લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે..પેહલો તબક્કો મતદાનનો પૂરો થયો..
આમ તો રાજકીય પોસ્ટ લખવાનું ટાળું છું, પણ બ્લોગ છે ,અને આવતા વિચારોને રોકું તો લખવાનું જ મૂકી દેવું પડે છે .. ક્યારેક એવો પણ વિચાર આવે કે તારા વિચારની કિંમત કેટલી શૈશવ ?
સામે જવાબ પણ એવો આવે કે કિંમત આપણે ક્યાં રાખી જ છે ?
તો પછી લખ ને યાર શૈશાવ્યા ..
સતત વીસ વર્ષથી ભારતવર્ષના માથે ઘુમરાઈ રહેલો એકમાત્ર ચેહરો એટલે નરેન્દ્ર મોદી..! કંઈક લોકો એ પીએચડી કરી લીધું આ માણસ ઉપર…વ્યક્તિ ,અતિવિશિષ્ટ વ્યક્તિ ,ભગવાન અને અવતાર આવા ઘણા બધા વિશેષણો પકડાવી દેવાની કોશિશ થઇ છતાં પણ નિરંતર કાર્યરત એવી પોતાની છબી દુનિયાને આપી દીધી, અને એ છબી હજી કાયમ છે ..
સામી તરફ બુમરાણ મચી છે, જુવાન ચેહરા કામ લાગે તેવા નથી અને ઘરડા એમની વિશ્વસનીયતા ગુમાવી ચુક્યા છે..!
ખીચડી સરકારોને જોયા પછી જૂની પેઢી રિસ્ક ના લ્યે ,અને નવી પેઢીને કોઈ બીજું દેખાયું જ નથી જન્મ્યા ત્યારથી ફક્ત મોદી-મોદી આટલું જ સાંભળ્યું છે ..
ભાજપ અને નરેન્દ્ર મોદી માટે આ ઉત્તમ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પણ દેશ માટે ખતરનાક..!!
હું પર્સનલી ઈચ્છું કે ભાજપના બે ઉભ્ભા ફાડિયા થાય અને પક્ષ વિપક્ષ બંને ભારત દેશને મળે..!
કદાચ અબ કી બાર ચારસો પાર થાય તો ઈતિહાસ માફ કરશે, પણ પછી ચારસો પાર ક્યારેય ના થવી જોઈએ..
જૂની ખીચડી સરકારોના અનુભવો ઉપરથી પ્રમુખશાહી અમેરિકન પધ્ધતિ તરફ જવું યોગ્ય રેહશે ..
બંધારણમાં આમૂલ ફેરફાર કરવા પડે તો કરો પણ આ બંને તરફ ચાલી રહેલા આયારામ ગયારામને હવે કાશીના મણીકર્ણિકા ઘાટેથી ગંગાજીમાં પધરાવી દો ..
ફાયદા ઘણા છે એક ના એક ચેહરા ના આવે સાથે સાથે વિચારસરણી પણ નવી મળે..
ગેરફાયદા પણ હોઈ શકે છે,
જેમ કે અમેરિકા આજે પણ ડોનાલ્ડ ટ્રમ્પ માટે બે ભાગે વેહ્ચાયેલું છે ,ડોનાલ્ડ ટ્રમ્પ ફાયદો હતો કે ગેરફાયદો ? અમુક સવાલના જવાબ ના મળે તો સમય ઉપર છોડી દેવું , આવનારો સમય જ કેહશે..
આ વખતે પણ ઘણા બધા છાપેલા કાટલાં ઉમેદવારી કરી રહ્યા છે , દરેક રાજકીય પક્ષને જીતી શકે એવો જ ઉમેદવાર જોઈએ છે એટલે એમાં યોગ્યતા વાળો માપદંડ કામ નથી લાગતો..તમારા ઉમેદવારને જાણો આ બધું દુર્ભાગ્યે ગૌણ થાય ..
અમેરિકન પ્રમુખશાહી તરફ જઈએ તો તો ઉત્તમ છે, પણ ત્યાં સુધી અહિયાં લોકસભા કે રાજ્યસભાની ત્રણ ટર્મ અને પ્રધાનમંત્રીથી લઈને મંત્રીપદની મર્યાદા ફક્ત દસ વર્ષથી વધારે ના જ હોવી જોઈએ , બંધારણ આવો સુધારો માંગે છે..
વધુ પડતો સમય સત્તા ભોગવેલા પરિવારો,પક્ષો અકારણ રજવાડા ઉભા કરે છે જેમનું પાછળથી કોઈ જ યોગદાન રેહતું નથી..
નામ છે એનો નાશ થવો જ જોઈએ ..મૃત્યુ એ જ જીવનની શરૂઆત છે..
ઘણો બધો વખત સત્તા ઉપર રહેલા વ્યક્તિ પરિવારો અને પક્ષોને પણ ફાંકો આવી જાય છે કે અમે છીએ તો જ દેશ છે બાકી વિનાશ ,સર્વનાશ ..
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પતન એ એનું જીવંત ઉદાહરણ છે અને ભારતીય જનતા પક્ષનું પણ પતન આવનારા સમયમાં આપણે જોઈ શકીશું..
પંચોતેર વર્ષ આપણી લોકશાહીને પણ થયા લગભગ, આખે આખી ચાર પેઢી મતદાન કરી ગઈ ,આ સમયગાળો બિલકુલ નાનો ના કેહવાય ,અને આટલા મોટા સમયગાળામાં જો આપણે એક સ્વસ્થ પ્રણાલી , પરંપરા ઉભી ના કરી શકતા હોઈએ તો પછી પ્રજા તરીકે આપણે એ પણ વિચારવું પડે કે આપણે લોકશાહીને કેટલા લાયક છીએ..
ત્રણ મુખ્યધારાના પક્ષો આજે પણ ભારતમાં છે વામપંથી ,કોંગ્રેસ અને ભાજપ , સતત ટીવી જોયા કરતા હોઈએ તો આપણને લાગે કે ત્રણેય એકબીજાના લોહી તરસ્યા છે..
સાથે મળી અને ત્રણેય પક્ષોએ કોઈ એક રચનાત્મક કાર્ય કર્યું હોય એવા ઉદાહરણો જૂજ છે , સર્વાનુમતે પસાર થયેલા બીલ લોકસભા રાજ્યસભામાં કેટલા ?
હવે રહી વાત વિચારધારાની .. અને એ કેમ જરૂરી ?
તો વામપંથી વિચારધારાને લગભગ દુનિયા એ તિલાંજલિ આપી છે અને સેક્યુલરને સ્વીકારે, અહિયાં ભારત દેશ પણ સેક્યુલર વિચારધારા અપનાવાઈ પણ એમાં બહુમતીને ભાગે પીડા અને લઘુમતીને ઘીકેળાં .. આવું માનવાવાળો વર્ગ વધતો ગયો અને છેવટે આજે બધારણમાંથી સેક્યુલર શબ્દ જ ના હોવો જોઈએ એવા મત ઉપર મારા જેવા ઘણા લોકો આવીને ઉભા ..
પંચોતેર વર્ષે શાશન વ્યવસ્થા કેવી હોવી જોઈએ એવો સવાલ થાય એ વ્યાજબી ખરો ?
હું માનું કે આ સવાલ સતત થવો જોઈએ અને પ્રક્રિયાના ભાગ રૂપે જ હોવો જોઈએ..
રામમંદિરની સાથે રામરાજ્યની પરિકલ્પનાનો ઉદય થયો છે ,વિચારધારા =નો ઉદય છે..
ભારતવર્ષ રામરાજ્યને હજ્જારો વર્ષોથી આદર્શ ગણતું આવ્યું છે પણ હું માનું છું કે હવે તે શક્ય નથી..
પેહલી વાત આવે કે શાસન અને શાસક બંને ક્યારેય અજર અમર હોતા નથી અને જીવનકાળ પ્રજાનો અને શાસકનો બંનેનો જીવનકાળ ઈતિહાસની પરીપેક્ષમાં બહુ અલ્પ હોય છે ,
એવે સમયે દરેક વ્યક્તિને જે તે શાસકે એના જીવનમાં બે દસકા તો કમ સે કમ એવા મળે કે જેના કારણે વ્યક્તિ ને પોતે વ્યક્તિવિશેષ છે એવું લાગે..
આવા સમયે વિચારધારા ઉપર બહુ મોટો આધાર રેહતો હોય છે , કોઈ એક વિચારધારાને પકડી અને શાસકોની પેઢીઓની પેઢી ચાલે તો જ આ વાત શક્ય બને અને એનાથી ઊંધું પણ થાય કે કોઈ એક વિચારધારાને લઈને ચલતા પક્ષો અને એમાંથી મળતા શાસકો દેશના વ્યક્તિઓ અને એના થકી બનતા સમાજોની જિંદગી ઝંડ કરીને મૂકી દે ..માટે વિચારધારા જરૂરી છે..
ઓવર ઓલ જો રામરાજ્ય તરફ જવું હોય તો રામને પરંપરા તરીકે પ્રસ્થાપિત કરવા રહ્યા અને રાવણને વિધર્મી તરીકે ..થયું છે ઊંધું..
હિંદુ જીવનશૈલી ઉત્તમ પણ ફરી એકવાર રામાયણ મહાભારત લખવા પડે ,વિલન સગ્ગો કે કાકાનો ભાઈ ના ચાલે ,રાવણ હિંદુ ના ચાલે ..
બાકી દશેરાએ પુતળા કે હોલિકાદહનની પરંપરા જ રેહશે..
પરંપરા રામકાજની સ્થાપિત થવી જોઈએ..
ગુન્હેગાર પોતાને વિદ્વાન દેખાડી અને હીરો બનતો રેહશે ..
આઠસો શબ્દોની મર્યાદા પૂરી થાય છે , ગમે તો કોપી પેસ્ટ કરીને ફોરવર્ડ કરજો ના સમજાય કે ના ગમે તો સ્ક્રોલ કરજો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*