ચીન દેશ ને ચારેબાજુથી દુનિયા આખી એ ઘેરો ઘાલ્યો છે..!
રોજ અવનવા સમાચારો આવે છે,
એક બાજુ હોંગકોંગ ,બીજી તરફ તાઈવાન ,ત્રીજી તરફ ઉઈઘર ,ચોથી તરફ જાપાન , પાંચમી તરફ દક્ષિણ ચીની સાગરમાં દક્ષીણ કોરિયા, વિયેતનામ અને ફિલીપાઈન્સની વાટે અમેરિકા ,ઓસ્ટ્રેલિયા અને યુરોપ..!
અને છઠ્ઠો મોરચો રાણા
નો..!!
ગજ્જબ ખેલ પાડી રહી છે દુનિયા આખી ચીન દેશની સામે એક થઇ ને..!
આ બધાની વચ્ચે ચીન દેશ ઠેર ઠેર ઉંબાડીયા કરે છે છેક એટલાન્ટીક મહાસાગરથી લઈને પેસિફિક બધ્ધે જ ચીન દેશ એડીચોટીના જોર અજમાઇશ ઉપર આવ્યું છે..!!
આર્થિક ગતિવિધિઓ પોણી દુનિયામાં લોકડાઉન ને લીધે મંદ પડી ચુકી છે ને દરેક દેશ ચીનથી માલ ના આવે તો આપણે કેટલું અને કેવી રીતે ટકવું એની જદ્દોજેહદમાં લાગી પડ્યો છે..!
ભારત દેશ સાથેની ચાર હજાર કિલોમીટર લાંબી સરહદ ઉપર મીડિયા જે રીતે કહી રહ્યું છે એ રીતે ધમધમાટ બોલી રહ્યો છે, ભૂતકાળનો પદાર્થપાઠ ભારત દેશ બરાબર શીખેલો છે અને કારભારો ચતર સુજાણ
ના હાથમાં છે એટલે થોડીક નિરાંત તો ખરી મનને..!
આ બધાની વચ્ચે મારા જેવી અદકપાંસળી ને થાય કે કેમ ?
આ બધું એવું તે શું થઇ ગયું કે દુનિયા આખી ચીન દેશની પાછળ પડી ચુકી છે..?
હજી વર્ષ પેહલા તો રણભૂમિ સીરિયા, બગદાદ હતી ને નવો મોરચો લગભગ ઈરાનની માથે ખુલ્યો હતો, અફઘાનમાં હવે કઈ રહ્યું નહિ ને પાકિસ્તાનને મોઢે લગાડવા એક પણ અમેરિકન તૈયાર નથી તો પછી અચાનક મોરચા ચીન દેશની સામે કેમ..?
ચીન દેશ ને તો વર્ષો સુધી પશ્ચિમે પાળ્યું પોષ્યું અને મોટું કર્યું ,એની જોડે જાપાન પણ જોડાયું હતું .
એક સમયે એવું કેહવાતું કે ચીન દેશની સાહીઠ ટકાથી વધારે ફેકટરીઓ ના માલિક જાપાનીઝ છે અથવા તો પરદેસી લોકો છે,
તો પછી અચાનક કેમ દુનિયા આખી નું પ્રોડક્શન હાઉસ બની બેઠેલું ચીન અળખામણું થઇ પડ્યું ..!?
કોવીડ-૧૯ ઉર્ફે વુહાન વાઈરસ ઉફ્રે કોરોના આ એક જ કારણ છે ?
સાદી બુદ્ધિથી વિચારીએ તો આ એક જ કારણ દેખાય પણ મને આ એક જ કારણ નથી દેખાતું..!
હું ચોક્કસપણે માનું છું કે કોઈક દેશ એ કોવિડ-૧૯ ને ફેલાવ્યો છે અને એ પણ જાણી કરીને..!
ચીન દેશને હું ક્લીન ચીટ નથી આપતો , પણ એકલા ચીન દેશ નો વાંક નથી જોઈ રહ્યો હું..!
દુનિયા આખ્ખી ટ્રમ્પકાકા ને ગાંડા ભલે કેહતી હોય પણ હું એ માનવા પણ તૈયાર નથી..! એ દુનિયા ને ગાંડા કરે એમાંના છે.!
કોરોના ના કોગળિયાની પેહલાની દુનિયાની સમસ્યામાં સૌથી મોટી સમસ્યા આતંકવાદ અને ફોસિલ ફ્યુઅલ હતી ..!!
છેલ્લા ત્રણ દાયકામાં જ્યાં પણ રણ ખેલાયા છે એ બધી જ જગ્યાએથી આતંકી પેદા થતા હતા અને દરેક જગ્યાએ ફોસિલ ફ્યુઅલનો ભંડાર હતો..!
એકલા ભારત દેશ નહિ પણ ભારત દેશની જેમ દુનિયાના અગણિત દેશોની ઈકોનોમી લગભગ ક્રુડ ઓઈલના ભાવ ઉપર નિર્ભર થઇ ચુકી હતી ..!
ઊંટડા ઉપર ભટકી ખાતા આરબો ક્રુડ ઓઈલના પ્રતાપે સોનાના જાજરૂમાં હંગવા જતા થઇ ગયા હતા ને પછી દુનિયાના સામાન્ય સિધ્ધાંત અનુસાર ધીમે ધીમે સોનું જેમ જેમ વધે માણસ પાસે ,તેમ તેમ અક્કલ પણ વધે ..
એટલી અક્કલ સિત્તેર ના દાયકા પછી ડેવલપ થઇ ગઈ કે ક્રુડ ઓઈલ ઉપર જ દુનિયા ચાલી રહી છે એટલે હુકમ ના એક્ક્કા દબાવી ને રાખો..!
હુકમના એક્કા દાબવાના ચાલુ પણ થયા ,ભારત જેવા દેશો એમના પરસેવાના કમાયેલા ડોલરો એમના ચરણે ધરી દેતા થયા..પણ ક્રુડ ઓઈલના માધાંતા એટલાથી ધરાયા નહિ અને એમનો ડોળો પશ્ચિમની જાહોજલાલી ઉપર ફર્યો..!!
પશ્ચિમ ને દબાવાનું ચાલુ થયું ..!!
અજગરના પૂંછડે પગ પડ્યો ..!
અમેરિકા , રશિયા એ પોતાના રીઝર્વ ક્રુડના ભંડાર ખોલી નાખ્યા અને ક્રુડ ઓઈલની તેજીને તોડવાની કોશિશ કરી, કોશિશ કામયાબ પણ રહી ને એમાં એક નવી ધરી રચાઈ..!
ચીન દેશ એ ઓઆરઓબી કરી ને ગ્વાદરથી પોતાના ઘેર સીધું તેલ પોહચે એની ગોઠવણ કરી..!
આ તરફ છેલ્લા અઢીસો વર્ષથી એકધારા નવા નવા આવિષ્કાર દરેકે દરેક ક્ષેત્રમાં કરી અને માનવજીવનને ખુબ ઉપર લઇ જનારું પશ્ચિમ આ નવી ધરીથી બોખલાયુ ,
જગત આખા ઉપર પ્રત્યક્ષ રીતે રાજ કર્યું બસ્સો વર્ષ સુધી ,અને પછી પણ પરોક્ષ રીતે રાજ કરી ખાતા પશ્ચિમ માટે ચીન દેશ ધીમે ધીમે આંખ નો કણો થઇ ગયો..!!
ચીન દેશની પેહલી ગુસ્તાખી એ કે દુનિયાની તમામ ચીજ વસ્તુ ની નકલ કરી ને તમામ શોધોના પ્રીમીયમને બેઠા બેઠા ખાતા પશ્ચિમ ને નવરું કરી મુક્યું અને ઉપરથી આફ્રિકાથી બાંગ્લાદેશ જેવા નાના દેશોમાં ટાંટિયા ઘાલી દીધા..!
પશ્ચિમ ને એમ હતું કે અમે અમારા ક્રુડ ઓઈલના રીઝર્વ થકી હજી પણ અમે ક્રુડ ઓઈલ લોબીને નચાવી શકીશું ને બીજા સો દોઢસો વર્ષ પરોક્ષ રીતે રાજ કરીશું..!!
અહિયાં બીજી પણ એકવાત સમજવા જેવી છે..!
પશ્ચિમ જગતના દેશો ને એમના મિત્ર દેશો ભેગા થઈને દુનીયના એશી ટકાથી વધારે કુદરતી સંસાધનોનો ઉપભોગ કરી રહ્યા છે..!
સાદું ઉદાહરણ ટોઇલેટ પેપર છે , આખું એશિયા દોઢ ડબલા પાણીમાં પતાવે છે જે કામ એના માટે પશ્ચિમ રોલના રોલ વાપરે અને એ કાગળના રોલ બનાવવા જંગલના જંગલ કપાય છે..!
ચીન દેશે પશ્ચિમની દોઢસો બસ્સો વર્ષ રાજ કરવાની મહેચ્છા ઉપર પાણી ફેરવ્યું..!! કુદરતી સંસાધનો ઉપર નો પોતાનો “હક્ક” સેહલાઈથી પશ્ચિમ ના છોડે.!
એટલે પશ્ચિમે એક નવો રસ્તો શોધ્યો ..!
ક્રુડ ઓઈલને મારો ગોળી ના ઇલેક્ટ્રિક વેહિકલ બનાવો..!
મૂળ સમસ્યા ના ઉપાય ને બદલે સમસ્યા ને જડમૂળથી ઉખાડી ફેંકો..!
નેવું ટકા દુનિયા ઇલેક્ટ્રિક વેહિકલ ઉપર ફરતી થઇ જાય તો ક્રુડ ઓઈલની થેક પણ ના આવે ને ફરી ઊંટ ઉપર ફરવાનો વારો આવે..!
આતંકવાદ એમનેમ પૂરો થઇ જાય ..!!
ઇલેક્ટ્રિક વેહિકલ તૈયાર થયા પશ્ચિમમાં અને જોડે મિત્ર દેશો ને પણ તૈયાર કર્યા હવે સમસ્યા હતી એક જ કે ઇલેક્ટ્રિકસીટી ને સ્ટોર
કેમની કરવી..?
મને લાગે છે પશ્ચિમ એ ઇલેક્ટ્રિકસીટીનું સ્ટોરેજ મોટા પાયે શોધી કાઢ્યું છે અને એ શોધ ને છાતીએ દબાવી ને બેસી ગયું છે કેમકે ઇલેક્ટ્રિકસીટીનું સ્ટોરેજ આવતા બસ્સો વર્ષ સુધી દુનિયા ઉપર રાજ કરવાનું કારણ બનશે..!
કોવિડ-૧૯ આફત ને અવસરમાં બદલ્યો પશ્ચિમે , લોકડાઉન કરી કરી ને ક્રુડ ઓઈલની કમ્મર તોડી નાખી ને એક ટ્રાયલ પૂરો કરી ને મૂકી દીધો કે ક્રુડ ઓઈલની ખપત ઝીરો કરી મુકીએ તો કેટલા ના હાંજા ગગડી જાય..!!
ટ્રાયલ નું રીઝલ્ટ પરફેક્ટ આવ્યું , પણ હવે દુનિયાની દરેક ટેકનોલોજીને સેરવી લઈને એની કિંમત ઝીરો કરી મુકનાર ચીન દેશને હાથ જો ઇલેક્ટ્રિકસીટી સ્ટોરેજ ટેકનોલોજી હાથ લાગે તો કર્યું કારવ્યું ધૂળમાં જાય ને દુનિયા ઉપર નો કન્ટ્રોલ પણ..!
રસ્તો શું તો કહે એ જ પંચતંત્રની જૂની અને જાણીતી વાર્તા ..!
પાંચ લાકડીનો ભારો ના તૂટે પણ એક એક લાકડી છૂટી કરી ને તોડી પાડો..!!
ટૂંકમાં આપણો ભારો અકબંધ રાખી અને સામેવાળા નો ભારો છૂટો કરી ને તોડી પાડો.!!
અને ફરી એકવાર રાજ કરો..!!
ભારત દેશ માટે આમ જોઈએ તો ટાઢા પાણીએ ખસ જાય છે , બે આખલાની લડાઈમાં ક્રુડઓઈલ નામના ઝાડ નો અત્યારે ખો નીકળે છે એટલે આપણે એટલી શાંતિ ,
બીજી બાજુ ચારેબાજુથી ઘેરાયેલા ચીન ને જરાક અમથા ડારા આપી ને ઠેકાણે રાખી શકાય તેમ છે ને છેલ્લે દુનિયા આખી ને એમ થઇ ગયું કે બીજો ઓપ્શન જોઈએ એક જ સપ્લાયર ના ચાલે ,
ભારત અત્યારે થોડા ઘણા કાયદામાં ફેરફાર કરી ને ઇન્સ્પેકટર રાજ ને તિલાંજલિ આપતું હોય તો એ ઓપ્શન વધારે સારો..!
આપણી હજી એવી કોઈ જ તાકાત આપણે બતાડી નથી શક્યા કે જેનાથી પશ્ચિમ ને આપણાથી ડરવું પડે.!!
પોખરણ-૨ પછી ચારેબાજુ શાંતિ ,શાંતિ , શાંતિ કરી ને જ ફરીએ છીએ ને જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવીએ છીએ ..!
એમ કઈ ખોટું પણ નથી, લાગ આવ્યે ફૂંફાડા મારી લઈએ છીએ પણ ડંખ નથી માર્યો એટલે જ અત્યારે તક ઉભી થઇ છે..!
જૂની ગુડવિલ કામે લાગી છે , બ્રાંડ ઇન્ડિયાનું કેશમાં રૂપાંતર કરવા નો સમય છે..!
ઓવર ઓલ ચીન દેશની ભારી તોડવા માટે બધું ભેગું થયું છે ,દરેક ને પોતાનો ઉલ્લુ સીધો કરવાનો છે ,
અને એનું નામ જ દુનિયા…!!
જોઈએ હવે કોના પાસા પોબારા પડે છે ..!
પલડું પશ્ચિમ ને મિત્ર દેશોનું ભારે છે..!
લાકડીઓ છૂટી પડે એટલીવાર..!
આપણી વાત કરું તો તો સાપ ના ભારા છે, લાકડીઓ ના નહિ..!!
બહુ ક્યાંકથી વધારે અવાજ આવે અને કનડે તો છુંદી પણ નાખવો પડે એકાદો ,
પણ ભારો કચ્ચીને બાંધી જ રાખવો પડે…!!
છૂટો મુકાય જ નહિ..!
જય હો
સમય સમય બલવાન .. કાબે અર્જુન લુંટીયો વહી ધનુષ વહી બાણ ..!!!
કરો ત્યારે ફોરવર્ડ આગળ..
કોઈક આ દિશામાં પણ વિચારે..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)