જોશીમઠની તિરાડો ..
છેલ્લા કેટલાક દિવસોથી તમામ પ્રકારના મીડિયા ઉપર જોશીમઠના મકાનોમાં પડેલી આડી ,ઉભી, જમીનોમાં, છતમાં લગભગ એવું કહીએ કે દશે દિશાઓમાં તિરાડો પડેલી છે એવા ફોટોગ્રાફ્સ અને વિડીઓ જોઈ રહ્યો છું ..
આવી જ કાતિલ ઠંડીમાં હજી બે દસકા પેહલા નગરી અમદાવાદના મહાલય અને આલયો ભૂકંપમાં અનહદ ઝૂલ્યા હતા અને પછી તેમાં તિરાડો પડી હતી ત્યારે કોઈક ફિલોસોફરએ લખ્યું હતું કે “દિવાલોમાં પડેલી તિરાડએ ઈશ્વરના હસ્તાક્ષર છે..”
ભૂકંપને કારણે આહત થયેલા જીવોને સાંત્વના આપવા પુરતું ઠીક હતું પણ પછી તંત્રની અક્કલ પછી ચાલી કે આ ઈશ્વરના હસ્તાક્ષર નથી પણ આપણી બેવકૂફી છે કે બધું બેફામ ઉભું થવા દીધું..હવે ઉભી થઇ રહેલી ઉભી પોળોમાં કેન્ટીલીવર રાખવા દેવામાં આવતા નથી અને બબ્બે બેઝમેન્ટ પાર્કિંગ ફરજીયાત આપવામાં છે જેથી ભૂકંપ આવે તો ભોંયરાને લીધે માથે રહેલી ઈમારત બચી જાય ..!
ભગવાન જરાય નવરો નથી કે તારે અને મારે ઘેર આવી આવીને તિરાડો પાડી જાય .. કર્યા ભોગવવાની જ વાત છે ..
અહિયાં વાત આવે વિકાસની ..
કેટલો અને કેવો વિકાસ કરવાનો છે ? કુદરતી સંપદાને કેટલી વાપરી ખાવી છે અને કેટલી બચાવી રાખવી છે ? માનવજીવનને બેહતર કરવું છે પણ કેટલા લેવલ સુધી બેહતર કરવું છે ? દવાઓ બનાવવી છે પણ કેટલી ? એંશી વર્ષ સુધી આરામથી જીવતો થઇ ગયો અને સો વર્ષ સુધી લગભગ જીવતો થઇ જશે એવું હવે લાગી રહ્યું છે, તો પછી કેટલું ?
ફિલોસોફીને મારો ગોળી એકવાર અને પ્રેક્ટીકલ વાત કરો ..
વિકાસ એટલે શું ? બહુ સાદી ભાષામાં કહું તો કુદરતી રીતે ઉગેલા ફૂલોને તોડી લેવા અને ઘરમાં બુકે બનાવીને મુકવાનો .. આ પેહ્લો વિકાસ
હવે બાજુવાળા રમીલાકાકી, શાંતાકાકી અને પછી તો ગામ આખાની કાકીઓને બુકે સરસ લાગ્યો તો એવા પચ્ચીસ ત્રીસ બનાવીને શૈશવ વેચી મારે અને પછી ડીમાંડ વધી તો પછી ફૂલો ઘટ્યા એટલે સીસ્ટમ બનાવી અને સિસ્ટેમેટીકલી ફૂલોની ખેતી ગોઠવાઈ, આગળ વધ્યા ફૂલોની જાત ઉપર સંશોધન કર્યું અને બુકેમાં નતનવી વેરાઈટી લાવ્યા,
ધારો કે ….મેં એટલે કે શૈશવ વોરાએ ચંપાના ફૂલમાં ગુલાબની સુગંધ ઉમેરી અને “ચંલાબ” બનાવ્યું , અને ચંપા ઉપર લાગેલુ કલંક દૂર કરી બતાવ્યું .. चम्पा तुझमें तीन गुण- रंग रूप और वास, अवगुण तुझमें एक ही भंवर न आएं पास।’
પરાગરજ પણ ચંપામાં નાખીને બતાડી એટલે ભમરો પણ આવતો કરી દીધો “ચંલાબ” પાસે…, પછી શું ?
“ચંલાબ” નું તાત્પર્ય કેટલું માનવજીવનમાં ? કવિઓને લેખકોને નીચું બતાડવા “ચંલાબ” બનાવવામાં આવ્યું ?
અનેકો અનેક સવાલ આજે ઉભા થઇ રહ્યા છે ..
હવે આગળ ધારો કે આ “ચંલાબ”નું એવું થાય જેવું કે આપણી સારી ક્વોલીટીની કેરી સાથે થયું છે કે સારામાં સારી કેરી ખાવી હોય હાફૂસ કે કેસર તો તમને ભારતમાં ના મળે પણ પરદેસ જાવ તો મળે , કેમ કે સારો માલ અહીંથી ત્યાં એક્સપોર્ટ થઇ જાય છે અને પછી વધેલો માલ તમને અને મને ખાવા મળે છે ..
