*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*
બજેટ માટે કઈ લખો..
આમ તો ચૂંટણી પેહલા ઇન્ટ્રીમ બજેટ આવી ગયેલું એટલે બહુ ફેરફાર થાય તેવી શક્યતાઓ નોહતી અને આખી બજેટ સ્પીચ લગભગ ભાષણ વધુ અને આંકડા ઓછા એટલે સીએ એનાલીસીસ કરીને મુકે પછી જ ખબર પડે..
આ વર્ષે બજેટ પેલા `લાલ કપડા`માં સંસદમાં આવ્યું..અને બજેટને `વહીખાતા` એવું નામ અપાયુ..!
નાણામંત્રીશ્રી બજેટ ને ભલે લાલ કપડામાં લપેટી લાવ્યા પણ આ લાલ કપડું એ ચોપડા બાંધવાનું લાલ કપડું નોહતું ..
આ લાલ કપડું પૂજામાં વપરાતું લાલ કપડું હતું ..!
અમારા કારખાનાની બિલકુલ બાજુમાં એક ટેક્ષટાઇલ મિલ હતી અને લગભગ દોઢ દસકા પેહલા એ મિલ બંધ થઇ .. મિલની બાહર એમની પ્રોડક્ટનું શુદ્ધ ગુજરાતીમાં નામ લખેલું રેહતું અને વર્ષો સુધી મેં એ નામ વાંચ્યું “ચોપડા બાંધવાનું લાલ કપડું”
એ મિલ લગભગ ચોવીસ કલાક ચાલુ રેહતી અને *મીટરમાં બનતું “ચોપડા બાંધવાનું લાલ કપડું” કિલોમાં વેચાતું..!!*
ફરી એકવાર *મીટરમાં બનતું “ચોપડા બાંધવાનું લાલ કપડું” કિલોમાં વેચાતું..!!*
હા, સમજણ પડી ..?!!
જેમને ના પડી હોય તેમને માટે સ્પષ્ટતા.. પ્રોડક્શનનો એક નિયમ છે જયારે યુનિટ બદલાય છે ત્યારે જ કારખાનું કમાય , બાકી તો પંડ રળે અને પેટ ખાય..
વધારે ઝૂમ કરું.. તમારું રો મટીરીયલ જો કિલો ના આવતું હોય અને તમારી ફીનીશ પ્રોડક્ટ લીટરમાં હોય તો જ તમારું કારખાનું કમાય ,ફરી કાપડનું જ ઉદાહરણ આપું મીટરમાં બનેલા કાપડ કિલોમાં વેચાય તો કારખાનું કમાય અને મીટરમાં બનેલા કાપડના શર્ટ બની અને નંગમાં વેચાય તો કારખાનું `જોર` કમાય..!!
“ચોપડા બાંધવાનું લાલ કપડું” તો એકદમ ડાર્ક મરુન કલરનું આવતું અને એકદમ જાડ્ડું આવતું,
મને હમેશાં મનમાં સવાલ રેહતો કે એવા તે કેટલા ચોપડા દુનિયા બાંધતી હશે કે આ આવડી મોટી મિલ બારેય મહિના અને ચોવીસ કલાક ચાલે છે ..!
એક દિવસ સવાલ મેં મારા કનકકાકાને પૂછી જ લીધો .. અને જવાબ આવ્યો બેટમજી વાત ગાંઠે બાંધો ..ધંધો કરવો હોય ને તો નામું પેહલા શીખવું પડે ,નામા કાઠો માથે રાત લઈને નાઠો ..!
એટલે દુનિયાના બધાય ધંધાને નામું હોય જ ,અને સરકાર દસ દસ વર્ષના ચોપડા સંઘરાવે છે તે બાંધવા આ લાલ કપડા તો જોઈએ જ ને ..
સાદા કપડા ત્રણ ચાર વર્ષમાં ઝળી જાય અને એમાં બાંધેલા ચોપડા માળીયે પડ્યા પડ્યા વેરવિખેર થઇ જાય..સમજ્યા ..એન માટે સ્પેશિઅલ “ચોપડા બાંધવાનું લાલ કપડું” જ જોઈએ, એટલે આ મિલ ચાલે છે..!!
સખ્ખત સાદું ઉદાહરણ..!
નેવુંના દાયકામાં એ “ચોપડા બાંધવાનું લાલ કપડું” બનાવતી મિલ બંધ થઇ ગઈ..
કોમ્પ્યુટર આવ્યા, ઉદારીકરણ ચાલુ થયું ચોપડા સંઘરવાની જધામણમાંથી દેશ અડધો છૂટ્યો.. છ વર્ષથી જુના ચોપડા નહિ જોઈએ..!! આજે પેલી ગુટકા બનાવતી કંપનીની થેલીઓમાં ચોપડા મુકાય છે..!!
હજી પણ એક અપેક્ષા છે ત્રણ વર્ષ સુધી લાવો ,ડીજીટલ યુગ છે..
ઘરમાં પાણીયારા અને માળિયા બધું જ ગાયબ થતું જાય છે..!!
જીએસટીમાં બધ્ધા જ ડેટા સર્વર પર આવે છે, તો પછી ચોપડા સંઘરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપો..!
આ બજેટમાં લોન જેમને લેવી છે એને બખ્ખાં છે ,એવું ઉપર ઉપરથી દેખાઈ રહ્યું છે , બેંકો ને ઢગલો એક રૂપિયા આપ્યા છે અને હોમલોનની સબસીડી વધી છે ,સરકાર સંપૂર્ણપણે રૂપિયા ધીરવાના મૂડમાં હોય એમ લાગી રહ્યું છે, પણ આ મોદી સરકાર છે એટલે ધિરાણ સિબિલ ચોખ્ખો હોય તો જ મળે..!!
નાના ઉદ્યોગો માટે કશું જ ખાસ આવ્યું નહિ એટલે એક વાત ક્લીયર થઇ ગઈ કે સરકારને પણ મધ્યમ અને મોટા ઉદ્યોગો વિકસે એમાં રસ છે, કોઈક જગ્યાએ એવા કારણ અપાય છે કે એક ચોક્કસ પગાર સ્ટ્રકચર મધ્યમ અને મોટા ઉદ્યોગો જ આપી શકે છે ,લઘુ ઉદ્યોગો પોતે પણ બહુ કમાતા નથી અને પગારો પણ વધારે આપી શકતા નથી..!
વિચાર માંગે એવો મુદ્દો છે પણ સાવ લઘુ ઉદ્યોગનો એકડો નીકળશે તો બેરોજગારના અંબાર થઇ જશે..!
જીડીપી સાત ટકા અપેક્ષિત છે.. અને પાંચ ટ્રીલીઅન ડોલરની ઈકોનોમી ને આંબવું છે, આનંદની વાત છે, નિશાન ચૂક માફ નહિ નીચું નિશાન..!
પણ મને લાગે છે કે હવે જીડીપીની મગજમારીમાંથી સરકારે બહાર આવી જવું જોઈએ..!
નરેન્દ્રભાઈ ના પ્રધાનમંત્રી બન્યા બાદ સૌથી પેહલા વાઇબ્રન્ટ ગુજરાતમાં ભૂતાનના પ્રધાનમંત્રીના ભાષણ ઉપર મહાત્મા મંદિરમાં બેઠેલા મારી જેવા મોટાભાગના લોકો આફરીન થઇ ગયા હતા..!!
ભૂતાનના પ્રધાનમંત્રી એ જીડીપી નહિ પણ નેશનલ હેપીનેસ ઇન્ડેક્સ ની વાત કરી હતી ,અને ભારત દેશ સદીઓથી આ એક જ વાત કેહતો આવ્યો છે સર્વે સુખિના …!
આપણે ત્યાં હંમેશા સુખ ,શાંતિ ની વાત આવે છે..!!
આ ફાયનાન્શિયલ વર્ષના પેહલા ક્વાર્ટરના ઓટો સેક્ટરના રીઝલ્ટ હાંજા ગગડાવે એવા આવવાની ગણતરી મુકાઈ રહી છે..પણ એની સામે જુવો તો આજે ગાડી કે બાઈક ભારતના સિત્તેર કરોડના મધ્યમ વર્ગ ના જન જન જોડે પોહચી ચુકી છે અને જનતા વધુ ગાડીઓ ખરીદવાના મૂડમાં નથી..!
અરે હું તો એવા લોકોને ઓળખું છું કે જેમના ઘરમાં ત્રણ ત્રણ ચાર ચાર ગાડીઓ છે એ લોકો પણ ટ્રાફિક ને લીધે ઓલા ઉબેર પકડતા થઇ ગયા છે ત્યાં નવી ગાડીઓ વેચાય કેમની ..?
અમદાવાદ જેવા શેહરોમાં પણ બે ચાર વર્ષમાં મેટ્રો દોડતી થઇ જશે, તો ગાડીઓ અને બે પૈડા ઓછા જ વેચાવાના અને જીડીપી નો મોટો આધાર ઓટો સેક્ટર ઉપર હોય છે એટલે ઓવરઓલ ચિત્ર તો નિરાશાજનક જ બાહર આવે..!
એટલે હવે સરકારે જીડીપી ને બાજુ પર મૂકી અને નેશનલ હેપીનેસ ઇન્ડેક્સ ઉપર જ ભાર મુકવો રહ્યો..!
તમારા મારા જેવા લોકો એમ માનતા હોય છે કે બજેટમાં આપણે શું ? પણ દરેક બજેટ ધીમે ધીમે તમારી અને મારી જિંદગી જીવવાની ટેવોમાં ફર્ક લાવતો હોય છે..!
હોમ લોન ની સબસીડી ચોક્કસ લાલચ કરાવે તેવી છે , ઘણા બધાને પોતાની જિંદગીમાં બદલાવ લાવવાની ઈચ્છા જાગે તેવું છે..!
ઇલેક્ટ્રિક વેહિકલની સબસીડી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અમારા જેવા જેમણે સાત સાત વર્ષ વગર સબસીડીએ રેવા લઈને વાપરી હોય એમને લલચાવે..
આપણે માનીએ કે ના માનીએ પણ દરેક બજેટ પ્રજાને એક ચોક્કસ દિશા તરફ લઇ જ જતું હોય છે..!
જોઈએ હવે સીએ લોકો બીજા કેટલા એનાલીસીસ કરી અને કેટલા અર્થ કાઢે છે ,,!!
આજે અહિયાં પૂરું કરું છું..
આપનો દિવસ શુભ રહે..!