તમારે પણ જો ઈસ્વીસન સાલ ૨૦૫૦માં તમારું છાપું કોઈક વાંચે એવી ઈચ્છા હોય તો તમે પણ આ ઝુંબેશમાં જોડાવ નહિ તો તમારું માર્કેટ પણ ખતરામાં છે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા