ચન્દ્ર ઉપરની જમીનના પ્લોટો વેચવાના ચાલુ થઇ ગયા..!!
પેહલી નજરે તો હસવું આવે, પણ જરાક વિચારીએ કે જમીનની ભૂખ કેટલી હદ સુધી ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓના કેટલી ઊંડે સુધી મગજમાં ઉતરી ગઈ છે એનો ક્યારેય વિચાર કર્યો છે ખરો..?
કદાચ મગજમાં ઉતરી ગઈ છે એ શબ્દ ખોટો છે હવે .. જીનેટીક્સમાં ઉતરી ગઈ છે..!
ગાંડપણની હદ પાર કરી ગઈ છે અમુક સમાજોમાં તો આ જમીનની ભૂખ ..
આજે માણસ આર્થિક રીતે કેટલો સક્ષમ એનો માપદંડ આજે કોઈ હોય તો એ જમીન છે ..!!
એક જમાનામાં જર હતું .. સોનું કેટલું એ જોવાતું, પણ હવે જમીન જ જોવાય છે..!
બસ્સો વીઘા ,પાંચસો ,હજાર … તમે તમારે બોલતા જ જાવ બસ ..!
બહુ જ જાણીતી ઉક્તિ
“માણસ તો દુનિયામાં વધશે જ, પણ જમીન નહિ વધે એટલે જમીનના ભાવ હંમેશા વધવાના”
વાત સાચી, પણ હવે ક્યાંક થોભ જરૂરી નથી લાગતો ?
જો કે પેહલા નક્કી થવું જોઈએ કે લોભ વધી ગયો છે પછી થોભની વાત આવશે..!
કેટલા બધા સમાજોમાં આજે લગ્ન નક્કી કરતા પેહલા કુટુંબ પાસે જમીન કેટલી એ પૂછવામાં આવે નહિ તો છાને ખૂણે તપાસ આદરે છે અને સરખી જમીન માલિકી હોય તો જ વાત આગળ વધે છે..!
ભણતર ,કામધંધો આ બધું લગ્નો માટે પાછળ ધકેલાઈ ચુક્યું છે..!
પાછલા ત્રણ દસકામાં જમીનોએ જે આંધળું વળતર આપ્યું છે એ જોતા રૂપિયા સિવાય બીજા કશાની પાછળ ના જતો ગુજરાતી માણસ જમીનો પાછળ દોડે એ સ્વાભાવિક છે..!
સરકાર હજી જંત્રા ના મંત્ર ભણે છે, પણ દરેકને ખબર છે કે રોકડા સેટ કરવા હોય તો જમીનમાં જ થાય અને ખેતી આવકો માફકસરની બતાડીને ખેડૂત ખાતે નાખી દો એટલે ટેન્શન નહિ..!
બધાની મિલીભગતથી “ભક્તિ” ચાલ્યા જ કરે છે, સત્તા ઉપર આવે તે પક્ષ ,અધિકારીઓ અને બાકી જે રૂપિયા કામ્યો એ આખો વર્ગ..!
એક આખી નવી દુનિયા ઉભી થઇ ગઈ છે જમીનદારોની..ભવ્યાતિભવ્ય ..!!
અમદાવાદના બસ્સો ફૂટના રીંગ રોડની બાહર અને નવો જે ત્રણસો ફૂટનો રીંગ રોડ બનવાનો છે એની પેહલા .. આ બે ની વચ્ચે આજકાલ છનાછની છે..! શ્રાવણના ટેબલો સવારો સવાર પડે છે.!
હવે વાત જરાક જમીનદારોની
એક મોટા જમીનદાર છે, પ્લોટીંગની સ્કીમો કરે, જુનો જામેલો ધંધો છે ,કોઈ સામાજિક મેળાવડામાં પણ મળે તો “શૈશવભાઈ આપણે હવે બાવલુમાં પ્લોટીંગ ચાલુ કર્યું ,મહુડી પેથાપુર રોડ ઉપર પણ છે, ધોલેરામાં પણ ખરું ..”
કોઈ બીજી વાત એમના મોઢે મેં સાંભળી નથી ,માર્કેટિંગ ચાલુ ..ક્યારેક અકળાઈ જવાય અલ્યા પણ હવે કેટલા રૂપિયા તારે કમાવા છે અને કેટલી જમીનો ?
એક માણસને કેટલી જમીન જોઈએ તો કહે છ ફૂટ બહુ બહુ તો આઠ ફૂટ પણ આપણે હિંદુઓમાં તો એ પણ નહિ , મુકેશભાઈ અંબાણીએ પણ ધીરુભાઈની સમાધી કે છત્રી નથી બનાવી તો આપણે વળી કઈ વાડીના મૂળા ? જશું સીધા ઈલેક્ટ્રીક કે સીએનજીની ભઠ્ઠીમાં .. ત્યારે શું વળી ..!
વચ્ચે એક ઘરડાકાકા મળ્યા મને કહે ધોલેરામાં ચારસો વારનો પ્લોટ છે મારો ,કોઈને લેવો હોય તો કેહજે, હમણાં જ લીધો છે, પણ હવે તબિયત નરમ ગરમ રહે છે ..
મેં કીધું કાકા તમારે આ ઉંમરે કાચા કેળા પણ ના લેવાય , કેળા પાકે એ પેહલા નિજધામ સિધાવી ગયા તો ? અને આ તો ધોલેરા..! મારા જેવા માટે તો ધોલેરા અને ચન્દ્ર બધુય સરખું ..!
અમદાવાદમાં આજકાલ સેકન્ડ હોમના ચસકા છે .. આવા એક સેકન્ડ હોમવાળા ભાઈ કહે મારા વાઈફ તો અમદાવાદ મૂકીને સેકન્ડ હોમમાં ના આવે પણ મારે નળસરોવર રોડ ઉપર ત્રણ વીઘામાં ફાર્મ છે , એટલે હું અઠવાડિયામાં ત્રણ દિવસ ત્યાં જાઉં, અને ઘણીવાર ત્યાં જ રહી જાઉં મને બહુ ગમે ત્યાં..
હવે મેં દોઢાપણ કર્યું .. રસોડું ચાલુ કર્યું છે ત્યાં ?
ના ના .. માળીની વાઈફ છે એ આઉટહાઉસમાં રહે ,કશું બનાવી આપે ,ફ્રીજ અને પેન્ટ્રી જ બનાવી છે ,બાકી ચાર બેડરૂમ અને ત્રણ બીજા રૂમ , એ લોકો સાફસુફ કર્યા કરે ..મેં મનમાં કીધું એમ બોલને માળી અને એની વાઈફ માટે ફાર્મહાઉસ બનાવ્યું છે..પછી આપણી નજર એમના પેટ ઉપર ફરી .. પ્યોર બિયર બેલી હતી ..ગુજરાતી દારૂ પીવાથી વધેલી ફાંદ..!
ભઇલો અઠવાડિયામાં બે-ત્રણ દિવસ દારુ પીવા ત્યાં જતો રહે અને ત્યાં જ ઢબી જાય, તે આવે બીજે દિવસે ઘેર અને ફરી પાછો ત્યાં ..! બીજા પણ ઘણા `ધંધા` ચોક્કસ થાય ..!
દલાલો પણ બે પાંદડા તો છોડો “ગાળા” ખાઈ ખાઈને તગડા સાંઢ થયા છે..! ઘણી બધી જમીનોમાં એવું છે કે મેહોણાના પેથાભાઈના નામે હોય પણ રૂપિયાને માલિક ગાંધીનગરના સેંધાભાઈ હોય ..!
વારસાઈ વેરો અહિયાં જરૂરી છે ..!
ખરેખર દુનિયાની ત્રીજી મોટ્ટી ઈકોનોમી થવું હોય તો પેહલા બધું સો ટકા ચોપડે ચડાવો, `જ્ન્ત્રો` પેહલા બજારભાવે કરી અને સ્ટેમ્પ ડ્યુટી એકવાર ફક્ત અડધો ટકો કરી અને આ જમીનોમાં ફરતા “કાળીનાગ”ને નાથો નાથ..
આડેધડ ભાવ વધે છે, કલ્પના બાહરના સટ્ટા ખેલાય છે ..
આ બધામાં એક વન્ય જીવને ફાયદો થયો .. રોઝડાને ..!
ખુલ્લા થયેલા પ્લોટો (એનએ થયેલા) પડ્યા રહે છે, જ્યાં ખેતી થતી એવા , અને હવે એમાં ઉગે ઘાસ ,
એ ઘાસ ખાઈને રોઝડા મોટા થાય, દર વર્ષે એક બચ્ચું પેદા કરે ને મોજથી વસ્તી વધારે છે..!!!
અકળામણ થાય છે ક્યારેક…પણ આપણે રહ્યા નાણા વગરના નાથિયા…એટલે અકળામણને ઈર્ષ્યા પણ કહી દેવાય ને ગરીબનું કીધું ભિખારી થોડો માને ?
હશે ત્યારે ..
તમારે કેમનું ? ચન્દ્ર ઉપર કે ધોલેરા ?
અરે હા સૂર્ય ઉપર ના બોલતા, હજી ત્યાં જમીન બંધાઈ જ નથી, બધું ગેસીયસ ફોર્મમાં જ છે..!!
આપણી નોટો તો પાછી એમ પણ કહે કે પેલું આદિત્ય મિશન સૂર્યની જમીનનો સર્વે કરવા જ જવાનું છે ,પછી નકશા બનશે અને ટીપી પાસ કરશે સરકાર ..!
જય હો ..જય હો ..!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*