વત્તા એવું પણ કંઈ થાય લે કોઈ કે સપનું આવે કે સલ્તનતે બર્તાનીયાના હમણાં હમણાં મર્હુમ થયેલા મહારાણીને “ચંલાબ” બહુ ગમતું અને હવેથી રોજ દસ કિલો “ચંલાબ” એમની મઝાર ઉપર ચડશે અને જોડે જોડે એમના બાપ-દાદાઓની મજાર ઉપર પણ ..
તો શું કરવાનું ?
“ચંલાબ” નું પ્રોડક્શન વધારી મુકવાનું અને એના માટે જમીન ખૂટે તો રણથંભોરનું જંગલ કાપી કાઢવાનું , પાણી ખૂટે તો ? કંઈ વાંધો નહિ હિમાલયની નદીઓના પાણી વાળી લ્યો એમાં શું ?
“ચંલાબ” નું પ્રોડક્શન અટકવું ના જોઈએ આપણા વિકાસનું પ્રતિક છે “ચંલાબ” ..!!
“ચંલાબ” ની દસ વીસ જાતો ડેવલોપ કરવામાં સમય અને બીજી સિસ્ટમોને લગાડી દીધી હોય અને “ચંલાબ” લગભગ રાષ્ટ્રનું નાક છે એવી પરિસ્થતિ ઉભી થઇ ગઈ હોય તો શું કરવું ?
રણથંભોરના જંગલો,વાઘ,બીજા પ્રાણીઓનું શું કરવાનું ? એના કારણે ઈમબેલેન્સ થયેલી ઇકોલોજીનું શું ?
જંગલ, વાઘ અને બીજા પ્રાણીઓને તો બે પગ અને માથે મગજ ધરવતા લોકો ચરી ખાશે પણ ઇકોલોજી ?
તો કહે થાય ત્યારે જોયું જશે..
હવે જોશીમઠનું શું કરવાનું ? કહી દો ઈશ્વર આવીને હસ્તાક્ષર કરી ગયો તમારે ત્યાં પણ અને ઈશ્વર હસ્તાક્ષર કરે એ મકાન ખાલી કરવું પડે અથવા તો પછી એને રીપેર કરવું પડે..!
“ચંલાબ” બનાવ્યું જ છે તો પછી માણસે પોતાની જાતને સાચી સાબિત તો કરવાની જ રહી ને ..!!
વિકાસ અને પર્યાવરણની વાર્તાઓમાં બેલેન્સ ખોરવાયું છે …!
કોઈ પશ્ચિમના મહાત્મા એવું પણ શોધી લાવશે કે “ચંલાબ” જેવા અનેક ફૂલો અમારા બાપદાદા બનાવતા હતા .. અને “ચંલાબ” આગળ ચાલ્યા જ કરે ..
પણ સવાલ ઉભોને ઉભો રહે કે હવે શું ?
વિકાસની આગળ પાંગળું થઇ ચુક્યું છે પર્યાવરણ ,
મેં પેહલા પણ લખ્યું છે અને આજે ફરી લખું છું , “રત્નગર્ભા વસુંધરાના ગર્ભમાંથી રત્નો કાઢી રહ્યા છીએ અત્યારે અને તે પણ કુદરતી રીતે નથી કાઢતા આપણે , બિલકુલ ગર્ભપાત કરીને બાહર કાઢી રહ્યા છીએ”
કદાચ માનવજીવનના કરોડો વર્ષોના ઈતિહાસમાં આપણે સ્વાર્થીમાં સ્વાર્થી પેઢી છીએ કે જે ધરતીને માતા કહે છે અને માતાનો જ ગર્ભપાત કરી અને પોતાના શોખ પૂરા કરી રહ્યો છે..
અટલબિહારી બાજપાઈ સાચા ઠરે તો નવાઈ નહિ .. ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે ..!!
જોશીમઠની તિરાડો ઈશ્વરના હસ્તાક્ષર નથી .. આપણે પચીસ પચાસ સો વર્ષમાં ગુજરી જઈશું આવનારી પેઢી માટે શું ?
સાત નહિ સત્તર પેઢી માટે માલ મિલકતો ભેગી કરી મુકનાર રાજકારણીઓને હવે સમજવું પડશે કે સત્તર છોડો ચોથી થી પાંચમી પેઢી જ નહિ બચે તો પછી ઉભી કરોલે મોલાતો કોણ ભોગવશે ..?
જાગવાનો સમય છે આવી જ ઘટના ધરતીના પેટાળમાં ચારેતરફ થઇ રહી છે , એકવાર પડખું ફર્યું તો પછી જય હો ..!!
ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી ..
અલ્યા કોઈ નવરી બજાર “ચંલાબ” બનાવવાના મંડી પડતી ..હા ..!!
કામે વળગો કામે..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા